(દડબડ દોડે……. …દુબઈ, નવે-૨૦૧૨)
*
પ્રથમ આલિંગનનો રોમાંચ કેવો હોય એની અનુભૂતિ વર્ણવતા ત્રણ અંજનીગીતોના ગુચ્છમાંનું આ પહેલું અંજની ગીત…
એક તરફ આ આલિંગન અહં બ્રહ્મની અનુભૂતિ કરાવે છે તો બીજી તરફ એ પૂરી ન શકાય એવો સુનકાર મહેસુસ કરાવે છે અને ત્રીજી તરફ એ selflessnessની સ્થિતિ સુધી લઈ જાય છે…
*
૦૧.
લાખો ઘોડા દડબડ દોડે,
સમદર મોજાં પથરાં તોડે,
ઘાસ પવનમાં એમ રૂંવાડા
. જાતને ઝંઝોડે.
अहं ब्रह्मનું ગાન ગગનમાં,
તોયે સૂન્ન સૂન્ન શું મનમાં,
હું પીગળી ગઈ પહેલા-વહેલા
. આ આલિંગનમાં.
– વિવેક મનહર ટેલર
(૧૦-૦૨-૨૦૧૩)
*
અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્ય (મરાઠી)માંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. અંજની ગીત સૌથી પહેલું કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં એક અંજની કાવ્ય કહી શકાય એવી રચના જડી આવે છે)
અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા – –
પ્રણાલિકાથી જરા ઉફરા ચાલીને અહીં પહેલી, બીજી અને ચોથી પંક્તિઓમાં પ્રાસના અંકોડા ભેરવ્યા છે.