(મારી સામે હું….. …સાન્તા ક્રુઝ, કેલિફોર્નિઆ, ૨૦૧૧)
*
નથી અરીસો સામે તો પણ મારી સામે હું,
આ તે શો જાદુ ?!
હાથ મિલાવી બોલ્યો, “પ્યારે ! તું મને ‘હું’ ગણ,
શાને થઈ ગ્યો સ્તબ્ધ ? મટકાવી તો લે પાંપણ !”
– હું શું બોલું ? હવા-હવા થઈ ગઈ મારી સમજણ,
મારી સાથે કેવી રીતે બાંધું હું સગપણ ?
આજ અચાનક ‘હું’ મને ખુદ થઈ ગયો રૂ-બ-રૂ.
આ તે શો જાદુ ?!
ભૂલી પડેલી સમજણ અંતે આવી ફરી મુકામે-
મૃગજળમાં તરનારા ક્યાંથી કિનારાને પામે ?
ચૂકી જવાયેલ તકના ખાલી રસ્તાઓની સામે,
હું મને જડ્યો છું મારા પોતાના સરનામે.
જાત સુધીની જાતરા થઈ ગઈ, આખી દુનિયા છૂ !
આ તે શો જાદુ ?!
– વિવેક મનહર ટેલર
(૩૧/૦૭ – ૨૩/૦૮/૨૦૧૪)
*