દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં આવેલું એક પ્રિસ્ક્રિપ્શન…
Author Archives: વિવેક
પપ્પા ! થઈ ગયો હું મોટો…
(ઔર યે લગા છગ્ગા….. ….સ્વયમ્, સાપુતારા, ૧૬ મે, ૦૯)
*
આજે એક બાળગીત… અને સાથે જ એક નાનકડું વેકેશન… જલ્દી જ ફરી મળીશું…
*
મસ્ત મજાનો લાગું છું ને, પાડો મારો ફોટો !
પપ્પા ! થઈ ગયો હું મોટો…
આયનો નજરે ક્યાંય ચડે તો
પગને લાગે બ્રેક;
વાળ બરાબર છે ને મારા,
નજર કરી લઉં એક.
આયનો જાણે પાણી છે ને હું જાણે પરપોટો.
પપ્પા ! થઈ ગયો હું મોટો…
મોબાઈલ માંગું ગેમ રમવા,
મેસેજ વાંચી કાઢું;
મિસ્ડ કૉલ્સનાં લિસ્ટ જઈને
મમ્મીને હું આપું.
મારી આ જાસૂસગીરીનો જડે બીજે શું જોટો ?
પપ્પા ! થઈ ગયો હું મોટો…
કમ્પ્યુટર પર તમે તો ,પપ્પા !
ફાંફા મારો કેવળ;
પાર કરું હું એક-એક ગેમનાં
લેવલ ઉપર લેવલ.
ને તોય તમે ધધડાવ્યે રાખો મને જ ખોટ્ટમખોટ્ટો.
પપ્પા ! થઈ ગયો હું મોટો…
-વિવેક મનહર ટેલર
(૨૨-૦૬, ૦૨-૦૭-૨૦૦૯)
સારસ-પુરાણ (ફોટોગ્રાફ્સ)
આજે ફરી એકવાર પક્ષીપુરાણ… થોડા સમય પહેલાં ઘર-આંગણાનાં પક્ષીઓની વાત કર્યા પછી આજે સારસના થોડા ફોટાઓ…કવિતાની વેબસાઈટ પર આમ તો આ થોડી આડવાત ગણાય પણ આજકાલ કવિતા લખવાનું બંધ છે એટલે…
ઉભરાટથી સુરત પરત થતી વખતે (૦૮-૦૨-૨૦૦૯ અને ૨૨-૦૩-૨૦૦૯) અચાનક મારા આઠ વરસના નાનકડા કોલંબસે ખેતરમાં દૂર ચરતાં સારસને ચાલુ ગાડીએ જોઈ કાઢ્યાં એટલું જ નહીં પણ જિંદગીમાં પહેલીવાર જોતો હોવા છતાં ઓળખી પણ કાઢ્યાં.
સારસનું અંગ્રેજી નામ છે, Sarus Crane અને વજ્ઞાનિક નામ છે, Grus antigone.
તમસા નદીના તટ પ્રદેશ પાસેથી પસાર થતી વખતે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બનેલા મહર્ષિની નજરે કામક્રીડામાં રત એક સારસ-બેલડીને પારધીના તીરથી વીંધાતી જોઈ. બીજા પક્ષીએ એના આઘાતમાં ત્યાંજ પ્રાણત્યાગ કર્યો. અને મહર્ષિ વાલ્મીકિના અને હૃદયમાં જે શોક જન્મ્યો એમાંથી અનુષ્ટુપ છંદમાં આપણી આદિકવિતા જન્મી અને ફલતઃ આપણને આપણું પહેલું મહાકાવ્ય ‘રામાયણ’ મળ્યું:
मा निषाद प्रतिष्ठां त्वं अगमः शाश्वतीस्समाः |
यत्कौचमिश्रुनोद कम वधीः कामामोहितं ||
(હે નિષાદ ! અનંત કાળ સુધી તને સ્થિરતા કે શાંતિ ન મળો. કેમકે કામમાં મગ્ન બનેલા સારસના જોડામાંથી એકને તેં હણી નાખ્યું છે)
આપણા રાષ્ટ્રીય પક્ષી તરીકે કદાચ સારસની પસંદગી પણ થઈ હોત. રાષ્ટ્રીય પક્ષીની વરણી કરવા માટે મોર, ઘોરાડ, બ્રાહ્મણી, સમડી, રાજહંસ અને સારસ એમ કુલ પાંચ પક્ષી પસંદ થયેલા. પક્ષી સમડી ગળું બેસી ગયું હોય એવો ખરાબ અવાજ ધરાવતી હતી તેથી નાપસંદ થઇ. પક્ષી ઘોરાડ ભારતના નાગરિકોને ભાગ્યે જ જોવા મળતું હોવાથી એ યોગ્ય ન કહેવાય તેથી તેના નામ પર ચોકડી વાગી. ત્રીજું પક્ષી રાજહંસ વિદેશી પક્ષી છે. વળી પર્યટક તરીકે તે શિયાળો ગાળવા આવતું હોવાથી તે રાષ્ટ્રીય પક્ષી ન થઇ શકે. ચોથું પક્ષી સારસ બીજા કેટલાક દેશોની રાજમુદ્રામાં સ્થાન પામેલું હોવાથી તેની વરણી ન કરી. એટલે છેવટે પાંચમું પક્ષી મોર પ્રભાવશાળી હોવા ઉપરાંત લોકલાડીલો અને મધુર કંઠવાળો હતો. તેથી રાષ્ટ્રીય પક્ષી તરીકે મોર પસંદ થયો.
સારસ આપણા દેશનું સૌથી મોટું પક્ષી છે. તેના પગ લાંબા, રંગ સ્લેટિયો તથા માથું લાલ હોય છે. આ નીડર પક્ષીનો અવાજ કર્કશ હોય છે. નર અને માદામાં કોઇ વધારે ફરક હોતો નથી. સારસ આકાશમાં ખૂબ ઊંચે ઊડતું નથી. સારસ જોડીમાં જ મેદાનો, ખેતરો, નદી – તળાવોની આસપાસ ફરતું જોવા મળે છે. સારસની જોડી ખૂબ જ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે સારસનું જોડું હંમેશા એક – બીજાની સાથે રહે છે. આ જોડીમાંથી જો કોઇ એક સારસ મરી જાય તો બીજું પણ અન્ન – જળનો ત્યાગ કરે છે અને થોડા સમય પછી તે પણ મરી જાય છે.
કલાપીએ કહ્યું છે:
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
સારસ સર્વભક્ષી હોય છે. તે માછલી, દેડકા તથા આવા જ નાના – નાના તળાવમાં રહેવાવાળા જીવોને ખાય છે. પોતાનો માળો કાદવ અથવા પાણીથી ભરેલા અનાજના ખેતરોની વચ્ચે બનાવે છે. તેમના માળા ઘાસ-ફૂસ અને લાકડીના બનેલા હોય છે. માદા સારસ એક વારમાં બે અથવા ત્રણ ઈંડાં મૂકે છે. ગુલાબી રંગના ઈંડા પર જાંબલી રંગની છાંટ હોય છે. ઈંડાં અને માળાની દેખરેખ નર અને માદા બંને ભેગા મળીને કરે છે. સારસ સરળતાથી પાલતુ બની જાય છે.અને અન્ય પાળેલા પક્ષીઓ અને જાનવરોની સાથે હળી-મળી જાય છે. એક અચરજ પમાડે તેવી વાત એ છે કે તે એક પગ ઉપર ઊભા-ઊભા જ સૂઇ જાય છે. કુદરતે માત્ર સારસને જ એક પગે આખી રાત સૂઇ શકવાની ક્ષમતા આપી છે. જ્યારે તે સૂઇ જાય છે, ત્યારે તેનો બીજો પગ વાળીને પાંખોની અંદર છૂપાવે છે, પછી આખી રાત એક તપસ્વીની જેમ એક પગે સ્થિર થઇને સૂઇ જાય છે.
સારસ પક્ષી વિશે શ્રી યોગેશ્વરજીની એક કવિતા અહીં માણી શકાશે.
છેલ્લા સત્તર જ વર્ષમાં દેશમાં સારસની વસ્તીમાં નેવું ટકા જેટલો જબરદસ્ત ઘટાડો થયો છે જે ચિંતા પ્રેરે તેવા સમાચાર છે.
અશોકી થઈ ગઈ…
(એકચિત્ત…. …કાચિંડો, સાપુતારા, ૧૬ મે, ૦૯)
*
સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં ગુજારાયેલ અમાનુષી અત્યાચાર સામે શબ્દ શું કરે ? સંવેદના શું કરે ? વીસ વર્ષ પહેલાં કોઈક વેદનાસિક્ત સંજોગોમાં લખેલ એક શેર આજે આ બાળકીને અર્પણ…
*
દિલે છોડ્યું ધબકવાનું તમારા ઘા પછી,
કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ !
-વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)
કેવું રૂડું ઊગ્યું છે પરભાત…
(રોમ રોમ ફૂટ્યા ગુલમ્હોર… …હટગઢ ગામ, સાપુતારા-નાસિક રોડ, ૧૬ મે, ૦૯)
*
શ્વાસના સોયામાં દોર હવાની પ્રોવીને ગૂંથ્યું નામ તારું આખી આખી રાત અને છાતીમાં ઊગી નવી ભાત,
લખ લખ ચોર્યાસી ભાત મહીં જોઉં જ્યાં તારી જ ત્યાં ત્યાં બિછાત, મને ક્યાંયે જડી ન મારી જાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…
ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
ઠામ એ ઠરીને ક્યાંથી થાય જેના ભાગ્યમાં આંસુએ લખ્યો રઝળાટ ?
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…
થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,
મોર મારા રુદિયાનો ગહેકી ગહેકીને મારી મોંઘી કરે છે મિરાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…
-વિવેક મનહર ટેલર
(૩૧-૦૫-૨૦૦૯)
*
ફાડિયાં
છૂટાછેડા
(જળપ્રપાત…. …..સ્વપ્નગંધા વેલી, ગોવા, ઓક્ટો-૨૦૦૮)
*
બૉલપેનની
કાળી લીટીની દીવાલની
પોતપોતાની બાજુએ
અમે
બંને જણ
પોતપોતાના ભંગારને
પોતપોતાને ઉઠાવતા
જોયા કરીએ છીએ.
મારી બાજુમાં ક્યાંક એ પડી હોય
કે એની બાજુમાં ક્યાંક એકાદ ટુકડો મારો પડ્યો હોય,
તો ઊંચકીને
હવે
એકબીજાને આપતા નથી.
અમારી તો
બધી જ દીવાલો બંધ.
અંધ.
હવાના ટુકડાય
છાતીની ગલીઓમાં
લગરીક આવ-જા કરે એટલું જ.
બસ.
નિસાસાના એક ડૂસકાંને બહાર ટપકી પડવું હોય
તો એણેય
ગુરુત્વાકર્ષણની લેખિત પરવાનગી માંગવી પડે
એ હદે
અમે લોખંડ પી બેઠાં છીએ.
ક્યારેક વાંસળી થઈ સૂરાતાં
ભીતરનાં પોલાણ
જડયા જડે એમ નથી.
લોખંડ…લોખંડ…લોખંડ…
કાનના તળાવમાંય
પહેલો કાંકરીચાળો થયો
એ દિ’નું
ઉતરી ગયું છે ધગધગતું સીસું.
અમારી હયાતીની જમીન પર
અમે
સહિયારી
ખેડેલી ફસલના
લસલસતા પાકમાં
હરાયાં ઢોર ભેલાણ કરે છે
તોય હલાતું નથી.
અમારું
તો
આંખ-હાકોટા-હાથ
-બધુંય ચાડિયાનું !
-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૯)
દોસ્ત…
(સીધી લીટીમાં….. ….સ્વયમ્, મે-૨૦૦૯)
*
આવે છે તું ‘જાઉં છું’ કહેવાને, દોસ્ત,
શું કહું હું ઘર કે દરવાજાને, દોસ્ત ?
હું મથું કે આગિયાનો સૂર્ય થાય,
તું ગણે છે લાં…બો ઝબકારાને, દોસ્ત.
એ ભમરડાનાં ભ્રમણ છૂટી ગયાં,
કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?
ટૂંકી ચડ્ડી પેન્ટ થઈ ગઈ એ તો ઠીક,
બેલ્ટ બાંધ્યા છે કે કૂંડાળાને, દોસ્ત?
પગ તળે નિરાંતનો રસ્તો નથી,
મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?
સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.
હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
વાંચ, ઇચ્છા હોય તો છાલાને, દોસ્ત !
શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…
-વિવેક મનહર ટેલર
(૦૯-૦૫-૨૦૦૯)
છંદ વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા
*
મોસમનો પહેલો ગરમાળો
(ગરવો ગરમાળો…. ….નવી સીવીલ હૉસ્પિટલ કેમ્પસ, એપ્રિલ-૨૦૦૯)
*
પીળઝાણ નજરો ને પીળચટ્ટા શબ્દો ને પીળપદા શ્વાસનો શો તાળો ?
હો, મને વૈદ કને ન લઈ ચાલો,
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ,
પહેલી પીળાશ ફૂટી આજે;
પીળી આંખોમાં હવે પીળી આવે છે ઊંઘ,
પીળવત્તર સપનાંઓ આવે,
પીળુકડા સૂરજની પીળમજી ડાળો પર પીળક બાંધે છે હવે માળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
ઠંડકની પાનખર બેઠી નગરમાં ને
તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો,
બારી ન એકે સલામત,
બળઝળતા દિવસો પર ગીધડાંની જેમ નખ ભેરવીને બેઠો ઉનાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું
પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે
જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
-વિવેક મનહર ટેલર
(૧૦-૧૫/૦૩/૨૦૦૯)
પંચામૃત
વહાલા મિત્રો,
ફરી એકવાર મારી પાંચ તાજી પ્રકાશિત રચનાઓનો પુષ્પગુચ્છ… આ બહાને જૂની ગઝલોને ફરીથી મમળાવવાનો મોકો જે મને મળે છે એને આપ સહુમાં વહેંચવાનું પણ બને છે…
(‘ઉદ્દેશ’, માર્ચ-2009… …તંત્રી શ્રી પ્રબોધ જોશી)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
*
(‘સંવેદન’, એપ્રિલ-2009… …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
(‘સંવેદન’, એપ્રિલ-2009… …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
(‘બ્રહ્મનાદ’, મે-જુન, 2009… …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
*
(‘કવિલોક’, માર્ચ-એપ્રિલ, 2009… …તંત્રી શ્રી ધીરૂ પરીખ)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
છૂટી શકું તો બસ
(તીખી નજર… ….બ્રાહ્મણી કાઈટ, દેવબાગ, કર્ણાટક, નવે- ૨૦૦૮ )
એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…
હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.
તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !
આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.
ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.
-વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૦૮)
છંદ-વિધાન: ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
બપ્પોર
(લંચ ટાઈમ…. …ખિસકોલી, ૦૪, એપ્રિલ, ૨૦૦૯)
*
ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
સૂના રસ્તાના અવાવરું બિસ્તર પર
એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
ફરતા પંખા પરથી ચરકતો સમય
દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે
ને
ત્રસ્ત કો’ ચહેરા પરથી ટપકતો ખારો અજંપો…
ગલીના નાકે
એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
વાગોળાતો સૂર્ય
પછી
પોદળો થઈ પથરાય
અને
ચોમેર
બદબૂ….બદબૂ… બદબૂ…
– વિવેક મનહર ટેલર
(૧૯-૦૯-૧૯૮૬)
નાળવિચ્છેદ
(નર કોકિલ…. …….૧૫-૦૪-૨૦૦૯)
(Asian Koel ~ Eudynamys scolopacea)
રંગે-રૂપે કાગડા જેવી ભાસતી કોયલને ખુલ્લામાં ઝડપવી થોડું કઠિન છે. ટહુકા કાયમ સાંભળવા મળે પરંતુ ૩૮ વર્ષની ઉંમરમાં છેક ગયા વરસે ઉનાળામાં કોયલના સાક્ષાત્ દર્શન નસીબ થયા. દેવબાગ, કર્ણાટકના જંગલમાં ખુબસૂરત કોયલ જોવા મળી (નીચેનો ફોટોગ્રાફ) અને ગઈકાલે મારા ઘર સામેના અમેરિકન કોટન પર નર કોકિલ (ઉપરનો ફોટો) ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….
(માદા કોયલ….. …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)
*
ગઈકાલે
ભયંકર ડિપ્રેશનમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા કાકા
આજે ખુશખુશાલ હતા.
મારી દવાની આટલી ઝડપી અસર ?
કેમ છો કાકા ?
અરે, શું કહું ડોક્ટરસાહેબ ?
આ કંઈ હૉસ્પિટલ નથી,
આ તો હિલ-સ્ટેશન છે, હિલ-સ્ટેશન !
મેં સ્ટથૉસ્કૉપ બાજુએ મૂક્યું.
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
કાગડા, બુલબુલ, કાબર તો ઠીક,
તમારે ત્યાં તો દરજીડો પણ આવે છે…
અચ્છા ! પેલો ઝીણકી ચકલી જેવો જે આવે છે
એ દરજીડો છે ?
તમે તો કાકા ! એક નવા જ ટહુકાની ઓળખ આપી.
…એમની છાતીને અડાડ્યા વિના જ
મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
હું શું બોલું ?
દવા પણ શું આપું ?
તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!
– વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૦૮)
(ડૉ. નગીન મોદીને સાદર અર્પણ)
ચૂપ
(દરિયો શું દઈ દઈને દેશે? ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)
*
પહેલાં ત્રણ દિવસ મદ્રાસમાં કૉન્ફરન્સ છે
પછી
બે દિવસ આપણે પૉંડિચેરી થતા આવીશું
-રાત્રે
ઑફિસથી આવીને મેં કહ્યું
એટલામાં તો
મારો રાજકુમાર
નસકોરાંની તલવાર તાણીને
ઊભી છાતીએ સામે આવી લાગ્યો-
-એ વખતે મારી સ્કૂલ ચાલુ છે ને ?
હા.
એટલે મારી રજા પડશે ?
હા.
કેટલી ?
– એ આંગળી ગણવા બેઠો.
મને હસવું આવી ગયું.
આ માળું બેટું, ત્રીજા ધોરણનું મગતરૂં…
વર્તુળ પૂરું થતાં પહેલાં જ પેન્સિલ બટકી પડે
એવી કે એવી કંઈ ગણતરીથી
એ મારા હાસ્ય ઉપર ત્રાટક્યો-
ત મે મ ને પૂ છ યું ?
મા રી ટિ કી ટ કે ન સ લ ક રો. ક ર વી પ ડ શે.
અને ઓવરનો છેલ્લો દડો ઝડપથી ફેંકી
બેટ્સમેનને
ઊંઘતો ઝડપી લેવો ન હોય એમ એણે ઝડપથી ઊમેર્યું-
મારું હોમવર્ક તમે કરશો ?
એક ગુગલીની કળ વળી નહોતી ત્યાં પાછો એ બાઉન્સર લઈ આવ્યો-
તમને નુકશાન થશે ને ?
મેં આંખો વડે ‘હા’નો સિક્કો ઊછાળ્યો.
કેટલા રૂપિયા?
-અને મને એની આંખમાં ફરી પૂર્વનો ભૂરો દરિયો ઊછળતો દેખાયો
પણ હું પૂરો ભીંજાઉં
એ પૂર્વે જ
નિર્ણયના પથ્થરો પર એણે મને પછાડ્યો-
ભ લે.
જે નુ ક શા ન થા ય તે.
તમે મને પૂછ્યું હતું ?
-અને હું ચૂપ.
આણે તો વીટો જ વાળી દીધો.
સીધો વટહુકમ જ જારી કરી દીધો.
મને લાગ્યું કે
એના દફતરના ભાર નીચે
મારી પાંપણો દબાઈ રહી છે
અને
આંખો ચૂપ…
હું આખો ચૂપ…
-વિવેક મનહર ટેલર
(૦૨-૦૩-૨૦૦૯)
ઘર-આંગણાનાં પક્ષીઓ (ફોટોગ્રાફ્સ)
સિમેન્ટના મકાનોમાં અને આસ્ફાલ્ટની સડકો પર પેટ્રોલ ગાડીઓમાં બળતી રહેતી આપણી જિંદગી એના સાચા આંખ-કાન ખોઈ બેઠી છે અને કદાચ આપણને એની હજી જાણ પણ નથી… આપણી ચારેતરફ આખો દિવસ થતા રહેતા નાનાવિધ ટહુકાઓ ગાડીઓના હૉર્ન અને મ્યુઝિક સિસ્ટમ કે ટી.વી.ના શોરબકોરમાં ક્યાંક એ રીતે દબાઈ ગયા છે કે આપણા કાનને એના હોવાપણાંનો અહેસાસ પણ નથી થતો. મેં મારા બેડરૂમમાં કાન ખુલ્લી બારી પર ચોંટાડીને બેસવાની ટેવ પાડી છે. કાગડા, કબૂતર, ચકલી, કાબર, કોયલ જેવા કાયમી પક્ષીઓના કા-કા, કૂ-કૂ, ચીં-ચીંની વચ્ચે કેટલાક એવા નિયમિત આશ્ચર્ય મેં શોધી કાઢ્યા છે કે હું શહેરમાં રહું છું એ બાબત પર પણ મને શંકા જન્મી શકે.
કવિતાથી થોડો અલગ ચોતરો ચાતરીને આજે મારે મારા ઘરના ઓટલા પર ઊભા રહીને મેં માત્ર માર્ચ મહિનામાં લીધેલા પક્ષીઓના ફોટાઓ આજે તમારા સહુ સાથે વહેંચવા છે. કોઈ એક આંખ-કાન એમનું ભૂલું પડેલું અનુસંધાન મેળવી શકે તો કેમેરાની આ કવિતા સાર્થક…
અબાબીલ, લક્કડખોદ, સુગરી, સનબર્ડ, દેવચકલી જેવા કેટલાક નિયમિત પક્ષીઓના હું ફોટા પાડી શક્યો નથી પણ એ બધા ટહુકા બનીને મારી રગોમાં દોડે જ છે…. પક્ષીઓના ટહુકાઓનું એક ટહુકેદાર ગીત અહીં માણો.
(એન્લાર્જ્ડ વ્યુ માટે ફોટોગ્રાફ્સ પર ક્લિક્ કરવા વિનંતી.)
આ છે સ્પૉટેડ ડવ. સામાન્યરીતે જળાશયની નજીકમાં ઝાડ પર ખૂબ નીચાણ પર હલકોફુલકો માળો બાંધનારું મજાનું એક ફૂટિયું પક્ષી. ગળામાં નાજુક છતાં ગળચટ્ટો ટહુકો અને ગળા પર ગમી જાય એવા ટપકાં.
*
ગળાની નીચેના ભાગે ભૂરા રંગને ફૂટપટ્ટીથી કાપીને કોઈપણ ડિટર્જન્ટ પાવડરથી મળી ન શકે એવી સફેદીથી છલકાતું આ છે ઓરિએન્ટલ મેગપાઈ રોબિન. રોબિનને એકવાર બોલતું સાંભળ્યું હોય તો બીજીવાર બંધ આંખે પણ ઓળખી શકાય. પૂંછડી ઉપર-નીચે કરીને એ જે રીતે માદાને રીઝવવા મથે છે એ જોવાની તો મજા જ આવી જાય. એનો વધુ ક્લૉઝ-અપ જોવો હોય તો અહીં (૧ અને ૨) ક્લિક્ કરો.
*
પશુ-પક્ષીમાં હંમેશા નર માદાથી વધુ આકર્ષક અને ચડિયાતો હોય છે. નથી માનવી મારી વાત ? ઉપરના ફોટામાંના નર રોબિનને જોઈ લીધ પછી આ માદા રોબિનને જુઓ. રાખોડી અને મેલા ધોળા રંગ અને પાંખમાં ટ્રેડમાર્ક સમા સફેદ પટ્ટાને કારણે એ દીપે તો છે પણ નર જેટલી તો નહીં જ. ખરું ને ?
*
રંગ-રંગના આ ખજાનાને હવે શું કહીશું ? આ છે સિપાહી બુલબુલ યાને કે રેડ-વ્હિસ્કર્ડ બુલબુલ. એનો અને એની કલગીનો ઠસ્સો તો જુઓ… સામાન્ય રીતે ગાઢ વૃક્ષો વચ્ચે રહેતું આ બુલબુલ મારા આંગણાને લગભગ રોજ જ એના સંગીતમય ટહુકાઓથી ભીનુંછમ રાખે છે.
*
રેડ વેન્ટેડ બુલબુલ. મારા ઘર આંગણાનું વધુ એક કાયમી મહેમાન. એનો અવાજ એટલો મીઠો નથી પણ એનો લય કર્ણપ્રિય છે અને એની ઊડાઊડ ધ્યાનાકર્ષક…
*
ઘરઆંગણે આ પણ જોવા મળશે એ તો કલ્પ્યું જ નહોતું. ન ઓળખાયું ? આ છે સ્વર્ણ પીળક યાને યુરેસિઅન ગોલ્ડન ઓરિઓલ. એને ઝડપભેર ઊડતું જોવાનોય એક લહાવો છે. જોડીમાં આવ્યું હતું અને આંખોમાં પીળચટ્ટો તડકો આંજીને ચાલ્યું ગયું.
*
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એ તો અમેરિકન કોટનની ડાળે બેઠો બેઠો પતંગની દોરીઓ કાપે છે…
*
આ ભાઈની મને ઓળખ ન પડી ? છે કોઈ લેવાલ ?
*
મને તો આમની પણ ઓળખાણ ન પડી. જેવું કાબરચીતરું શરીર એવો જ ઠસ્સાદાર અવાજ અને પાછું ટોળાશાહીમાં જીવે… એક નજર નીચેના ફોટા પર પણ મારી લ્યો..
(આ છે રોઝી સ્ટાર્લિંગ યાને ગુલાબી મેના. શિયાળામાં પાકિસ્તાનથી મોટી સંખ્યામાં ભારત આવનારું ‘હેન્ડસમ’ પક્ષી ! ઓળખાણ પાડવા બદલ આભાર, અમિત !)
*
પાંદડે પાંદડે ટહુકો કે ટહુકે ટહુકે પાંદડા ? ઉપરવાળા કાબરચીતરા ભાઈ તો ખાસ્સા પચાસ-સાંઠના ટોળામાં આખું આકાશ ગજવે ઘાલીને ગજવતા ગજવતા આવ્યા અને એમ જ પાછા ગયા.
*
અરે! આ ભાઈ અહીં ક્યાંથી ? મારા ઘરથી પાણીની નહેર તો ખાસ્સી દૂર છે ત્યાંથી છે…ક અહીં ભૂલા પડી ગયા ? ઘર-આંગણે ભાગ્યે જ જોવા મળતું વ્હાઈટ બ્રેસ્ટેડ કિંગફીશર યાને કાબરો કલકલિયો. કિંગફીશરનો કલબલાટ એકવાર સાંભળ્યો હોય તો જિંદગીભર તમારા કાન કદી ધોખો ન ખાય એવો એ વિશિષ્ટ હોય છે અને એ ઊડે ત્યારે એની પાંખોનો મોરપીંછ અને સફેદ રંગનો સમન્વય તમને અન્ય કોઈ પક્ષીમાં જોવા ન મળે એવો બેજોડ હોય છે.
*
બે દિવસ પછી હૉસ્પિટલમાં દર્દીઓનો રાઉન્ડ પતાવી દાદર ઉતરતી વખતે બારીમાંથી મારી નજરે કીંગફિશર પાછું ચડ્યું અને હું વિશ્વાસ ન કરી શક્યો. કન્સલ્ટીંગ રૂમમાં જવાના બદલે નીચે ઘરે દોડી જઈ કેમેરો કાઢી બરાબર એની નીચે ઊભા રહી નિશાન તાકીને ફોટો પાડ્યો અને ત્યાં સુધી એ ઊડી ન ગયું એ બદલ મારા સાહેબ, આપનો આભાર ! અને જો જો ભાઈ! મારા પર ક્યાંક ચરકી ન બેસતા, હા….
પણ એ તો…
(સારસ બેલડી… ….ઉભરાટ-સુરત રોડ, ૨૨-૦૩-૨૦૦૯)
. (Sarus Crane ~ Grus antigone)
*
હવાના બે ઝોકાં
સામસામેથી આવે
અને એકબીજામાં ભળી જાય
કે
બે ઝરણાં
અલગ અલગ દિશાથી આવે
અને ભેળાં થઈ જાય
ત્યારે
કોણ કયું એ નક્કી કરવું અશક્ય બની જાય
એવી રીતે રહેવાનું નક્કી કરીને
આપણે
પહેલા ચુંબનમાં
એકસાથે ઓગળ્યા હતા
પછી શી રીતે
એક જણ હવા
ને બીજું જણ ઝરણું બનીને રહી ગયું
કે
સ
. ત
. ત
સાથે ને સાથે વહેવા છતાં
હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?
ક્યારેક
પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
તો ક્યારેક
મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
પણ
એ તો એક પળ માટે જ !
-વિવેક મનહર ટેલર
(૦૬-૦૩-૨૦૦૯)
સપનાના પાંચ રંગ…..
પ્રિય મિત્રો,
પ્રકાશિત રચનાઓના આર્કાઈવ્ઝમાં લાંબા સમય પછી પાંચ રચનાઓનો ઉમેરો… હવે જ્યારે ગઝલસંગ્રહ અને કાવ્યસંગ્રહની માનસિક તૈયારીઓ કરવા માંડી છે ત્યારે આ રચનાઓનું અંગત મૂલ્ય વધી જાય છે… આપ સહુ મિત્રોના પ્રેમ, પ્રોત્સાહન અને સતત સહકારના કારણે જ સપનાંઓ પચરંગી થઈ શક્યા છે… જેમ શબ્દો મારા શ્વાસ છે એમ આપ સહુનો સ્નેહ છે મારી સાચી પ્રાણશક્તિ…
(’કવિલોક’, જાન્યુ-ફેબ્રુ-૨૦૦૯… … તંત્રી :શ્રી ધીરુ પરીખ)
(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)
*
(’ગઝલવિશ્વ’, ડિસેમ્બર-૨૦૦૮… … તંત્રી :શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)
*
(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯… … તંત્રી : શ્રી જનક નાયક)
(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)
*
(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯… … તંત્રી : શ્રી જનક નાયક)
(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)
*
(’ગુજરાતમિત્ર-સન્નારી પૂર્તિ’… ….૧૪-૦૨-૨૦૦૯)
(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)
*
ત્રિપદી ગઝલ
(પ્રેમને જો આપણા વહેવું પ્રિયે… …સ્વપ્નગંધા વેલી, ગોવા, નવે. ૦૮)
*
દોર છે, સાત ગાંઠ છે એમાં,
શું તમારો જ હાથ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.
આ તે દુનિયા છે કે કોઈ ઘડિયાળ ?
માણસો મારમાર છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
‘जिंदगी बोझ बन गयी अब तो’
– હરકોઈ એકરાગ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
આ સફર આખરે તો માથે પડી,
જાત સાથે લગાવ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
મોસમો ઉગ્ર થઈ ગઈ છે બધી,
દોષી શું માત્ર કાળ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.
યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
-વિવેક મનહર ટેલર
(૦૨-૦૩-૨૦૦૯)
છંદવિધાન : ગાલગા / ગાલગાલ / ગાગાગા (ગાલલગા)
અદ્વૈતના ક્યારામાં…
(માઈલ સ્ટોન અને રસ્તો… ….પદમડુંગરી, જાન્યુઆરી, ૧૮-૦૧-૨૦૦૯)
~ * ~
કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
આજમાં શું ? કાલમાં શું ? યાદમાં શું ? ખ્વાબમાં શું ? રોમ-રોમ એનો મુકામ.
સાકાર હોય એનો લાવી શકાય અંત,
પ્યારથી આણો કે તકરારથી;
ફેફસાંથી હવાને અળગી કરાય કેમ?
કઈ રીતે મનને વિચારથી?
અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
કેટલાક પથ્થર છે માઈલસ્ટોન જેવા,
નવા આવે ને જૂના જાય;
રસ્તો બનીને કોઈ આદિથી અંત સુધી
સાથે ને સાથે લંબાય.
હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
-વિવેક મનહર ટેલર
(૧૩-૦૧-૨૦૦૯)
ખુશબૂનાં પગલાં…
(ખુશબૂનાં પગલાં… ….મારા બગીચાનું મોતી, જાન્યુઆરી, ૨૦૦૯)
*
(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી, ૨૦૦૯… …તંત્રી શ્રી: મધુસૂદન પારેખ, રમેશ શાહ)
આ ગઝલ અને એના વિશે મિત્રોના ૬૬ જેટલા પ્રતિભાવો આપ અહીં ફરીથી માણી શકો છો.
જિંદગી
(વેદનાના સળ…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
તું જ કહેતો હતો ને
કે
મારી આંખો ફોડી નાંખો,
કાન ઉખાડી કાઢો,
જીભ પણ ખેંચી લો,
હાથ-પગ અને માથું સુદ્ધાં કાપી નાંખો,
અરે, હૃદય પણ બંધ કરી દો
અને ચિત્તને પણ તાળાં મારી દો
તો પણ
મારા નામનું લોહી તારી રગોમાં વહેતું રહેશે !
હવે
આજે
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે તારું લોહી ?
શું આ જ છે તારી પ્રેમની અમર કવિતા ?
-વિવેક મનહર ટેલર
(૧૫-૦૨-૨૦૦૯)
( જર્મન કવિ રિલ્કેની કવિતા ‘તું’ પરથી પ્રેરિત)
બપ્પોરે વીજળી
(સારસ… …ઉભરાટ-સુરત રોડ, ૦૮-૦૨-૨૦૦૯)
(Sarus Crane ~ Grus antigone)
ભરબપ્પોરે
ખેતરના શેઢા લગોલગ
ઝાંઝવાના પાણીની જેમ દડી જતી મારી ગાડી
અચાનક
ધીમી બ્રેક સાથે અટકી ગઈ.
વીજળીના તાર પરથી એક પતંગો ઊડી ગયો.
પણ મારી આંખ તો
પાછલી સીટ પર બેઠેલા
અમારા નાનકડા કોલંબસે શોધી કાઢેલ
સારસ બેલડી પર સ્થિર હતી.
માથે ધોધમાર વરસતા સૂરજની
ધરાર અવગણના કરી
વરસોની તરસ છીપાય એટલું
આંખોથી આકંઠ પાન કરી
હું વળી ગાડીમાં બેઠો.
‘ખબર છે બેટા?’,
-સીટ-બેલ્ટ બાંધતા બાંધતા હું બોલ્યો,
‘આ લોકો કાયમ જોડીમાં જ રહે.
એક મરી જાય તો
બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’
અને અનાયાસે
બાજુમાં બેઠેલી પત્નીએ
સ્ટિયરિંગ પર મૂકેલા મારા હાથ પર
એનો હાથ મૂકી દીધો.
મેં એની તરફ
અને એણે મારી તરફ જોયું.
આછા સ્મિતની આકસ્મિક વીજળી
ઘેરાયેલાં બન્ને વાદળમાં
ઝબકી ગઈ
અને
અમારા કોલમ્બસને
તો એની જાણ પણ ન થઈ !
-વિવેક મનહર ટેલર
(૦૯-૦૨-૨૦૦૯)
લોહીમાં સૂર્યોદય
(લોહીભીની સાંજ… …કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)
જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.
છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?
રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.
પિંજરમાં આંખના હવે એક જ છે મનસૂબો –
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ !
હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.
એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.
સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?
બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.
લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.
નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.
જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.
– વિવેક મનહર ટેલર
(૧૩-૦૨-૨૦૦૬)
વસંતપંચમી પર…
(તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
(“ફીલિંગ્સ”…. … ૧ ફેબ્રુઆરી, ૨૦૦૯)
(આ રચના અને એના વિશે મિત્રોના મંતવ્ય આપ અહીં ફરીથી માણી શકો છો)
* * * * * * * *
સહુ મિત્રોને વસંતપંચમીની શતરંગી વધાઈ… આજના દિવ્યભાસ્કરમાંથી બેએક રંગીન ક્લિપ્સ આપ સહુ માટે…
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ…. ….૩૧-૦૧-૨૦૦૯)
*
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ…. ….૩૧-૦૧-૨૦૦૯)
*
(આ આખી ગઝલ અને એના વિશેના આપ સહુ દોસ્તોના અભિપ્રાય આપ અહીં પુનઃ માણી શકો છો)
રંગ
(રમ્યઘોષા…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
ફરી એકવાર મારી ખૂબ મનગમતી ગઝલ… એક તરસનો રંગ, એક પ્રતીક્ષાનો રંગ, એક વેદનાનો તો એક સર્જનનો રંગ… એક રંગ ઘેરો તો એક ઘેરુઓ…કેટકેટલા રંગોના લપેડાઓ મહીં ભર્યા પડ્યા છે !
*
(‘કવિ’….. …ડિસે. ૨૦૦૮)
( આ ગઝલ અને એના વિશે આપ સહુ મિત્રોના પ્રતિભાવ આપ અહીં વાંચી શકો છો)
ત્રિપદી ગઝલ
(વહી જાય આમ રસ્તો… …ચિતકૂલ, કિન્નૂર વેલી, નવે.૦૭)
*
કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
સમયની આંખના પલાશવન પ્રજાળીને,
કહો, શું પામ્યા આપ આવવાનું ટાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
હિમાલયોનું માથું ગર્વથી ઊંચું છે કેમ?
મળે શું ગંગા માત્ર બર્ફને પિગાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
કહે સડક, તમારી ઉન્નતિથી હર્ષ થાત,
પરંતુ તમને આમ ચાલતા નિહાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
– વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૦૯)
છંદવિધાન: લગાલગા લગાલગા લગાલગા લગા
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?
(વમળના વન…. …તાપી નદી, સુરત, ડિસેમ્બર-૦૮)
ક્યાં સુધી કોઈ એનું સંવર્ધન કરે ?
જાતે જો કો’ જાતને દુશ્મન કરે…
ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?
સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
બિંબ પણ સામે વમળના વન કરે.
શી રીતે એ ભૂમિને સૂરજ મળે ?
ધૂળને ફૂલ, આભને ઉપવન કરે !
કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,
મોતને જ્યારે કોઈ જીવન કરે.
સાચવે એને શમા પણ ક્યાં સુધી?
બાળવાનું જાતને જે પણ કરે.
*
એટલે તો એ ઠરી દિવાનગી,
પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !
-વિવેક મનહર ટેલર
(૨૦-૦૯-૧૯૯૦)
૧૯૯૦ના વર્ષમાં લખાયેલી આ એક ગઝલ… કાફિયા-રદીફની સમજણ ત્યારે પાકી નહોતી થઈ. એટલે શક્ય એટલા કાફિયા સુધારીને આ ગઝલ આજે પહેલીવાર અહીં પોસ્ટ કરું છું. પણ આખરી શેરમાં સુધારો કરી ન શકાયો એટલે ફુદડી પછી એને અલગ કરી રહ્યો છું…
વર્ષના છેલ્લા દહાડે…
(સુરતના આંગણે વિદેશી મહેમાન…. ….ઑસ્ટ્રેલિઅન સીગલ, ૩૦-૧૨-૨૦૦૮)
*
ગયા વર્ષની આખરી પોસ્ટમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રકાશિત રચનાઓનો આંક લખ્યો ત્યારે જ દિલમાં થોડું કઠ્યું હતું… એક રચના વધુ પ્રકાશિત થઈ હોત તો? ૫૪ની જગ્યાએ ૫૫નો આંકડો ન થઈ જાત? બે પાંચડા એકસાથે જોવાનું આંખને પણ ગમે ને! અને મારી આ અભિલાષાનો પડઘો પાડતું હોય એમ વર્ષના છેલ્લા દિવસે કવિલોકનો આ અંક હાથમાં આવ્યો….
(કવિલોક… …નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૦૮)
આ કવિતા અને એના વિશેના આપના પ્રતિભાવ આપ પુનઃ અહીં માણી શકો છો.
શબ્દ અને શ્વાસની સહિયારી સફરના ત્રણ વર્ષ…
(મહુવા અસ્મિતા પર્વ, 2008 ખાતે એક ફોટોગ્રાફર મિત્ર (વ્રજ મિસ્ત્રી)એ કવિ સંમેલન સાંભળતી વેળાએ કચકડે કંડારી લીધેલી આકસ્મિક પળ)
*
શબ્દો છે શ્વાસ મારા – ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં. ચોથા વર્ષમાં પ્રવેશતી વેળાએ સહર્ષ રોમાંચ અનુભવી રહ્યો છું. ગુજરાતી ભાષાને પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટાવીને વિશ્વ-ગુર્જરી બનાવવાનું જે સ્વપ્ન વીતેલા ત્રણ વર્ષોમાં જોયું હતું એ સ્વપ્ન હવે સાકાર થતું લાગે છે. શરૂઆતના મુઠ્ઠીભર બ્લૉગર્સની સામે હવે ગણ્યા ગણાય નહીં એટલા ગુજરાતી બ્લૉગર્સ ઇન્ટરનેટના જાળામાં ગુંથાયેલા નજરે ચડે છે. મરણાસન્ન ગુજરાતી ભાષા માટે ઇન્ટરનેટ સંજીવની સાબિત થશે એવો ક્યારેક રમતો મૂકેલો વિચાર સાચો પડતો જણાય છે. આવનારા એક દાયકામાં ઇન્ટરનેટ ગુજરાતી ભાષાનું નવું સરનામું સાબિત થશે એ વાત પણ હવે સિદ્ધ થતી ભાસે છે.
ત્રણ વર્ષોની આ મુસાફરીમાં ૧૧૫ ગઝલ, ૧૦ ગીત, ૧૦ મુક્તક, ૬ બાળગીત, ૧૭ અછાંદસ કાવ્ય અને ૮ હાઈકુ સહિત કુલ્લે ૨૦૯ પોસ્ટ કરી જેના પર ૩૮૧૪ જેટલા પ્રતિભાવ સાંપડ્યા છે. છેલ્લા છ મહિનાથી સાઈટ મીટર શરૂ કર્યું છે એના આંકડાઓએ મને ખાસ્સો આશ્ચર્યચકિત કર્યો. સાઈટ મીટર શરૂ કર્યું એના કુલ ૨૧૧ દિવસોમાં આ વેબસાઈટની મુલાકાત કુલ્લે ૧૪૩૫૬ વાચકોએ પ્રતિદિન ૬૮ની સરેરાશે મુલાકાત લીધી અને કુલ્લે ૩૪૫૪૦ જેટલી ક્લિક્સ પ્રતિદિન ૧૬૩ની સરેરાશે કરી. અઠવાડિયે માત્ર એક જ કવિતા પીરસતી મારી આ વેબસાઈટ પર દર અઠવાડિયે ૪૭૫ જેટલા વાચકો આવે અને ૧૧૪૧ જેટલી કૃતિઓ માણે એનાથી મોટો ચમત્કાર બીજો શો હોઈ શકે? એક કાવ્યસંગ્રહની પાંચસો નકલ વેચાતા ક્યારેક પાંચ-છ વર્ષ થઈ જતા હોય છે એની સરખામણીમાં આ આંકડો તો જાદુઈ લાગે છે!
છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ સામયિકો અને અખબારોમાં પ્રકાશિત કૃતિઓની સંખ્યા લગભગ ૫૪ જેટલી થઈ. આ તમામ પ્રકાશિત રચનાઓને આપે સતત વધાવી એ ઉત્સાહ જ આ સફળતાનું સાચું પીઠબળ છે.
(કક્કાવારી પ્રમાણે સામયિકનું નામ અને વર્ષ 2007-08 દરમિયાન પ્રકાશિત રચનાઓની સંખ્યા)
અખંડ આનંદ (2)
ઑપિનિયન (લંડન) (1)
કવિ (6)
કવિતા (6)
કવિલોક (7)
કાવ્યસૃષ્ટિ (2)
કુમાર (1)
ગઝલ વિશ્વ (3)
ગુજરાત મિત્ર (2)
ગુજરાત સમાચાર (1)
નવનીત સમર્પણ (4)
પરબ (1)
પ્રિયજન (1)
ફીલિંગ્સ (1)
બુદ્ધિપ્રકાશ (3)
મુંબઈ સમાચાર (1)
શબ્દ સૃષ્ટિ (3)
શહીદે ગઝલ (3)
સંવેદન (6)
આ ઉપરાંત વીતેલા ત્રણ વર્ષોમાં ગણી ન શકાય એટલા સહૃદય મિત્રો અને શુભેચ્છકો સાંપડ્યા. આ ગાળામાં કવિતાની વિધાયક ટિપ્પણીઓ સતત મને ઘડતી રહી. વેબસાઈટ શરૂ ન કરી હોત તો કદાચ હું મારી કવિતાનો વિકાસ કદી સાધી શક્યો ન હોત. આ વેબસાઈટે જ મને સતત લખતો અને ખાસ તો સતત વાંચતો રાખ્યો. અને કદાચ આ વેબસાઈટે જ મને જીવતો રાખ્યો…
…અને હવે સતત જીવતા રહેવાની ઈચ્છા થાય છે…
*
અભિયાનના દિવાળી અંકમાં મારી ઓળખ તબીબ કે કવિ તરીકે નહીં પણ ગુજરાતી કવિતાની વેબસાઈટના સંચાલક તરીકે આપવામાં આવી ત્યારે અહેસાસ થયો કે હવે મારો નવોન્મેષ થઈ ચૂક્યો છે:
(‘અભિયાન’- દિવાળી અંક…. …નવેમ્બર, ૨૦૦૮)
*
વિવિધ અખબારો ગુજરાતી બ્લૉગ્સની બાકાયદા નોંધ લઈ રહ્યા છે જેની એક નાનકડી ઝલક આ સાથે મૂકી રહ્યો છું.
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ… …૦૩-૧૦-૨૦૦૮)
*
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ… …૧૮-૦૯-૨૦૦૮)
*
(‘ઉત્સવ’… દિવ્યભાસ્કરનો દિપોત્સવી વિશેષાંક… લેખ: શ્રી હિમાંશુ કિકાણી, ઓક્ટોબર, ૨૦૦૮)
ભુલાઈ ગયું?
શનિવારની પોસ્ટ મૂકવાનું શું ભુલાઈ ગયું?
ના… ના… દોસ્તો… હું આપને મળીશ ખરો પણ આવતી કાલે…
બે ગઝલો…
ફૂલો પર
રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.
પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.
બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?
ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….
સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !
-વિવેક મનહર ટેલર
(૨૬-૦૯-૨૦૦૮)
(છંદ વિધાન: લગાલગા લલ ગાગા લગાલગા ગાગા[લલગા] )
inversely proportionate
(મધદરિયે રમત… …કારવાર, કર્ણાટક, નવે. 2008)
*
ધર્મ
સામાજિક એક્તાની જનેતા બની રહશે
એમ વિચારીને
ટિળકે ગણેશોત્સવ શરૂ કર્યો.
આજે
દરેક શેરીમાં
ઓછામાં ઓછા ત્રણ ગણેશ સ્થપાય છે…
હોળીનું પણ એવું જ થયું-
મહોલ્લે મહોલ્લે આગ-
-જેટલી ભીતર એટલી બહાર…?
પહેલાં
આખા શહેરમાં એક જ રાવણ બળાતો
અને કીડિયારાંની જેમ લોક ઊભરાતું.
હવે
રાવણદહન પણ ઠેકઠેકાણે થવા માંડ્યું છે.
માણસની તહેવારપ્રિયતા વધી રહી છે
એમ તમે માનતા હો
તો રહેવા દો…
તો તો મારે તમને કશું કહેવાનું રહેતું જ નથી !
કારણ કે
મને તો લાગે છે કે
આ બધું
આપણી અંદર કશાકને
inversely proportionate છે…
-વિવેક મનહર ટેલર
(૦૯-૧૦-૨૦૦૮)
સુખની થોડી ક્ષણો
(દેવબાગ બીચ રિસૉર્ટ, કારવાર, કર્ણાટક… …નવે. 2008)
*
બધું જ પાછળ છોડીને
આજે હું અહીં આવ્યો છું.
આકાશને ગળી જવાની હોડમાં
ઊંચે ને ઊંચે વધતા જતાં મકાનો,
જન્મતાંની સાથે જ
કદી ન ઊંઘી શકવાનો શાપ પામેલી ગીચ સડકો,
કવચિત્ જ ઘરમાં આવી શકતો ટુકડાબંધ તડકો,
વ્યાજખોર શાહુકારના પેટની જેમ વધતું જતું મારું બેન્ક બેલેન્સ,
વસૂકી ગયેલી ગાયના આંચળ જેવા મારા સંબંધો,
મારી ઑફિસ,
મારી એપોઇન્ટમેન્ટ્સ, મારી વિઝિટ્સ,
પડછાયાની જેમ વળગી રહેતી મારી ઓળખાણ…
…આ બધું પાછળ છોડી દઈને
હું અહીં આવ્યો છું આજે.
એ બધાંનો મને કદી મોહ હતો જ નહીં.
પણ જીવતરની સોય નસમાં ઘૂસી
ત્યારથી
આજ બધું દવાની જેમ લોહીમાં ભળી ગયું હતું.
આજે અહીં
એકબાજુ નજર હાંફી જાય એનીય પેલી પાર સુધી વિસ્તરેલ
અનંત ફેનિલ ભૂરો સમુદ્રકિનારો,
બીજી તરફ સૂર્યના કિરણોથી
રસ્તાની ચામડીને દાઝતી બચાવતા
પરગજુ ઘટાટોપ જંગલો,
પર્વતો-ધોધ-જળાશય-પશુ-પક્ષીઓની વચ્ચે
ટ્રી-હાઉસમાં બેઠો છું.
પણ મને આ કશાયનો પણ મોહ નથી.
મને યાદ આવે છે-
-હોટલના બસો રૂપિયાના રૂમમાં પંખાની ઠંડકે
મઘમઘી ઊઠેલા એ દિવસો
અને રસ્તાની કોરે
ફૂટપાથ પર બેસીને ખાધેલું લારી પરનું ચાઈનીઝ ફૂડ.
સાથે પીધેલી
પહેલવહેલી ગૉલ્ડસ્પૉટની બોટલ પરનું રેપર પણ હજી સાચવી રાખ્યું છે, નહીં?!
તારી કોઈ જ વાતમાં મને
કે મારી કોઈ જ વાતમાં તને ફરિયાદ જ નહોતી.
પણ ત્યારે
તારી કે મારી – એવી કોઈ વાત જ ક્યાં હતી?
જે હતું તે આપણું જ હતું.
સમયની સાથે વહેતાં વહેતાં આ નદીને
ક્યારે
બે કિનારા ઊગી આવ્યા એ વર્તાયું જ નહીં.
આજે
પાંચ-પંદર હજારના વાતાનુકૂલિત રિસૉર્ટ્સના
ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટમાં હાથમાં કૉકનું ટિન લઈ કૉન્ટિનેન્ટલ ફૂડ ખાઉં છું
ત્યારે હું શું શું ‘મીસ’ નથી કરતો!!
વરસો પછી
આ ટ્રી હાઉસમાં મને મારો સમય જડ્યો છે
ત્યારે સમજાય છે કે
જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.
હું તો માત્ર
મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
પાછી મેળવવા આવ્યો છું!
-વિવેક મનહર ટેલર
(31-10-2008, વિલ્ડરનેસ્ટ હીલ રિસૉર્ટ, સ્વપ્નગંધા વેલી, ગોવા)
ગોવા – મારા કેમેરાની આંખે…
એક તરફ વિશાળ પર્વતમાળા અને બીજી તરફ શ્વેત રેતીને ભીંજવ્યા કરતો ભૂરો પારદર્શક સમુદ્ર… પાણીમાં પડતા વાદળના પડછાયાને ચૂમવા વાંકા વળેલા નારિયેળીના વૃક્ષો, માથા પર મંડરાતા સામુદ્રી ગરુડ, ફેણી પીને ‘ટેન’ થવા પડેલા વિદેશીઓ, ઉત્તરની ભીડ અને દક્ષિણની શાંતિ વચ્ચે અદભુત સમતુલન જાળવતો ભારતવર્ષનો સૌથી વધુ લોકપ્રિય સમુદ્રકિનારો એટલે ગોવા… નવેમ્બર, 2008ની શરૂઆતમાં મારા કેમેરાને જડેલી કેટલીક કવિતાઓ…
(ગોવાના વધુ મજેદાર ફોટોગ્રાફ્સની લિન્ક આ પોસ્ટના અંતમાં…!)
(આપ અહીં બેસો તો સમયને રોકી દઉં… …બીટલબાટિમ બીચ)
*
(હોડીને દૂર શું, નજીક શું… …કોલ્વા બીચ જતાં)
*
(…કિ ફઁસાના બન ગઈ હૈ મેરી બાત ચલતે ચલતે… …ડોના-પાવલા બીચ)
*
(ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો… …ડોના પાવલા બીચ)
*
(કાંઠે બંધાણી મારી હોડી વછોડી જા… …કોલ્વા બીચ)
*
(જિંદગી આમ જ સરતી રહે….. ….કોલ્વા બીચ)
*
(નેટ પ્રેક્ટિસ…. …કાબરો કલકલિયો, કોકોનટ ગ્રુવ બીચ રિસોર્ટ)
*
(ભૂરો ઠસ્સો… …મેગપાઈ રોબિન, કોકોનટ ગ્રુવ બીચ રિસોર્ટ)
*
દરિયાકિનારાનું ગોવા, પર્વતની ટોચ પર જંગલમાં વસેલું ગોવા (વાઈલ્ડરનેસ્ટ હિલ રિસૉર્ટ) અને કર્ણાટકના સમુદ્રની વચ્ચે ટાપુ પર આવેલ દેવબાગ બીચ રિસૉર્ટના ફોટોગ્રાફ્સ આપ અહીં જોઈ શક્શો:
http://vmtailor.spaces.live.com/photos/
સુસ્વાગતમ્ !!
चन्दामामा
(ડાઘ… …દેવબાગ, કર્ણાટક, નવે.2008)
नटखट नन्हा चन्दामामा बोला धरतीमा से,
बाल रामने माँगा मुझको, स्कूल न जाउँ कल से ।
बाल रामजी अडे हुए है, अपनी ज़िद्द पर डँटे हुए है,
चन्दा दे दो, चन्दा दे दो, इसी बात को रटे हुए है ।
धरतीमाँ ने बडे प्यार से चन्दा को समझाया,
रामचन्द्र तो खुद ईश्वर है, राज़ ये उसे बताया ।
एँ एँ एँ एँ कर के रोया चन्दा तो बल खा के,
दौडा, भागा, रुका सूरजदादा के संग जा के ।
सूरजदादा सूरजदादा,
बाल राम ने मुज़ को माँगा;
मैं हूँ नन्हा मुन्ना बच्चा,
बडा अभी है मुझ को बनना;
मैं अगर स्कूल जाउँगा,
राम मुझे खा जायेगा ।
दादा ने भी खूब समझाया,
चन्दा की कुछ समज़ न आया ।
रुठ गया वो, भाग गया वो, दूर गगन में उँचे उँचे,
आँख मींच के अकड गया वो, होंठ ज़ोर से भींचे भींचे ।
इधर थाली में दूध डालकर कौशल्या ने चाँद दिखाया,
बाल राम तो चाँद देखकर खिल खिल खिल खिल खूब मुसकाया ।
भींचे होंठ मगर चन्दा के भींचे ही रह गये हंमेशा,
गोरे मुख पर काले धब्बे इसीलिए दिख रहे हंमेशा ।
-विवेक मनहर टेलर
મારા લાડકા સ્વયમ્ ની આજે આઠમી વર્ષગાંઠ અને બોનસમાં બાળદિન પણ… એટલે એક બાળગીત -પાબંદ નઝમ- મારા લાડકાને વર્ષગાંઠની ભેટરૂપે અર્પણ!)
*
(દરિયાના મોજાં વચ્ચે સેન્ડવીચ… …સ્વયમ્, ગોવા, નવે.2008)
*
સાલ મુબારક…
નૂતન વર્ષાભિનંદન !
*
ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ,
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું !
*
સહુ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…! થોડા દિવસો માટે ગોવા-કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યો હોવાથી આ બ્લૉગ પર બે અઠવાડિયાનું એક નાનકડું વેકેશન લઈ રહ્યો છું…
*
આપણને ગમતી વસ્તુ અન્યને પણ ગમી જાય ત્યારે એ વસ્તુ હોય એનાથીય વધુ વહાલી લાગે છે. આ ગઝલનું પણ કૈંક એવું જ થયું. મુંબઈથી મિત્ર મીના છેડાનો ફોન આવ્યો કે તારી ગઝલનો રશીદ મીરે આસ્વાદ કરાવ્યો છે ત્યારે ગુજરાત સમાચાર શોધવાનું કામ હાથ ધરવું પડ્યું. કઈ ગઝલ હતી અને શું આસ્વાદ હતો એ તો આપ જાતે જ જોઈ લ્યો, દોસ્તો! આભાર, ડૉ. રશીદભાઈ!
કોઈ એમ મારામાં પડતું રહે છે…
(હૂંફ….. ….રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)
*
(“કવિતા”, ઑગસ્ટ-સપ્ટે., 2008…. …તંત્રી શ્રી સુરેશ દલાલ)
*
(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં ફરીથી માણી શકો છો.)
સંકડાશ
*
ધીમા મક્કમ પગલે
લગભગ ભરાઈ ચૂકેલી
ડોક્ટર્સ લિફ્ટમાં પ્રવેશું
એ પહેલાં
કોઈ દર્દીના બે’ક સગાં
ઝડપથી અંદર ઘુસી ગયા.
પાંચ માળ ચઢી જાઉં કે થોભું
એ વિમાસણમાં
મારી નજર લિફ્ટમેન સાથે મળી.
એણે તરત જ
એ બંને સગાંને બહાર કાઢ્યા.
રહેવા દે, વાંધો નહીં,
હું દાદર ચઢી જઈશ
– આ બે વાક્ય હૈયેથી હોઠે આવે
એ પહેલાં તો હું લિફ્ટમાં પ્રવેશી ચૂક્યો હતો.
-વિવેક મનહર ટેલર
(૧૯-૦૭-૨૦૦૮)
વધુ ચાર પ્રકાશિત રચનાઓ…
પ્રકાશિત રચનાઓના આલ્બમમાં વધુ ચારનો ઉમેરો…
(“નવનીત સમર્પણ”, ઑક્ટોબર-2008…. …તંત્રી શ્રી દીપક દોશી)
(‘દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
(‘મને શબ્દ જો મળે રાહમાં’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
*
(“શહીદે ગઝલ”, સપ્ટે-નવે. 2008… …તંત્રી શ્રી શકીલ કાદરી)
(‘એક ઘેરો રંગ છે મારી ભીતર’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
(‘મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
આવો
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ…. ….સીગલ, નળ સરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.
ફરીથી કાળના પ્રારંભબિંદુ પર જઈને,
ફરી જીવન શરૂ કરવાનું ધારીએ, આવો.
થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.
આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,
કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.
અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.
-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૮)
છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા લલગા (ગાગા)
આ ગઝલ જે તરહી મુશાયરામાં સર્વપ્રથમ રજૂ કરી હતી એનો સચિત્ર અહેવાલ લયસ્તરો (કડી:૧, કડી:૨) પર આપ માણી શકો છો અને આ ગઝલ ગનીચાચાની જે પંક્તિના આધારે લખાઈ છે એ મૂળ ગઝલ અને આ ગઝલ વિશે રઈશ મનીઆરનો અભિપ્રાય ટહુકો.કોમ પર માણી શકો છો.)
(રવિવારે, તા. 28-09-2008ના રોજ ‘માય એફ.એમ 94.3’ પર પ્રસારિત થયેલા ગનીચાચાવિશેષ સ્વરગુર્જરી કાર્યક્રમમાં આ ગઝલ રજૂ થઈ હતી જે આપ ટહુકો પર સાંભળી શકો છો.)
दस का दम કે દસ કદમ..?…
दस का दम…! ના…આ ટી.વી. પર આવતા સલમાનખાનના બહુચર્ચિત ગેમ-શૉની વાત નથી.. આ વાત છે છેલ્લા થોડા સમયમાં અલગ-અલગ સામયિકોમાં પ્રગટ થયેલી પણ નેટ-ગુર્જરી પર પીરસવાની રહી ગયેલી મારી દસ પ્રકાશિત રચનાઓની. આજે શનિવાર, તા. ૧૩-૦૯-૨૦૦૮થી શરૂ કરીને પ્રતિદિન એક પ્રકાશિત ગઝલ આ જ પૉસ્ટ પર અપલોડ કરતો રહીશ જેથી પ્રતિદિન આ સાઈટની મુલાકાત લેનાર મિત્રને એક જ નવી પ્રકશિત રચના સાથે ભેટો થાય. ટૂંકમાં, આ દસ કા દમ નહીં પણ મારા દસ કદમ છે જેમાં કદમ-કદમ પર આપનો સાથ-સંગાથ અનુભવવાનું મને ગમશે…
(1-2)
(“શબ્દસૃષ્ટિ”, સપ્ટેમ્બર, 2008…. ….તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)
*
(3)
(“કવિતા”, જુન-જુલાઈ, 2008….. …..તંત્રી શ્રી સુરેશ દલાલ)
*
(4)
(“કવિ” (સુરતના કવિઓનો વિશેષાંક), ઑગસ્ટ,2008… …તંત્રી શ્રી પ્રો. મનોજકુમાર શાહ)
*
(5)
(“પ્રિયજન”, ઑગસ્ટ, 2008… …તંત્રી શ્રી: દોસ્ત મેર)
*
(6)
(“બુદ્ધિપ્રકાશ”, ઑગસ્ટ, 2008…… ….તંત્રી શ્રી મધુસૂદન પારેખ)
*
(7)
(“કવિ”, એપ્રિલ-2008…. …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)
*
(8)
(“કવિ”, એપ્રિલ-2008…. …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)
*
(9-10)
થાઈલેન્ડ – કેમેરાની આંખે
‘ફોર અ ચેઈન્જ’ આજે કોઈ કવિતા નહીં કે નહી કોઈ પ્રકાશિત રચના… આજે જરા જુદી જ વાત માંડવી છે અને એ પણ મારે નહીં,મારા કેમેરાએ…. ગયા મહિને પટ્ટાયા, થાઈલેન્ડ ફરી આવેલ મારા કેમેરાનો લેન્સ આપ સહુ સાથે કેટલીક વાતો કરવા તલપાપડ છે… એ આંખોથી કહે છે, આપ આંખોથી સાંભળજો… (૨૦ થી ૨૫ ઑગસ્ટ, ૨૦૦૮)
(પટ્ટાયાનો શ્વેત રેતી અને ભૂરાં પાણી અને છમ્મલીલાં કિનારાવાળો લગભગ મોજાંરહિત સમુદ્ર તટ)
*
(મારા રૂમની બારીમાંથી રિસોર્ટનું વિહંગાવલોકન)
*
(આ જાળાં યાદ અપાવે મને હિંદુસ્તાનની…)
*
(વોટર સ્પૉર્ટ્સ… પટ્ટાયાની મુખ્ય લાક્ષણિક્તા)
*
(કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો…)
*
(ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…)
*
(લેડી-બૉય દ્વારા થતો વિશ્વવિખ્યાત અલ્કાઝાર શૉ)
*
(રોયલ ક્લબ બીચ રિસૉર્ટનો એક ભાગ અને મારી જિંદગીનો બીજો હિસ્સો)
*
(ના…ના… હવે ઘરે પાછાં તો નથી જ જવું…)
પટ્ટાયા, બેંગકોક અને અલ્કાઝાર શૉના બાકીના ઘણાબધા ભાતીગળ ફોટોગ્રાફ્સ જોવા ઈચ્છતા મિત્રોનું અહીં સ્વાગત છે:
દુર્ભેદ્ય ગઢનો પહેલો કાંગરો…
(શ્વેત સમુદ્ર…. ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)
*
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના માસિક મુખપત્ર ‘પરબ’માં પહેલવહેલીવાર મારી ગઝલ. ઢગલોક સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો બાદ પહેલીવાર આ દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો આ મહિને ખર્યો… એનો આનંદ પંડેથી કાઢીને નેટ-ગુર્જરી પર…
(‘પરબ’, ઑગસ્ટ, 2008….. ….તંત્રી: શ્રી યોગેશ જોષી)
(આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)
કવિતા
(કોરતું ને કોરાતું એકાંત…. …..જુલાઈ, ૨૦૦૮)
*
તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!
-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)
तू न हो तो क्या हुआ ? (तस्बी गज़ल)
(જરા જરા ઉજાસ… …શોજા, હિ.પ્ર. નવે.-2007)
*
*
હું લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?
ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…
…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?
તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,
છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?
કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?
મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?
તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,
ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?
આ મેળે એકલું હજીય લાગતું નથી,
હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?
હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૦૮)
*
हिंदी में गज़ल लिखने का ना ही मुझे कौशल्य हाँसिल है, ना ही मुहावरा । इक प्रयोग के तौर पर फ़िर भी ये कोशिश की है । और फ़िर ये हिन्दी गज़ल भी तो नहीं, ये तो है महज़ इक अनुवाद । गौर फ़रमाईयेगा ।
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?
चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…
…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?
तू है-नहीं की बात में युगों है अंधियार,
है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?
कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,
उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?
यूँ रात पूरी रात काटने में काटी पर,
कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?
तू भूल गई जो उसी को कर के इस्तमाल
ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?
ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?
क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
-विवेक मनहर टेलर
(१५-०८-२००८)
તારા રંગે રંગાઈ હું તો આખી
(આઈનો…. ….સેરોલસર તળાવ, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)
* * *
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.
શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)
જીવતો જાગતો માણસ ફૂટ્યો…
જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.
ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
– વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬, ૩૦-૦૭-૨૦૦૮)
૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ વખતે લખેલું આ ગીત આ બ્લૉગને માત્ર ગઝલના બ્લૉગમાંથી કવિતાઓના ગુલદસ્તામાં ફેરવતી પહેલી રચના હતી. એ વખતે લયની દૃષ્ટિએ આ ગીત ઘણી જગ્યાએ ખોડંગાતું હતું. આજે પણ મારી સમજ પ્રમાણે લયમાં કરેલા ફેરફાર બાદ પણ અહીં લય પાક્કો ન થયો હોય એ બનવાજોગ છે. બેંગ્લોર અને બાદમાં અમદાવાદમાં ઉપરાછાપરી થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ અને સુરતમાંથી જડી આવેલ અઢી ડઝનથી પણ વધુ મોતના જીવતા સામાન સમા બૉમ્બના કારણે અસ્તવ્યસ્ત થયેલા માનસને પ્રસ્તુત કરતું આ ગીત કોઈ એકને પણ સ્પર્શી શકે તો ઘણું…
ઉમેરો
(કળા…ખાલી મોરનો જ ઈજારો? ….ઑગસ્ટ, ૨૦૦૭)
*
પ્રકાશિત કૃતિઓની શૃંખલામાં ત્રણ વધુ કૃતિઓનો ઉમેરો. જુન-૨૦૦૮ના “સંવેદન” માસિકમાં પ્રગટ થયેલી ત્રણ ગઝલો. (તંત્રી શ્રી જનક નાયક)
(આ ગઝલ ‘સંવેદન’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને જનક નાયક સંપાદિત ગઝલે-સુરતમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)
*
(આ ગઝલ અને એ વિશે મિત્રોના પ્રતિભાવ અહીં જુઓ)
*
(આ ગઝલ ‘સંવેદન’ ઉપરાંત લંડનથી પ્રગટ થતા ઑપિનિયન, કવિલોક, ગઝલવિશ્વ તથા કવિ સામયિકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)
સૉરી
(ભાવિને કરી શકાય છે શું સ્કૅન?… …જુન-૨૦૦૮)
*
મને એ સમજાતું નથી
કે આવડા નાના છોકરાને
સૉરી કહેવામાં શું તકલીફ પડતી હશે !
આમ તો જે કહેવા-કરવાનું
આપણે શીખવીએ છીએ,
એ તરત શીખી જાય છે.
ક્યારેક જબરદસ્તી કરવી પડે
પણ તોય વાંધો નથી આવતો.
આમ કર કહીએ એટલે થોડું મોઢું બગાડે
તોય કરી તો દે જ છેવટે.
પણ સાલું, આ સૉરી કહેવામાં ક્યાં બ્રેક લાગી જાય છે !
નાની અમથી ભૂલ…
પણ શિષ્ટાચાર તો શીખવવો જ પડે ને !
સૉરી બોલ, જોઉં..!
આટલું સૉરી નથી બોલાતું ?!
મારી સામે જો…
એક તીખી નજર સામે ઊઠી
અને મને ક્યાંક કશુંક ભોંકાઈ ગયું.
એની એ આંખોમાં અટકી ગયેલા સૉરીની પાછળ
મારો જ ગુસ્સો,
મારો જ ઊંચો અવાજ,
મારી જ હઠ,
મારી જ એક થપ્પડ
અને
થોડાક પાણીની પછીતે
એ
આખ્ખો ઊભો હતો !
-વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૦૮)