
ગોવાની મોસમની ઉઘરાણીના તું વગાડ નહીં વૉટ્સ-એપ પર ઢોલ,
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.
જાણું છું, મેમાં તો તારે ત્યાં આભેથી લૂના દરિયાઓ વરસે છે,
સમ ખાવા પૂરતુંય સૂરજને ઢાંકે એ વાદળને ધરતીયે તરસે છે;
અહીંયા તો વાદળાંના ધાબળાંની ભીતરની ભીતર એ એવો લપાયો
તડકાનું ટીપુંય પડતું ન આભથી, ભરબપ્પોરે ખોવાયો પડછાયો.
ઉપરથી ઝીણી ઝીણી વાછટ આપી રહી વાયરાને ભીનાં ભીનાં કોલ.
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.
હીલ્સ્ટેશન પર્વતથી દરિયાના કાંઠા પર પોરો ખાવાને આવ્યું હેઠે,
ને કાંઠાની ડોશીનો મેક-ઓવર થઈ ગયો કુંવારી કન્યાની પેઠે;
આછા વરસાદમાં એક-એક ઝાડપાન નહાઈ-ધોઈ રેડી થઈ ઊભાં,
વાયરાની બૉલપેન લઈ રેતીની નોટબુકમાં લખે છે કોઈ કવિતા.
આવી મોસમ મેં જરી શેર કરી એમાં તું ઈર્ષ્યાની પેટી ના ખોલ.
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.
– વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૮)

























(મને પાનખરની બીક ન બતાવો… …સાપુતારા, ૨૦૧૮)
(દીપમાળ…. …ગોવા, ૨૦૧૮)


(યાયાવર….. સુરખ્વાબ! કબીરવડ, ૨૭-૦૬-૨૦૧૦)

(ચિત્રમાં હજી આકાશ ભૂરું છે… …જૂહુ બીચ, ૨૦૧૭)
(આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૮-૧૦-૨૦૧૪)

(બેમાંથી એક થઈએ… …ભુજ આઉટસ્કર્ટ, ડિસે, ૨૦૧૭)