વનફૂલ

તારા વગર તો હું એવી છું, વહાલમ, જેમ બારણાં વિનાની બારસાખ,
હોવાનો અર્થ જ હું ખોઈ બેસું સાવ જ એ પહેલાં તું આવવાનું રાખ.

કિલ્લાએ પહેરેલી સદીઓની હવ્વડ આ ઇંતજારી રાખી કબૂલ,
જોજે તું, કાળથીય પહેલાં ન થઈ જાયે રાંગ તણી ઈંટ ઈંટ ધૂળ;
આડેધડ ઊગેલાં બાવળિયાં વચ્ચે પણ ખીલ્યું છે એક વનફૂલ,
ખરી ખરી ફરી ફરી મ્હોરે છે એમ જાણી આ ભણી કરશે તું આંખ.
વહાલમ! વેળાસર આવવાનું રાખ.

એક પછી એક ઋતુ બદલાતી જાય, મારી બારમાસી મોસમ છે તું,
આવે ને જાય કંઈ કેટલુંય અંદર પણ અણછૂઈ અણોસરી છું હું;
એક તારી ચડાઈમાં મારી વડાઈ, બીજા સઘળામાં જૌહરની લૂ,
તારે ખાતર હું ઇતિ-હાસ થઈ પથરાઈ, છે તને વાંચવાની ધાખ?
વહાલમ! એકદા તો આવવાનું રાખ.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૯-૨૦૨૦)

વનફૂલ… .સોનગઢનો કિલ્લો, ૨૦૨૦

18 thoughts on “વનફૂલ

  1. હોવાનો અર્થ જ ખોઈ બેસું….વાહહ સરસ મજાનું ઊર્મીઓથી છલોછલ ગીત

    • વિગ્રહમાં નાયિકાનાં હ્રદયની ખંડેર મનઃસ્થિતિ નું સચોટ ગીત, અભિનંદન

  2. વિગ્રહમાં નાયિકાનાં હ્રદયની ખંડેર મનઃસ્થિતિ નું સચોટ ગીત, અભિનંદન

  3. *વિરહમાં નાયિકાનાં હ્રદયની ખંડેર મનઃસ્થિતિ નું સચોટ ગીત, અભિનંદન

  4. તારે ખાતર હું ઇતિ-હાસ થઈ પથરાઈ, છે તને વાંચવાની ધાખ?
    વહાલમ! એકદા તો આવવાનું રાખ.
    – વિવેક મનહર ટેલર – Kya baat…

  5. ઉર્મિસભર સરસ ગીત, ડોવિવેક્ભાઈ,
    અભિનદન….
    આભાર….

  6. Khub j sundar..!! Kharekhar nayika ni manosthiti ne Sundar rite darshavi chhe.

    Kyarek koi Nayak pan aa rite raah joto hoy ena mate pan lakhi hoy to pls. Laystaro par mukjo.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *