(આથમતા રંગ… …કિરો ડુંગર, છારી-ઢંઢ, કચ્છ, ઓક્ટૉબર-૨૦૦૯)
*
આ ગઝલ જ્યારે નેટ પર રમતી મૂકી હતી ત્યારે વિક્રમસર્જક પ્રતિભાવો જન્માવશે એની કલ્પના નહોતી પણ ગઝલ મૂકી અને ચારે બાજુથી ઈંટ અને કાંટા વરસવા શરૂ થયા અને જેવો આ વરસાદ શરૂ થયો કે તરત જ મિત્રતાની છત્રીઓ પણ મઘમઘી ઊઠી… આક્રમણ પણ દોસ્તોનું જ અને બચાવ પણ દોસ્તો તરફથી જ… એક આખી પૉસ્ટ મારે આપણી નિર્દંભ સંસ્કૃતિની મૂળભૂત પારદર્શિતા અને હાલની નકરી દંભ અને અપારદર્શક્તા વચ્ચેના વરવા વિરોધાભાસ અંગે કરવી પડી..
મૂળ ગઝલ અને એ વિશે મળેલા પ્રતિભાવ આપ અહીં જોઈ શકો છો: “એક વેશ્યાની ગઝલ”
આપણી સંસ્કૃતિ ખરેખર કેવી હતી એ વિશેની વાતો અને મિત્રોના ઢગલાબંધ પ્રતિભાવ આપ અહીં માણી શકો છે: “એક વેશ્યાની ગઝલ – મારે કંઈક કહેવું છે”
કોઈ સંપાદક આ ગઝલ છાપવાની હિંમત પણ નહીં કરે એ વિચારથી આ ગઝલ આજ સુધી ક્યાંય મોકલાવી પણ નહોતી પણ ‘શહીદે-ગઝલ’ના સંપાદક શ્રી શકીલ કાદરીનું કામ અને જિગર બે વરસ સુધી પ્રમાણ્યા પછી અ ગઝલ એમને મોકલી આપી અને સામી છાતીએ તરતા આ તંત્રીએ આ ગઝલ છાપવાનું જોખમ ઊઠાવ્યું એ બદલ એમનો આભાર પણ માનું છું…
(શહીદે-ગઝલ, માર્ચ-મે-૨૦૧૦…. …તંત્રી શ્રી શકીલ કાદરી)
*
પ્રકાશિત રચનામાં થોડી છાપ-ભૂલ રહી ગઈ હોવાથી આખી ગઝલ પણ સાથે બીડું છું:
રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
ભૂખ, પીડા, થાક ને અપમાનના અશ્વો લઈ
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
દુનિયાભરની વાત બેઠો છે દબાવીને છતાં,
હર્ફ ના ઉચ્ચારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?
જ્યાં કદી ના આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !
***
સૂક્ષ્મ અર્થ જોવાની તૈયારી હોય અને મનના મકાનના બારી-બારણાં ખુલ્લા રાખવાની પારદર્શિતા હોય તો અને તો જ આ ગઝલ હકીકતે એક વેશ્યાના દુઃખને સમજીને લખવામાં આવી છે એ વાત તરત સમજી શકાશે.
વેશ્યા તો રાત્રે કામ કરે છે તો પછી સૂર્ય શી રીતે એની વેદનાનું પ્રતીક હોઈ શકે? સૂર્ય કદાચ એના વાસ્તવ અને સ્વપ્નની વચ્ચેનો તફાવત ગાઢો બનાવે છે, એની રાતોની વાસ્તવિક્તા અને એના દિવસોના સ્વપ્નો !
વેશ્યાનું વિશ્વ જન્મે છે અને ટકે છે એના ગુહ્યાંગ પર, બે જાંઘની વચ્ચે ! આપણા ‘કહેવાતા’ સભ્ય અને સુસંસ્કૃત સમાજમાં પૂરી પ્રામાણિક્તાથી કહેવું હોય તો કહી શકાય કે વેશ્યાને આપણે મનુષ્ય તરીકે કદી સ્વીકારી નથી… એ એક શરીર માત્ર છે અને મુખ્યત્વે યોનિ અને સ્તન… એ એક સ્ત્રી નથી, કામવાસના સંતૃપ્તિનું મશીન માત્ર છે. અને આ મશીન ક્યાં વસે છે એ આપણે સહુ જાણીએ છીએ.
સૂર્ય આપણા અસ્તિત્વની મૂળ રોશની છે. સૂર્ય જિંદગીનો મૂળ સ્ત્રોત છે. સૂર્ય આપણા હોવાપણાંની શરૂઆત છે. અને એટલે જ જ્યારે મારે વેશ્યાની વાત કરવી હોય તો ‘બે જાંઘની વચ્ચેનો સૂર્ય’થી વધુ “સભ્ય” કોઈ અન્ય રદીફ જડી નહીં કેમકે આ સ્ત્રીના અસ્તિત્વની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે, એનું અસ્તિત્વ નભે પણ એના પર જ છે અને ખતમ પણ ત્યાં જ થાય છે…
હું આશા રાખું છું કે સુજ્ઞ ગુજરાતી વાચકો પાસે એટલું નિર્દંભ હૃદય તો છે જ કે આ ગઝલ નાકનું ટેરવું દબાવ્યા વિના વાંચી શકે… બાકી આ દેશમાં મરાઠી ન શીખી શકો તો રાજ્ય છોડી જવું પડશે એવું કહેનાર તાનાશાહો હજી જીવે છે અને એમની ધમકી માનનાર જીવડાં જેવા લોકો અને એમનો વિરોધ કરવાની હિંમત ન દેખાડી શકનાર શિક્ષિતો અને રાજકારણીઓ પણ છે જ…