હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

Lady by Vivek Tailor
(આ જીવતરના બોજાને…..              ….અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

*

આ ફોટોગ્રાફ ફેસબુક પર મૂક્યો હતો ત્યારે બે પંક્તિ લખી હતી. વૉટ્સએપ પર આ ફોટો મિત્રો સાથે ‘શેર’ કર્યો ત્યારે ભૂલી જવાયેલ એ બે પંક્તિઓ ધ્યાનમાં આવી અને આ ગીત લખાયું…

*

આ ડાંગર તો પળભરમાં ફાવે ત્યાં પટકું,
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

ચોમાસે ઘાસ એમ કૈં કૈં કૈં ઇચ્છાઓ બારમાસી ફૂલે ને ફાલે,
સપનાં જરાક નથી ઊગ્યા આજે કે માંહે બળદ ઘૂસ્યા નથી કાલે,
એકાદા ખણખણતા ડૂંડાને કાજ બોલ, કેટકેટલા ખેતરવા ભટકું ?
પોરો ખાવો છ મારે બટકું.
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

‘કંઈ નહીં’ની ભીંત ઉપર ઓકળીની જેમ બસ, લીંપાતો જાય જન્મારો,
‘ક્યાંય નહીં’ના છાણાંમાં ધુમાતી જાતને ચૂલો જ દિયે છ આવકારો.
કણકણ ઓગાળ્યા તોય જિંદગીની આંખ્યુંમાં શાને કણાં જેમ ખટકું ?
ક્યારેક ને ક્યાંક તો અટકું !
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૫)

*

Farm by Vivek Tailor
(શમણાંના ખેતર….                               …અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

8 thoughts on “હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

  1. ખુબ સરસ.પોરો ખાવો છ મારે બટકુ. કંઇ નહી ની ભીંત પર લીંપાતો જાય જન્મારો.

  2. ‘કંઈ નહીં’ની ભીંત ઉપર ઓકળીની જેમ બસ, લીંપાતો જાય જન્મારો,
    ‘ક્યાંય નહીં’ના છાણાંમાં ધુમાતી જાતને ચૂલો જ દિયે છ આવકારો…

    એક ગામડા ની સ્ત્રી નો દિવસ..!! લીંપણ અને ચુલા માં જ પસાર થઈ જાય..!

    Whole Poem Is Amazing But These 2 line is Superb 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *