(ઊંબરે ઊભી સાંભળું રે બોલ સાજનના…. …પુષ્કર, રાજસ્થાન)
*
ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ,
રૂનો અવતાર લઈ ઊભો છું દ્વાર થઈ, કાગળ તણી છે બારસાખ.
ને હા, નથી બોર એકે ચાખેલા મારી કને,
નથી કો વીંટી ખોવાયલી;
એકે કટોરો નથી પીધું મેં ઝેર,
નથી વાટ થઈ આંખ પથરાયલી,
અદના એક આદમીની અદની પ્રતીક્ષા છે, લગરિક વિશેષ નથી સાખ.
ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.
ને હા, નથી લાગણીના ખળખળતા ઝરણાં
જ્યાં આલિંગનોની તરે હોડી;
હાથમાં લઈ હાથ જરા મલકી લેશું ને
પછી આંખ પ્રોશું આંખડીમાં થોડી,
સપનાંના અંગારા વાસ્તવની દુનિયાને જો જે કરે ન ક્યાંક ખાખ.
ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૧૩)
*