*
દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.
૧૦ વર્ષ
૫૨૫ પૉસ્ટ્સ
૧૨૦૦૦થી વધુ પ્રતિભાવ
આ આપ સહુના અવિરત સ્નેહનો જ અનર્ગળ આવિર્ભાવ છે. મારી આ શબ્દયાત્રા આજપર્યંત ચાલુ જ છે અને શ્વાસપર્યંત ચાલુ જ રહે એવી અભિલાષા સાથે આપ સહુનો એકધારો સદભાવ પણ અપેક્ષિત છે…
ચાલો ત્યારે, અગિયારમા વર્ષમાં પણ મળતા રહીશું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે…
સદૈવ આપનો જ,
વિવેક
*