પેન ઉપર બેઠી વસંત

કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત,
આખેઆખો કાગળ મલકંત.

માટી ને પાણીના તોડી સૌ રૂલ
મારી પેન ઉપર ખીલ્યાં છે ફૂલ;
તારી ઇચ્છાઓમાં એકાદું ટાંકુ તો
બોલ, તને છે એ કબૂલ?
સીધી છે વાત, નથી સ્ટંટ,
હું પ્રેમી છું, નથી કોઈ સંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

કાગળને સ્હેજસાજ ઊપડ્યું છે શૂળ,
તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ;
ઊતર્યાઁ એટલાં તો ડીપ પાછા મારામાં
મારો ‘આઇ’ મારામાં ધૂળ,
તું મારામાં હસતી ડિસન્ટ,
મને મારો જડે ન કોઈ તંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૮)

નિઃશબ્દતા ઊગે છે…

(બેમાંથી એક થઈએ…                          …ભુજ આઉટસ્કર્ટ, ડિસે, ૨૦૧૭)

*

શબ્દો ખરી ગયા છે, નિઃશબ્દતા ઊગે છે,
તારી ને મારી વચ્ચે એક વારતા ઊગે છે.

પહોંચ્યું છે મૌન જ્યારે આજે ચરમસીમા પર,
બેમાંથી એક થઈએ એ શક્યતા ઊગે છે.

સૂરજ ! તને છે સારું, ઊગવાનું એકસરખું
દિનરાત ચોતરફ અહીં વૈષમ્યતા ઊગે છે. *

દર્પણ તૂટ્યા પછીની ખાલી દીવાલમાંથી,
ખુદને મળી શકાશે એ સજ્જતા ઊગે છે.

સગપણમાં વચ્ચે વચ્ચે તકલીફ આવી ક્યાંથી?
રોપ્યું નથી જ મેં તો કંઈ પણ છતાં ઊગે છે!

કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૧૮)

* વિષમતા અને વૈષમ્યની સરહદ પર રમતા-રમતા ‘વૈષમ્યતા’ શબ્દનો અહીં જે પ્રયોગ થઈ ગયો છે એ ભાષાકીય ભૂલ છે. નવો સુધારો ન કરું ત્યાં સુધી આ શેર રદ ગણવો. આ ભૂલ તરફ ધ્યાન દોરનાર મિત્રોનો સહૃદય આભાર…


(શક્યતા ઊગે છે….                     …રિજેન્ટા રિસૉર્ટ, ભુજ, ડિસે, ૨૦૧૭)

આપણામાં…

(યે હસીન વાદિયાં….                     . ….ભુજ આટઉસ્કર્ટ, ૨૪-૧૨-૨૦૧૭)
*

આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?

પાંપણોમાં એ જ તો તકરાર થઈ છે –
કોણ રોકી રાખે સપનાં બારણાંમાં?

ફોન કરવો તો હવે સંભવ નથી પણ
એનો નંબર છે હજી સંભારણામાં.

આપણાથી ક્યાંય પહોંચી ના શકાયું,
આપણે અટકી રહ્યાં હોવાપણામાં.

ફેર જો કોઈ હતો તો શ્વાસનો, બસ!
એકસરખા સૌ સૂતા છે ખાંપણાંમાં.

– વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૧૭)
*

(ધાબળો……..                                      …સ્મૉગ, ભુજ, ૨૩-૧૨-૨૦૧૭)

૧૨ – ૧૨ દિન યે આયે…

૧૨ – ૧૨ દિન યે આયે… બાર-બાર દિલ યે ગાયે…

૨૫૦૦-૨૬૦૦ વર્ષ પહેલાં લાઓ ત્ઝુએ સાચું જ કહ્યું હતું, ‘a journey of a thousand miles begins with a single step’ (હજાર માઇલોની મુસાફરી એક પગલાંથી શરૂ થાય છે.) બાર વર્ષ પહેલાં ધવલ શાહની મદદથી ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ શરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… એક-એક પગલાં ભરતાં ભરતાં આજે વિશ્વાસ નથી બેસાતો કે બા-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં… બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી અન્ય સેંકડો વેબસાઇટ્સની જેમ મારી સાઇટ પણ નિષ્ક્રિય કે મૃત ન થઈ જાય એની તકેદારી રાખવામાં મારી અંદરના કવિનું સતત સંમાર્જન થતું રહ્યું… વેબસાઇટની એક-એક પોસ્ટની સાથોસાથ મેં સતત મારો વિકાસ થતો અનુભવ્યો છે… અને આ વિકાસ શક્ય જ નહોતો, જો મિત્રો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને વેબસાઇટની મુલાકાત ન લેતા હોત…

દિવસે દિવસે દેડકાના પેટની જેમ ફૂલી રહેલ સોશ્યલ મિડિયાઝની સામે વેબસાઇટ્સ કેટલો સમય ટકશે એ તો ખબર નથી પણ હા, એક વાત નિશ્ચિત છે… સોશ્યલ મિડિયાઝ ગમે એટલાં લોકપ્રિય કેમ ન હોય, એ પાણીના પરપોટા છે… ક્ષણજીવી છે… સોશ્યલ મિડિયાઝ પર મૂકાતી રચનાઓ અને એના પર મિત્રોદ્વારા અપાતા પ્રતિભાવો – આ બધું જ અલ્પજીવી છે. વેબસાઇટ પર મૂકાતી રચનાઓ અને વાચકોના પ્રતિભાવો – આ બધું જ ચિરંજીવી છે…

મિત્રોના પાવન સ્નેહપગલાં આ વેબસાઇટ પર પડતાં રહેશે ત્યાં સુધી તો આ યાત્રા નહીં જ અટકે… દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અચૂક મળતા રહીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

૧૨ વર્ષ…
૫૭૦ જેટલી પૉસ્ટ્સ…
૧૩૦૦૦થી વધુ પ્રતિભાવો…

આભાર, દોસ્તો!

આપનો સહૃદયી,
વિવેક

દેવા ! દેવા !

(પર્વતનું આંસુ…..                                                                                    …નૈનિતાલ, ૨૦૧૭)

*

ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?

ન વિચારી શકું કશું આગળ,
તારો અહેસાસ જાનલેવા છે.

આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?

ફક્ત ફિલ્માવવાને લંબાવે,
આજ લોકોના હાથ કેવા છે!

એ જ આગળ છે ખોટું કરવામાં
વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.

શ્વાસને પ્રાણવાયુ બક્ષે છે,
શબ્દને કંઈ તો લેવાદેવા છે!

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૭)

(બોલ, ડૂબવું છે?…..                                                             ….કાન્હા જંગલ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

આપણી વચ્ચે… (તસ્બી ગઝલ)

(આપણી વચ્ચે….                                                   …રેડ બીલ્ડ બ્લુ મેગ્પાઇ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
જે હતી ક્યારેક એ સમજણ નથી.

આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
હું નથી એ જણ, તું પણ એ જણ નથી.

આપણી ચાદરના ખિસ્સામાં હવે
સળવળે સળ દેવા એવી ક્ષણ નથી.

આપણાં ઘડિયાળ પાસે એકપણ
નોખા ટાઇમઝોનનાં કારણ નથી.

આપણે અહીંથી હવે થઈએ અલગ,
આપણી પાસે હવે કંઈ પણ નથી.

– વિવેક મનહર ટેલર
(૨૨-૧૧-૨૦૧૭)


(ઇતિ-હાસ…..                                                         …પરિસર,હુમાયુ મકબરા, દિલ્હી, ૨૦૧૭)

એ જ સડુ જિંદગી હતી

(ચકળવકળ….       ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાયકેચર, કોર્બેટ, 2017)

*

નોખું જ કૈંક પ્રાપ્ત થશે, બાતમી હતી,
જીવતાં જણાયું એ જ સડુ જિંદગી હતી.

તારી કે મારી, કોની હતી? અન્યની હતી?
એ તક જે ભરબજારમાં રસ્તે પડી હતી.

ઝૂકું તો તેજ ભાગી શકાશે એ યોજના
લોકોની દૃષ્ટિએ ભલે શરણાગતિ હતી.

બીજાની માલિકીની ભલે કહી બધાએ પણ
છે કોણ જેને કરવી પરત જિંદગી હતી?

દુનિયાના કાળા કામની સામે મેં જે ક્ષણે
આંખો મીંચી કે ચારેતરફ રોશની હતી.

બસ, એટલો સમય હું બીજાથી અલગ પડ્યો-
કાગળ, કલમ ને શબ્દની જે જે ઘડી હતી

– વિવેક મનહર ટેલર
(૨૮-૨૯/૧૦/૨૦૧૭)


(અમૃતપાન….                                            ….ઓરિએન્ટલ વ્હાઇટ આઈ, કોર્બેટ, 2017)

 

મૃગજળ (ગઝલ-સૉનેટ)

(યે હસીન વાદિયાઁ….                                                           …ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

લોકો કહે છે પ્રેમથી ચડિયાતો કો’ નાતો નથી,
એ માનવી માનવ નથી જે પ્રેમીજન થતો નથી.
જગની બધી કડીઓમાં કહે છે સ્નેહની સૌથી વડી,
એના વિના સગપણની બંસીમાં પવન વાતો નથી.
નક્કી જ હોવી જોઈએ કો’ દિવ્ય શક્તિ પ્રેમમાં,
અમથો કવિ સદીઓથી ગીતો પ્રેમના ગાતો નથી.

પણ પ્રેમનું સાચે જ શું અસ્તિત્વ છે આ વિશ્વમાં?
કે ચાલતા આવ્યા ને ચાલ્યે રાખશે ગપ્પા સદા?
છે હાથ-પગમાં સૌના બેડીઓ જરૂરતની ફકત,
ને પ્રેમને આઝાદીનું દઈ નામ જીવે છે બધા.
ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્-
છે સાત પગલાં આજ સાચા કોઈપણ સંબંધમાં.

દીસે ભલે, હોય જ નહીં, મૃગજળ પીવા ભાગે છે સૌ?
શું પ્રેમમાં હોવાના ભ્રમના પ્રેમમાં રાચે છે સૌ…?

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૯-૨૦૧૭)

ફ્યુઝન પોએટ્રી: ગઝલ-સૉનેટના લક્ષણ:

છંદ: ઉભયજીવી (ગઝલ: રજઝ, સૉનેટ: હરિગીત)

સૉનેટ: ચૌદ પંક્તિ – બે ષટક અને યુગ્મ. પહેલા ષટકમાં કથન, બીજામાં ખંડન અને યુગ્મમાં ચોટ.

ગઝલ: મત્લા-શેરનું બંધારણ, બંને ષટકમાં નવા મત્લા અને નવા રદીફ-કાફિયાની ગોઠવણ. યુગ્મમાં નવો જ મત્લા. દરેક શેરનો સ્વતંત્ર અર્થ શક્ય.

*


(કહીં દૂર જબ દિન ઢલ જાયે….                                                    …ઉત્તરાખંડ, ૨૦૧૭)

શું કહેવું!

(તેરી ઇક નિગાહકી બાત હૈ….                                           …સિંગાપોર, નવેમ્બર, ૨૦૧૬)

*

આખરીવારની એ મસ્ત નજર, શું કહેવું?
વર્ષો વીત્યાં છતાં વીતી ન અસર, શું કહેવું!

કો’કે મારી જ ગઝલ એને કહી, મારી સમક્ષ
દાદ લીધી, હું રહ્યો દાદ વગર, શું કહેવું!

સ્વપ્નને પગ હતા, પગભર હતાં, પણ કંઈ ન થયું;
રાતની કેવી હતી રાહગુજર, શું કહેવું!

ક્યાંથી ક્યાં વાત ઘડીભરમાં લઈ આવી એ,
હું કહી શક્તો હતો ખૂબ, મગર શું કહેવું!

તું મળી ત્યારે ખબર થઈ શું છે ગ્લૉબલ વૉર્મિંગ?
ફૂલ વિન્ટરમાં અનુભવ્યો સમર, શું કહેવું!

જે દીધું ચારે તરફથી એ દીધું વેતરીને,
જિંદગીએ જરા છોડી ન કસર, શું કહેવું!

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૯-૨૦૧૭)

*


(નજરના જામ છલકાવીને….                                            …સિંગાપોર, નવેમ્બર-૨૦૧૬)

સુસ્ત-ચુસ્ત કાફિયાની મત્લા ગઝલ

(અપના કિનારા….                         ….ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

સિમ્પલ છે, જોવા નહીં મળે તમને કશે
આ વારતામાં ‘પણ’, ‘યદિ’, ‘અથવા’, ‘અને’…

વર્ષા પછીના વૃક્ષ સમ તું છે, પ્રિયે!
થોડી હવા ચાલી ને તેં ભીંજ્વ્યો મને.

શું શબ્દ, તું તો શ્વાસ પણ માંગી શકે,
બસ, પ્રેમથી એકવાર કહી દે, ‘આપ ને’

સ્મિત દઈને પૂછ્યું ‘કેમ છો’ એ દૃષ્ટિએ,
ઉત્તર દીધો ચૂકી ગયેલી ધડકને.

એવું નથી કે ભાગ્ય બસ, ભાગ્યા કરે,
એવું બને, જાણ જ ન હો પણ હો કને.

આયામ દિલના નિતનવા ખૂલ્યા કરે,
બંનેમાં વારંવાર થાતી અનબને.

તકલીફ વહેતી રહે સતત એક છત તળે,
બે જણ કિનારા થઈ રહે એ પણ બને.

રહેવા દીધું ક્યાં અણદીઠું કંઈ ગૂગલે?
ઘટમાં તો બાકી લાખ ઘોડા થનગને.*

– વિવેક મનહર ટેલર
(૧૨/૧૩-૦૮-૨૦૧૭)

 

આખી ગઝલમાં બધા મત્લા જ છે. દરેક મત્લાના પહેલા (ઉલા) મિસરામાં સુસ્ત કાફિયા અને બીજા (સાની) મિસરામાં ચુસ્ત કાફિયા પ્રયોજ્યા છે. આપને આ પ્રયોગ કેવો લાગ્યો એ જણાવશો તો આનંદ.

(*= પુણ્યસ્મરણ : “ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ” -ઝવેરચંદ મેઘાણી)

(ધુંઆ ધુંઆ સા હૈ શમા…                 …કૌસાની, ૨૦૧૭)