મને હજી સુધી મારી જ ઓળખાણ નથી

વિવેક કહી મને બોલાવો છો, શું જાણ નથી?
હજી સુધી મને મારી જ ઓળખાણ નથી.

આ દેહ જેમાં હું રહું છું પચાસ વર્ષોથી,
સ્વયં મને હજી એની પૂરી પિછાણ નથી.

બધાની જેમ અજાણ જ છું હુંય સદીઓથી,
હું છું કે નહીં ને છું તો શું છું? કંઈ પ્રમાણ નથી.

ટુ બી કે નોટ ટુ બીના ભરમ ઉકેલો તમે જ,
હું અદનો આદમી છું, હું ચતુરસુજાણ નથી.

ઈમાન-કૂફ્રની વચ્ચે હતી જે ગાલિબને,
અધર્મ-ધર્મમાં મારે એ ખેંચતાણ નથી.

સ્વયં વિશે કશું કહેવું જ પડશે એમ કહી,
વળી કહો છો તમે, પ્રેમ છે દબાણ નથી.

તમારું સત્ય છે કે પ્રાણ શ્વાસ પર નિર્ભર,
અહીં તો શબ્દ જો લઈ લો તો પછી પ્રાણ નથી.

‘રમેશ’! ખુશ છે છ અક્ષરના નામથી જ ‘વિવેક’,
તો શું થયું કે એ તારા ઢીંચણસમાણ નથી!

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૪-૨૦૨૬)

41 thoughts on “મને હજી સુધી મારી જ ઓળખાણ નથી

  1. ખૂબ અર્થસભર, અનુભૂતિસભર અને અંતર્મુખ કરતી રચના…
    જવાહર બક્ષીની રચના યાદ આવી ગઈ
    ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
    મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

    આધ્યાત્મિક જગતથી લઈને આમ આદમી સુધી મૂંઝવતા પ્રશ્નો: હું કોણ?, તું કોણ? તે કોણ? માં ફરી ડૂબકી લગાવવાની તક મળી.
    છ અક્ષરનું નામ ધરાવતા કવિ શ્રી વિવેક ટેલરને ખૂબ અભિનંદન

    • @ સ્નેહલ વૈદ્ય:

      સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર

    • @ ગૌરાંગ ઠાકર:

      સિદ્ધહસ્ત ગઝલકારનો પ્રતિભાવ એટલે એક સિરપાવ…

      ખૂબ ખૂબ આભાર

  2. વાહ
    ચોથો શેર સૌથી વધારે ગમ્યો
    જય હો

  3. વળી તમે કહો છો પ્રેમ છે, દબાણ નથી… કયા બાત હૈ .ખૂબ સુંદર રચના..

  4. નામ મારુય છે છ અક્ષરનું,
    પણ શું સોનલ વસે છે મારામાં??
    – વિવેક ટેલર

    વાહ વિવેક ટેલર

    • @ ચેતના ભટ્ટ:

      છ અક્ષરનું નામ – છેલ્લા શેરના સંદર્ભમાં મારો જૂનો શેર યાદ કરાવવા બદલ ખુબ ખુબ આભાર!

  5. “મને હજી સુધી મારી જ ઓળખાણ નથી”
    આ સ્વીકાર જ એ પળ છે—
    જ્યાંથી જીવન સાચા અર્થમાં શરૂ થાય છે.

    બહુ જ સરળ શબ્દોમાં ગહન વિચારને આકાર આપવાની ક્ષમતા અહીં તાદૃશ થઈ છે..

    • @ મીના છેડા:

      વાહ… આવા પ્રતિભાવ સાંપડે તો દિવસ સુધરી જાય.. વાહ વાહ કહેવાને બદલે મિત્રો શું ગમ્યું અને ખાસ તો શું ન ગમ્યું એ કહે તો સર્જકને વધુ મજા પડે…

      ખૂબ ખૂબ આભાર…

  6. 😍
    અહીં તો શબ્દ જો લઈ લો તો પછી પ્રાણ નથી.
    Uff…
    – Vivek(i) kahe hu vidhyaarthi kayam !☺️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *