આપણા શબ્દોના સગપણ…


(મળવું કે ના મળવું…. ….શિકારા, નગીન લેક, કાશ્મીર, ૧૧-૦૫-૧૨)

*

મળવું કે ના મળવું, હળવા કે ભળવાનું કોઈ વાતે ના કોઈ વળગણ,
આપણા બસ, શબ્દોના સગપણ…

શબ્દોના રસ્તા પર ચાલીને તું
મારી જિંદગીમાં આવી જ્યાં બેઠો,
અક્ષરનો વાયરો થઈ જે દિ’ તું વાય નહીં,
શ્વાસ મારો બેસે ન હેઠો,
છોડી છૂટે ન એવી આદત થઈ બેઠું છે તારી સહુ વાતોનું ગળપણ…
આપણા બસ, શબ્દોના સગપણ…

આપણા આ ભાવ તણા નગરોની સૂરત
કોઈ દિ’ હવે ન બદલાશે;
જોયા કે મળ્યા વિનાનો આ પ્રેમ
હવે સદીઓની સદીઓ લંબાશે,
અક્ષરની રીત એ જ સાચી છે સમજણ, દુનિયાની રીતો તો બચપણ
આપણા બસ, શબ્દોના સગપણ…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૩-૨૦૧૧)

*


(અડીખમ….                       …સોનમર્ગ, કાશ્મીર, ૦૫-૦૫-૧૨)

22 thoughts on “આપણા શબ્દોના સગપણ…

  1. અક્ષરની રીત એ જ સાચી છે સમજણ, દુનિયાની રીતો તો બચપણ
    આપણા બસ, શબ્દોના સગપણ…

    બહુજ સુન્દર રચના ને સુન્દર અભિવ્યક્તિ.

  2. ઉંચા ખયાલાત વાળા છો આટલી સરળતા થી રજુ કરી સુન્દર રચના તમે વિવેકભાઈ …તમારી તરી આવી અલગ અભિવ્યક્તિત્વ વાળી આ મજાની રચના.. તમારી જેમ..!!! વાહ વિવેકભાઈ વાહ …અફલાતુન રચના

  3. વાહ્
    અક્ષરની રીત એ જ સાચી છે સમજણ, દુનિયાની રીતો તો બચપણ
    આપણા બસ, શબ્દોના સગપણ…

    આ તો મારા જ મનની વાતની સુંદર રજુઆત.તમારે ઘેર આવ્યા.
    તમે આપેલી ગિફ્ટ -ભેટના બદલાની આશા-અપેક્ષા રાખી નથી તો થોડી શબ્દના સગપણની વાત! જાહેરખબરિયાઓએ આ ગિફ્ટ – ભેટ જેવા શબ્દોને ઘસી ઘસીને એવા તો લિસ્સા લસરિયા કરી દીધા છે કે હવે તેમણે જ ‘ભેટ’ની સાથે ‘મફત’, ‘ગિફ્ટ’ની સાથે ‘ફ્રી’ શબ્દો જોડવાનું શરૂ કરી દીધું છે. હવે અમે અહીં આ ‘ભેટ’ અને ‘ગિફ્ટ’ બન્ને શબ્દો વાપરીએ છીએ તેથી ગુજરાતીના કેટલાક મરણિયા ચાહકો નાકનું ટીચકું ચડાવશે અને કહેશે, લખશે કે આહા, હાય, અરે, અરે, આ આંગ્લ શબ્દ અહીં શા માટે? ‘ભેટ’ માટે બીજો શબ્દ વાપરવો જ હોય તો હિંદીનો ‘ઉપહાર’ કેમ નહીં? પણ માનશો? અંગ્રેજી ભાષાનો આ ‘ગિફ્ટ’ શબ્દ ભલે સાત પેઢીએ, પણ આપણી સંસ્કૃતિ ભાષા સાથે સગપણ ધરાવે છે! ‘અ ગ્રામર ઓફ મોડર્ન ઈન્ડો યુરોપિયન’ પુસ્તકના કહેવા પ્રમાણે પ્રોટો ઈન્ડો-યુરોપિયન ભાષાના ‘ધભ’ અથવા ‘ધેભ’ શબ્દ સાથે સંસ્કૃતના ‘ગભસ્તિ’ શબ્દને અને અંગ્રેજીના ‘ગિફ્ટ’ શબ્દને સગપણ છે. અંગ્રેજીનો ‘ગિવ’ (=આપવું) શબ્દ પણ તેની સાથે સંકળાયેલો છે.

    તો હવે વિચાર એ કરવાનો રહે છે કે કોઈને ભેટ આપવી હોય, ગિફ્ટ આપવી હોય તો શું આપવું? આમ તો, લાંબી યાદી બનાવી શકાય. પણ એ યાદીમાંની ઘણી વસ્તુઓ એક સાથે મૂકી હોય એવું ગિફ્ટ બાસ્કેટ આપવું હોય તો? તો એક વિકલ્પ છે. પુસ્તક કહેતા બુક ભેટ આપવાનો. જોસેફ એડિસને કહ્યું છે તેમ પુસ્તક એટલે માહિતી, જ્ઞાન, ડહાપણ, સમજણનો વારસો જે એક પેઢી બીજી પઢીને, એક વ્યક્તિ બીજી વ્યક્તિને સહેલાઈથી આપી શકે છે. તમે કોઈને ફૂલો ભેટ આપશો તો કુમાશ ભેટ આપશો. કોઇને ચોકલેટ ગિફ્ટ કરશો તો મીઠાશ આપશો. ચાંદીની કોઈ વસ્તુ આપશો તો ચળકાટ ભેટ આપશો, રંગબેરંગી દીવડા આપશો તો થોડી ઘડીનો અંજવાસ ભેટ આપશો. પણ જો તમે કોઈને પુસ્તક ભેટ આપશો તો એકી સાથે કુમાશ, મીઠાશ, ચળકાટ, અંજવાસ અને બીજું ઘણું બધું ભેટ આપશો અને પુસ્તકની ભેટ સહેલાઈથી વાસી નથી થતી. માત્ર એક વ્યક્તિ નહીં, કુટુંબના સભ્યો, મિત્રો, પડોશીઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે.અરે હા! પુસ્તકો એ એક એવી ભેટ છે જે બીજાને તો આપી જ શકાય, પણ પોતે પોતાની જાતને પણ આપી શકાય.

    તમારા શબ્દોની ભેટ અને સગપણ જ સાચા સાશ્વત!

  4. ખુબજ સરસ.
    શબ્દો ના સગપણ અને તે રસ્તા પર ચાલી ને મળવુ બહુ સારુ છે અને લાગે છે.
    સંબન્ધ નુ નવુ સરનામુ.

  5. Excellent, sir. Not only ur creation, ur reference is also realistic. U showed the other side of coin. Usually we have a belief that virtual relations do not have depth. Actually, in this fast moving world internet has given us a plateform to express our selves in a convenient way. Afterall, Words frm the heart (typed, witten or unwritten) make relation pure & innocent. I wd like to share a wellknown gujarati line here of littlebit different mood… “koro bhalene hoy e kagal mane game chhe, ko haththi padi hoy e sal mane game chhe…”

  6. વિવેકભાઈ,

    માનીતા કવિ કે લેખક સાથેની તમારી આ શબ્દોના સગપણની વાત એકદમ સાચી છૅ. પણ હકિકત એ છે કે કોઈ માણસ કે વસ્તુ આપણને બહુ ગમવા લાગે તો તેને રુબરુ મળવાની / પામવાની ઈચ્છા જોર કરવા લાગે છે અને એવું પણ બને કે તેની નજદિક જવાથી કદાચ પહેલા જેટલો પ્રેમ ના પણ રહે.

  7. વિવેક ભાઈ બહુ સુંદર રચના.
    જ્યાં ભાવ હોય ત્યાં જોવાની જરૂર નથી અને એજ પ્રેમ સદીઓ સુધી લંબાય છે.

  8. વાહ, સુંદર ગીતનો પહેલો અંતરો ખૂબ ગમી ગયો!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *