![]()
(તુમ સાથ હો જબ અપને… …દુબઈ, નવેમ્બર, ૨૦૧૨)
*
પ્રથમ આલિંગનની અનુભૂતિની અંજની-ત્રિવેણીનો આ બીજો પ્રવાહ. આ અંજનીગીતમાં પ્રાસ-રચના પ્રણાલિકા પ્રમાણે રાખી છે. આગલા ગીતમાં આલિંગનની ક્ષણોનો રોમાંચ હતો, અહીં આલિંગન પૂરું થઈ ગયા પછી એની સ્મૃતિઓ શી રીતે પડઘાતી રહે છે એની વાત છે…
૦૨.
એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
. પડઘાયે રાખે…
સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
. ફરી મને ચાખે.
જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
. કોણ હવે વાખે ?
-વિવેક મનહર ટેલર
(૧૦-૦૨-૨૦૧૩)






















