“કુમાર” માર્ચ 2012ના અંકમાં શ્રી રાધેશ્યામ શર્માની કલમે મારા પુસ્તકનો આસ્વાદ:
![]()
(સદાના રાહગીર… ….જામનગર જતાં, ૦૨-૦૨-૨૦૧૨)
*
બધું જગત દીસે નવું ભલે, હું એનો એ જ છું,
તું આમથી કે તેમથી કળે, હું એનો એ જ છું.
હું આવ-જાના પંથનો સદાનો રાહગીર છું,
તું શ્વાસ બોલ કે હવા કહે, હું એનો એ જ છું.
નવા વિકલ્પ, યોજના, નવા નવા સમીકરણ;
નવા સવાલ છે, જવાબ છે, હું એનો એ જ છું.
હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.
ચલાવ તીર ને લોહી વહાવી કર તું ખાતરી,
ભલે જમીન આખો રથ ગ્રસે, હું એનો એ જ છું.
ગઝલ લખાય છે તો શ્વાસને હવા મળે છે, દોસ્ત !
એ ગૂફ્તગૂ હજીય એ જ છે, હું એનો એ જ છું.
– વિવેક મનહર ટેલર
(૨૯-૦૬-૨૦૧૧)
*
![]()
(મહાભારત… …કૈલાસ, ઈલોરા, ૦૬-૧૨-૨૦૧૧)
*
લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.
જાણકારી હોય તો એવું નથી કે શોધવી પડતી નથી સંજીવની પણ
યોજનાઓ જ્યાં ઊંધી થઈ જઈ શકે એ છાવણી કેવી તો કે’ કે જાણભેદુ.
યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.
મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.
શું તમે પણ સાવ આમ જ નીકળ્યા બાંયો ચઢાવી કાળક્રમ સાથે ઝઘડવા ?
એ ન ઇચ્છે તો કશું ના થાય, જાત જ એ તણી કેવી તો કે’ કે જાણભેદુ.
– વિવેક મનહર ટેલર
(૦૫/૧૧-૦૮-૨૦૧૧)
*
![]()
(નીકળ્યા બાંયો ચઢાવી…. …પેઇંટેડ સ્ટોર્ક્સ, ખીજડિયા, ૦૪-૦૨-૨૦૧૨)
![]()
(જા, નથી રમતા સજનવા…. …કાળી ડોક ઢોંક, ખીજડિયા, જામનગર, ફેબ્રુ-12)
*
વાતે વાતે આમ રિસાવું સારું લાગે ? બોલો ને ભાઈ !
મૂંગું આંસુ દરિયાથી પણ ખારું લાગે ? બોલો ને ભાઈ !
જાગો-ઊંઘો-ઊંઘો-જાગો, એ જ દિવસ ને એ જ છે રાત,
ઘાણી સાથે જીવતર શીદ મજિયારું લાગે ? બોલો ને ભાઈ !
કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !
ઉપર ઉપરનું જીવી રહ્યાં છો, કવર જોઈને બુક ખરીદી,
પાણીથી પ્યારું શાને પાણિયારું લાગે ? બોલો ને ભાઈ !
એક મૂરખ શબ્દોને શ્વાસ ગણી બેઠો છે, મરશે નક્કી,
કવન જીવનથી કોઈ દિવસ શું પ્યારું લાગે ? બોલો ને ભાઈ !
– વિવેક મનહર ટેલર
(૧૦-૦૧-૨૦૧૨)
*
![]()
(અરીસો….. …લિટલ કોર્મોરન્ટ, ખીજડિયા, જામનગર, ફેબ્રુ-12)
*
ઠાંસી ઠાંસીને તેં ભર્યા છે મારા આ જીવતરના એક્કેક પટારા,
મોઢું વકાસી પાછો હૈયું ચકાસવાને પૂછે છે પ્રશ્નો અકારા:
‘અમે એવા તે કોણ છીએ તારા ?’
ફાંટ્યુ ભરી તું પાડી દેતો’તો આંબલી,
એ તો ગઈકાલની વાત છે;
ડાળ-ડાળ આજેય તું ખાલી થઈ જાય છે
કયા ભવનો તે આ પક્ષપાત છે ?
ત્યારેય ન પક્ડ્યા’તા, આજેય ન પકડાતા તારા આ ગેબી ઈશારા,
અમે એવા તે કોણ છીએ તારા ?
મૂઈ આ મરજાદ ચઢે છાતીમાં ભરતીએ,
જીભ ને શરીર પાણી-પાણી;
વીજળી દોડે કે પડે લકવો તનમનમાં,
એ વાત હજી ન સમજાણી,
રસ્તામાં મળ્યાં અમસ્તા ને તોય મારા રોમ-રોમ મારે ઝગારા…
અમે એવા તે કોણ છીએ તારા ?
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૩-૨૦૧૧)
*
![]()
(ઢળતા રંગો… …ખીજડીયા, જામનગર, ફેબ્રુ-૨૦૧૨)
*
થોડા સમય પહેલાં લયસ્તરો પર મૂકેલી આ ગઝલ અહીં પહેલીવાર…
*
બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.
યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.
ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?
બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.
અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.
બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.
ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.
-વિવેક મનહર ટેલર
(૧૦-૦૭-૨૦૧૧)
*
![]()
(સમી સાંજના પડછાયા…. ….લાખોટા તળાવ, જામનગર, ૦૩-૦૨-૨૦૧૨)
(ગણો તો, કેટલા પક્ષીઓ છે ? ….ગુલાબી મેના (રોઝી સ્ટાર્લિંગનું ટોળું)
*
વેલેન્ટાઇન્સ ડે માથે આવી ઊભો છે ત્યારે એક ગુલાબી મૂડનું પ્રણય-ગીત… જ્સ્ટ વેલ-ઇન-ટાઇમ, ખરું ને ?!
*
શિશિરની ઠંડી હથેળીમાં કેમ કરી ગુલમહોરી રેખા પડાવું ?
દિવસે ન ઊગે એ સૂરજને રાતે કેમ સપનામાં રોજ રોજ લાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
સળગાવી બેઠી છું રોમ-રોમ, સાંવરિયા ! દીવડા અખંડ તારી રાહના,
કોડિયું થઈ ઉપર તું ઢાંકી બેઠો એ તારું વહાલ છે કે વહેમ મારો, બાલમા ?
મેંશ્યું ઉજાગરાની પાડી રહ્યો છે તું, ક્યાં સુધી આંખે અંજાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?
તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
-વિવેક મનહર ટેલર
(૨૧-૦૧-૨૦૧૧)
*
![]()
(બુદ્ધં શરણં ગચ્છામિ… …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)
*
(શિખરિણી)
*
સૉનેટ-વિમુખ થઈ રહેલી આજની પેઢી ફરીથી સૉનેટાભિમુખ થાય એ આશયથી લખેલું વધુ એક સૉનેટ. બને એટલી સરળ બોલચાલની ભાષા, પંક્તિના અંતે પૂરું થઈ જતું વાક્ય અને પ્રાસ-ગોઠવણી – મને જણાવજો કે હું આ કોશિશમાં સફળ થયો છું કે નહીં?
*
ઘણા સૈકા પૂર્વે ગગન ચુમતા પર્વત મહીં,
હથોડી-છીણીથી અનુપમ ગુફાઓ રચી અહીં;
સદીઓ સુધી કૈં અનવરત આ કોતરણી થૈ,
અડો ત્યાં બોલી દે, સજીવન કળા એવી થઈ કૈં,
મહાવીરો, બુદ્ધો, શિવ-જીવ બધા એક જ સ્થળે
રહે છે સંપીને, અબુધ જગ આ કેમ જ કળે ?
ભલે આકાશેથી અગનઝરતો તાપ પડતો,
અતિવૃષ્ટિ, ઠંડી; નિશદિન ભલે કાળ ડસતો;
મશીનોયે ન્હોતા, કુશળ ઇજનેરો ય ન હતા,
હતા બે હાથો ને જગતભરની તીવ્ર દૃઢતા;
તમા ના કીર્તિની, અપ્રતિમ પુરસ્કારનીય ના,
છતાં અર્પી દીધું જીવતર થવાને અહીં ફના.
પ્રભુની માયા કે અચરજ ચમત્કાર તણું આ ?
અરે, ના ના ! આ તો હતી ફકત શ્રદ્ધા અકળમાં !
-વિવેક મનહર ટેલર
(૨૮-૧૧-૨૦૧૧)
*
![]()
(ફાટું ભરીને સોનું…. …સૂર્યોદય, નોર્થ રિમ, ગ્રાન્ડ કેન્યન, ૨૫-૦૫-૧૧)
*
સૂરજ ઢળતાં જ બદલાઈ જશે વાતાવરણ તુર્ત જ,
જશે જ્યાં તું, વિકટ થઈ પડશે મારે શ્વાસ પણ તુર્ત જ;
ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.
-વિવેક મનહર ટેલર
(૧૩-૧૨-૨૦૧૧)
*
![]()
(ગતિ અને ગંતવ્ય…. …રિપ્લી’સ બિલિવ ઇટ ઓર નૉટ, ન્યૂ યૉર્ક, ૧૬-૦૫-૧૧)
*
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?
સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.
દફ્તરની અંદરથી સઘળાં સપનાંઓ છે ગુમ,
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧)
*
![]()
(તુષાર નથી…. ….સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૨૦૧૧)
*
આ વખતે ‘ફોર અ ચેન્જ’, એક દીર્ઘ ગઝલ…
*
પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
હું અહીં છું છતાં લગાર નથી,
મારા હોવામાં તથ્યભાર નથી.
દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
આપ પર શું કશું ઉધાર નથી ?
દર્દ કંઈ એવું શાહુકાર નથી !
તું નથી કાચ, તું ગુમાન ન કર,
પારદર્શિતા આરપાર નથી.
બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.
ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી.
એકબીજાની સાચવે સગવડ,
આ શું છે? પ્યાર છે કે પ્યાર નથી?
એના એ રોજથી રજા ન મળે,
કંઈ, કશું, ક્યાંય ધોધમાર નથી.
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
હું નથી ફિલ્મકે હું બદલાઉં,
ને વળી આજે શુક્રવાર નથી.
સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
– વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૧૨-૨૦૧૧)
*
![]()
(ભંવરા બડા નાદાન હૈ… …સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.એ., ૧૯-૦૫-૧૧)
*
કહેવું-ન કહેવુંના બે પડની વચ્ચે હું દાણાની માફક પિસાઉં,
તને શબ્દોમાં કેમ સમજાવું ?
ખુલ્લા દેખાતા બે હાથ-પગ વચ્ચે છે
તોડી તૂટે ન એવી બેડી;
પડ્યો ભૂલો ભવાટવિમાં એવો, જડી ન જડે
જાત સુધી પહોંચવાની કેડી,
રોકીને રાખવી પડે છે એ વાત જે હોઠો પર થાય આવું-આવું,
તને શબ્દોમાં કેમ સમજાવું ?
શૂળી દેખાય છે જે મારા ખભે એ છે
મારે દેવાના જવાબો;
જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં
આવે ન કોઈ ખરાબો,
તારે શું ? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.
તને શબ્દોમાં કેમ સમજાવું ?
– વિવેક મનહર ટેલર
(૨૯-૦૩-૨૦૧૧)
*
![]()
(ઇન્દ્રધનુષ… …યોસેમાઇટ નેશનલ પાર્ક, કેલિફોર્નિયા, ૨૦-૦૫-૧૧)
*
(ભવાટવિ= સંસારરૂપી વન)
*
૦૨-૦૨-૨૦૦૫ના રોજ લગભગ પંદર વર્ષ લાંબી શીતનિદ્રા બાદ “વૃક્ષ” ગઝલસ્વરૂપે મારું પહેલું રિ-અવેકનિંગ થયું. અને એ જ વર્ષની ૨૯મી ડિસેમ્બરના રોજ “શબ્દો છે શ્વાસ મારા” નામે મારો બ્લૉગ શરૂ કર્યો એ મારું બીજું રિ-અવેકનિંગ ગણી શકાય. મારી પુનર્જાગૃતિને સતત સજીવન રાખવામાં મારી પોતાની સર્જકતા કરતાં પણ આ બ્લૉગ અને એ નિયમિતપણે અપડેટ કરવાની મારી કટિબદ્ધતા અને પ્રતિભાવ સ્વરૂપે મળતા આપ જેવા દિલકશ મિત્રોએ વધુ અગત્યનો ફાળો ભજવ્યો. એક-એક કરતાં છ વર્ષ પૂરાં થઈ ગયાં અને સાડી ત્રણસોથી વધુ રચનાઓ અહીં પૉસ્ટ થઈ ગઈ જેના પર મિત્રોએ લગભગ સાડા નવ હજાર જેટલા લેખિત પ્રતિભાવો આપ્યા. સાઇટ મીટર ચાલુ કર્યા પછી છેલ્લા સડા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ યુનિક વિઝિટર્સ અને અઢી લાખથી વધુ ક્લિક્સ… આપના આ પ્રેમલ પ્રતિસાદનો પ્રતિઘોષ આપી શકવા માટે હું સાવ વામણો છું, દોસ્તો…
આ વર્ષમાં મારા બે પુસ્તકો- “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલસંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સીડી “અડધી રમતથી”નો સેટ પ્રકાશિત થયો. જેને આપ સહુનો સ્નેહભર્યો પ્રતિસાદ પણ સાંપડ્યો. (કોઈ મિત્રોને આ સેટ મેળવવાની ઇચ્છા હોય તો અહીં ક્લિક કરે)
દર શનિવારે vmtailor.com પર મારાથી શક્ય હશે ત્યાં સુધી આપણે સતત મળતા રહીશું… હું દર શનિવારે આપની રાહ જોતો રહીશ.
અંતે, જે મેં આગળના વર્ષે કહ્યું હતું એ જ ફરીથી કહીશ:
આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…
સહુ દોસ્તોનો હૃદયપૂર્વક આભાર…
મળતા રહીશું, શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે !
વિવેક
*
અન્ય સર્જકો અને કોલમિસ્ટૉની અડફેટે ચડી ગયેલા મારા કેટલાક શેર આપ સહુ માટે:
(ફૂલછાબ (રાજકોટ), ગુલછાડી… …મધુકાન્ત જોષી, 18-09-2009)
*
(દિવ્ય ભાસ્કર ‘વુમન ભાસ્કર’… …કાજલ ઓઝા-વૈદ્ય, 21-12-2010)
*
(દિવ્ય ભાસ્કર, કળશ… ….મનોજ શુક્લ, 26-01-2011)
*
(સંદેશ (સુરત)… …મેહુલ દેસાઈ, 19-12-2010)
*
(ગુજરાત સમાચાર ‘શતદલ’… …જય વસાવડા, 09-11-2011)
*
(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’… ….ક્ષિતિજ નાયક, 26-04-2011)
(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’… …પ્રિયંકા વિસરીયા-નાયક, 17-05-2011)
(શ્રી જવાહર બક્ષી જેવા સિદ્ધહસ્ત કવિનો અતિલોકપ્રિય શેર ટાંકતી વખતે લેખકને મારું નામ યાદ આવે એને મારે શું ગણવું? )
*
(દિવ્ય ભાસ્કર, રણમાં ખીલ્યું ગુલાબ’… …ડૉ. શરદ ઠાકર, 24-07-2011)
*
(દિવ્ય ભાસ્કર, ‘ડૉક્ટરની ડાયરી’… …ડૉ. શરદ ઠાકર, 21-09-2011)
*
(ગુજરાત મિત્ર, 14-07-2011)
*
ફૂલછાબ (રાજકોટ)… … સ્નેહા પટેલ, 13-07-2011)
![]()
(સમયનો કંપ… ……નટરાજ, ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)
*
સૉનેટથી ડરતી આજની પેઢીને શું ફરીથી સૉનેટાભિમુખ કરી શકાય? સૉનેટનું થોડું સરળીકરણ કરવાથી શું એનો ડર મનમાંથી કાઢી શકાય? પ્રસ્તુત છે, આ માટેની મારી એક કોશિશ…
*
(હરિગીત તથા પરંપરિત હરિગીત)
ગાગાલગા ગાગાલગા | ગાગા | લગા ગાગાલગા
વહેલી સવારે રોજની માફક ઘરે બેઠો હતો,
પરિવાર સાથે મસ્તીથી, ખોલી હું છાપાં રોજનાં;
સાથે મસાલેદાર ચા, ડાયેટ સ્પેશ્યલ ખાખરા,
ને સ્વાદ બોનસમાં ભળે છે દીકરાની વાતનો.
કપ ચા તણો સરક્યો જરા, ચમચી ધ્રૂજી, ટેબલ હલ્યું,
આ શું થયું ? ચિત્તભ્રમ છે કે ચક્કર જરા આવી ગયાં ?
ઘર બહાર આવી જોયું તો રસ્તા ઉપર લોકો બધા,
ભૂકંપની થઈ ખાતરી ત્યાં સળવળ્યું ભીતર કશું.
ભૂકંપની ગંભીરતાની ટીવી દ્વારા જાણ થઈ,
કંઈ કેટલી બિલ્ડિંગની બિલ્ડિંગ કચ્ચરઘાણ થઈ !
અરમાન, આશા કેટલાં, ઊજળાં ભવિષ્યો કેટલાં
આ આંખના પલકારમાં બસ, કાટમાળ જ થઈ ગયાં!
સંસારની હસતી છબી લાગી અજંપ…
તું ગઈ એ દિ’ પણ આ રીતે થ્યો’તો ભૂકંપ…
– વિવેક મનહર ટેલર
(૨૧-૧૦-૨૦૧૧)
![]()
(ભરબપોરે અંધારું… …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)
*
સૂર્ય પાછળ બિલ્લીપગલે ચાલતો અંધારપટ,
પોત અસલી તક મળ્યે દેખાડતો અંધારપટ.
જ્યાં જવામાં સૂર્યનો ખુદનો પનો ટૂંકો પડે,
ભરબપોરે એ બધે પણ વ્યાપતો અંધારપટ.
ભેદ તારામાં ને મારામાં રહે ના લેશ પણ,
એટલો ગાઢો થયો છે આજ તો અંધારપટ.
એ ઉઘાડીને થવાનું હોય એકાકાર, બસ !
હોય છે ઘૂંઘટનો પટ પણ આમ તો અંધારપટ.
વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું,
એટલો હોતો નથી મનફાવતો અંધારપટ.
હાથવેંત જ હોય એ પણ હાથમાં આવે નહીં,
ક્ષણનો પાલવ યુગ સુધી વિસ્તારતો અંધારપટ.
રૂબરૂ થઈએ તો ભારી થઈ પડે આ ભોંય, પણ
બેય આંખોની શરમ અજવાળતો અંધારપટ.
મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા ?
ધીમેધીમે આંખ સામે આવતો અંધારપટ.
આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.
– વિવેક મનહર ટેલર
(૦૭-૧૦-૨૦૧૧)
*
![]()
(કોના વાંકે…. …નીલકંઠ (ઇન્ડિયન રોલર), ૧૮-૧૦-૨૦૧૧)
*
કવિ ઉદયન ઠક્કરનો આ પ્રશ્ન ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ વિચારતા કરી મૂકે છે. હું બહુધા ગઝલ લખું છું, ગીત પણ લખું છું. ક્યારેક મુક્તક, હાઈકુ, અછાંદસ અને એકાદ વાર મોનો-ઇમેજ કાવ્ય પર પણ હાથ અજમાવી ચૂક્યો છું. પણ અંદરથી સતત એવું થયા કરે કોઈ ઇમેજનો શિકાર થવાના બદલે કે બધા જ કાવ્યપ્રકારોમાં મારે મારી શક્તિને નાણી-તાણી જોવી જોઈએ. સંસ્કૃત વૃત્તોએ કાયમ ડરાવ્યો હોવા છતાં પ્રબળતાથી આકર્ષ્યો પણ એટલો જ.
એક સવારે છાપું લેવા ઘર બહાર નીકળ્યો અને નીલકંઠને મરેલું જોયું. સુરત શહેરમાં નીલકંઠ (જીવતું કે મરેલું) જોવા મળે એ જ મહાઆશ્ચર્ય અને એ પણ મારા જ ઘરના ઓટલા પર? મારી ભીતર મંદાક્રાન્તાનો પવન વાતો હોવાનું અનુભવ્યું અને આમ અચાનક જ સૉનેટની શરૂઆત થઈ.
સળંગ ચાર ગુરુ અને તરત જ સળંગ પાંચ લઘુ અક્ષરો અને બે યતિની લગામ લઈને વહેતા મંદાક્રાન્તા છંદમાં લખાયેલું આ સૉનેટ આપને કેવું લાગ્યું?
*
(મંદાક્રાન્તા)
ગાગાગાગા | લલલલલગા | ગાલગા ગાલગાગા
*
પ્રાતઃકાળે શિથિલ પગલે બારણું ખોલ્યું મેં જ્યાં,
છાપાંસ્થાને જીવનહીન મેં પંખી જોયું પડ્યું ત્યાં.
શ્વાસો મારા જડવત અને વેદનાસિક્ત આંખો,
કાયા એવી બધિર, લકવો કેમ જાણે પડ્યો હો !
નીલું એનું મનહર તનુ, રંગબેરંગી છાંટા
આંખો ખુલ્લી – મહીં તગતગે આભના કૈંક આંટા.
આવ્યો ક્યાંથી નગર વચમાં, ગામનો જીવ ભોળો ?
જાગી ઊઠ્યાં સ્મરણ સહસા, નીલકંઠો જ આ તો.
બિલ્લીની આ કરતૂત નથી, બચ્યું છે આ સુવાંગ,
રેઢો મૂકે કદી ન સમડી આવી રીતે શિકાર.
કોના વાંકે સૂતું વિહગ આ આખરી શ્વાસ ત્યાગી?
કે પાંખોમાં ભરી ક્ષિતિજને જિંદગી આજ થાકી ?
‘રે પંખીની ઉપર’ મનમાં વેદના કૈંક વ્યાપી,
કીધાં હોતે કવન બહુ મેં, હોત જો હું કલાપી.
– વિવેક મનહર ટેલર
(૧૯-૧૦-૨૦૧૧)
*
![]()
(હમ સાથ સાથ હૈ… ….સાંગલા, હિ. પ્ર., ૧૬-૧૨-૨૦૦૭)
*
નવેમ્બર મહિનાનું આ આખરી બાળગીત… આપણા બધાના બાળકોને અને આપણી અંદરના બાળકોને અર્પણ…
*
ચાલો ! આપણા ડરને ખીંટી ઉપર ટાંગી દઈએ,
છપાક્…છપાક્ હિંમતના રંગે ઘર રંગાવી દઈએ….
અંધારાના પતંગને, ભઈ ! ખૂબ ઊંચે ચગાવી,
હાથ પાસેથી ‘ખચ્ચ..’ કરીને કાતર દ્યો ખચકાવી;
સ્વપ્નલોકની દીવાલો ઊંચી ઘણી ચણાવી,
દરવાજે દઈ તાળા, પપ્પાને દઈ દઈએ ચાવી,
આપણાં સપનાં આપણી ઇચ્છાથી જ સજાવી દઈએ….
દોરી એ કંઈ સાપ નથી ને હાલે એ સૌ ભૂત ?
ડાકણ શું છે ? દાદીમાના વાળની ઝીણી ગૂંચ;
કાનોના ટેકે સમજણનાં ચશ્માં દો પહેરાવી,
ડરના કાંટે તરત ખીલશે મસ્ત હિંમતના ફૂલ,
રાક્ષસોને પછવાડે ઈંજેક્શન આપી દઈએ…
મમ્મી-પપ્પા! લાગી ન્હોતી તમને કદી શું બીક ?
નાનપણમાં અંધારામાં પાડી ન્હોતી ચીસ ?
આજ દાખલે ભયના ગુણાકાર ભલે મળે છે,
કાલ તો માંડી દઈશું નક્કી સાચેસાચી રીત.
મનની બાલ્દીમાંથી ડરનું પાણી કાઢી દઈએ…
– વિવેક મનહર ટેલર
(નવેમ્બર, ૨૦૦૬)
*
![]()
(હાં રે મેં તો મારી’તી ફૂંક નંગ એક ને…. …પેંસિલ્વેનિયાના મેદાનોમાં, ૧૩-૦૫-૧૧)
*
નવેમ્બરના આખા મહિના દરમિયાન માત્ર બાળગીતો… બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?
*
તાજો તાજો હું બન્યો છું ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ;
મને જોઈને બોલે ક્લાસનું એક-એક બચ્ચુ, ચશ્મીસ ચચ્ચુ,
ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ…
નાના મારા ગોળ-ગોળ ચહેરાની ઉપર આ ચોરસ ચશ્મા
ચોવીસ કલ્લાક હાથ મારો ત્યાં જ રહે છે, તું ફોકટ હસ મા.
ચશ્માં ચોરસ તો પણ પૃથ્વી ગોળ છે બચ્ચુ, બોલ કેવી નવાઈ !
આ વાતમાં ટપ્પી સહેજે પડી ના છોને થઈ ગ્યું આ ભેજું ફ્રાઈ.
સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?
રોજ રિસેસમાં ગોલ-કિપર થઈ હું કૂદીને કેચ કરતો બોલ,
સરકે જરા નાકેથી ચશ્માં ત્યાં હવે તો થઈ જાય છે ગોલ.
મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !!
પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !
-વિવેક મનહર ટેલર
(૦૨-૦૪-૨૦૧૧)
*
![]()
(આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે… …ડેટ્રોઇટ, મે, 2011)
*
આજે ચૌદ નવેમ્બર… મારા લાડલા સ્વયમ્ નો અગિયારમો જન્મદિવસ….. વળી બાળદિન પણ ! વર્ષગાંઠ મુબારક હો, બેટા !
**
સૂરજદાદા હસતા હસતા આજે મોડા ઊગ્યા,
કિરણ કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા,
ધરતીમાએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું,
ખુશબૂથી ફૂલે ભમરાને ‘આવ અહીં’ એમ કહ્યું,
બ્રાન્ડ ન્યૂ લાગે છે દુનિયા, હું લાગું છું જેમ…
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…
પાર્ટી માટે આખ્ખું વરસ રાહ કેમ જોવડાવી?
– ઈશિતા ને શ્વેતા એવો ઉધડો લેતી આવી;
નૈસર્ગી, પર્ણવી, માનુ, દેવ, સમય, અવકાશ,
પ્રહર્ષ, શિમુ, સોનુ આવ્યા, હૈયામાં થઈ હાશ !
રાત ભલેને ખૂટે, આજે નહીં ખૂટશે ગેમ.
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…
જાતજાતનું ખાવાનું ને ભાતભાતની ગિફ્ટ,
મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ;
આજે છું હું રાજા, આજે મારી છે મનમાની,
આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની,
આજે હું કહું ઊઠ તો ઊઠ ને બેસ કહું તો બેસ.
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…
-વિવેક મનહર ટેલર
(૧૦-૧૧-૨૦૧૧)
*
![]()
(આજના ઇસુ ખ્રિસ્ત… …અજંટા, મહારાષ્ટ્ર, ૨૮-૧૦-૨૦૧૧)
*
નવેમ્બર મહિનો એટલે ચાચા નહેરુ અને મારા દીકરાના જન્મદિવસનો મહિનો. બાળદિનનો મહિનો. બંનેનો જન્મદિન ચૌદમીએ આવે છે પણ આ આખો મહિનો બાળગીતો માટે રાખીએ તો ? મોટાઓ માટેના ગીત-ગઝલ તો આપણે ખુલીને માણીએ છીએ. આ મહિને બાળકાવ્યો વાંચીએ અને શક્ય હોય તો આપણા દીકરાઓ સાથે ગાઈને થોડી મજા પણ કરીએ… બરાબર ?
*
પપ્પાજીની ચડ્ડી પહેરી હું નીકળ્યો બજારમાં,
હું પણ મોટ્ટો થઈ ગયો, એ ભારમાં ને ભારમાં.
પહોળી પહોળી ચડ્ડી વાતે વાતે સરકે સરરર સરરર
ચાલું કે ચડ્ડી ઝાલું એ નાના જીવની છે ફિકર.
ધ્યાન રાખું રસ્તા પર તો ચડ્ડી સરકી જાય છે,
ચડ્ડીને સાચવવામાં પગ ડોલમડોલા થાય છે.
એક બિલાડી મ્યાઉં કરીને પાસેથી કૂદી ગઈ,
ગળામાંથી ચીસ, ચડ્ડી હાથેથી છૂટી ગઈ.
બોલો, તમને આવે છે ભરોસો મારી વાત પર ?
નીચેને બદલે મેં મૂક્યા હાથ મારી આંખ પર !
બજાર આખ્ખું ડ્રોઇંગરૂમના ડ્રોઇંગ જેવું થઈ ગયું,
ન હાલે ન ચાલે, જાણે ટિણકી બોલી, સ્ટેચ્યૂ !
મારાથી ભગાયું નહીં ને ચડ્ડી પણ રહી ત્યાંની ત્યાં,
આંખોમાંના સાત સમંદર પૂરજોશમાં છલકાયા.
એવો રડ્યો.. એવો રડ્યો… આંસુઓની આવી રેલ,
બજાર આખ્ખું ડૂબી ગયું, કેવો થ્યો ચડ્ડીનો ખેલ ?!
– વિવેક મનહર ટેલર
(૦૯-૦૯-૦૯)
*
![]()
(પડછાયાનું જાળું…… ….સફેદ રણ, કચ્છ, ૧૯-૧૦-૨૦૦૯)
*
(જિંદગીમાં પહેલીવાર મોનો-ઇમેજ કાવ્ય પર હાથ અજમાવ્યો છે… કહેશો, કેવાં લાગ્યાં ?)
*
૧
શરદપૂનમની રાતે
ચાંદો
આટલો નીચે
છે…ક મારા બાગમાં
આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ?
એનો પડછાયો શોધવા ?
૨
મોટા મકાનની ભીંતમાં
ચણાઈ ગયેલો મારો પડછાયો
એના પગ શોધે છે.
૩
પડછાયો જાણે છે કે
એની કાળાશ પણ
કોઈક ઉજાસને જ આભારી છે.
૪
પડછાયો મિત્ર છે.
નાસી છૂટે છે, અંધારું થતાવેંતમાં જ !
૫
મારા કરતાં તો મારો પડછાયો વધુ નીડર છે.
તને હજારો વાર ભેટે, ચૂમે છે.
હું તો
તને જોઈને જ પાણી પાણી થઈ જાઉં છું.
૬
પડછાયો વધુ સારો.
અંતરાત્મા તો ક્યારેક છેહ પણ દઈ દે.
૭
ખૂબ ઊંચે જઈએ
ત્યારે
આપણે
આપણો પડછાયો પણ ગુમાવી બેસીએ છીએ.
(મારા મોનો-કાવ્ય ગુચ્છમાંથી આ કાવ્ય રદ કરું છું)
૮
પડછાયાની જાત,
કેવી ડરપોક !
અંધારું જોયું નથી કે…
૯
માણસનો પડછાયો તો કોઈપણ અજવાળે પડે.
વિચારનો પડે ?
કયા અજવાળે ?
બોલ ને, કવિતા !
૧૦
પડછાયો મારી સોડમાં આવીને સૂતો,
કચકચાવીને… દાબીને..
…આજે મધુરજની આવી.
૧૧
હું તો મરી ગયો છું.
ભલે તમે મને બાળી દો કે દાટી દો.
મારા પડછાયાનું શું ?
૧૨
પડછાયો કદી દુઃખી નથી થતો.
ચઢતા-ઢળતા સૂરજ સાથે
એણે વધઘટનું અનુકૂલન સાધી લીધું છે.
– વિવેક મનહર ટેલર
(૧૧-૧૦-૨૦૧૧)
*
![]()
(તારી પ્રતીક્ષામાં… ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
ગયા શનિવારે આજ છંદ અને આજ કાફિયા સાથે એક ખુલ્લી શક્યતાઓવાળી ગઝલ આપે માણી હશે જેમાં વાક્યાંતે ‘અને’ રદીફ હોવાના કારણે શેર જ્યાં પૂરો થતો હતો ત્યાંથી ફરી શરૂ થતો હોય એમ એકાધિક નવા જ અર્થ ઊઘડે એવી શક્યતાઓ મેં નાણી જોઈ હતી. આજે એજ ભાવવિશ્વને દાબડીમાં બંધ રાખતી ‘હવે’ રદીફ સાથેની આ ગઝલ… આશા રાખું કે આપ સહુને ગમશે. બંને ગઝલોને ફેસ-ટુ-ફેસ વાંચીને પ્રતિભાવ આપશો તો વધુ ગમશે. આભાર !
*
આમ યાદો ન મોકલાવ હવે,
આવ, બસ ! આવ, આવ, આવ હવે.
રાખ કાબૂમાં આ લગાવ હવે,
આડખીલી થશે સ્વભાવ હવે.
ક્યાં સુધી ચાલે આવજાવ હવે ?
આખરી આવ્યો છે પડાવ હવે.
ગામ ભરની ઉપાધિ માથા પર
નોતરી બેઠો છે, ઉઠાવ હવે.
કેટલો કરશે વાત પર વિશ્વાસ ?
બે ઘડી તો જો હાવભાવ હવે.
ફક્ત નિર્મોહ રહેશે મારો તો,
તું જડ્યા બાદ સ્થાયીભાવ હવે.
સાવ ખાલી જ થઈ ગયો છું હું,
એક ગઝલ તુંય સંભળાવ હવે.
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૪-૨૦૧૧)
*
![]()
(યાદોનું ધુમ્મસ…. …ગોલ્ડન ગેટ બ્રીજ, સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૧૧)
*
આ શનિવારે એક ગઝલ ‘અને’ રદીફથી ઉઘડતી શક્યતાઓને નાણી જોવા માટે… આવતા શનિવારે આ જ છંદ, આજ કાફિયા સાથે ‘અને’ જેવી ઉઘાડી રદીફના બદલે ‘હવે’ જેવી બંધ રદીફ સાથે… આપ રાહ જોશો ને?
**
આમ યાદો ન મોકલાવ અને
આવ, આવી શકે તો આવ અને…
થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…
એકધારી છે આવ-જાવ અને
આવશે એક-બે પડાવ અને…
પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…
ક્યાં સુધી આમ રાહ જોવાની ?
જોઈ લો એના હાવભાવ અને…
શબ્દની બંદગી ગમે છે છતાં,
મૌન છે મારો સ્થાયીભાવ અને…
યાદની મહોરી ઊઠી છે મોસમ,
એક ગઝલ મસ્ત સંભળાવ અને…
-વિવેક મનહર ટેલર
(૧૯-૦૩-૨૦૧૧)
*
![]()
(સ્થાયીભાવ… ….યોસેમતી નેશનલ પાર્ક જતાં, કેલિફોર્નિયા, ૨૦-૦૫-૧૧)
![]()
(વાંચી લીધું રે મારું મન… ….અરુણાચલ પ્રદેશ, ૧૧-૧૧-૨૦૧૦)
*
છૂંદણું જોવાના બહાને વહાલમે હળવેથી વાંચી લીધું રે મારું મન,
હવે તીખો લાગે છે પવન.
પીંછા ખોલીને મંડી પડ્યો છે નાચવા,
ચાંપલો-ચિબાવલો આ મોર;
ખેંચીને હાથ હું તો ભાગવા ચહું કે
ક્યાંક ઝાલ્યો ન જાય મારો ચોર.
ઉકલે છે નામ તણો પહેલો અક્ષર કે પછી ઊઘડે છે આખો સજન?
સાવ વેરી લાગે છે પવન.
ત્રોફણિયો સોય લઈ મંડ્યો’તો તોય શૂળ
આવું જાગ્યું નહોતું એ ઘડી ?
પાતળિયો હળવેથી નજરું માંડે છે કે
ઊંડે ઉતારે છે શારડી ?
હાથ મારો ઝાલીને નાડ એણે વાંચી કે ઝબ્બે કીધું આ જીવન ?
કેવો મીઠ્ઠો લાગે છે પવન !
– વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૧૧)
*
![]()
(ભાનના સૂરજ… …Motion in stillness, અરુણાચલ પ્રદેશ, ૧૧-૧૧-૨૦૧૦)
(f/22, ISO-100 with Shutter speed 1/250 with rapid zooming in while clicking)
*
હાથ આ જાગી ઊઠ્યા છે એક તારા સ્પર્શથી,
સોંસરા મઘમઘ થયા છે એક તારા સ્પર્શથી.
જ્યાં હવાની આવજા પણ શક્ય નહોતી એ બધા
બંધ ઘર ખુલી ગયાં છે એક તારા સ્પર્શથી.
કાળની સાવ જ થીજેલી આ નદીના માછલાં
સામટાં જીવી ઊઠ્યાં છે એક તારા સ્પર્શથી.
ભાનના સૂરજ અને હોવાપણાની સૌ દિશા,
ધુમ્મસોમાં જઈ ગર્યાં છે એક તારા સ્પર્શથી.
ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.
શબ્દના જરિયાન જામાધારી વચનો પ્રેમના,
છુઈમુઈ શા થરથર્યા છે એક તારા સ્પર્શથી.
એક તારા સ્પર્શ માટે આજીવન તરસ્યા પછી
જડભરત શાને બન્યા છે એક તારા સ્પર્શથી ?
-વિવેક મનહર ટેલર
(૨૬/૨૭-૦૯-૨૦૧૧)
*
જરિયાન = કસબી; જરી ભરેલું.
જામા = ડગલો; ઢીલો અંગરખો; એક પ્રકારનું ઘૂંટણની નીચે સુધી પહોંચતું વસ્ત્ર. તેનો નીચેનો ઘેર બહુ હોય છે અને લેંઘાની માફક કરચલીવાળો હોય છે. પેટ ઉપર આવતો તેનો ભાગ કેડિયાના જેવો હોય છે. અગાઉના વખતમાં લોકો રાજકચેરી વગેરેમાં આ વસ્ત્ર પહેરીને જતા હતા
*
![]()
(એક તારા સ્પર્શથી… …સાન ડિયેગોના સમુદ્ર તટે, અમેરિકા, મે-૨૦૧૧)
![]()
(કંઈ તમા વગર ચાલ્યા… …બુશકીલ ફૉલ્સ, પેન્સિલવેનિયા, મે-2011)
*
માર્ગમાં હતી મંઝિલ પણ ઇધરઉધર ચાલ્યા,
રાહબર કે નક્શાની કંઈ તમા વગર ચાલ્યા.
ચાલવું હતું નક્કી, ક્યાંક માપસર ચાલ્યા,
ક્યાંક ઝંખના પેઠે થઈ સટરપટર ચાલ્યા.
અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.
ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.
ભાગ્ય ને પ્રયત્નો સૌ હાથમાં હતા કાયમ,
મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા.
આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!
કેમ જાણ્યું કે જે ગઝલ મેં કહી, હતી મારી ?
આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?
– વિવેક મનહર ટેલર
(૩૧-૦૭-૨૦૧૧)
*
![]()
(હવે એવો વરસાદ… ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)
*
તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
-વિવેક મનહર ટેલર
(૨૦૦૮ થી ૧૦-૦૯-૨૦૧૧)
*
પ્રિય વૈશાલી,
પૈસો ખરીદી શકે એવી કોઈ વસ્તુની તને કદી કોઈ કામના નથી રહી… એ સંદર્ભે જોવા જાઉં તો હું સાવ મુફલિસ ગણાઉં. અને એક મુફલિસ કવિ એની પત્નીને એની વર્ષગાંઠ પર શું આપી શકે? એનું દિલ નિચોવીને લખેલી આ ચાર પંક્તિઓ ?
જન્મદિવસની દિલી શુભકામનાઓ…
*
સાથે જીવી ગયા જે એ વર્ષોનો સાર છું,
હું તારા ચિત્તતંત્રનો દિલકશ ચિતાર છું;
બચ્યો નથી જરાય હું મારા આ દેહમાં,
હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…
– વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૧૧)
![]()
(શમણાંઓનો સૂરજ…. …કેલિફોર્નિયા, મે-૨૦૧૧)
*
અંદર ને બહાર
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર
યુગયુગનો ગોરંભો આજે અચાનક
ફાટી પડ્યો છે બેફામ;
ભીતરની ભીતરમાં ગોપવેલું એક-એક વ્રણ
તાણી જશે એ સરેઆમ,
ચારે દિશાઓના ઘુઘવાટા વચ્ચે વીજળીના શ્યામલ ઝબકાર
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર
સૂક્કા દરિયાવ ચડ્યા લીલપની ભરતીએ
એક્કેક તિરાડ બની વાવ;
મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
ખેરવીને તારો અભાવ.
એક યાદનું ચોમાસુ, સખી ! આવું જો હોય તો તું આવે તો થાય શું એ ધાર…
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર
– વિવેક મનહર ટેલર
(૨૯-૦૮-૨૦૧૧: મળસ્કે ૨.૩૦)
*
New and Improved..!! Please subscribe to get WEEKLY updates !
Enter your E-MAIL ID in the space given in the sidebar on right side of this post. Later pl. check your inbox, open the subscription confirmation e-mail and click on the link.
The old e-mail notification system is now not working.
![]()
(एक अकेला…. …જિયા ભોરોલી નદી, નામેરી, આસામ, નવેમ્બર- ૨૦૧૦)
*
આપણું આ હોવું એ બે પળની વાતો ને વાતોના હોય નહીં ટોળા
પછી શાને લીધા તે અબોલા ?
વહેતા પાણીના પગે ઠોકર વાગીને
એ તો ખીલે બંધાઈ થયું લીલ,
મોઢું વકાસીને બેઠેલા ભીતરના
પડછાયા એમાં તું ઝીલ,
લખો, ભૂંસો ને લખાય એવી રેત પર પથ્થરના કેમ પડ્યા ઓળા ?
સાવ અમીટ લકીર છે અબોલા ?
સન્નાટાની બાણશય્યા પર પોઢીને
સપનાંઓ મૂંગું કરાંજે,
વાતનો ઉજાસ લઈ ઉગે એ સૂરજ
રાતની આંખોમાં કોણ આંજે?
ફાટે ન ફીટે, અબોલા છે તારા કે પાટણના મોંઘા પટોળા ?
આવા આકરા તે હોય શું અબોલા ?
– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૧)
*
![]()
(ભડભાંખળું….. …સાન ફ્રાંસિસ્કોના દરિયાકાંઠે, મે-૨૦૧૧)
*
મળસ્કે આછા અજવાળે
મારા ડબલબેડ પર બાંધેલી મચ્છરદાની
અને
રૂમની બારી પર લગાડેલ મોસ્કિટો નેટની બહાર
દૂ…ર
આછા દેખાતા એક તાર પર
એક ઝીણકો પડછાયો
આવીને બેઠો
અને
પથારીમાં આડી પડેલી મારી ચશ્માં વગરની આંખો ઝીણી થઈ-
-સિપાહી બુલબુલ?
પાણીની મોટરનો એકધારો અવાજ,
પંખાની અનવરત ગરગરાટી,
પસાર થતા વાહનોની ઘરઘરાટી અને હૉર્ન,
સવારપાળીમાં બાજુમાંની સ્કૂલે જતાં બાળકોનો કલબલાટ,
છાપાવાળાની બૂમ,
અઠવાડિક પ્રભાતફેરીનું ‘હરે રામ, હરે કૃષ્ણ’-
– આ બધી જ દીવાલો તોડીને
એક ટહુકો
છે…ક મારી અંદર ટકોરા મારી ગયો
અને
મારી સવાર જરા હસી દે છે…
-વિવેક મનહર ટેલર
(૧૧-૦૮-૨૦૧૧)
![]()
(ટેકો… …સાન ડિયેગોના દરિયાકિનારે, મે-૨૦૧૧)
*
ગયા રવિવારે મૈત્રી દિન ગયો. એ દિવસે જ લખેલી આ ગઝલ આજે આપ સહુ માટે…
*
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !
બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૧૧)
![]()
(સપનાંઓની નોકરી…. ….અમેરિકા, મે-૨૦૧૧)
*
આમ તો આ ગીત થોડા દિવસ પહેલાં જ ટહુકો.કોમ પર મૂક્યું હતું પણ બંને સાઇટના ઘણાખરા વાચકો અલગ છે એટલે મારી સાઇટ પર પણ…
*
એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી,
સાવ સત્તર વરસની એક છોકરી.
ફેસ એનો ફેસ-બુક પર ઝાઝો વર્તાય અને ઇ-મેલ વધારે ફાવે મેલથી,
છોકરા કે આઇ-પેડના એપ્લિકેશન્સ સાથે રાતદિન એ મસ્તીથી ખેલતી,
કયા પિરિયડમાં મૂવી કે લોચો એની જાણ એને હોય છે આગોતરી.
સાવ સત્તર વરસની એક છોકરી.
સપનાંથી ફાસ્ટ ઝીપ…ઝેપ…ઝૂમ ભાગે એવી બાઇકનો છે એને રોમાંચ,
કોલેજના ગાર્ડનમાં એના જ નામના પિરિયડ ચાલે ત્રણથી પાંચ,
પાર્કિંગના બાઇક બધા કરે છે વેઇટ, કોના નામની છે આજે કંકોતરી ?
સાવ સત્તર વરસની એક છોકરી.
એની એક ટ્વિટને ફોલૉ કરવા માટે આખ્ખીયે કોલેજ તૈયાર,
એના એક સ્માઇલનું ગૂગલ કરો તો પાનાંઓ ખુલશે હજાર,
સીડી મળે તો એ ઊલટી કરીને પહેલાં ફેસ જોઈ લે છે જરી.
સાવ સત્તર વરસની એક છોકરી.
કાંટાને સાચવીને સંકોરી રાખ્યા છે, કળી બની છે ભલે ફૂલ,
ઊડતાં પતંગિયાં ને મદમત્ત વાયરાઓ ઝંખે છે એકાદી ભૂલ,
હૈયાના તકિયા પર છોકરીએ ‘સમજણ’ એમ નામ એક રાખ્યું છે કોતરી.
સાવ સત્તર વરસની એક છોકરી.
– વિવેક મનહર ટેલર
(૨૨-૦૭-૨૦૧૧)
*
![]()
(એક ટીપું અજવાળું… …ઝાડમાંથી ટપકતો ગુંદર, ગ્રાન્ડ કેન્યન, મે ‘૧૧)
*
શું હતું સ્થાન તારું ખાસ કદી?
જાણવાનો કર્યો પ્રયાસ કદી ?
તું નથી એટલે છે અંધારું,
સૂર્યને પણ નડે અમાસ કદી…
જ્યોતની આસપાસ અજવાળું,
એમ રહે તુંય આસપાસ કદી.
અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી
ઝંખનાને પગે પડે આંટણ,
એવા પણ હોય છે પ્રવાસ કદી.
ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી.
-વિવેક મનહર ટેલર
(૧૭-૦૩-૨૦૧૧)
*
![]()
(પ્યાસ… …માઉન્ટ આબુ પર કોઈક ખૂણે, જાન્યુઆરી, ૨૦૦૦)
*
જત લખવાનું તને જે કહું છું, ધ્યાન દઈને સાંભળ,
તું સદીઓની તરસી ધરતી, હું છું કોરું વાદળ,
વધુ કહું શું આગળ ?
બિનશરતી દઈ વહાલ કરી દે
જન્મારાને ન્યાલ;
કયા યુગમાં જીવો છો, રાણી
લઈને આવા ખ્યાલ ?
સાફ હશે તો અક્ષર પડશે, હું તેલિયો કાગળ…
વધુ કહું શું આગળ ?
અઢી અક્ષરની વાતો લાગે
કવિતામાં સુફિયાણી,
અમે ફૂંકીએ છાશ, તમે તો
ઝેર પીઓ છો જાણી,
સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,
વધુ કહું શું આગળ ?
– વિવેક મનહર ટેલર
(૨૭-૦૩-૨૦૧૧)
*
![]()
(સૈં જી આ તારા ઉજાગરા… ..અમેરિકાની ગલીઓમાં)
*
જોયા જોવાય નહીં, વેઠ્યા વેઠાય નહીં, સૈં જી આ તારા ઉજાગરા,
તારા તારા ને તોય લાગે આકરા.
આંખ્યુંના તેલ બાળી વાંચે તું રાત રાત,
દાક્તર બને કે થશે બાબુ;
ઓળો થઈ જ્યોતનો હું જાગું છું સાથ સાથ,
હૈયાને કેમ કરું કાબૂ ?
એકલદોકલને તો સમજાવી દઈએ, લાખો અરમાન ક્યાં ટપારવા?
સૈં જી આ તારા ઉજાગરા.
થઈને હું ચા પડી ટેબલ પર તારા,
તું ચોપડીના પાનાંમાં ગાયબ;
જામી છે કેટલીય તરી ઝુરાપાની
કપનેય થાય છે અજાયબ !
એક ચુસ્કીની રાહમાં ઠંડા પડે છે મારા તન-મનના યુગયુગના આફરા.
સૈં જી આ તારા ઉજાગરા.
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૬-૨૦૧૧)
*
ગયા શનિવારે આપણે અમેરિકાને ગતિશીલ રાખતા કેટલાક પ્રકારના વાહન જોયા… આ કડીમાં બાકીના એવા કેટલાક પરિબળો જે અમેરિકાને સદૈવ ચલાયમાન રાખે છે… આ સિવાય પણ સેંકડો પ્રકારના સાધન-વાહન અમેરિકામાં હોવના જ પણ મારી નજરે દોઢ મહિનામાં જે પણ અલગ અલગ ‘વેરાઇટિઝ’ ચડી એનો આ નાનકડો રસથાળ આ અઠવાડિયે ફરી એકવાર… કલમના બદલે આજે કેમેરાની કવિતા… આશા છે આપને ગમશે…
*
(ટાઇટેનિકના પંથે…..??)
*
(ઝીપ…ઝેપ્પ…ઝુમ્મ….. ….સામા કાંઠે કેનેડા)
*
(આ તો તારી ને મારી વાત… )
*
(મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા)
*
(એણે આભનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું…)
*
(મહાસાગરમાં હું એક બિંદુ…. )
*
(तू किसी रेल सी गुजरती है, मैं किसी पुल सा थरथराटा हूँ…)
*
( અરે… અમેરિકામાં આ વાહન પણ???? )
*
(મશીન અને મોટરની દુનિયાથી દૂર )
*
(ગોરસ લ્યો રે… કોઈ ગોરસ લ્યો રે….)
*
(કૂતરા ગાડી)
*
(એક વાહન આ પણ… )
*
(ધ બેસ્ટ થિંગ ઇન અમેરિકા…..)
*
(અને આ વાહન બધામાં ઉત્તમ, ખરું ને? )
અમેરિકાના ફોટોગ્રાફ્સનો એક ભાગ આપે અગાઉ માણ્યો. આજે આ બીજી કડીમાં અમેરિકામાં મારા કેમેરાની અડફેટે ચડી ગયેલી એવી કેટલીક વસ્તુઓ જે આખી દુનિયાને ફોજદારી લાકડીથી હંકારતા અમેરિકાને હંકારે છે… આશા રાખું કે અલગ અલગ અંદાજમાં મારી સાથે આ બધા વાહનોમાં બેસીને અમેરિકા ફરવાનું આપ સહુને પણ ગમશે…
*
![]()
(ઊંચે નીચે રાસ્તે ઔર મંઝિલ તેરી દૂર… )
*
![]()
(જૂનું એટલું સોનું… વિન્ટેજ કાર! )
*
![]()
(કભી તો મિલેગી, કહીં તો મિલેગી… ….મારા દીકરાની ડ્રીમ કાર)
*
![]()
(મનુભાઈની મોટર ચાલી પમ પમ પમ… …લિમોઝીનનો ઠાઠ)
*
*
![]()
(સીધાં ગોડઝીલાના મોંઢામાં જ, હં કે…)
*
![]()
(પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ… )
*
![]()
(આપણી રગોનું લોહી લાલ, ન્યુ ર્કની રગોમાં પીળું…)
*
*
![]()
(ન્યુ યૉર્ક શહેર બતાવું ચાલો… )
*
![]()
(નાની તો નાની, પણ મારી ગાડી મને વહાલી…)
*
![]()
(પંછી બનું, ઊડતી ફિરું, મસ્ત ગગનમેં… )
*
![]()
(ઉડે ઉડે રે પતંગ મોરી ઉડે રે…)
*
બાકીના વાહનોની મુલાકાત આવતા અઠવાડિયે રાખીએ??
અમેરિકા જેવા દેશમાં એક શહેરના અમેરિકન મેયર ગુજરાતથી આવેલા કવિઓના કાર્યક્રમાં મધ્યાંતર સુધી ભાષા સમજાતી ન હોવા છતાં બેસી રહે અને બીજાની મદદ લીધા વિના પોતાની યાદદાસ્તના સહારે (વિવેક) ટેલર, (રઈશ) મનીઆર અને (મોના) નાયકને ઓળખીને પ્રમાણપત્ર, સીટીપીન, પોતાનો બિઝનેસ કાર્ડ અને મઘમઘતા ફૂલોનો ગુલદસ્તો આપીને નવાજે એ ઘટનાને કવિનું સન્માન વધારે ગણવું કે ગુજરાતી ભાષાનું?
![]()
(બ્યુએના પાર્ક સીટી (લૉસ એન્જેલિસ, કેલિફોર્નિઆ) ના મેયરે આપેલું પ્રશસ્તિપત્ર)
*
સાથે સાથે આ અઠવાડિયાની કવિતા કેમ ચૂકી જવાય? એક નાનકડું મુક્તક આપ સહુ માટે:
*
ક્યાં સુધી પીસાયું, રિબાયું, બળ્યું ?
આંખમાં થઈ તેજ અંતે ડબડબ્યું;
આંસુ છે કે કાચ જાદુગરનીનો ?
જે વિતાડ્યું મેં એ સૌ નજરે ચડ્યું.
– વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૧૧)
*
*
*
૪૫ દિવસ… પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ : અમેરિકાની ધરતીના ચારેય ખૂણાઓને અછડતું સ્પર્શી લીધું. ધરતીની વિશાળતા, કુદરતે ખોબલે ખોબલે આપેલું અસીમ સૌંદર્ય અને એ જાળવી રાખવા માટેની ત્યાંની સરકાર અને નાગરિકોની કુનેહદૃષ્ટિ અને કટિબદ્ધતા, વિશાળ માર્ગો, સ્વચ્છતા અને શિસ્તપાલન ગમી ગયા. દોઢ મહિનાના આ પ્રદીર્ઘ પર્યટન દરમિયાન ડેટ્રોઇટ, શિકાગો, ન્યૂ જર્સી, સાન ફ્રાન્સિસ્કો, લૉસ એન્જલિસ અને છેલ્લે હ્યુસ્ટન ખાતે કાવ્યપઠનના નાના-મોટા કાર્યક્રમો કર્યા. મોટા ભાગના કાર્યક્રમમાં રઈશ મનીઆર અને અડધામાં મોના નાયક ‘ઊર્મિ’ સંગાથી કવિ હતા. અમેરિકાના ગ્લૉબલ ગુજરાતીઓએ જે રીતે ગંભીર કાવ્યરચનાઓને બિરદાવી એ જોઈને એ સહુને બિરદાવ્યા વિના નથી રહી શકાતું… અમેરિકન ગુજરાતીઓનું આ સવાઈ ગુજરાતીપણું ફરી ફરીને આ ધરતી પર ખેંચી લાવશે એવું લાગે છે.
પ્રસ્તુત છે આ કાર્યક્રમોની નાનકડી ઝલક…
****
પહેલો કાર્યક્રમ: ડેટ્રોઇટ @ પહેલી મે, 2011- ગુજરાત સ્થાપના દિન
![]()
(કવિનો પારંપારિક પોશાક પહેરવાની હિંમત…)
*
****
બીજો કાર્યક્રમ: શિકાગો @ સાત મે, 2011
![]()
(કવિ શ્રી આદિલ મન્સૂરીની પુણ્ય સ્મૃતિમાં…)
*
![]()
(ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે….)
*
![]()
( મને કંઈક મારામાં જડતું રહે છે…)
****
ત્રીજો કાર્યક્રમ: ન્યૂ જર્સી @ ચૌદમી મે, 2011
![]()
(ચેલો કહે અને ગુરુ સાંભળે… વાહ! ધન્ય ઘડી…)
*
![]()
(કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને…)
****
ચોથો કાર્યક્રમ : સાન ફ્રાન્સિસ્કો @ 21મી મે, 2011
*
![]()
(આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે…)
*
![]()
(એ હાથમાંય જો, રેખા વગર શું છૂટકો છે ?)
****
પાંચમો કાર્યક્રમ: લોસ એન્જેલિસ @ 22મી મે, 2011
![]()
(મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ… )
*
![]()
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો…)
*
![]()
(શ્રોતાઓ ગેલમાં તો કવિ પણ રંગમાં…)
****
છઠ્ઠો કાર્યક્રમ: હ્યુસ્ટન @ સાતમી જુન, 2011
![]()
( પ્રદીપ બ્રહ્મભટ્ટના ઘરે આગમન…)
*
(મને કંઈક મારામાં જડતું રહે છે… )
*
![]()
(એક, દો, તીન… ..સી વર્લ્ડ, ઓર્લેન્ડો (ફ્લોરિડા)ની શામુ વ્હેલની વિશ્વવિખ્યાત કલાબાજી)
*
શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે…
જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
આપના દિલમાં જે જે વાત હતી, આપની આંખમાં ઢબૂરી છે !
ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો પડશે પરસેવો,
બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?!
યુદ્ધમાં વ્યસ્ત છે, તને શી ખબર, તારો રથ શી રીતે વિજયને વર્યો ?
આંગળી જે ધરી ધરીમધ્યે એ કઈ ઇચ્છાની સબૂરી છે ?!
ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
મેઘલી રાત પણ નથી નડતી, શું નડે કેડીઓ વિજન કોઈ ?
આપમેળે જ મેળવે મંઝિલ, ઝંખનાઓ ગજબની નૂરી છે.
– વિવેક મનહર ટેલર
(૧૧/૧૩-૦૩-૨૦૧૧)
![]()
(અદા…. …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)
*
પળની હો પળોજણ તો તું પળવાર કરી દે,
તાણીને ન એ વાત લગાતાર કરી દે.
તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.
મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
જે કામ છે તારે એ લડીને તો નહીં થાય,
છો કામ પતે એ પછી તકરાર કરી દે.
સ્વપ્નો છે તૂટેલા કે છે ઇચ્છા તણો ચૂરો,
આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે.
જે વાર મરણતોલ હતો એને શી રીતે,
આ મન પછી હોવાતણો આધાર કરી દે !
જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.
– વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૧૧)
*
![]()
(બુશ્કીલ ફૉલ્સ, પેનસિલવેનિયા, 13 મે, 2011)
કવિતાનું ઝરણું તત્પર છે અમેરિકાના પશ્ચિમ કિનારાને ભીંજવવા માટે… બે બેક-ટુ-બેક કાર્યક્રમ… કેલિફૉર્નિયામાં…સહૃદય મિત્રોને ભાવભીનું નિમંત્રણ…
*
સાન ફ્રાંસિસ્કો
21/05 (શનિવાર): સાંજે 5.30 વાગ્યે
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે. Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]
*
લોસ એન્જેલિસ
22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)
અનેકાંત કમ્યુનિટિ સેન્ટર અને જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફૉર્નિયા પ્રસ્તુત કરે છે ગુજરાતી ગઝલ એક્સ્ટ્રાવગાંઝા, બપોરે 2.30 વાગ્યે. Jain Centre Culture Complex, 8072 Commonwealth Avenue, Buena Park, CA 90621.
*
આજે અમેરિકામાં ડેટ્રોઇટ અને શિકાગો પછી મારો ત્રીજો કાર્યક્રમ :
ન્યુ જર્સી
14/05 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]
****
****
અને, આજે કવિતાના બદલે મારા અમેરિકાના પ્રવાસના શરૂઆતના દિવસોની એક નાનકડી ઝલક…
*
![]()
(કેમ ભાઈ, મારો ફોટો પાડતા પહેલાં મારી રજા લીધી? )
*
![]()
(ગગનચુંબી મહાલયો… …ડેટ્રોઇટ ડાઉનટાઉન)
*
![]()
(મૂલ્ય તારું શૂન્ય છે…. …રિવર ફ્રંટ, ડેટ્રોઇટ ડાઉન ટાઉન)
*
![]()
(અમે કતારબંધ ઊભા, હવે તો કોઈ વસંત દ્યો…..)
*
![]()
(એક અકેલા ઇસ શહરમેં… …રિવર ફ્રંટ, ડેટ્રોઇટ ડાઉન ટાઉન)
*
![]()
(પારદર્શક કાચ થઈને આમ ક્યાં નીકળ્યા તમે? … જી.એમ. મોટર્સ)
*
![]()
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો… …બેલે આઇલેન્ડ)
*
![]()
(સુરતમાં ગાંઠીયા, અમેરિકામાં પૉપકોર્ન !!)
*
![]()
(મન મળી ગયું એની મેળે મેળામાં… …બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ)
*
![]()
(ગોરી… આ તું મલકે છે કે પછી રસ્તો…. )
*
(રંગીન ટહુકો… ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)
*
આજે સાંજે અમેરિકામાં મારો બીજો કાર્યક્રમ:
*
શિકાગો
07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]
*
ભીતરે ફુત્કાર કરતો ક્યારનો વંટોળિયો,
શ્વાસના નામે વગોવાયો ઘણો વંટોળિયો.
બહાર-ભીતર સૌ ઉપર-નીચે નીચે-ઉપર થતું,
તારો SMS છે કે વહાલનો વંટોળિયો ?
માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?
કોણ મારા ગામ, ગલીઓ, ઘર સતત ધમરોળતું ?
હું જ શું પોતે નથી ને ક્યાંક તો વંટોળિયો ?!
દૂર તારાથી છું તો શું, હું તને પળવારમાં
લઈ લઈશ આગોશમાં થઈ શબ્દનો વંટોળિયો.
– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૧)
*
(અમેરિકન ટહુકો… ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)
![]()
(અમેરિકા આવવાનું પહેલું કારણ? ….રીવર ફ્રંટ, ડેટ્રોઇટ રીવર, ૩૦-૦૪-૧૧)
*
પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,
જાગરણના જવાબ મોકલું છું;
પાંપણો સહેજ પણ ખુલી ના શકે,
એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.
-વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૧)
![]()
(સ્કાય લાઇન… ….ડેટ્રોઇટ રીવર,૩૦-૦૪-૨૦૧૧)
*
અમેરિકાનો મારો પહેલો કાર્યક્રમ આજે:
ડેટ્રોઇટ
01/05 (રવિવાર): સાંજે ચાર વાગ્યે
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]
Status : SOLD OUT
બંને પુસ્તકો તથા ઑડિયો સીડીના સેટની કિંમત:
છૂટક કિંમત: (ભારતમાં રૂ. 50 તથા વિદેશમાં $ 9 પોસ્ટેજ ચાર્જ અલગથી ઉમેરવો)
પુસ્તક અને ઑડિયો સીડીનું પ્રાપ્તિસ્થાન:
સુરત :
અમદાવાદ:
મુંબઈ:
અમેરિકા:
(‘હયાતીના હસ્તાક્ષર’, શ્રી સુરેશ દલાલ… …દિવ્ય ભાસ્કર, રવિ પૂર્તિ, ૧૦-૦૪-૨૦૧૧)
*
યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે.
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
તીરથને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાખ
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઇ જઈ એક મોરપિચ્છ રંગાયું
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ
એ દી’ આ વાંસળીએ ગાયું
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર સખી! સાંખી શકે તો જરી સાંખ!
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
ગોધૂલીવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
ચોર્યાસી લાખ તણી ચાદર
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
– વિવેક મનહર ટેલર
કવિના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ ‘ગરમાળો’માંથી આ ગીત લઉં છું. એમનો એક બીજો કાવ્યસંગ્રહ પણ હમણાં પ્રગટ થયો એનું નામ છે ‘શબ્દો છે શ્વાસ મારા.’ ગીત ગઝલ, અછાંદસ મુક્તક-આ બધું કવિની કલમને વશ છે. કવિએ પ્રથમ પંક્તિથી જ એક કાલ્પનિક ચમત્કારિક કૃતિ સર્જી છે. આ ચમત્કાર પાછળ કોઈ કથા, દંતકથા કે પૌરાણિક કથા હોય તો મને ખ્યાલ નથી. પણ યાદ છે ત્યાં સુધી અમેરિકામાં આત્મીય મોરારિબાપુએ જમુનાના જળની વાત કરતા આવો એક પ્રસંગ ટાંકયો હતો. મૂળ આનંદ તો કવિએ લયમાં ઝીલેલી જે વાત છે એનો છે.
આ યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે. રાધાની આંખ જ તીર્થધામ છે. મંદિરોને પડતા મૂકવાની વાત છે. આ બધાં તીર્થધામો કે મંદિરો એ તો રાધાના ઝુરાપામાં પડતા મૂકવા જેવાં છે. એક એક પળ ગોપી હોય છે પણ પળે પળેનું સાતત્ય એ રાધા છે. રાધાને પણ એના સપનાં તો હોય, પણ એ સપનાંના સાતે રંગ રેલાઈ ગયા પછી એક મોરપિચ્છ થયું. જ્યારે હૃદય ફાટફાટ થયું ત્યારે તો એની ઘેલછામાંથી વાંસળીનું ગીત સૂર રૂપે પ્રગટયું. મોરલીમાં પણ ચિક્કાર વ્યથા છે. જન્મોજન્મની કથા છે. એની વેદનાના સૂર વીંધી નાખે એવા છે. એને જીરવવા સહેલા નથી. જીરવવું અને જીવવું એ બન્ને લગભગ અશક્ય છે.
સાંજનો સમય છે. ગોધૂલીની વેળા છે. એની ડમરીમાં આખું આયખું ડૂબકી મારે છે અને ખાલીખમ પાદર થઈને ખૂંદે છે. અહીં ફાટફાટ લાગણી છે પણ લાગણીવેડા નથી. ખુલ્લેઆમ કથન છે પણ વેવલાવેડા નથી. ચોર્યાસી લાખના ફેરાની ચાદર ઓછી પડે એવાં રૂંવાડાઓ છે. માત્ર આ એકાદ આયુષ્યની વાત નથી પણ સમગ્ર ભવાટવિની વાત છે. ઝંખના છે પણ દઝાડે એવી છે અને એ ઝંખના પણ એવી છે કે એને કદી ઝાંખપ ન લાગે. રાધા અને કૃષ્ણનો પ્રેમ સનાતન અને અમર છે. યમુનાના જળ કે રાધાની આંખ કદી સુકાવાનાં નથી. આ સાથે આ કવિનું બીજું ગીત જોઈએ જેથી કવિની ગીતની ગુંજાશનો ખ્યાલ આવે.
બળબળતા વૈશાખી વાયરા
ધગધગતી રેતીને રંજાડે, સંઈ! જયમ આંખ્યું ને કનડે ઉજાગરા
હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
થોરિયાના તીખા તીણા નહોર
સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
ગુંજી રે આખ્ખી બપ્પોર
સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા
બળબળતા વૈશાખી વાયરા
સીમ અને વગડો ને રસ્તા બળે છે
એથી અદકું બળે છ મારું મંન
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો
લાગે ટાઢા આ ઊના પવંન
બળઝળતી રાત્યું ને ઝાકળ જયમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા!
બળબળતા વૈશાખી વાયરા
હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ