(કાળની કેડીએ કંડારાયેલું શિલ્પ… ….લેહ, જુન-૨૦૧૩)
*
વીતતા આ વરસોના પોટલાં ઉપાડી મારે કરવા નથી કંઈ ઢસરડા,
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.
વીત્યાનો ભાર નથી, આવનારા વર્ષ !
તું આટલું જાણી લે ભલીભાંતિ;
રંગો-પ્રસાધન પર જીવતો નથી ને તોય
મારામાં જીવે યયાતિ !
રોમ-રોમ હર્ષંતા હણહણતા હય અને કાળ ! તને સૂઝે ગતકડાં ?
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.
આમ-તેમ ભાગ્યા છે તોડીને દોરડાં
આ ખોરડાના પાંચેય ઓરડા;
થાળીમાં બત્રીસું પકવાન હોય તોય
કરવા પડશે શું નકોરડા?
અકબંધ આ ટહુકાના અંગ-અંગ ઉપર પાડે છે કોણ આ ઉઝરડા ?
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.
शिशिरवसंतौ पुनरायात:
काल: क्रीडति गच्छत्यायु;
પણ મન મારા ! બોલ જરા તું-
લગરિક ઘરડા તુજથી થવાયું ?
ઘડિયાળના આંક સમ સ્થિર છું ને રહેવાનો, કાંટા બને છો ભમરડા.
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.
– વિવેક મનહર ટેલર
(૧૧-૦૪-૨૦૧૩)
(शिशिरवसंतौ पुनरायात: काल: क्रीडति गच्छत्यायु = શિશિર અને વસંત ફરી-ફરીને આવે છે. કાળ રમત કરે છે અને આયુષ્ય પૂરું થાય છે)
*