હું તરત પરત ફરત…

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો; જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો…… ………. પેલિકન, કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ફેબ્રુઆરી ૨૦૨૫

હું તરત પરત ફરત
પણ શું એ તને ગમત?

કોને કોની લાગી લત?
કોણ કહી શકે તરત?

થઈ શકાશે પૂર્વવત્…
બોલ, મારે છે શરત?

જીવ આવ્યો છે ગળે,
તોય ન છૂટે મમત.

તોય એ ન ગુજરે કેમ?
વખ સમો મળ્યો વખત.

બેય જીતે, બેય માત;
લગ્ન કેવી છે રમત?

તું ન આવી હોત તો
આ ગઝલ પૂરી કરત.

મારી જિંદગીમાં કેમ
દર્દના છે દસ્તખત?

જ્યાં જુઓ ગઝલ, ગઝલ
કેમ આટલી ખપત?

શબ્દ-શબ્દ ના કરો,
મૌન છે ખરી બચત.

– વિવેક મનહર ટેલર
(જાન્યુઆરી ૨૦૨૪ – ફેબ્રુઆરી ૨૦૨૫)

ઉડ્ડયન…. …..પેલિકન, કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ફેબ્રુઆરી ૨૦૨૫

22 thoughts on “હું તરત પરત ફરત…

  1. , વાહ, વિવેકભાઈ, કવિતા તો કહેવત જાણે
    ખૂબ ગમી ટૂંકી બહેરની એ ગઝલ!
    જાણે સમજાવતા હોય એવી વાત!
    ‘શબ્દ શબ્દ ના કરો
    મૌન છે ખરી બચત!
    તદ્દન સાચું,
    ન બોલવામાં નવ ગુણ….
    સરસ ગઝલ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *