આમ ન રેઢી મેલ

આમ ન રેઢી મેલ,
ગીતની જેમ જ આવી ગઈ છું, પોંખ, ના તું હડસેલ.

વૃંદાવનની કુંજગલીમાં કર્ફ્યુ થયો છે અમલી,
કાયા છોડી પ્રાણ ગયા છે, ફરકે ના એક ચકલી;
સન્નાટાનો ગોવર્ધન પડ્યો છે, ક્યાં છે ટચલી?
ધીમે ધીમે તો પણ પગલી ભરી રહી આ પગલી,
છો ના આવ્યો તું, હું આવી, દુનિયા આઘી ઠેલ.
આમ ન રેઢી મેલ.

હશે ભલે, હું બોલી ગઈ કંઈ, એમાં તે શું આમ
સંગોપી લઈ સરસામગ્રી, કીધા નવા મુકામ?
હું રુઠું એ ઠીક પણ લાગે, તું રીસે ઘનશ્યામ?
સૉરી કહું છું, મન મોટું કર, મોટું છે તુજ નામ.
સાથ જ ગોકુળ, સાથ દ્વારિકા, સમજ જરા, વંઠેલ!
આમ ન રેઢી મેલ.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૪-૨૦૨૦)

થનગાટ… કાન્હા, ૨૦૧૭

20 thoughts on “આમ ન રેઢી મેલ

  1. સોરી કહું છું મન મોટું કર,મોટું છે તુજ નામ
    સાથ ગોકુળ, સાથ દ્વારિકા સમજ જરા વંઠેલ
    આમ ન રેઢી મેલ……
    વાહહહહહ 👌👌

  2. હું રુઠું એ ઠીક પણ લાગે, તું રીસે ઘનશ્યામ?

    વાહ..ખૂબ સરસ ભાવ.

  3. સન્નાટાનો ગોવર્ધન પડ્યો છે, ક્યાં છે ટચલી?

    વાહ વિવેકભાઇ …આખુ ગેીત સરસ પણ આ પન્ક્તિ સ્પર્શેી ગઇ…..

  4. હશે ભલે, હું બોલી ગઈ કંઈ, એમાં તે શું આમ
    સંગોપી લઈ સરસામગ્રી, કીધા નવા મુકામ?
    હું રુઠું એ ઠીક પણ લાગે, તું રીસે ઘનશ્યામ?

    વાહ કવિ…

  5. સરસ વિરહ ગીત ,
    આમ ન રેઢી મેલ..ઘણુ કહી જાય છે….
    આભિનદન….

  6. વાહ વિવેક, ‘સમજ જરા વંઠેલ’ ,.. ઘનશ્યામ પર પોતાનો અધિકાર અને પ્રેમ ની અભિવ્યક્તિ, સુંદર રચના…

  7. હું રુઠું એ ઠીક પણ લાગે, તું રીસે ઘનશ્યામ?
    સૉરી કહું છું, મન મોટું કર, મોટું છે તુજ નામ.
    Sundar…parato sir ji 😊

  8. આ તો કૃષ્ણ ને જે પામ્યા હોય તે જ કહી શકે. બહુ સુંદર અને ભાવિક કલ્પના. અભિનંદન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *