આઠે પગ ફેલાવી…



આઠે પગ ફેલાવી શિકારને ઓક્ટોપસ જે રીતે સઘળી બાજુથી ગ્રહે છે,
તું મને એ રીતે ઝબ્બે કરે છે.

તેં છોડી દીધેલા ગોકુળની ગલીઓમાં જનમોજનમથી હું રાત-દિન ભટકું,
કાંકરી દઈ ફોડશે તું મટકું એ આશામાં સદીઓથી માર્યું નથી મેં એકે મટકુ,
કોક દિ’ તું ચોરીથી આવે, ઉતારે મને છતથી એ ખ્યાલે હું શીકું થઈ લટકું,
કેમ તારું ‘ન હોવું’ મારા આ ‘હોવું’ને ‘ન હોવું’ કરવાને હરપળ મથે છે?
તું મને એ રીતે ઝબ્બે કરે છે.

નાનકડા ઢેફાં પર સ્ટીમરૉલર ફરે ને ઢેફાંના થાય જે, બસ, એ મારા હાલ છે,
રૉલર તો વહી ગ્યું પણ ઢેફું ફરીથી કદી ઢેફું થશે કે નહિ એ જ એક સવાલ છે;
થાય છે કે ખંજર હુલાવી દઉં છાતીમાં, કારણકે દિલ હતું તો આ ધમાલ છે,
જાગતાં તો તું ક્યાંયે છે જ નહીં, ઊંઘમાં પણ સપનામાં કારણ વગર તું વઢે છે…
કોઈ શું આ રીતે ઝબ્બે કરે છે?

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૩-૨૦૧૮)

18 thoughts on “આઠે પગ ફેલાવી…

  1. વાહ… હોવું, ન હોવું વાળી વાત ખૂબ ગમી…
    સુંદર ગીત

  2. ઓક્ટોપસના આઠ પગ કે આઠ દિશાઓ!
    અને ઝબ્બે થવું, કતલ થવું 👌💐

  3. ઓક્ટોપસ ને પણ સાહિત્ય કે ગીત માં આ રીતે રજૂ કરી શકાય એ કદાચ તમારા સિવાય કોઈ કરી શકે એમ નથી લાગતું મને
    સુંદર મઝાનું ગીત સર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *