હોઠે આવીને રોકાઈ ગયેલી વાત…

કેટલીક વાતો રૂબરૂમાં થઈ શક્તી નથી. હોઠ લગી આવે છે અને પાછી વળી જાય છે. આવી જ કોઈક પાછી વળી જતી વાતની આ વાત… શું આ જ ગઝલ છે? પણ મારી અને તમારી વચ્ચે તો કોઈ એવી વાત જ નથી જે હોઠેથી આવીને પાછી વળી ગઈ હોય… એક વધુ પ્રકાશિત રચના… મારા આર્કાઈવ્ઝમાં ફરી એકવાર ઉમેરો ! આભાર…

Shahide-ghazal_Hothe aavi vaat je
(શહીદે ગઝલ, જુન-ઑગષ્ટ-08….            …તંત્રી: શ્રી શકીલ કાદરી)
( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…)

મિડલ ક્લાસ હાઉસ વાઈફ

_MG_2242
(સમયના શરીરે કરચલીનું જાળું…. …)
(સેરોલસર તળાવ પાસે, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)

*

હસબંડ આખો દિવસ ઑફિસમાં વ્યસ્ત.
કંપની મોટી
એટલે
કામ પણ મોટું.
ઑફિસ અવર્સ પછી
બિઝનેસ મિટિંગ્સ, બિઝનેસ પાર્ટીઝ ને ક્યારેક બિઝનેસ ટ્રિપ્સ…
છોકરાને શું કહેવું ?
એ કૉલેજમાં વ્યસ્ત… કૉલેજ પછી મિત્રોમાં…બાકી એની જાતમાં…
રસોઈ કૂક બનાવી જાય.
કચરા-પોતાં, વાસણ-કપડાં લક્ષ્મીબાઈ કરી જાય.
એની છોકરી વળી
સાંજે આખા શરીરને મસાજ પણ કરી જાય.
શરીર દબાય ત્યારે ખૂબ સારું લાગે છે.
દર્દ ભાગી જાય છે.
પણ એ મસાજ કાયમ અધૂરો લાગે છે…
બધું કેમ દબાવી-ભગાવી નથી શકાતું ?
આખો દિવસ
ઇન્ટરનેટ લઈને ખાલી ખાલી બેસી રહું છું
પણ ખાલીપાના વાસણમાં
થીજી ગયેલા સમયને
ચોસલાં પાડી
નેટ-મિત્રો, ચૅટ-મિત્રોમાં વહેંચી
કેમે પૂરો કરી શકાતો નથી.
અને
કમ્પ્યૂટર પર બેઠી હોઉં તો પણ
પીઠ પાછળ
દીવાલોના બનેલા ખાલી ઓરડામાં
ફૂલ વૉલ્યુમ પર ટીવી સતત ચાલુ જ રાખું છું.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

નવા આકાશ…

શનિવારે સવારે મારી વેબસાઈટ પર મારી નવી રચના માણવા આવનાર વાચકમિત્રોને આજે ફરી એકવાર ધરમ-ધક્કો… આજે ફરી મારી એક પ્રકાશિત રચના જ અહીં મૂકું છું. નાની નાની સફળતાઓના આ નાના નાના આનંદને આપ સહુ સાથે વહેંચ્યા વિના આગળ વધવાનું ગમતું નથી. મારી કાવ્ય-યાત્રામાં જેટલો હું મારી સાથે રહ્યો છું, આપ સહુ પણ એટલા જ મારી સાથે શરૂઆતથી રહ્યા છો. મારી એક-એક કવિતાને મિત્રોનો જેટલો સાથ અને સદભાવ સાંપડ્યો છે એટલો ભાગ્યે જ કોઈ અન્ય કવિને સાંપડ્યો હશે અને એના માટે ઇન્ટરનેટના આ માધ્યમનો પણ જેટલો આભાર માનું એટલો ઓછો છે.

Kavilok- Naso ma Bhavna Na
(‘કવિલોક’ …..                             ….તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

શું છૂટકો છે ?

લખવાનું કામ જ્યારે બંધ હોય ત્યારે છપાવવાનું યાદ આવે… લાંબા સમયથી ગઝલ-લેખન અટક્યું છે ત્યારે ગઝલ-પ્રકાશનનું કાર્ય અનવરુદ્ધ ચાલતું રહે એમ કરવાની ઈચ્છા રહે છે… ગઝલ-વિશ્વના છ મહિના મોડા પ્રકાશિત થયેલા અંકમાંની આ ગઝલ આપ પૉસ્ટ તરીકે અહીં તથા પ્રકાશિત રચના સ્વરૂપે અહીં માણી ચૂક્યા છો…

Ghazal Vishwa- Mane na puchh
(ગઝલ વિશ્વ, ડિસે.,2007…     ….સંપાદક: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અંકિત ત્રિવેદી)

એમ નથી, દોસ્ત…

IMG_0742
(પ્રેમરસ પાને તું…..                   ….ચૈલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

*

પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.

સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત.
**

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

પડછાયા જીવનમાં કદી લાંબા, કદી ટૂંકા…
અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.

છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.

શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૦૮)

છંદ વિધાન : ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા

(** = આ શેર હાલ પૂરતો આ ગઝલમાંથી રદ કર્યો છે. કાફિયા-દોષ તરફ ધ્યાન દોરવા બદલ શ્રી અનિલ પરીખનો આભાર. ગઝલમાંથી રદ કરવા છતાં આ શેર પોસ્ટ પરથી હાલ એટલા માટે દૂર કરતો નથી કે વાચકોને ખ્યાલ રહે કે માણસ માત્ર ભૂલને પાત્ર)

ઊઘડી ગ્યાં સાતે પાતાળ

પ્રકાશિત રચનાઓની શ્રેણીમાં વધુ એક ગીત… આગળ પગલું ભરવું દોહ્યલું થઈ પડે એમ ભરબપ્પોરે કોઈની નજરની ફાંસ વાગી જાય ત્યારે ભરચક્ક મેળાની વચ્ચોવચ્ચ જાતના ઓગળી જવાના કોઈ અહેસાસને કંડારતું અને મને ગમતું આ ગીત કવિતાના પૃષ્ઠ પરથી સીધું આપના માટે…

Kavita- Najaryu ni vaagi gayi faans

(‘કવિતા’, એપ્રિલ-મે: ૨૦૦૮…. …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
(આ ગીત અને એના વિશેના મિત્રોના અગાઉના પ્રતિભાવ આપ અહીં ફરી એકવાર માણી શકો છો)

હરીફાઈ

support
(ટેકો….              ….મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

એ નાનો હતો
ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
ગાડીમાં આગળ
મારી બાજુની સીટ પર બેસતી.
એ થોડો મોટો થયો
એટલે અમે એને પાછળની સીટ પર
-આખી સીટ તારા એકલાની-
કહી બેસાડતાં હતાં.
પણ થોડો વધુ મોટો થયો
ત્યારે એણે જબરદસ્તીથી
મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
અને પોતે આગળ.
કારણ કંઈ નહીં.
આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
અમને લાગ્યું
કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
અથવા
બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
એક દિવસ બપોરે
એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
દબાઈને સૂઈ ગયો
અને મારા ગાલ ખેંચ્યા-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

એકલતા


(સુખનો ચહેરો….            …સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

.

રાત્રે
ઊંઘમાંથી ઊઠીને
એ બૂમ પાડે-
મમ્મી… પપ્પા…
અને રડવા માંડે.
જાગી જઈને
ક્યારેક હું
તો ક્યારેક એની મમ્મી એને પૂછે-
શું થયું, બેટા ?
એ બોલે નહીં
બસ, હીબક્યા કરે.
અંતે ક્યાં તો
હું એની પથારીમાં જઈને સૂઈ જાઉં
કે મમ્મી એને અમારી પાસે બોલાવી લે.
આ રોજનો નિયમ.
સવારે પૂછીએ તો કહે
કે મને ડર લાગે એવાં સપનાં આવે છે.
અમે કાર્ટૂન ચેનલ્સના માથે દોષનો ટોપલો ઢોળી દઈએ-
સાલાઓ… ટી.વી. પર શું શું બતાવ્યા કરે છે આખો દહાડો…
પછી
અમે એને સાથે સુવાડવાનું શરૂ કર્યું.
સમ ખાવા પૂરતો ય

એક પણ રાત્રે
કદી અધવચ્ચે જાગ્યો જ નહીં.
કાર્ટૂન્સ જોવાનું તો
એણે હજી છોડ્યું જ નહોતું.

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

ફફડતું રહે છે…

PB134857
(જરઠ ઝાડ…                      …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૪-૨૦૦૮)

(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)

તને ચાલશે ?

P6020342
(દમણના દરિયે…                          …૦૩-૦૬-૨૦૦૬)

*

મારી વેદનાનો રણઝણતો સાગર
એક આંસુમાં આપીશ
– તને ચાલશે ?

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

વયસ્ક

The glory of Taj

(મૂર્ત પ્રેમ….                               ….તાજ, આગ્રા, મે-૨૦૦૫)

બપોરે
અમને બંનેને
પોતાના નાનકડા ખોળામાં ઢબૂરી
અમારા બંનેના માથા પર
ક્યાંય સુધી
પોતાના નાના-નાના હાથ
પસવાર્યા કર્યા પછી
અમારો દીકરો બોલ્યો-
‘તમે બંને મારા નાનાં-નાનાં બેબી છો’.
સવારે જ એણે
મમ્મીને પૂછ્યું હતું,
‘કાલે પપ્પાએ તને કેમ માર્યું હતું?’

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૫-૨૦૦૮)

હર ક્ષણ ઝઝૂમવાનું…

ખૂબ નાનો હતો ત્યારથી અખંડ આનંદ વાંચતો. નાનપણથી જ પ્રશિષ્ટ વાચન તરીકે એની છાપ મનમાં દૃઢ. કવિતા લખતો થયો ત્યારે પણ કદી આ પાનાંઓ પર મારું નામ આવશે એવું વિચાર્યું નહોતું. આજે ચાર મહિનાના ટૂંકા ગાળામાં મારી બાળપણની સ્મૃતિઓ સાથે અવિનાશીપણે સંકળાયેલા આ પૃષ્ઠો પર બીજી વાર મારી ગઝલ જોઈ જે અ-ખંડ આનંદ થઈ રહ્યો છે એ તમને તો કહું જ ને ?

Akhand Anand-apr-08

Akhand anand - Shwaso na taankana thi
(અખંડ આનંદ, એપ્રિલ-2008….             ….સંપાદક શ્રી હરિકૃષ્ણ પાઠક)

આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…

પ્રકાશિત રચનાઓ…

શબ્દ સૃષ્ટિના અંકમાં છપાયેલી આ ગઝલથી સહુ મિત્રો પરિચિત છે જ… આ સાથે દિવ્ય-ભાસ્કરના નેટ-એડિશનમાં પ્રગટ થયેલા ગીતની લિન્ક પણ અહીં મૂકું છું. પ્રકાશિત રચનાઓ અહીં મૂકતા રહેવાનો હવેનો મારો મુખ્ય હેતુ એક કાયમી રેકૉર્ડ રહે એ પણ છે.

Divya Bhaskar

એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ


(ભલે શૃંગો ઊંચા….                  ….સાંગલા, કિન્નૂર વેલી, નવે.,૨૦૦૭)

કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.

હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.

પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?

એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.

ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૦૮)

છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા

ગઝલો વાંચજો


(પીળું સોનું….                                 …સાંગલા, કિન્નૂર, નવે-૨૦૦૭)

દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૦૮)

છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગા

કાશ, એવીયે અદીઠી પળ મળે…


(સાથી હાથ બઢાના….               ….સાંગલા વેલી, કિન્નૂર, નવે.,૨૦૦૭)

‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

આ સમંદરમાં ય જો લોહી ભળે, ખળભળ મળે,
ચંદ્રની કોશિશ બાકી સૌ હવે નિષ્ફળ મળે.

ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?

ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

-વિવેક મનહર ટેલર
(ફેબ્રુઆરી, ૧૯૯૨)

ઘરનો રસ્તો નથી


(નિરાંતનો કસ…                  ….સાંગલા ગામ, હિ.પ્ર., નવેમ્બર-૨૦૦૭)

શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.

તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.

અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.

હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)

છંદ-વિધાન: લગાગા | લગાગા | લગાગા | લગા

શે’ર


(અમે બરફનાં પંખી….            … સાંગલા વેલી, નવે.-૦૭)

*

*

ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે  છે  આવી  રોજેરોજ  એ  શાથી ટપાલમાં ?

-વિવેક મનહર ટેલર
(૧૯૯૦)

વધુ બે પ્રકાશિત રચના…


(થીજેલી કવિતા…           ….ઘાસ, ઝરણું અને પ્રકૃતિ, સાંગલા વેલી, નવે.-૦૭)

*


(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી-૦૮…..          …તંત્રી: શ્રી મધુસૂદન પારેખ)

*

(“કવિ”, ફેબ્રુઆરી-૦૮…..            …તંત્રી: શ્રી પ્રો. મનોજકુમાર શાહ)

તું વૃક્ષ છે કે પછી વેલી?


(સફેદ સોનું….               …ચિતકૂલ, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

*

તું મારા ટેકે છે કે તારા ટેકે હું, ઊકલે ના આ એક પહેલી,
તું વૃક્ષ છે કે પછી વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

આસમાની આંધીઓ વીતી ગઈ ને તોય
.                       હોવાપણાંના ઝાડ હેમખેમ;
રહી રહીને શંકા આ જાગે છે મનમાં,
.                 પોત મારામાં આટલું હતું કે કેમ?
મૂળસોતા ઝાડને ઉખડતા બચાવે એને કેમ કરી કહેવાની વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

મને વીંટીને તું એવું જીવે કે લાગે
.                   મારા વિના તું ના સંભવ;
પગ સાથે પડછાયો ચાલે એમાં ક્યાંથી
.                  પગલાં પડે કે ઊઠે પગરવ ?
એકલું લાગે ને કદી પાછું જોઉં તો તું સાથે ને સાથે ઊભેલી.
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૧-૨૦૦૮)

ગુવારસીંગનો છોડ…


(કુદરતની કરામત…            …સાંગલા વેલી, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)

સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ,
ગુવાર મને દીઠી ન ભાવે, લે બોલ !

એક-એક ડાળી પર ઝૂમખાં લચે,
આ મૂઈ એની પક્કડથી ક્યાંથી બચે ?
રોમ-રોમ ફાલે જે એનો શો તોડ ?
જ્યાં જઉં ત્યાં એ સામો જ આવે, લે બોલ !

શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૭)

ગોદડાંમાં શું ખોટું?


(……                   …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

મમ્મી  બોલી,  ઠંડી  આવી,  સ્વેટર  પહેરો  મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની   અંદર   હું   કેવો   મસ્તીથી  આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં  તો  છોટુ  થઈને   રહેશે   ખાલી  છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

નજર્યુંની વાગી ગઈ ફાંસ…


(ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના….      …પુષ્કર, રાજસ્થાન, ૧૯૯૯)

ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
              એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

દલડાની પેટીમાં સાચવીને રાખેલા
                           ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
                      ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
                                અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
                                    મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
                                  ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
                                       ‘વાંહે આવ્યો તું’નો ઢોલ.
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)

ગઝલે સુરત

કોઈ પણ શહેરના હયાત તમામ ગઝલકારોને એક જ જગ્યાએ સમાવી લે એવો જાજરમાન મુશાયરો બે પૂંઠાની વચ્ચે કદાચ આ અગાઉ થયો નથી. ૨૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે સુરતના હયાત ૪૧ જેટલા ગઝલકારોની કુલ ૭૬ જેટલી રચનાઓને સમાવી લેતી પુસ્તિકા “ગઝલે સુરત”ના લોકાર્પણવિધિ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પુસ્તકમાં સ્થાન પામેલા મોટા ભાગના કવિઓએ પોતાની રચના જનસમુદાય સમક્ષ રજુ કરી હતી. કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના પુસ્તકમાં મારી ગઝલો પ્રગટ થવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. આ પુસ્તકમાં પ્રગટ થયેલી મારી ગઝલો અહીં રજૂ કરી છે અને આ તમામ ગઝલકારોના ચુનંદા શેરનું સંકલન પણ આપ ‘લયસ્તરો’ ખાતે કડી-1 અને કડી-2 મુકામે માણી શકો છો…


(“ગઝલે સુરત”….            …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. 25)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563

.

*

.

લગ્નજીવનની અગિયારમી વર્ષગાંઠ પર…


(અમારું ‘અમે’નું ઘર….           …સોજા, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)
(૨૬-૦૧-૧૯૯૭ ~:~ ૨૬-૦૧-૨૦૦૮)

*

પરિણય  નામ  છે  સંસારયજ્ઞે  ભેળા  તપવાનું,
પ્રણયના સાત  પગલાંથી નવી કેડીઓ રચવાનું;
વફાનું  બાંધી  મંગળસૂત્ર  પોતે પણ  બંધાવાનું,
વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના  ઘરમાં વસવાનું !

-વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૦૭)

હરિયાળો રણદ્વીપ

પ્રિય મિત્રો,

આજકાલ કવિતા અને કવિ વચ્ચે છત્રીસનો આંકડો ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ભાગ્યે જ કશું લખાયું હશે એટલે શું પીરસવું અને શું ન પીરસવાની દ્વિધા ભોગવ્યા પછી આજે ફરીથી નવા વર્ષની મને મળેલી અન્ય એક ભેટ લઈને આપ સૌ સમક્ષ આવ્યો છું. ઝાંઝવાના ખુલ્લા પગ લઈને પથરાળા રસ્તે નીકળ્યો હતો ત્યારે ખ્યાલ ન્હોતો કે હરિયાળો રણદ્વીપ મારી પ્રતીક્ષામાં હશે. મારા આ હરિયાળા રણદ્વીપ પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે…


(“કવિતા” – ડિસેમ્બર, ૨૦૦૭ – જાન્યુઆરી,૨૦૦૮…. ….તંત્રીશ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
(આ રચના આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો અને એના છંદ-બંધારણને લઈને થયેલી મીઠી નોંક-ઝોંક અને મજાની જ્ઞાનગોષ્ઠિ આપ અહીં માણી શકો છો. આ અગાઉ ‘કવિતા’માં પ્રગટ થયેલી રચનાઓ 1,2,3 પણ આપ માણી શકો છો.)

શે’ર


(સરકી જાયે પલ…                …બાપ્સા નદી, સાંગલા, હિ.પ્ર. નવે-૨૦૦૭)
(શટરસ્પીડ ૧/૧૦ સેકન્ડ)

*         *         *         *         *


(શટરસ્પીડ ૧/૧૦૦૦ સેકન્ડ)

*

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૫-૧૯૯૫)

નવા વર્ષની પહેલી ટપાલ…

નવા વર્ષના પહેલા જ દિવસે ટપાલમાં ‘નવનીત સમર્પણ’ની બબ્બે પ્રત આવી એ જોતાંની સાથે હૈયું એક ધબકારો ચૂકી ગયું. આમ તો આગળ ટપાલ દ્વારા જાણ થઈ જ ગઈ હતી પણ ‘નવનીત’ના પૃષ્ઠો પર આ અગાઉ પોતાનું નામ કદી જોવાયું નહોતું એટલે પુસ્તક ખોલતીવેળાએ રૂંવાડા ઊભા થઈ ગયા. મારા એ અકબંધ રોમાંચને આપ સૌ સાથે કેમ ન વહેંચું ? અરે, ધ્યાન રહે… આ રોમ-રોમ કંઈ આજે શિયાળાની ઠંડીના કારણે ખડા નથી થઈ ગયા,હંઅઅ… 

 


(‘નવનીત સમર્પણ’, જાન્યુઆરી-૨૦૦૭…..                   …..સંપાદક: શ્રી દીપક દોશી)

(‘ગત-અનાગત’વાળી ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો)
(‘પાણી ભરેલાં વાદળો’વાળી ગઝલ પણ અગાઉ અહીં પ્રકાશિત થઈ ચૂકી છે)

ત્રીજા વર્ષમાં પ્રવેશતી વેળાએ…

પ્રિય મિત્રો,

નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !

શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.

“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.

ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.

આભાર !

વિવેક મનહર ટેલર.


(“અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭….           ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)


(“કવિલોક”, સપ્ટે-ઓક્ટો- ૨૦૦૭…..            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

ત્રણ હાઈકુ


(ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે…        …જાલોરી પાસ, હિ.પ્ર., નવે.’૦૭)

.

ખાલી આભને
શ્રાવણનાં, બનાવું-
રણની હોડી !

*

અરીસો ફૂટે
કણ કણ થૈ જાઉં,
છાયા ન મીટે.

*

તડકાસળી
વીણીને માળો બાંધે
સમયપંખી.

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

એ આશામાં જીવે છે લાશ…


(ભલે શૃંગો ઊંચા….                 …ચિતકૂલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

નસોમાં ભાવનાના ઊઘડે શું નિત-નવાં આકાશ ?
રુધિરની એની એ ક્ષિતિજ, હૃદયમાં શી નવી ગુંજાશ ?

દુઆઓની કીધા કરવાની મારે વાવણીઓ ફક્ત;
દુઃખોની એની એ મળતી રહે હંમેશની પેદાશ.

મને શી જાણ કે તુજ વાંસળીનો છે નદીમાં અંત ?
મુષક મારા આ દિલના ઊલટું ધારી ચૂમ્યાં’તાં તુજ પાશ.

‘હવે હું છું સુખી’ કહેતાં રડેલી આંખ તું ના દેખ,
દદડવાની છે આદત આંસુને તો જો મળે અવકાશ.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

તરત તૂટી ગયું એ પણ, ઉઠાવ્યું મેં જો સુક્કું પર્ણ;
હું સુક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ.

ધધકતાં કષ્ટ, કાળી રાતનું એકાંત, અંગત વાત;
સવારે એક ગોળો સૂર્ય થઈ સળગ્યો કે પર્દાફાશ !

નવાં ગીતો સુણાવ્યા હોત મેં પણ પ્યારના ઢગલોક,
નવી બસ એક દીધી હોત મુજને દાદ કોઈ, કાશ !

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૫-૧૯૮૯)

છંદ-વિધાન : લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગાગાગા

વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?


(સાંગલા, કિન્નૂર વેલી, હિમાચલ પ્રદેશ…           … નવેમ્બર,૨૦૦૭)

અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?
આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
ગમે તે માર્ગ લો… સમુદ્ર સુધી પહોંચવાનું છે !

એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા હું ને તારી સાથે જીવવાનું છે.

સવારે રોજ વાસ્તવિક્તા ફૂટપાથ ચીરશે,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

-વિવેક મનહર ટેલર
(૦૮-૧૦-૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા | લગાલગા | લગાલગા | લગાલગા

ડર, મારા ડર ! તું મારાથી ડર


(ગુલાબી ઠંડીમાં…       …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

ડર, મારા ડર ! તું મારાથી ડર,
ઝટ્ટ્… પટ્ટ્… ફટ્ટ્… મારા દિલથી નીકળ

મોટો ભા બનીને
                          નાના બચ્ચાને ડરાવે ?
મુઠ્ઠી હિંમત લાવું તો
                  શાને તું દૂર ભાગે?
    કર, થોડી કર, થોડી શરમ કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

અંધારામાં શું તું મારા
                      હાથ-પગ આ ખાશે ?
એ બ્હાને તો ચાલ ને,
                         તારું મોઢું તો દેખાશે !
             છે જ નહિ તો હોવાનો તું ઢોંગ ન કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

-વિવેક મનહર ટેલર
(૦૧-૧૧-૨૦૦૬)

સાબુભાઈની ગાડી


(……                     …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

(હિમાચલ પ્રદેશના પ્રવાસની ધમાલમાં ચૌદ નવેમ્બર, બાળદિનના નિમિત્તે અને મારા લાડલા સ્વયમ્ ની વર્ષગાંઠ પર એક બાળગીત મૂકવાનું ચૂકાઈ ગયું. એની સજારૂપે એક બાળગીત આજે અને એક આવતા શનિવારે પણ…)

જાણજો કે વેદના ગાતી મળી…


(દિપોત્સવી મુબારક અને નૂતન વર્ષાભિનંદન…           …૨૦૦૬)

ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.

સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

કેવું મોટું? આવું? – કહીને દેડકી
જ્યાં સુધી ન ફાટી, ફુલાતી મળી.

તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૦૭)

છંદવિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા

(સૌ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. દિપોત્સવી પ્રવાસના અંતર્ગત આવતા શનિવારે આપ સૌને મળી શકાશે નહીં એ બદલ દિલસોજી. નવું વર્ષ આપ સૌ માટે આરોગ્યપ્રદ અને ખુશહાલ નીવડે એવી મનોકામના.)

ફરી એકવાર…

આ વર્ષની પ્રકાશિત રચનાઓમાં ફરી એકવાર થોડો ઉમેરો… આ વર્ષે વારંવાર પ્રકાશિત રચનાઓ લઈને આપ સૌ મિત્રોને મળવાનું શક્ય બની રહ્યું છે એ મારા માટે તો ખુશીની વાત છે જ. સાભાર પરતના પત્રો કરતાં સાભાર સ્વીકૃતિના પત્રોની સંખ્યા વધે એ કોને ન ગમે? પણ એક વાત કહું? મારી આ નાની નાની સફળતા પાછળનું ખરું ચાલકબળ અન્ય કંઈ નહીં, પણ આપનો એકધારો પ્યાર અને પ્રોત્સાહન જ છે. મારા સ્વપ્નોને વાસ્તવની ધરતીનો આધાર આપવા માટે ‘આભાર’ શબ્દ થોડો નાનો પડે છે, શું કરું?

(‘સંવેદન’ – સપ્ટેમ્બર-ઑક્ટોબર,૨૦૦૭…. …સંપાદક: જનક નાયક)


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

.


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

.


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

ડંખીલો


(કણકણમાં સૌંદર્ય…                …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

ઉંબરેથી
બ્હાર ઓટલા પર
પગ મૂકતાની સાથે જ
મોઢેથી ચીસ નીકળી ગઈ…
ઝાટકાભેર પગ પાછો ખેંચાયો…
હાથમાંથી સવારનાં પેપર છટકી ગયાં…
…ઊભી ખીલી ઘૂસી ગઈ કે શું?
જોયું તો
એક મંકોડો !
એનો ડંખ વધુ ઊંડે ઉતરી જાય એ પહેલાં જ
ઝડપી ને જોરદાર ઝાપટ મારીને
એને દૂર ફગાવી દીધો.
મોઢાની ચીસ અટકી તો પગની ચાલુ !
લોહી પણ નીકળી આવ્યું.
‘ખતમ કરી નાંખ એને’-
-મારી ત્રાડના દોરડે બંધાયેલ
અને હજી આ દૃશ્ય પચાવવા મથતા
મારા નાના-અમથા દીકરાએ
ચંપલ ઊપાડી
અને પેલા મંકોડાને
એકવાર, બે વાર, ત્રણવાર- બરોબર ચગદી નાંખ્યો.
હજી એનો ડંખ ચટકા ભરતો હતો પગમાં….
…એના માટે તો એ ડંખ
માથે પડી રહેલા વિશાળકાય પગ સામેની
આત્મરક્ષાની કોશિશ હતી કદાચ…!
લોહીના કાળા લિસોટાને જોઈને
મારા દીકરાએ પૂછ્યું-
‘પપ્પા, બહુ ડંખીલો હતો?’
‘કોણ બેટા?’

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૭-૨૦૦૭)

મને શબ્દ જો મળે રાહમાં


(કણસલું….                      …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

મને શબ્દ જો મળે રાહમાં, કહું તો હું આટલું કાનમાં;
બીજું કોઈ ઘર ના ગમ્યું કદી, મને રાખ તારા મકાનમાં.

આ શરીર યાને જરા હવા કરે આવજાવ વિરાનમાં,
હલે તો હલે કોઈ પાંદડુ, બધું સ્થિર અન્યથા સ્થાનમાં.

સદી ગ્યું છે સદીઓથી પિંજરું, ન પૂછો મજા શી ઉડાનમાં ?
જુઓ બસ, અમારી આ આંખમાં અને સમજી લો બધું સાનમાં.

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

અથવા#

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ? #

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

-વિવેક મનહર ટેલર
(૧૬-૦૯-૨૦૦૭)

છંદવિધાન : લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા (કામિલ છંદ)

# પ્યારા દોસ્તો,

આ વખતે એક કસરત આપ સૌ માટે… ક્યારેક કવિતા લખતાં-લખતાં કોઈ અકળ મૂંઝવણ થઈ આવે છે અને કોઈક પંક્તિ આપણી ચેતના પર હાવી થઈ જાય છે… ક્ષણ તરફ જવું કે સદી તરફ એ નક્કી ન કરી શકાય. મારે જે કહેવું છે એ આ પંક્તિમાં બરાબર કહી શકાશે કે પછી પેલી પંક્તિમાં એ સમજવું અશક્ય થઈ જાય. આ ગઝલમાં એવી જ કંઈ દુવિધા અનુભવી અને ‘રીડર્સ ચોઈસ’ જાણવાનો વિચાર મનમાં આવ્યો… હું શું કહેવા માંગું છું એ નહીં કહું. આપ આ બે શેરમાં કયા શેરમાં અર્થચ્છાયા વધુ સારી રીતે પકડી શકો છો એ જાણવું છે. બેમાંથી કયું ‘વર્ઝન’ આપને વધુ ગમ્યું એ જણાવો અને જો બંને શેર અયોગ્ય કે અર્થહીન લાગે તો એ પણ બિન્દાસ્ત જણાવજો કેમકે આ વખતે બૉલ આપના કૉર્ટમાં છે…

ક્યાંથી તારવા ?


(પાંદડે પાંદડે મોતી…                           …સપ્ટેમ્બર, ૨૦૦૭)

પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલને શી રીતે તારવા ?

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું મારવા ?

-વિવેક મનહર ટેલર
(૦૩-૦૮-૨૦૦૭)

છંદ-વિધાન: ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા

ફરી એકવાર ભીંજાવાની મોસમ…

સામાન્ય રીતે વાત એવી બનતી હોય છે કે કોઈ કાગળ પર તમારી કવિતાનું તમે સરસ મજાનું કૉમ્પ્યુટર પ્રિન્ટ-આઉટ કાઢીને ટપાલ-ટિકિટનો ખર્ચો કરીને કોઈ સામયિકના તંત્રીને મોકલો (સાથે પૈસા ખર્ચીને પોતાના સરનામાવાળું પૉસ્ટકાર્ડ પણ ખરું જ સ્તો!) અને થોડા વખત પછી તકિયાકલામ જેવી બે લીટીમાં ‘સાભાર પરત’નો સંદેશો તમને મળે. પણ કોઈકવાર આનાથી સાવ વિપરીત થાય તો?

રવિવારની એક સવારે મુંબઈથી પ્રિય સખી મીના છેડાનો ફૉન આવ્યો કે તરત જ કૉફીની વરાળ સમી સવાર ખુશનુમા બની ગઈ. ‘અભિનંદન, અલ્યા ! તારી કવિતા તો ‘મુંબઈ સમાચાર’ની રવિવારીય પૂર્તિના પહેલા પાના પર આવી છે…’

‘પણ ત્યાં કેવી રીતે?’ નો પ્રશ્ન જેવો ઊગ્યો એવો જ આથમી પણ ગયો. ‘મહેફિલે-ખાસ’ વિભાગમાં મુકુલ ચોક્સીની ‘લયસ્તરો‘ પર સૌપ્રથમવાર પ્રગટ થયેલી અક્ષુણ્ણ ગઝલની સાથે મારી વેબ-સાઈટ પર પ્રગટ થયેલું આ ગીત… મારી બંને વેબ-સાઈટના કોઈ રસિક મિત્રે અમારા બંનેની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ને મોકલી આપી હશે… ‘સાભાર-પરત’ના કાગળિયાઓના વરસાદની વચ્ચે સાવ આમ અચાનક કોઈ કવિતા જ્યાં કદી મોકલી નથી, કે મોકલવાનું વિચાર્યું નથી ત્યાં વીજળીની માફક ચમકી આવે તો કેવો આનંદનો પ્રકાશ છવાઈ જાય ! બસ, એ ક્ષણાર્ધના અજવાળામાં આપ સૌનો પણ ફોટો પાડી લેવાની ઈચ્છા થઈ એટલે અગાઉથી જ આભાર માની લઈને આ આજની પૉસ્ટ…


(મુંબઈ સમાચાર – રવિવારીય ‘વેરાઈટી’ પૂર્તિ…           …૩૦-૦૯-૨૦૦૭)

ભીતરનો કલશોર


(પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ….                  …નળસરોવર, જાન્યુ-૨૦૦૭)
(લીલો પતંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)

.

ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.

ચક્-ચક્, ચીં-ચીં, કૂ-કૂ, કા-કા
ખળખળ વહે રગોમાં;
ડાળ-પાંદડા તાર-થાંભલા
શ્વાસોના સરનામા.
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.

ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)

શાની ઠોકર લાગી છે પરબારી?


(પાનખર પણ વૃક્ષને પરણે કદીક…      …રણથંભોરના કિલ્લામાં, ૦૩-૧૨-૨૦૦૬)

આડી ફૂટી જો એક ડાળી તો એમાં શાને મૂળિયાંના પગ થયાં ભારી?
શાની ઠોકર લાગી છે પરબારી?

લઈને એકાંત મારું બેસી રહું છું હું,
તારા ભાગે છે ઈંતેજારી;
ફાંસ મને વાગી તો વાગી ને તારા આખા
જીવતરથી દદડે છે લાલી,
ભારીખમ્મ મૌનના ટૌકાથી ભરવા મથું વૃક્ષોની એક-એક બારી,
શાની ઠોકર લાગી છે પરબારી?

એકાદા દાખલામાં ભૂલ પડી એટલામાં
ફાટી ગ્યાં જીવતરનાં પાનાં;
આંખે રોપ્યાં’તા સાથે રહેવાના ચશ્માં,
તો યે ઊગ્યા છે સપનાંઓ ઝાંખા…
લાગે છે નંબર જ કાઢવામાં આપણાથી ભૂલ થઈ ગઈ કોઈ ભારી,
શાની ઠોકર લાગી છે પરબારી?

મનના ને મતના જે ફર્ક પડે એને હું
ખંતથી લઉં છું રોજ વાઢી;
અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
આ તે વેદના છે કે મારી દાઢી?
ભવભવની વાત ક્યાંથી માંડું જ્યાં હોય ભારી એક જ ભવની આ ભાગીદારી?
શાની ઠોકર લાગી છે પરબારી?

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૦૭ – ૧૫-૦૯-૨૦૦૭)

એક કદમ ઓર…

નેટથી પ્રિન્ટનો જે માર્ગ મેં હંમેશા નજર સમક્ષ રાખ્યો હતો, એ માર્ગ પર આજે ફરીથી એક કદમ આગળ વધતા આનંદ થાય એ સ્વાભાવિક છે… અને મારા શ્વાસ અને શબ્દોના કદમ-બ-કદમ સાક્ષી એવા આપ સૌને સાથે રાખ્યા વિના આગળ વધવાનું ય શક્ય નથી એટલે આ ગુલાલ થોડો-થોડો આપ સૌના માથે પણ… શુભેચ્છા પાઠવનાર સૌ મિત્રોનો પહેલેથી જ આભાર માની લઉં…


(“કવિતા”- ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭….         …. તંત્રી: શ્રી સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

* * * * * * * * * * * *


(“ઓપિનિયન”- ઑગસ્ટ, ૨૦૦૭….          …. તંત્રી: શ્રી વિપુલ કલ્યાણી)
(લંડનથી પ્રગટ થતું ગરવું ગુજરાતી માસિક)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો)

વરસાદની મોસમ છે…


(મોસમ વરસાદની…..                ….સ્વયમ્, જુન-૨૦૦૬)

ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.

છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી,
તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલો
મેઘધનુની વાટે,
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

-વિવેક મનહર ટેલર

સપનું ખુલ્લી આંખનું….

(પ્રાણ પણ નથી…..                             …..”કુમાર” ઑગસ્ટ,૨૦૦૭)

કુમારના પૃષ્ઠ પર પોતાની કવિતા જોવાનું સપનું કયો કવિ ન જુએ? બંધ આંખે અહર્નિશ જોયેલું આ સપનું આજે ખુલ્લી આંખે સાચું પડ્યું છે ત્યારે તમને ન બતાવું તો શીદ ગમે?

હું મને શોધી શક્યો ન જાતમાં


(શીશમહેલ, મહેરાનગઢ….           …જોધપુર, ૨૦૦૪)

હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.

બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.

ઝાંઝવા, તડકા, અરીસામાં રહ્યો,
હું મને શોધી શક્યો ન જાતમાં.

આંખ, હૈયું, મન – બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…

વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે ?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)

એકલવાયું


(ધાર્યું નિશાન…                          …કાચિંડો, મે-૨૦૦૭)

છેલ્લાં
ચાર-પાંચ દિવસથી
મારો
એકનો એક દીકરો
છ-સાત નાનાં-મોટાં સૉફ્ટ ટૉઈઝથી રમ્યા કરે છે.
નાનો હતો
-જ્યારે સૉફ્ટ ટૉઈઝ રમવાની ઉંમર હતી-
ત્યારે કદી એ
સૉફ્ટ ટૉઈઝને હાથ લગાડતો નહોતો.
હવે
એ મોટો થઈ ગયો છે.
રાત્રે સૂતી વખતે
આ બધાં રમકડાંને
પોતાની પથારીમાં
એણે કતારબંધ ગોઠવ્યા-
‘આ બધાં મારા નાનાં ભાઈ-બહેન છે !’
-અને સૂઈ ગયો…

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)

ગમતાંનો કરીએ ગુલાલ…

કોઈ વાત ગમે અને મિત્રો સાથે એને વહેંચીએ નહીં તો એ વાતમાં ગમવા જેવું વળી શું ? એક સર્જકની દૃષ્ટિએ છેલ્લા બે મહિના ઘણા સારા ગયા. અલગ-અલગ પાંચ સામયિકોમાં આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલી આઠ રચનાઓને પ્રતિદિન એકના ધોરણે છેલ્લા આઠ દિવસમાં આજ પૉસ્ટ પર એક પછી એક upload કરી છે. મારા આનંદના ઈન્દ્રધનુના આ આઠ અલગ-અલગ રંગો છે પણ આ તમામ રંગ આપની હાજરી વિના સાવ ફિક્કાફસ્સ્ છે. આ તમામ રંગોમાં આપ અગાઉ તરબોળ થઈ જ ચૂક્યા છો… છતાં આ એક અઠવાડિયા માટે આવો, મારા આ સ્વાનંદને વિશ્વાનંદ બનાવી દઈએ…..

(“ગઝલવિશ્વ” : જુન ‘૦૭.                તંત્રી: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                            તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                       તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિ” : જુન ‘૦૭.                               તંત્રી: શ્રી મનોજકુમાર શાહ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં તથા અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                                 તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

******

(“કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                          તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                              તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિતા”- જુન-જુલાઈ ‘૦૭.                             તંત્રી: સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

શું છૂટકો છે ?


(સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી…..        ….૨૦-૦૭-૨૦૦૭)

મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

-વિવેક મનહર ટેલર
(૧૪/૦૭/૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા(લલગા)

છંદ-દોષ કે પછી ?


(કોનાં પગલે…?          સુંવાલીના દરિયાકિનારે, એપ્રિલ,07)

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?

-આ પંક્તિ લખી ત્યારથી મેં જે છૂટ અહીં લીધી છે એ માન્ય ગણાય કે નહીંનું વાવાઝોડું મનમાં ફુંકાયા કરતું હતું. આ બ્લૉગ પર અને અન્ય બ્લૉગ પર આ સંદર્ભે વાત નીકળી અને મને વાત કરવાનું બહાનું મળ્યું. આ ગઝલનું છંદ-બંધારણ આ પ્રમાણે છે- ગાલગાગા ગાલગાગા ગાલગા. આ છંદ પ્રમાણે બીજી પંક્તિની તક્તી પહેલી નજરે આ પ્રમાણે થાય:

ગાલગા(લ)ગા ગાલગાગા ગાલગા.
બહુ જ સરળતાથી આ પંક્તિને “એથી લોહીઝાણ વચગાળો હશે?”-એમ લખીને હું દેખીતા છંદ-દોષમાંથી બચી શક્યો હોત. પણ મેં એમ નથી કર્યું. કેમ?

એજ પ્રમાણે આજ ગઝલનો એક બીજો શે’ર જોઈએ:

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

-અહીં પણ બીજી પંક્તિની દેખીતી તક્તી આ રીતે થશે:
ગાલગાગા (લ)ગાલગાગા ગાલગા.

હું જે રીતે છંદ શીખ્યો છું એ પ્રમાણે આ બંને છૂટ યોગ્ય છે. આ બંને પંક્તિમાં જ્યાં એક લઘુ વધારાનો લાગે છે ત્યાં તરત જ પછવાડે સ્વર આવે છે. પહેલા ઉદાહરણમાં ‘લોહીઝાણ’માં શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ ‘ણ’ એના પછીના શબ્દારંભે આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાય છે અને ણ+એ = ણે એવો એક ગુરુ બનાવે છે, જે છંદ-દોષ નિવારે છે. આજ પ્રમાણે બીજા ઉદાહરણમાં ‘દેહ’ શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ અક્ષર ‘હ’ એની પછીના શબ્દ ‘ઓર’ના શબ્દારંભે આવતા સ્વર ‘ઓ’ સાથે સંયોજાઈને હ+ઓ=હો એવો એક જ ગુરુ બનાવે છે જે પ્રથમ નજરે દેખાતા છંદ-દોષની શંકાને નિવારે છે.

પ્રશ્ન એ છે કે આ પ્રકારની છૂટ માન્ય છે ખરી? સાહિત્યના આકાશમાં મારું સ્થાન એક બિંદુથી વિશેષ કંઈ જ નથી ત્યારે મારા કહેવા માત્રથી આ છૂટ માન્ય બની જાય ખરી? તો શરૂ કરીએ એક પછી એક ઉદાહરણથી… હું દરેક ઉદાહરણને અલગ-અલગ રીતે સમજાવવાના બદલે કવિએ જ્યાં-જ્યાં આ પ્રકારે સ્વર સાથે સંધિની છૂટ લીધી હશે એ શબ્દના આખરી અક્ષરને અને એની સાથે જોડાતા સ્વરને ગાઢો કરી નીચે લીટી દોરીને માત્ર ઈશારો જ કરીશ જેથી બિનજરૂરી લંબાણ ટાળી શકાય:

या रब ! न वो समझे हैं, न समज़ेंगे मेरी बात,
दे और दिल उनको, जो न दे मुझको ज़बाँ और । (गालिब)

ये न थी हमारी किस्मत कि विसाले-यार होता,
अगर और जीते रहते यही इन्तज़ार होता ।
तेरे वादे पर जिये हम तो यह जान झूट जाना,
कि खुशी से मर न जाते अगर एतबार होता ।
तेरी नाजुकी से जाना कि बंधा था अहद बोदा,
कभी तू न तोड सकता अगर उस्तुवार होता ।
कहूं किससे मैं कि क्या है ? शबे-गम बुरी बला है,
मुझे क्या बुरा था मरना ? अगर एक बार होता । (गालिब)

हम कहां क़िस्मत आज़माने जाएं ?
तू ही जब खंजर-आज़मा न हुआ । (गालिब)

ज़लवा-ब-कद्र जर्फ़-ए-नज़र देखते रहे,
क्या देखतें हम उनको, मगर देखते रहे । (अज्ञात)

Continue reading