(કંકણાકાર ઇન્દ્રધનુષ……. ….સુરત, ૨૨-૦૭-૨૦૧૬)
*
એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.
કોકની છાયા પડી ગઈ છે કે શું ?
બેઉમાં ખગ્રાસ ચાલુ છે હજી.
હું હજી સમશાનથી નીક્ળ્યો નથી,
રુક જરા ! સંન્યાસ ચાલુ છે હજી.
છત તળે સૂરજ હજી ડૂબ્યો નથી
કમસેકમ સહેવાસ ચાલુ છે હજી.
ક્હાનજી ! અડધે મૂકીને ચાલ્યા ક્યાં ?
ભીતરે તો રાસ ચાલુ છે હજી.
મટકી તો ફૂટી ગઈ છે ક્યારની,
તોય હર્ષોલ્લાસ ચાલુ છે હજી ?
– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૬)
(ભંવરેને ખીલાયા ફૂલ… …નિજાનંદ રિસૉર્ટ, આણંદ, ૧૪-૦૮-૨૦૧૬)