જીવનને અઢેલીને !

man at ease by Vivek Tailor
(જીવનને અઢેલીને….            ….તવાંગ, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)

*

બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !

રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?

તમારા પર ગઈકાલે નજર એની પડેલી ને ?
પૂછો, ચાદરના સળમાં પાંગરેલ ચંપા-ચમેલીને.

પછી પૂછી શકાઈ નહીં કશી પણ વાત ઘેલીને,
તમારું નામ સાંભળતાં જ એ આંખો રડેલી ને…

વખાઈ ગઈ હશે ગઈકાલ નક્કી કો’ક કમરામાં,
થયાં વર્ષો છતાં ક્યાં ઊંઘ આવી છે હવેલીને?

હજી પણ દઈ નથી શક્તો કશું પણ નામ હું એને,
ભીતર આખ્ખુંય તાણી ગઈ’તી એ ગમખ્વાર હેલીને.

તમન્ના, તક કે સગવડ, નોકરી કે છોકરી યા ડિશ-
નથી નક્કી થતું છેવટ સુધી, આ લઉં કે પેલીને ?!

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૧-૨૦૧૭)

*

lady by Vivek Tailor
(પ્રતીક્ષા…                                       ….કોચી, ડિસે. ૨૦૧૬)

સંબંધ – બ્લેક & વ્હાઇટ : ૦૨ : વ્હાઇટ

IMG_6957 copy
(તેરા સાથ હૈ તો….                                   ….ગોવા, ૨૦૧૫)

*

૧.
કાપડ ભલે ધસુ-ધસુ થઈ જાય
પણ દોરો બે પડને
ચસોચસ પકડી રાખે
એ સમ્-બંધ !

૨.
લગ્ન
મોટાભાગે
ચામડીના સ્વિમિંગપુલમાં
ડબ્બો બાંધીને તરતા રહેવાનું બીજું નામ છે,
દોસ્તી
ચામડી ચીરીને ઝંપલાવે છે
તળિયા સુધી
ને
શોધી લાવે છે મોતી.

૩.
ડિઅર જિંદગી!
તારો હાથ
હાથમાં લઉં છું
અને રસ્તો
આપમેળે કપાઈ જાય છે.
તું શું છે ?
પગ કે પગથી?
રથ, રથી કે સા-રથી?

૪.
થર્મૉમીટરમાં
વચ્ચેની
પારાવાળી કાચની સાંકડી નળીની આજુબાજુ
ફેરનહીટ અને સેલ્શિયસની
જેમ પડખોપડખ ગોઠવાયેલા આપણે બે.
પારાની જેમ
વચ્ચેથી
વિશ્વાસ ઉતરી જાય
પણ શ્વાસ રહી જાય
એ દુનિયાદારી
અને
શ્વાસ ઉતરી જાય
પણ વિશ્વાસ રહી જાય એ સંબંધ.

૫.
ચાર પગલાં
રેતીમાં
હાથ હાથમાં લઈને
ચાલ્યાં જતાં હોય
તો
દરિયાને પણ
ચાલુ ભરતીએ
ઓટે ચડવાનું મન થાય.

૬.
નાડાછડી,
અગ્નિના ફેરા
અને
સાથે ભરાતાં સાત પગલાં
કરતાંય
મોટાભાગે
આઠમા પગલાના સંબંધ
વધુ ટકી જતાં હોય છે.

૭.
વાત
જીભ ઊઘડે
એ પહેલાં
સંભળાઈ જાય
ને પલક ઊંંચકાતા
પહેલાં જ સમજાઈ જાય
એવા સંબંધના સમીકરણ
ચોપડી ને ખોપડીની બહારનાં હોય છે.

૮.
ચાદરના સળ
ચામડીના સળ
પછી પણ ટકી રહે
એ ખરો સંગાથ.

૯.
નામ વિનાના સંબંધ
હંમેશા
વધારે એવરેજ આપતા હોય છે.

૧૦.
જાતના પ્રેમમાં ન પડીએ
ત્યાં સુધી
બીજાને
કરેલો પ્રેમ
ગણતરીથી વિશેષ હોતો નથી.
જાત વિનાની જાતરા નકામી
એ કંઈ એમનેમ કહ્યું હશે?!

૧૧.
બે જણનું મળવું-ચાહવું-જોડાવું
-બધું ‘એમ’ જ હોવાનું.
પોતાની જાતને
પૂર્ણપણે ચાહવાનું ફેવિકૉલ હાથ ન લાગે
ત્યાં સુધી
આ ‘એમ’ની આગળ
‘પ્ર’ ચોંટશે જ નહીં.

૧૨.
સંબંધ એટલે
એવા ચશ્માં
જે
સામી ચોપડીમાં
આંસુની પ્રસ્તાવના
લખાતા પહેલાં જ
વાંચી શકે.


Two

(સાથ-સાથ….                          …..જાંબુઘોડા, એપ્રિલ- ૨૦૧૭)

સંબંધ – બ્લેક & વ્હાઇટ : ૦૧ : બ્લેક

seagulls by Vivek Tailor
(આમ નહીં, આમ…                               ….સિગલ્સ, લેહ, ૨૦૧૩)

૧.
એણે કહ્યું, આમ નહીં આમ.
મેં કહ્યું, આમ નહીં આમ.
એણે કહ્યું, આ નહીં તે.
મેં કહ્યું, ઓકે.

એની ઇચ્છાઓ સાથે એડજસ્ટ થવાનું
મેં શીખી લીધું હતું
બરાબર એ જ રીતે,
જેમ એણે પણ.
આખરે એને પણ
આ સંબંધ કોઈક રીતે ટકી જાય એમાં જ રસ હતો.
પણ
સંબંધની તકલીફ એ છે કે
એમાં ૩૫ માર્ક્સે પાસ નથી થવાતું,
સોમાંથી સો તો ભાગ્યે જ કોઈના આવે છે
અને
આ વાત જેટલી જલ્દી સમજી લેવાય એટલું સારું
કેમકે
સંબંધની સાંકડી ગલીમાં
એક તો રાત ઓછી છે ને વેશ ઝાઝા છે.

૨.
‘જે રીતે આપણે આજ સુધી મળતા આવ્યા
એ રીતે હવે નહીં મળી શકાય.
હવેથી આ નવા નામે મળવાનું રાખીએ,’
– એણે કહ્યું,
કોરી આંખોને ત્યાં જ ઊભી રાખી
મારી નજર પાછી વળી ગઈ ત્યાંથી.
એને કેમ કરીને સમજાવવું
કે
એક સંબંધની કબરની ઉપર
બીજા સંબંધનો મહેલ ચણાતો નથી

૩.
નો પેઇન, નો ગેઇન.
ફાટી ગયેલા સંબંધને સાંધવા
આપણી સોય તો
એકધારી સોંસરી નીકળતી જ રહે છે,
જેમ પહેલાં નીકળતી હતી.
ફરક એટલો જ કે આપણી જાણ બહાર
સોયમાંથી દોરા સરી ગયા છે…

૪.
મારું સૉરી
એને સંભળાયું જ નહીં.
મેં પણ
પછી
એનું આઇ લવ યુ જતું કર્યું.
આલિંગનનો વરસાદ તો રાતભર પડતો રહ્યો,
પણ પથારી કોરીની કોરી જ.

૫.
આજના સંબંધોમાં
વિશ્વાસનો શ્વાસ
સામાનો મોબાઇલ હાથમાં લઈએ
ત્યાં જ પૂરો થઈ જાય છે.

૬.
મોબાઇલની જેમ જ
આજકાલ સમ્-બંધમાં બંધાયેલા
બે જણ પણ
દિવસે-દિવસે
વધુ ને વધુ સ્માર્ટ બનતા જાય છે…
બે જણની વચ્ચે શું છે
એની ખબર
બે જણને પણ પડતી નથી.

૭.
આજ-કાલના સંબંધો
અગ્નિથી અગ્નિ સુધી લંબાય
તો તો
અહો અહો !

૮.
કેટલાક સબંધ
હકીકતમાં
અગ્નિની નહીં,
લોકોની સાક્ષીએ જ બંધાતા હોય છે
ને એટલે,
ફક્ત એટલે  જ

લોકોની સાક્ષીએ નહીં,
અગ્નિમાં જ ખતમ થતા હોય છે.

૯.
સમ્-બંધમાં
આજકાલ
‘બંધ’ન વધુ
અને
‘સમ’ત્વ ઓછું રહી ગયું છે.

૧૦.
કેટલાક સંબંધ
ફક્ત એટલા માટે જ ટકી જતા હોય છે
કે
બેમાંથી એકેય પાસે
નથી હોતા બીજા કોઈ ઓપ્શન
અને/અથવા
હિંમત..

૧૧.
મોટાભાગના છૂટાછેડા
કૉર્ટમાં નહીં,
કોઈપણ જાતના સહી-સિક્કા-સાક્ષી વગર
એક જ છતની નીચે
એક જ પથારીમાં
લેવાઈ જતા હોય છે.

૧૨.
સંબંધનો વિશાળ ડબલબેડ
જ્યારે ઈગોની સ્લિપિંગ બેગમાં
ફેરવાઈ જાય છે
ત્યારે
બેમાંથી એકેય માટે
હલવા-મૂકવાનું તો ઠીક,
શ્વાસ લેવુંય દુભર બની જાય છે.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૧/૦૧-૦૪-૨૦૧૭)

couple by Vivek Tailor
(સાથ-સાથ….                                                   …ગોવા, ૨૦૧૫)

…વગોવાઈ ગયો

IMG_2163 copy
(એક અકેલા….                     ….ઓલ્ડ કોચી, ડિસેમ્બર-૨૦૧૬)

*

બોલ, પાછો તું કઈ વાતમાં રોકાઈ ગયો?
રાહ તાકે છે કોઈ જન્મોથી, જોવાય ગયો?

કોઈના આંસુ જે લ્હોવા નહીં, જોવાય ગયો,
વહેલો મોડો એ ચહુ ઓરથી પોંકાઈ ગયો.

દ્વાર વાખ્યા ન હતાં કો’ક બીજી બાબતથી,
ને મફતમાં જે ન આવ્યો એ વખોડાઈ ગયો.

હું જ બેસી રહું મારામાં પલાંઠી દઈને,
ચાંપતી નજરે એ જોવાને કે હું ક્યાંય ગયો?

આ ગલી, પેલી ગલી, ત્યાં સુધી તો ઠીક હતું,
મૂક્યો જ્યાં પગ મેં ગઈકાલમાં, ખોવાઈ ગયો.

પ્રેમ હો, વહેમ હો, છો લાખ મથો ગોપવવા,
આંખથી આંખ મળી નહિ કે એ ડોકાઈ ગયો.

પ્રેમમાં નિજનું સ્ખલન, સ્વર્ગવટો નક્કી હતા,
તોય નાહકમાં સરેઆમ વગોવાઈ ગયો.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૨-૨૦૧૭)

*

IMG_2216 copy
(તૂ અગર સાથ દેને કા વાદા કરે….    ….ઓલ્ડ કોચી, ડિસેમ્બર-૨૦૧૬)

શોધ

IMG_1585
(કુછ તેજકદમ રાહેં….      …સિંગાપોર, ૨૦૧૬)

*

કૂતરું કરડે અને હડકવા થાય
એમ તમને ભટક-વા થઈ ગયો છે.
એક સ્થળ.. બીજું સ્થળ…
એક દિશા… બીજી દિશા…
– તમે રસ્તા બદલતા રહો છો, નક્શા બદલતા રહો છો.
પ્રાંત બદલાય છે,
ભાષા પણ અને વેશ પણ.
પણ તમે?
તમે-
તમે તો મૂળે પલાંઠીના માણસ.
તમારે પગે ભમરી? ક્યારથી?
મને કહેશો,
તમે શું શોધી રહ્યા છો?
નહીં?
એક મિનિટ…
જરા તમારી આંખોમાં
ચૂકી જવાયેલ સ્ટેશનનું નામ તો વાંચી લેવા દો મને,
કેમકે
એ દિવસથી જ
તમારા સરનામામાંથી ઠરી-ઠામ છેકાઈ ગયું છે !

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૩)

*

IMG_2095
(તું જ મારી શોધનો કિનારો…                  ….જૂનું કોચી, ૨૦૧૬)

નરી એકલતાથી હું મને આવરું

IMG_8881
(એકલું….                                …ઓફ આણંદ હાઇવે, 2016)

*

જંગલની વચ્ચોવચ ખીલ્યું છું એકલું, મને સમજી લ્યો છો ને અવાવરૂ,
નરી એકલતાથી હું મને આવરું.

એકલા જ આવવાનું, જવાનું એકલા જ,
એકલા રહેવામાં વળી શું ?
એકલા હોવાના ભાણામાં રોજરોજ
મને જ મને હું પીરસું,
વાયરોય હળવા અડપલાં જ્યાં આદરે, નમી જઈ જાતને હું છાવરું.
નરી એકલતાથી હું મને આવરું.

સાથે જો હોય કોઈ, સારું તો લાગે
એ વાત હુંય દિલથી સ્વીકારું;
હાથમાં લઈ હાથ કોઈ ચાલે સંગાથે
જીવતર તો લાગે હૂંફાળું,
પણ અધરસ્તે છોડી એ ચાલ્યું જો જાય તો જીવવું થાય કેવું આકરું!
નરી એકલતાથી હું મને આવરું.

– વિવેક મનહર ટેલર

*

IMG_8851
(જંગલની વચ્ચોવચ….               …ઓફ આણંદ હાઇવે, 2016)

રસ્તો

twenty years

વીસ વરસ પહેલાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમે અગ્નિની સાક્ષીએ દ્વૈતમાંથી અદ્વૈત થવા તરફ ગતિ કરી હતી… જીવનમાં બંનેનું સરખું વજન રહે એ માટે, કોઈ પંડિતની સલાહ લીધા વિના અમે જાતે જ પ્રજાસત્તાક દિવસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.  દામ્પત્યજીવનની વીસમી વર્ષગાંઠ પર આ એક સૉનેટ મારા તરફથી વૈશાલીને ભેટ કેમ કે વીસ વર્ષના સહવાસનો આ પ્રવાસ હવે શ્વાસ બની ગયો છે…

*

(શિખરિણી)

કદી આ રસ્તાને ઉપર ચડવું’તું પરવતે,
યદિ એનું ચાલે, શિખર કરતાં ઉન્નત જતે,
કદી ખીણોથીયે નીચું ઉતરવાનું થયું હશે,
વળી કો’દી તો એ પણ થયું હશે: ના જવું કશે.

કદી આ રસ્તો છે સમથળ અને ક્યાંક નહિ એ,
કશે તૂટ્યો-ફૂટ્યો કરમ સમ તો અક્ષત કશે,
કદી સીધેસીધો, કદી અવળચંડો વનવને,
કદી થંભે દોડે, જીવન સરખો લાગત મને.

કહો, રસ્તાને હો થવું અગર રસ્તો, શીદ થશે?
કિનારી જોશેને ઉભય તરફે! તો જ બનશે.
કદી ઢાંકી દે ઘાસ, કદી વળી ઢેફાં-ધૂળ નડે,
છતાં બંને સાથે સતત રહીને મારગ ઘડે.

ભલે જેવો-તેવો પણ સતત વચ્ચે જ લઈને,
રચ્યો બંનેએ મારગ જીવનનો કોર થઈ બે.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૧-૨૦૧૭)

(લગાગાગાગાગા / લલલલલગા / ગાલલલગા)

*

IMG_1774

પળ હશે!

Birds by Vivek Tailor
(ઉડ્ડયન……                                   …અલેપ્પી, કોચી, ડિસે., ૨૦૧૬)

*

કોણ જાણે, એના દિલમાં છળ હશે ?
કે પછી સંજોગનું કંઈ બળ હશે ?
ધાર્યું નહોતું કે સમયની જાળમાં-
‘એ ન આવે’ – માત્ર એવી પળ હશે!

– વિવેક મનહર ટેલર
(૦૧-૧૧-૨૦૧૦)

*

flower by Vivek Tailor
(એક અકેલા….                            ….અલેપ્પી, કોચી, ડિસે., ૨૦૧૬)

અરીસો

PB031707
(Nature’s mirror…                          ….અંદમાન, 2013)

૧.
થાકી-હારીને
અરીસાએ
પોતાને જાતે જ
ટક-ટક કોચવા માંડ્યું.
આદત પડી ગઈ’તી, કરેય શું ?
ને હવે
ચકલીઓ તો ગાયબ થઈ ગઈ છે.

૨.
અરીસો સાચો શિક્ષક છે.
એ શીખવે છે સ્વની માયા
કેટલું આસાન બની જાય છે,
અરીસા પર બેઠેલા
મચ્છરને મારવું!

૩.
અરીસાનો ચળકાટ
કંઈ એમનેમ નથી આવ્યો.
એની પીઠ તો જુઓ –
– નકરું લોહી !

૪.
છોકરાં મોટાં પણ થઈ ગયાં
એની જાણ
મા-બાપ કરતાં પણ
અરીસાને પહેલી થાય છે.

૫.
નવી વહુ
પાણી ભરવા આવી
ને
વાવ
અરીસો બની ગઈ.

૬.
સૂરજને થયું,
સંધ્યાને મળતા પહેલાં
લાવ, જરા વાળ ઓળી લઉં
ને એણે
તળાવ પરનો પવન અટકાવી દીધો.

૭.
આપણો હું
કંઈ અજબ કેદ છે અરીસામાં
ભાનનો કાચ તૂટે
ત્યારે
ચકનાચૂર થઈ જવાના બદલે

એકનો હજાર થઈ જાય છે

૮.
દર્પણ જૂઠ ન બોલે
નાનપણથી આ સાંભળતા આવ્યા
પણ તોય કોઈના ઘરમાં અરીસો ન હોય
કે કોઈ અરીસામાં કદી જોતું જ ન હોય
એવું તો કદી જોયું જ નહીં.
જૂઠ તો આપણા લોહીમાં જ વસી ગયું છે.

૯.
તારી આંખોના અરીસામાં
મારું જે બિંબ પડે છે,
દુનિયાનો કોઈ અરીસો
શક્તિમાન નથી
એ બિંબ બતાવી શકવા.

૧૦.
સાંજના અરીસામાં
હું મારો ચહેરો જોઈ નથી શકતો.
મારી ઘેરી થતી જતી ઉદાસીના સળ
એમાં સાફ નજર ચડી આવે છે.

૧૧.
ભાનનો અરીસો
તો મારો એ જ દિ’ તૂટી ગયો’તો,
તડાક કરતોક ને;
જે દિ’
તારી સામે જોવાનું ભાન થયું’તું.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૯-૨૦૧૬)

OLYMPUS DIGITAL CAMERA
(સાંજનો અરીસો…                                 …અંદમાન, 2013)

તું આવે જો સાથે

IMG_2555
(હોવાને પેલે કાંઠે…            …બેકવૉટર્સ, અલેપ્પી, ૧૦-૧૨-૨૦૧૬)

*

તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

પેલે કાંઠે રાહ તાકતી બેઠી દુનિયા આખી,
એકલતા સોંપી દઈ એને પરત આવીએ ભાગી;
ભાર આપણ બે સિવાયનો રહે ન આપણ માથે,
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

જીવતરની હોડીમાં મોટું કાણું એક કરીને
ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે,
શ્વાસ બચ્યા જે થોડા, વીતે એ રીતે સંગાથે.
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૧-૨૦૧૬)

IMG_2443
(જીવતરની હોડી…            …બેકવૉટર્સ, અલેપ્પી, ૧૦-૧૨-૨૦૧૬)

મવાલી નીકળે…

0_img_9926-copy(ખાલી…..                       ….સિંગાપોર, ૨૦૧૬)

*

સંગ્રહમાંથી પસાર થતી વખતે અચાનક ખ્યાલ આવ્યો કે આ રચના વેબસાઇટ પર તો મૂકી જ નહોતી…  એટલે આજે આ એક જૂની રચના નવેસરથી આપ સહુ માટે… )

*

પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !

કાંદા પેઠે પડ ઉતારે એક એક,
છેક અંદરથી એ ખાલી નીકળે.

હાથ કાળો મેંશ થઈ પાછો મળ્યો,
સગપણો શેની દલાલી નીકળે ?

હું લિસોટા હાથના જોયા કરું,
વારસામાં પાયમાલી નીકળે.

સ્વપ્નના પાંચીકડે રમતા રહો,
બાળપણ છે, દોસ્ત ! ચાલી નીકળે.

પીઠ દઈને આંસુ જ્યાં બેસી શકે,
ભીંત કોઈ તો રૂમાલી નીકળે.

માનવી વિકસિત છે એવો ખયાલ,
માનવીને મળ, ખયાલી નીકળે.

જ્યાં ડૂબ્યાં મુજ શ્વાસનાં બારે જહાજ,
શબ્દની જાહોજલાલી નીકળે.

(૧૭-૦૬-૨૦૦૭)

*

0_img_1788
(સાપેક્ષ……                          ….મરિના બે સેન્ડ્સ, સિંગાપોર, ૨૦૧૬)

નજર નજરના ફરકનો…

Marina Bay sands by Vivek Taikor(ટેક્નોલોજીની નજર…     ….ડી.એન.એ. બ્રિજ અને મરિના બે સેન્ડ્સ, સિંગાપુર, 2016)

*

નજર નજરના ફરકનો ગ્રહ્યો જ્યાં સાર જરા,
જીવનમાં એ પછી જ આવી ગયો ભાર જરા.

વિચાર છે કે થઈ જાઉં નિર્વિકાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?

હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !

તું કાન ખોલ, બીજું કંઈ નથી આ ધોળો વાળ,
દઈ રહી છે જરા સૌપ્રથમ પુકાર જરા.

આ મારમાર હડી કાઢીને શું મળવાનું ?
સમગ્ર સૃષ્ટિ છે તારી, કર ઇંતજાર જરા.

એ તાંતણાના સહારે તરી ગયા સાગર –
રહી ગયો જે ઉભય વચ્ચે બરકરાર જરા.

સમય ! સ્મરણને ઉપાડીને ક્યાં સુધી ચાલીશ ?
ઉતારી ફેંક, નકર નહીં મળે કરાર જરા.

‘ગઝલ લખીશ હું આજે તો કોઈ પણ ભોગે’,
– આ કેપ પેન ઉપરથી પ્રથમ ઉતાર જરા.

– વિવેક મનહર ટેલર
(૧૯-૨૦/૧૦/૨૦૧૬)

*

Marina Bay Sands by Vivek Tailor
(રાતનો અંદાજ…     ..મરિના બે સેન્ડ્સ, સિંગાપુર, 2016)

ચલક ચલાણી

img_2579
(પાનખરનો વૈભવ.,….     …નિજાનંદ રિસૉર્ટ, આણંદ-બોરસદ હાઇ-વે, 2016)

*

ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી,
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?

સુબહ કા ભૂલા હુઆ યે સૂરજ
ફેર ઘેર સાંજે આવશે કે નહીં ?
ચિંતાની ચિતાએ પચ્છમના ચહેરે
પીળે અખ્ખર ચીતરી સહી.
વંધ્યા થઈ જાય જ્યાં સંધ્યાની કૂખ જ, કરેય શું પછી કોઈ સુયાણી ?
વાડ ચીભડાંની કરે ઉજાણી, તંઈ આખ્ખી વાડી ધૂળધાણી.
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

એક જ કાંઠો, કેટલી હોડી ?
થડ તો એક જ, કેટલી ડાળી ?
છેલ છોગાળા ! આડા દે આંક જે
એ આંગળી તો છે ઓશિયાળી.
એક જ અંતની ઉપર ચોડશો કેટકેટલી કહો, કહાણી ?
જે રાજાને ગમી તે રાણી કહી કેટલી પીડા પ્રમાણી ?
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૫-૨૦૧૬)

*

img_9235

(સાથ-સાથ…….                                    ….તાપી, 2016)

કહી દઉં તને હું એ, પણ…

arunachal-by-vivek-tailor-01(ઘરમાં રહીને જનગણ….          …..અરુણાચલ પ્રદેશ, નવે.- ૨૦૧૦)

*

વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…

મોં ફેરવીને ચાલી નીકળ્યો આ આયનો પણ
પૂછ્યું જ્યાં કોણ મારી રાખે ખબર ક્ષણેક્ષણ ?

એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
સંકડાશ જ્યાં જ્યાં પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.

ઇચ્છા વટાવી ક્યારેય આગળ નથી જવાતું,
હોવામાં હોવી જોઈએ નક્કી જ ખોડ-ખાંપણ.

લોહી વહાવો સરહદ જઈને તો અર્થ છે કંઈ,
ગણગણ શું કરવું બાકી ઘરમાં રહીને જનગણ?

હાથપગ છે દોરડી ને ગાગરડી પેટ થઈ ગ્યું
તારા પછી ગઝલનું આવું થયું કુપોષણ.

– વિવેક મનહર ટેલર
(સપ્ટેમ્બર- ૨૦૧૬)

*

arunachal-by-vivek-tailor-02
(સલામ…                                …નામેરી, આસામ, નવે.- ૨૦૧૦)

ખરી ગયેલા પોપડા

diwal_01

સમયની ચાવીથી
ગઈકાલની ભીંત ખોતરીને
ખરેલા પોપડાની ખાલી પડેલી જગ્યામાંથી
હું ભીતર ઘૂસ્યો.
ભીંતની અંદર
મારી ગઈકાલ એની આજ જીવતી આખી પડી હતી.
મેં જોયું,
સવારના પહોરમાં હું પત્ની સાથે સાઇકલ લઈને
છે…ક ડુમસ જવા નીકળ્યો.
હું મારી પાછળ પાછળ જ હતો.
બી.આર.ટી.એસ.ના કોરિડોરમાં
મેં બંને હાથ છોડીને પૂરપાટ સાઇકલ ભગાવી.
મારી નજર સામે જ
મારી સાઇકલની સીટના સળિયાનું લિવર સ્હેજ ઢીલું થયું
ને એકાદ ફૂટ ઊંચે કરેલી સીટ
ફાટાક્ કરતીકને…
હું મારા હાથ પકડી શકું
કે છોડી દીધેલા હાથથી ગબડતું સમતુલન જાળવી શકું
એ પહેલાં તો
હું સિમેન્ટના રોડ પર પૂર જોશમાં…
૧૦૮ આવી એ પહેલાં તો જો કે હું ભાનમાં પણ આવી ગયો હતો.
પણ મારી પત્નીની હાલત જોઈને
હું મારી ગઈકાલની આજમાં અવળો દોડ્યો.
સૌથી પહેલાં તો મેં સીટના સળિયાનું લિવર ટાઇટ કરી દીધું.
પછી જેવો હું કોરિડોરમાં હાથ છોડવા ગયો કે
મેં જબરદસ્તીથી મારા હાથ સ્ટિઅરિંગ પર ચિપકાવી દીધા
અને સાઇકલના પેડલ પર તો બેસી જ ગયો.
લે, વધાર ઝડપ હવે જોઉં…
અકસ્માત વિના બી.આર.ટી.એસ.નો કોરિડોર પસાર થઈ ગયો
એટલે
ભીંતમાંથી ખરેલા પોપડાની જગ્યામાંથી ફરી બહાર કૂદી આવ્યો.
હાશ !
પત્યું.
બચ્યો…
પણ બહાર તો કોઈ બીજી જ દુનિયા હતી.
મારો દીકરો મારી ખુરશીમાં બેસીને પેશન્ટ તપાસતો હતો.
એની જ ઉંમરના મને એની સામે ઊભેલો જોઈને એ બોલ્યો,
બોલો, શું તકલીફ છે ?
મારી પર તો જાણે ભીંત પડી.
હું તો લાગલો જ હડી કાઢીને પાછો ભીંતમાં ઘૂસ્યો.
સીટનું લિવર ફરી થોડું ઢીલું કરી દઈ
ચુપચાપ બહાર આવીને
પાટો મારેલા હાથમાં જઈને સૂઈ ગયો.
સમયની ચાવી
મેં ભીંતની અંદર જ નાંખી દીધી.
ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
ખરી ગયેલા પોપડા
કંઈ ભીંત પર પાછા ચોંંટતા હોતા નથી.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૬)

diwal_02

રાસ ચાલુ છે હજી…

solar rainbow by Vivek Tailor
(કંકણાકાર ઇન્દ્રધનુષ…….                   ….સુરત, ૨૨-૦૭-૨૦૧૬)

*

એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.

સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.

કોકની છાયા પડી ગઈ છે કે શું ?
બેઉમાં ખગ્રાસ ચાલુ છે હજી.

હું હજી સમશાનથી નીક્ળ્યો નથી,
રુક જરા ! સંન્યાસ ચાલુ છે હજી.

છત તળે સૂરજ હજી ડૂબ્યો નથી
કમસેકમ સહેવાસ ચાલુ છે હજી.

ક્હાનજી ! અડધે મૂકીને ચાલ્યા ક્યાં ?
ભીતરે તો રાસ ચાલુ છે હજી.

મટકી તો ફૂટી ગઈ છે ક્યારની,
તોય હર્ષોલ્લાસ ચાલુ છે હજી ?

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૬)

flower by Vivek Tailor

(ભંવરેને ખીલાયા ફૂલ…          …નિજાનંદ રિસૉર્ટ, આણંદ, ૧૪-૦૮-૨૦૧૬)

પ્રેમ જ… હા..હા…

Saras Cranes by Vivek Tailor
(સાથે સાથે….                    …સારસ ક્રેન, ઉભરાટ, ઑગસ્ટ-૨૦૦૯)

*

{સ્ત્રગ્ધરા (12)} {ખંડ મંદાક્રાન્તા (2)}

બોલો જોયું કશે સારસ યુગલ સમું પ્રેમમાં મગ્ન કોઈ?
પ્રેમે કેવો ? દીયા-બાતી, રુધિર રગમાં, સોયમાં દોર પ્રોઈ;
સંગાથે બેઉ જીવે, અનવરત લઈ ચાંચ-ચાંચે ફરે છે,
જ્યાં એકે જીવ ખોયો, તરત જ પટકી માથું બીજું મરે છે,

હૈયું જોડાયું’તું એમ જ ઉભયનું, ના રેણ ના કોઈ સાંધો,
જોડી જાણે કે રાધા કિશન પ્રણયમાં લીન હો રાત-દા’ડો;
ઈર્ષ્યા ના થાય કોને ? તનમનધનથી બેઉ સંપૃક્ત કેવા !
છો જગ જાતું રસાતાળ પણ ઉભયને કોઈ લેવા, ન દેવા.

કોની લાગી હશે રે નજર જળ થયા લાઠી માર્યે જુદા આ,
પત્તાનો મ્હેલ કે કાચ ઘર ? બધું થયું એક ફૂંકે સફાયા ?
નોખાં થૈ ગ્યાં સદાના હમસફર, ભલે વાસ એક જ રયો છે,
કાયા છોડી દઈ ભીતર રવરવતો શ્વાસ ચાલ્યો ગયો છે.

પાછો આવે ? ના.. ના.. શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
શંકા? ના…ના… પ્રેમ જ… હા..હા.. પરત દિલમાં લાવે તો માત્ર લાવે.

– વિવેક મનહર ટેલર
(જુલાઈ ૨૦૧૬)

Saras Cranes by Vivek Tailor
(અલગ અલગ….                  …સારસ ક્રેન, ઉભરાટ, ઑગસ્ટ-૨૦૦૯)

નથી મળતી…

IMG_8657
(લીન….                         ….સ્વયમ્, માથેરાન, માર્ચ, ૨૦૧૬)

*

‘મરીઝ’, ‘શૂન્ય’, ‘અસદ’, ‘મીર’માં નથી મળતી,
સમયના દર્દની કોઈ દવા નથી મળતી.

કબૂલો કે ન કબૂલો છતાં નથી મળતી,
ખરા ગુનાની ખરેખર સજા નથી મળતી.

જે ડગલે-પગલે ગઈકાલમાં મળ્યા કરતી,
મજા એ કેમે કરી આજમાં નથી મળતી.

સમયના હાથમાં સાચે જ કોઈ ખોટ હશે?
એ સ્પર્શી લે પછી નિર્દોષતા નથી મળતી.

પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.

અચાનક જ જો કોઈ રંગે હાથ ઝડપી લે,
તો ઑન ધ સ્પૉટ કોઈ વારતા નથી મળતી.

એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.

આ શૂન્યતાના નગર વચ્ચે મારી એકલતા,
થઈ ગઈ છે ખરી લાપતા, નથી મળતી.

– વિવેક મનહર ટેલર
(૧૨/૧૩-૦૭-૨૦૧૬)

*

swayam by Vivek Tailor
(ધ્યાનસ્થ….                            ….સ્વયમ્, માથેરાન, માર્ચ, ૨૦૧૬)

(તરહી પંક્તિ : સાભાર સ્મરણ: મરીઝ)

જ્વાળામુખી

kiro dunder
(હર શામ લગે સિંદૂરી…..    મૃત જ્વાળામુખી, છારી-ઢંઢ, કચ્છ, ઓક્ટો-૨૦૦૯)

*

જ્વાળામુખી ફાટે
ત્યારે
એક પ્રચંડ વિસ્ફોટ,
ગગન ચૂમતી અગનજ્વાળાઓ
અને
લાવાના ફૂવારાઓ
આસ-
પાસ-
-ચોપાસ
નું
બધું જ
તહસનહસ કરી નાંખે છે.
ઘર-ખેતર-પશુ-પંખી-માણસો :
રાખના ઢગલા નીચે સૃષ્ટિ એક થઈ જાય છે.
પણ
પછી
સમય
જતાં
એ જ લાવાયુક્ત જમીન ઈર્ષ્યા જન્માવે એવી ફળદ્રુપ બની રહે છે
ત્યારે
આવતીકાલની પેઢીને
ગઈકાલનો જ્વાળામુખી
છૂપા અભિશાપ જેવો લાગે છે.

જો કે સંબંધો તો આપણે આ જ જીવનમાં જીવી લેવાના હોય છે,
એમાં કોઈ આવતીકાલની પેઢી આવતી નથી એટલે…

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૭-૨૦૧૬)

*

OLYMPUS DIGITAL CAMERA
(નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…    નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩)

વરસાદ

OLYMPUS DIGITAL CAMERA
(મોનસૂન મસ્તી….          …સ્વયમ્, જુલાઈ-૨૦૦૮ )

૧.
ક્યાંનું પાણી
ક્યાં જઈને વરસે છે
એ તો
વરસાદ જ જાણે.

૨.
વરસાદ
અને
વાયદાને
કોઈ શરમ નડતી નથી.

૩.
-અને શહેરને તો ખબર પણ ન પડી
કે
ફૂટપાથ વચ્ચે
બે કાંઠે વહેતી ડામરની સડકોએ
ક્યારે
એના નાક નીચેથી
ભીની માટીની પહેલી સોડમનું સુખ છિનવી લીધું…

૪.
હું ભીંજાવા તૈયાર બેઠો છું,
અડધા કપડાં કાઢીને
ને તું
પેલા એરિયામાં
છત્રી ને રેઇનકોટના માથે જ કુટાયા કરે છે ?!

૫.
એ તો
હજી પણ
એમ જ વરસે છે,
આપણે જ ભૂલી ગયાં છીએ,
છત્રી ફેંકી દેવાનું.

૬.
વરસાદની ગેરહાજરીમાં
ધરતીમાં ચીરા પડી જાય
એ ખરો દુષ્કાળ
કે પછી
એ ચીરા
માણસમાં ફેલાઈ વળે એ ?

૭.
બહાર કરતાં તો
અંદરનો વરસાદ
વધુ ભીંજવતો હોય છે

૮.
વરસાદ
પાતાળ ઊતરીને
મહિનાઓથી ઊંઘી ગયેલા દેડકાઓને
બહાર કાઢી લાવે છે…
તું રડ નહીં…
મારી ઠેઠ અંદરથી…

૯.
કોઈ વરસાદને ઇચ્છા સાથે ન સરખાવશો.
ગમે ત્યારે આવે- ન આવે,
વરસે – ન વરસે,
અધધધ – અલપઝલપ
ભીંજવે -ન ભીંજવે…
બંને જ સરખા.
પણ તે છતાં
વરસાદને કોઈ ઇચ્છા સાથે ન સરખાવશો.
કમસેકમ એની પાસે એક આધાર તો છે –
– વરસાદનો !

૧૦.
મને સમજાતું નથી,
મેં ચામડી પહેરી છે કે રેઇનકોટ ?
તું ક્યારની વરસી રહી છે,
પણ હું…

૧૧.
કેટલાક વરસાદ
ભીંજવવા
આવતા જ નથી હોતા,
એ તો
ડૂબાડવા જ આવે છે…

૧૨.
વરસાદને
વળી કઈ હવા લાગી ગઈ ?
એરિયા જોઈને
પડતો થઈ ગયો છે.

૧૩.
વરસાદના
જે પહેલા ટીપાંને અઢેલીને
આપણે બેઠાં હતાં

આજે પણ અનરાધાર વરસી રહ્યો છે,
મારી ભીતર…

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૬-૨૦૧૬)

OLYMPUS DIGITAL CAMERA

એક ન જોયેલી છોકરી માટે…

a_IMG_6121
(એક લડકી અનજાની સી….    …ગોવા, ૨૦૧૫)

*

એણે મને કહ્યું, તમે મારા પર એક કવિતા ન લખો ?
ન જાણ, ન પિછાન,
ન કોઈ મુલાકાત.
ફેસબુક પરના પાંચ હજારના ફ્રેન્ડ લિસ્ટમાંથી એક.
એક મેસેજ અને આ માંગ.
શું ગણવું?
કવિ હોવાનો ફાયદો કે પછી સાઇડ-ઇફેક્ટ ?
સૂરજના નારંગી તડકામાં લંબાવીને પડેલા
નાગા શબ્દોને મેં ઢંઢોળ્યા.
ટોપલામાં ભરી લઈને બારાખડીઓ ઉસેટી લાવ્યો.
એક પછી એક અક્ષરોને
કાન મરોડીને લાઇનમાં ગોઠવવાનું મહા અભિયાન આદર્યું.
તાવિક વાખલનું યરાજ
રુંપક થીન.
પસીનો પડી ગયો.
એક ન જોયેલી છોકરી માટે
ન ધારેલી કવિતા લખતાં લખતાં.

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૬-૨૦૧૬)

*

a_IMG_6955
(એક અન્જાન હસીના….                          …ગોવા, ૨૦૧૫)

ચિત્ર

image
(ચિત્ર સૌજન્ય : શ્રી મહેશ દાવડકર)

*
કંઈ કેટલીય જાતના રંગ વાપરી જોયા.
પેન્સિલ પણ કંઈ હજાર બદલી જોઈ.
જાતજાતના ને ભાતભાતના કાગળ અજમાવી જોયા.
અહીં ગયો.
ત્યાં ગયો.
આની પાસે ગયો. તેની પાસે ગયો.
આ કર્યું. તે કર્યું.
પૂછો કે શું શું ન કર્યું?
અંદરથી જે સૂઝ્યા એ બધા રસ્તા લીધા.
જ્યાંથી-ત્યાંથી
ક્યાં-ક્યાંથી
જે-તે
જે-જે સલાહ મળી, એ બધા પર અમલ કરી જોયો.
આની-પેલાની બધાની મદદ સ્વીકારી.
પણ મારું ચિત્ર
કદી પહેલાં જેવું થઈ શક્યું નહીં.
મેં
મારા હાથે જ….
………

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૧૫)

*

image
(ચિત્ર સૌજન્ય: શ્રી પ્રજાપતિ શિલ્પી બુરેઠા)

હું અને તું…

IMG_1003

*

રચવાના બાકી રહી ગયેલા મેટફોર્સને અઢેલીને
હું અને તું
નહીં કહેવાયેલા શબ્દોના ગરમાળા નીચે બેઠાં બેઠાં
નહીં ઊગેલા સૂરજ વીણવાની
નહીં કરેલી કોશિશ કરતાં હતાં
એ વખતે
શક્યતાના ઊંટની આવતી કાલની ખૂંધ પરથી ગબડી પડેલા પવને
તારા કાનની બૂટના ત્રીજા કાણામાં લટકતા
મારે કરવાના રહી ગયેલા ચુંબનોને
જરા-જરા સહેલાવ્યા ન હોત
તો…

…તો આ શબ્દો આટલા ગરમાળાયા જ ન હોત
અને
કોઈ મેટફોર્સ બચ્યા જ ન હોત બનાવવા માટે
અને
આપણને અઢેલવા માટે થડ વગરની આજ સિવાય કંઈ હોત જ નહીં.
મતલબ કે કશું હોત જ નહીં
મતલબ કે
તારો ‘તું’ મારા ‘હું’ સાથે ‘અને’થી જોડાયેલો જ ન હોત.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૪-૨૦૧૬)

*

 

IMG_2515

હૈયાની વાત

 

IMG_7049

*

હોઠેથી કીધું, બસ કાને સંભળાય છે,
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે;
તારી આ વાત મને આજે સમજાય છે.

તારું બોલેલું મારા કાને અથડાય છે પણ સમજાતું કેમ નથી આજે ?
સૂરજ જાણે કે એનો રસ્તો ભૂલીને ફેર પૂરવ ન ચાલ્યો હો સાંજે ?
માડીવછોયું એક નાનકડું વાછરડું ધીમે-ધીમેથી કરાંજે –
એમ શબ્દો ને સમજણનાં સગપણ ડચકાય છે.
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે.

જીવતરના મઝધારે કૂદ્યો’તો હું તો બસ, એક જ ભરોસે કે તું છે !
પણ આજે આ રડતી બે આંખડીના આંસુ કોઈ પ્લાસ્ટિકના રૂમાલથી લૂંછે ?
ખોટી શેરીના નાકા પર આવીને ખોટું સરનામું કોઈ પૂછે,
એમ ઉપલકિયું’સૉરી’પણ ઉપલકથી જાય છે.
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે.

– વિવેક મનહર ટેલર
(૨૯-૧૧-૨૦૧૫)

પથ્થર નકામા

 IMG_3859

(માર્બલ રોક્સ, ભેડાઘાટ, જબલપુર, જુન, ૨૦૧૫)

*

અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.

ફરી એનો એ તંત ઊઠ્યો સભામાં,
ન આરંભ-ના અંત જેનો કશામાં.

આ રાતોને ધોળો કલર ઘોળવામાં,
સવારોના ડિલ પર પડ્યા છે ચકામા.

જીવનભર જે દર્દોને રાખ્યા નનામા,
કરે એ જ આજે ગઝલમાં ઉધામા.

શું પ્યારું, શું પોતીકું – સઘળું ગુમાવ્યું,
સિલકમાં જે આંસુ બચ્યાં તે નફામાં.

ટૂંકુંટચ હતું “સો”થી “રી”નું આ અંતર,
જીવન તોય ટૂકું પડ્યું કાપવામાં.

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૪-૨૦૧૬)

*

IMG_3884

(માર્બલ રોક્સ, ભેડાઘાટ, જબલપુર, જુન, ૨૦૧૫)

હે પ્રભુ !

02
(……ભેડાઘાટ, મધ્યપ્રદેશ, મે-૨૦૧૫)

*

ॐ शांतिः शांतिः शांतिः ।
હે પ્રભુ !
રોજ જ સવારે સમયસર હું આપની સેવામાં હાજર થઈ જાઉં છું
એ તો આપ જાણો જ છો.
આપ તો અંતર્યામી છો, સ્વામી.
આપ જાણો જ છો કે હું માત્ર નિસ્વાર્થ સેવા જ કરવા આવું છું.
આપ તો અંતર્યામી છો, ભગવન!
હું મારા માટે કદી કશું માંગતો નથી.
અરે હા, પ્રભો !
આ મંદિરના પગથિયાં પર
રોજ લાઇન લગાડીને બેસી રહેતા ભિખારીઓનું કંઈ કરો ને !
આપ તો જાણો જ છો, અન્નદાતા
કે હું મંદિરે આવવા નીકળું છું
ત્યારે ખિસ્સામાં પાકિટ લઈને આવતો નથી, નહિંતર…
એમાં આજે તો પગથિયાં ચડતી વખતે
પેલો નાગૂડિયો, સાલો પગને જ ચોંટી પડ્યો.
માફ કરજો, સર્વેશ્વર !
પણ જળો જેવો… છેલ્લે લાત મારી ત્યારે જ છૂટો પડ્યો…
યુ નો, બોસ!
હાથમાંથી પૂજાની થાળી પડી જાત નહિંતર…એટલે…
કપડાં પર પડતે તો આ નવા કપડાં બગડી જતે મારા.
અને આજે તો મારે નોકરી માટેના ઇન્ટર્વ્યૂ માટે જવાનું છે.
આમ તો લાગવગ લગાડી જ દીધી છે, યુ સી !
બટ… તમારી મહેરબાની પણ હોય તો તો…
ના… ના… મારા માટે નહીં
પણ મારા ઘરડા મા-બાપ
બિચારા આશા લગાવીને બેઠા છે મારા પર.
ટકા બરાબર આવે એ માટે થોડી ચોરી પણ કરેલી પરીક્ષામાં.
કરવી પડેલી, યાર..
આપ તો જાણો જ છો, હું કદી ખોટું કરતો નથી.
ડોનેશન આપીને ભણાવ્યો એ લોકોએ મને.
આ નોકરી માટે આમ તો સાહેબને પણ ખુશ કરવાનું કહેવડાવ્યું છે.
મને જો કે આવું બધું કરવાનું, યુ નો, ફાવતું નથી.
હું રહ્યો સીધો માણસ. સિદ્ધાંતવાદી.
પણ આ સાહેબો સાલા…
સૉરી બોસ! આ સાલી જીભ જ એવી થઈ ગઈ છે…
પણ એ લોકો લાંચ લીધા વિના જોબ આપતા જ નથી.
પેરેસાઇટ્સ છે…
એ લોકોમાં અને પેલા ટ્રાફિક સિગ્નલ પર
ભટકાઈ ગયેલા નાગા ટાબરિયામાં કંઈ ફેર છે?
પણ એ ટાબરિયાવના મા-બાપ પણ ખરા હશે, નહીં?
રસ્તા પર ભીખ માંગવા છોડી દીધા.
ભણાવવા-બણાવવાના નહીં?
અરે હા, યાર…
આ ભણાવવાની વાત પરથી યાદ આવ્યું.
મોટાભાઈના પપ્પુનું રિઝલ્ટ જરા ડાઉન આવ્યું, યુ નો.
હવે એના માટે ડોનેશનનું એરેન્જ કરવાનું.
આ એક મારી નોકરીનું થઈ જાય પછી તો બખ્ખા જ બખ્ખા…
અરે.. અરે… પ્રભુ ! આ દેવા પડવાના છે તે લેવાના નહીં ?
સિસ્ટમ જ આખી એવી સડી ગઈ છે ને, દેવાધિદેવ…
તમે તો જાણો જ છો કે મને તો…
તમે તો જાણો જ છો કે હું કેટલો નિયમિત…
ઓકે…ઓકે…
રોજ નથી આવતો. નથી આવી શકાતું, યાર…
પણ આ શ્રાવણમાં તો રોજ આવું જ છું ને !
અને જ્યારે પણ કોઈપણ મંદિર રસ્તામાં આવે છે,
કમ સે કમ માથું ઝૂકાવીને પગે તો લાગી જ લઉં છું ને !
બસ હવે, વધુ તો શું કહું, અંતર્યામી ?
તમારાથી શો પરદો કરવાનો ?
ઓહ શીટ !
સાડા આઠ થઈ ગયા…
ભગવાન… જરા જોઈ લેજો બધું, યાર…
નીકળું.
ॐ शांतिः शांतिः शांतिः ।

– વિવેક મનહર ટેલર
(૧૪-૧૦-૨૦૧૪)

*

01
(……ભેડાઘાટ, મધ્યપ્રદેશ, મે-૨૦૧૫)

એક કાગળ જૂનો….

Goa by Vivek Tailor
(ડાઉન મેમરી લેન….     ….ગોવા, નવે., 2015)

*

કબાટના ખાનાં સાફ કરતી વખતે
એક જૂનો કાગળ
હાથ આવ્યો.
ગડીબંધ કાગળના રંગ-રૂપ જોઈને જ ઘણું ઘણું યાદ આવી ગયું.
સમયે પણ સમય જોઈને
કાંટા પર ફરવું પડતું મેલીને
મારી અંદર ઝંપલાવ્યું.
ઘસાવા આવેલ એ કાગળમાં શું હતું
એ આટલા વરસેય ભૂંસાયું નહોતું.
હાથના હળવા કંપને હૈયાથી ઝાલીને ગડી ઊઘાડી.
ક્યારેક લોહીમાં વહેતા એ કાગળમાંના ચિરપરિચિત અક્ષરો
ઘસાયેલા કાગળમાંથી ખડી પડી
મારી ચોકોર વીંટળાઈ વળ્યા.
મને…મને…મને…ની બૂમોથી હું આખો છલકાઈ ઊઠ્યો.
કોને તેડું ને કોને નહીંની અવઢવમાં
હું ત્યાં જ બેસી રહ્યો.
કેટલી વાર તે તો કેમ કહી શકાય ?
સમય તો કાંટા છોડીને…

છપાક્ કરતાંકને બે’ક અક્ષરોએ ભીંજાયા હોવાની બૂમો પાડી
ને હું સફાળો…
આંખમાંથી અદૃશ્ય થઈ ગયેલી દૃષ્ટિ ક્યાંકથી પાછી ફરી.
એક હળવા કંપ સાથે (હૈયા અને) કાગળની ગડી કરી ફરી ખાનામાં….
ગાલ લૂછ્યા
ને
ગળામાં હાડકાંની જેમ અટકી ગયેલો સમય
સમય વરતીને ફરી કાંટા પર ટંગાઈ ગયો,
નિરંતર ગોળ ગોળ ફરવા માટે.
મેં પણ ખાનું બંધ કર્યું
ને કામે લાગ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૨-૨૦૧૫)

*

sunset by Vivek Tailor
(સાંજનું સોનુ….           …ગોવા, નવે., 2015)

એકસાથે જે ડાળે ઝૂલ્યાં

OLYMPUS DIGITAL CAMERA
(નિષ્પ્રાણ….                                           અંદમાન, નવે, ૨૦૧૩)

*

એક સાથે જે ડાળ ઝૂલ્યાં એ આખેઆખું ઝાડ જ ગુમ ?
છતાંયે ઊઠી ન એકે બૂમ ?!

એક સાથે જ્યાં કોડીઓના ખિસ્સામાં સપનાં ભર્યાં’તાં,
લખોટીઓના ઢાળે બેસી ભેરુતાના પાઠ ભણ્યા’તા;
સંતાકૂકડી, ચલક ચલાણું, લંગડી, ખો-ખો, ઘર-ઘર, ઢગલી,
એક સાથે લઈ હાથ હાથમાં ભરી આપણે પા પા પગલી,
એ પાદર, એ વડલો, કૂવો આજ કેમ મારી ગ્યાં સૂમ ?
ગયું ક્યાં ગામ દબાવી દૂમ ?

એક સાથેનું ઘણું બધું બદલાઈ ગયું છે, હવે તો વહાલી,
હું મારા રસ્તે ચાલ્યો ને જ્યાં તું તારા રસ્તે ચાલી;
ઊંધા માથે પટકાયા છે જીવતરના સઘળા સરવાળા,
એક તણખલું, એક-એક કરતાં ગયા ઉઝડતા સઘળા માળા,
“આપણ”ના અમિયલ અભરખા થઈ ગયા અંતે ‘હમ-તુમ’,
હવે બસ, એકલતાને ચૂમ.

– વિવેક મનહર ટેલર
(૨૪-૧૧-૨૦૧૫)

*

OLYMPUS DIGITAL CAMERA
(સ્થિતિ….                                          …અંદમાન, નવે, ૨૦૧૩)

આ વેળા…

IMG_9896
(આ વેળા….                                      ….ભરતપુર, 2013)

*

સદીઓથી આ છાતીમાં અટકી રહેલા પ્રગાઢ ઉન્મત્ત આલિંગનનું શું કરવું તે યાદ કરીને કહેજે આ વેળા તું,
કે હજી પણ રહીશું એમ જ આઘું ?

યુગોયુગોથી ખાલી ખખડતી રેતી જેવી નદી થઈને કોરા આ આકાશની નીચે આમ સતત ઝૂરવાનું ક્યાં લગ ફાવે ?
ગાભ વિનાના કોરાકોરા આભની કોરીકોરી આંખોમાં પણ એકદા એકાદું યે નાનું-મોટું કોઈ સપનું તો આવે;
આઠ પ્રહર ને બારે મહિના ડેરા તંબુ નાંખીને પથરાઈ રહેલી વૈશાખી ધખધખતી ધાખે તડ પડે તો સારું,
કદીક તો ડોકિયું કરે ચોમાસુ.

એક અંતરો પૂરો થઈ અધવચ્ચે અટ્ક્યા ગીતના જેવો જલદ મૂંઝારો છાતીના અંધિયાર કૂવામાં ડચ્ ડચ્ ડચ્ ડચૂરાતો,
સૂર્યકિરણથી લીલના ગાઢા લીસ્સા બંધિયારપણાના અતળ અકળ સૌ પડળ વીંધીને જળનો ગાલ ન પંપાળાતો,
એમ જ સંજોગના કડિયાને સમયની ઇંટ ઉપર ઇંટ ચણવા દઈને એક-એક ભીંત ભીંત કરતાં શહેર વચ્ચે ચણાઈ ગ્યું આખું,
તું જ કહી દે મારે શું કરવાનું ?

સદીઓથી આ છાતીમાં અટકી રહેલા પ્રગાઢ ઉન્મત્ત આલિંગનનું શું કરવું તે યાદ કરીને કહેજે આ વેળા તું,
કે હજી પણ રહીશું એમ જ આઘું ?

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૬)

*

V1
(આ જાઓ, તડપતે હૈં અરમાઁ….                          ….સાપુતારા)

છપાક્ !!!

IMG_6826
(અઢેલીને….                          ….જયપુર, નવેમ્બર, ૨૦૧૪)

*

શું લખો છો ?
– એણે પૂછ્યું.
એક ઉઘાડી પેન્સિલ પહેરીને
ક્યારનો
હું કોરા કાગળમાં ઝંપલાવવા
મરણતોડ પ્રયાસ કરી રહ્યો હતો.
પગની અણી ડૂબે
એટલી જગ્યાય જડતી નહોતી.
થીજી ગયેલી ક્ષણોની
મૌન દીવાલોને
સદીઓથી અઢેલી બેઠા વિચારોને
જ્યારે ખાલી ચડી ગઈ,
મેં એની સામે જોયું.
સા…વ કોરા કાગળ જેવું જ એ હસી,
ને હું આખો જ…
છપાક્ !!!

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૨૦૧૫)

*
dove by Vivek Tailor
(છપાક્ ….                          …ભરતપુર, ફેબ્રુઆરી, ૨૦૧૪)

ગોઠે ન ગોઠે

Sun by Vivek Tailor
(સૂરજની વચ્ચે….    ….જયસમંદ તળાવ, રાજસ્થાન, ૨૧૦૧૪)

*

મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.

ફરું દરબદર આંસુનું પાત્ર લઈને
અને રાતે પાછો વળું નરણે કોઠે.

હૃદય નામનું સાવ નાનું-શું પ્રાણી,
ને શું શું ભરાઈ પડ્યું એની પોઠે !

હું સાવ જ સૂરજ વચ્ચે આવી પડ્યો છું,
હવે ક્યાં જવું ? ને બચું કોની ઓઠે ?

લખી લો, આ સૌ મારા જીવતરનાં પાનાં,
લખ્યાં છે યકિનન ગમારે કે ઠોઠે.

– વિવેક મનહર ટેલર
(૨૮-૧૦-૨૦૧૫)

*

sunset by Vivek Tailor
(ઉતરતી સાંજના ઓળા….            …આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૦૧૪)

છરી

couple by Vivek Tailor
(સાથ-સાથ….. …ગોવા, નવેમ્બર, ૨૦૧૫)

*

એકમેકની બાંહોમાં
ચસોચસ જકડાયેલા હોવાની ચરમ
એકાંગ ક્ષણે
એકાદ શબ્દ
માખણમાંથી પસાર થતી છરીની જેમ
તમારી આરપાર નીકળી જાય
અને
તમે તમે
અને
એ એ બની જાવ
એ ઘડી,
જ્યારે તમે જાણો છો કે હવે
તમે તમે નથી અને
એ એ નથી
તમે જાણી જાવ છો કે
તમે તમે નથી એ એ જાણે છે
એ એ નથી એ તમે જાણો છો એ એ પણ જાણે છે
એ ઘડી
બગડી ગયેલી ઘડિયાળના કાંટાની જેમ
તમારી અંદર અટકી જાય છે
અને
બંને છેડે માખણ પીગળીને અલગ થઈ જવાની ઘડીએ
વચ્ચે ખોડાઈ ગયેલી એ છરી
નૉ-મેન્સ લેન્ડ પર ઊગી આવેલા કેકટસની જેમ
ક્યાં સુધી રાહ જોતી રહેશે ફૂલ ઊગી આવવાની ?
શું એ જાણતી નથી
કે કેટલાક આલિંગન કદી પૂરાં થતાં નથી હોતાં ?

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૭-૨૦૧૫)

*

couple by Vivek Tailor
(આજનું પેરેન્ટિંગ…. …ગોવા, નવે-૨૦૧૫)

તું ‘તરસ’ લખ છાતીમાં ને…

Female Cuckoo by Vivek Tailor
(ટહુકાને તરસ વગડાની….          ….કોકિલા, પુષ્કર, રાજસ્થાન, ૨૦૧૪)

*

તું ‘તરસ’ લખ છાતીમાં ને હું ત્યાં લખું ‘છિપાવું’,
થોડો તારી નજદીક આવું.

ધોળે દહાડે પાંપણના કાગળ પર તું લખ ‘સપનું’,
સાત રંગનો સૂરજ હું ના લાવું તો શા ખપનું ?
રંગ-રંગની ઘટનાથી તારું હોવું પ્રગટાવું,
હું લગરિક નજદીક આવું.

શબ્દોના લિસોટા વચ્ચે ‘મૌન’ લખી દે થોડું,
ગલી-ગલી ગૂંદીને હું ત્યાં જઈ એક ચુંબન ચોડું.
સદીઓ લાંબા ઈંતજાર પર ‘આલિંગન’ લખાવું.
એમ તને હું નજદીક લાવું.

– વિવેક મનહર ટેલર
(૨૯-૧૦-૨૦૧૫)

*

beggar by Vivek Tailor

(અલખની પ્યાસ….                         ….પુષ્કર, રાજસ્થાન, ૨૦૧૪)

???

Vivek Tailor
(અરીસો ? ખાલીખમ ?         …. જયપુર, ૨૦૧૪)

*

તેં કહ્યું, પ્રેમ છે.
મેં કહ્યું, એમ ? છે ?
તેં કહ્યું, એમ ? નથી ?
મેં કહ્યું, એમ નથી.
તેં કહ્યું, કેમ નથી ?
મેં કહ્યું, વહેમ નથી ?
તું ત્યાં જ બેસી રહી, સ્થિર.
હું
મને લઈને
ચાલતો થયો.
ઘરે આવી અરીસામાં જોયું
તો અરીસો ખાલીખમ.
મને થયું, આ વહેમ નથી ?
નથી ? તો કેમ નથી ?
કેમ એમ નથી ?
કેમ, નથી એમ નથી ?
એમ ? છે ?
શું આ પ્રેમ છે ?

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૫-૨૦૧૫)

*
Jaipur fort by Vivek Tailor
(અરીસો, જળ સરીસો….                                ….જયપુર, ૨૦૧૪)

ત્રિપદી – તસ્બી

evening by Vivek Tailor
(સાંજનું વાતાવરણ….                  ….આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૦૧૪)

*

જિંદગી ! આ કેવી ક્ષણ છે !
સાંજનું વાતાવરણ છે,
તું નથી, તારાં સ્મરણ છે…

ના રહ્યો રસ્તામાં રસ્તો,
ભીંત થઈને સામું હસતો,
એક ‘ના’ કેવી ભીષણ છે !

રાહના ખૂટ્યાં છે અંજળ,
આંસુ નામે ફક્ત મૃગજળ,
આંખ નામે કોરું રણ છે.

કાચ છોડી સાચમાં જો,
થોડું થોડું જાતમાં જો,
આ જ સાચું ધ્યાન પણ છે.

લાખ ના પણ ત્યાં જ દોડે,
ત્યાં જ જઈ જઈ માથાં ફોડે,
શું ચરણનું આચરણ છે ?!

આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.

શું હવા, પાણી કે ખોરાક ?
આ જ મારા રક્તકણ છે
તું નથી, તારાં સ્મરણ છે.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૯-૨૦૧૫)

*

sunset by Vivek Tailor
(સૂર્યોદય…..                                              ….પુષ્કર, ૨૦૧૪)

મને ફરીથી હસતી કર

a_rituparna sen
(હસતી કર….      …રિતુપર્ણોસેન ગુપ્તા, કોલકત્તા, ૨૦૧૫)

*

હું મારામાં ઉજડી ગઈ છું, મને મારામાં વસતી કર,
મને ફરીથી હસતી કર.

મારી આજ સાવ તૂટી ચૂકી છે ગઈકાલના ભારણથી,
વધુ નથી બચ્યું કારણમાં, એક બિસ્માર તારણથી;
ઝેરમાં જાતે મરવા પડ્યું છે, કેમ બચાશે મારણથી ?
ભીંતની જેમ જ નથી ખુલાતું શક્યતાના બારણથી,
તું જ કહી દે આંસુઓને, ચાલ, અહીંથી વસ્તી કર.
મને ફરીથી હસતી કર.

તૂટ્યું ફરી સંધાશે પાછું ? જીવ્યું ફરી જીવાશે પાછું ?
ભારઝલ્લી આ આજથી ક્યારેક હળવાફૂલ બનાશે પાછું ?
એ નાદાન, હસીન જીવનના વળાંક ભેગા થવાશે પાછું ?
‘હું’ ને ‘તું’ ના ટુકડાઓથી ‘આપણ’ ફરી રચાશે પાછું?
તારામાં જ વહી/અટકી છું, તું જ ફરી ધસમસતી કર.
મને ફરીથી હસતી કર.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૫-૨૦૧૫)

*

a_tree
(વેરાન….                                              ….રાજસ્થાન, ૨૦૧૪)

આલિંગન : ૦૨

ko khabhe

*

વાત-બાત, હાથ-બાથ છોડ મારા બાલમા, સીધેસીધું આલિંગન આપ,
આમ અંતરથી અંતર ન માપ.

ખાલી કશકોલ જેવા વરસોના ઓછાયા મારામાં સૌને દેખાય,
આવીને હૈયે તું ચાંપે તો સાગના આ સોટાનું વાંસવન થાય;
તંગ કમખાના દિવસો ભરાય,
ચંદ પગલાંની વાટમાં રસ્તાએ ક્યાં લગી વેઠવાના શલ્યાના શાપ ?
આમ અંતરથી અંતર ન માપ, સીધેસીધું જ તું આલિંગન આપ.

કાંઠાઓ તોડીને ધરણી ધમરોળવા દરિયા છે મારા તૈયાર,
‘કેમ છો’ની હોડીઓ તરતી મેલીને શાને તું મૂંઝવે મઝધાર ?
વેઠી વેઠાય નહીં વાર,
આતમના ઓરડિયે ‘તું હિ તું’ ‘તું હિ તું’; ‘તું હિ તું’ એક જ છે જાપ.
આ અંતર તું અંતરથી કાપ, ચાલ, સીધ્ધું જ આલિંગન આપ.

– વિવેક મનહર ટેલર
(૨૭-૨૮/૦૭/૨૦૧૫)

(કશકોલ = ભિક્ષાપાત્ર)

*

aalingan 02

આલિંગન : ૦૧

IMG_3480b
(કશ્મકશ……                     ……કાન્હા નેશનલ ફૉરેસ્ટ, 2015)

*

મેલ મૂઆ ઢંઢેરા પીટવાનું પ્રીતના, આવ મુંને બથ્થ મહીં ઝાલ,
આખા ગામમાં શું મચવે ધમાલ ?

ફાગણમાં સે’જ તેં રંગી’તી ઈમાં તો ઝમકુડી જીવ લે છ, બોલ,
રસિયો નખ્ખોદિયો પાદર બેહીને મારી ચામડીનો બજવે કાં ઢોલ?
મારી ઓસરિયું સીમમાં ન ખોલ.
ભીંતનેય કાન નહીં જાય ગીત ઢોલિયાના, ઈ જ તો સે હાચી કમાલ.
ગામ આખામાં કરતો ધમાલ ? ઝટ આવ મુંને બથ્થ મહીં ઝાલ

મનડામાં મોતી જો વીંધાણું હોત તો તું વીજળીના ચમકારે પ્રોત,
દખના કે વખના કટોરાં જે દેત તું એ હરખેથી માંડત હું હોઠ,
ક્યાંક છાનું મળાય ઈમ ગોત
ઢેફાને તરબોળી નાખે , દેખાય નંઈ; પાણી જ્યમ કરવાનું વહાલ,
ગામ આખામાં કર મા ધમાલ, આવ ઓરો ને બથ્થ મહીં ઝાલ!

– વિવેક મનહર ટેલર
(૨૬-૨૮/૦૭/૨૦૧૫)

*

aalingan 01

અંતર

secret admirer

*

તું જેટલી મારા દિલની નજીક છે
ઘરથી પણ એટલી જ નજીક હતી
પરંતુ
તારા આ ખાસ દિવસ પર પણ
એટલું અમસ્તું અંતર
અમસ્તુંય
હું કાપી શક્યો નહીં.
પહેલીવાર
આટલા વર્ષોમાં
તારા હાથમાં હાથ
અને
આંખમાં આંખ મિલાવી
તને વિશ કરી ન શકાયું.
હાય!
હું
હવે
મારા અંતર પર હાથ રાખીને
તને વિશ કરું છું-
‘હેપ્પી બર્થ ડે’
-કદાચ ત્યાંનું અંતર કાપી શકાય..

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૭-૨૦૧૫)

*

b day cake

સાંભળ જરા

vmtailor.com
(સાંજના પડછાયા…                                 …પચમઢી, મે-૨૦૧૫)

*

શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.

આમ હું પથ્થર સમો છું, આમ છું કાગળ જરા,
થાઉં સાંગોપાંગ ભીનો, વરસે જ્યાં વાદળ જરા.

તું મને જોતાની સાથે ઓળખી લેશે, ન ડર;
ખુશબૂ પહેરીને ઊભો છું, છાંટીને ઝાકળ જરા.

હાથમાં લઈ હાથ ચલ, સંભાવનાની ઓ તરફ,
બે’ક ડગલાં છો સ્મરણનાં રહી જતાં પાછળ જરા.

હુંય તારી જેમ ઓગળવા હવે તૈયાર છું,
શું કરું છૂટતી નથી મારાથી આ સાંકળ જરા…

સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.

આ શરાફત કેળવેલી છે હજારો જન્મથી,
જો, ભીતર અડકી તો જો, કેવો છે વડવાનળ જરા !

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૫)

*

vmtailor.com
(ખુશબૂ પહેરીને ઊભો છું………                    …પચમઢી, મે-૨૦૧૫)

દફ્તરને ગુસ્સો આવ્યો….

keLavNi ni kavita_01

*

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત “કેળવણીની કવિતા” પુસ્તકમાં સમાવિષ્ટ મારું કાવ્ય આપ સહુ માટે… (આ સંગ્રહમાં એક બીજું કાવ્ય ભૂલથી મારા નામ સાથે છપાઈ ગયું છે, જો કે એ કવિતા મારી નથી)

ડિસેમ્બર ૨૦૧૧માં આ ગીત લખ્યું ત્યારે એ અડધું-અડધું લાગતું હતું… ગીત તો લખી નાંખ્યું પણ વીસ વરસ પહેલાંનું દફતર અને આજના દફ્તરની વચ્ચેનો એક સેતુ ખૂટતો-તૂટતો હોય એવું અનુભવાતું હતું… સવા વરસ પછી ફેબ્રુઆરી ૨૦૧૩માં અચાનક એ સેતુ રચાઈ ગયો… નવા લખેલા પહેલા અંતરા સાથે આ ગીત ફરી એકવાર… કહે છે ને કે કવિતા ક્યાંક અગોચર જગ્યાએથી આવે છે…!

*

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?

વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?

સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.

દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું

– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)

keLavNi ni kavita_02

પ્રેમ : ૦૨

Saaras Beladi
(તું તારા, હું મારા રસ્તે……                        ….ઊભરાટ, માર્ચ-૨૦૦૯)

*

પ્રેમ !
કઈ ભાષાનો શબ્દ છે આ ?
કોઈ કહેશો મને?

*
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા
મારા ચોર્યાસી લાખ વહાણોનો કાફલો*
એવું કહી ગયા પછી ગયેલું
એનું વહાણ
છેલ્લી ઇસવીસનના
છેલ્લા કિનારા પર
છેલ્લે નજરે પડ્યું હતું.

(*સ્નેહાભાર: મુકુલ ચોક્સી)

*
સદીઓથી
પોતપોતાની સમજણની સાંકળથી
એક જ પાંજરામાં
બંધાઈ રહેવાની ગોઠવણને
આપણે શું કહીશું ?
પ્રેમ ?

*

પ્રેમ એટલે
મોબાઇલમાંથી
સમયસર ડિલિટ કરી દેવાયેલો
કોલ-લોગ !

*

એણે મને આઇ લવ યુ કહ્યું.
હજારો વર્ષ પછી પણ
ઊંડા વિચારમાં ગરકાવ
હજી હું ત્યાં જ ઊભો છું,
નિઃશબ્દ !

*
પ્રેમ
એટલે
જાતને જોઈ શકાય
એવો સાફ અરીસો,
સમયનો પથરો
જેને કરી દે છે ચકનાચૂર
અને
બાકી જિંદગી
આપણે ટુકડા જ વીણતા રહીએ છીએ-
લોહીનીંગળતા આંગળાઓથી!

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૩-૧૫ / ૨૫-૦૫-૧૫)

*

OLYMPUS DIGITAL CAMERA
(ચાલ ને હવે, માની જા ને, બકા….     …ઘર-આંગણે, મે-૨૦૦૯)

પ્રેમ – ૦૧

P1013806
(Twogether……..               …ડેટ્રોઇટ, ૨૦૦૯)

*

નદીના વહેણથી
છૂટા પડી ગયેલા દેખાતા
બે કિનારા
તળિયાની માટી સાથે એકાકાર જ છે
એ સમજી શકાય
એ ઘટનાને આપણે શું કહીશું ?
*

સમયની આખરી ભેખડ પર
એણે મારો હાથ ઝાલ્યો.
હું
આવતીકાલની ખીણમાં લપસતો રહી ગયો.

*

એની આંખના
છેક નીચલા કિનારે
આવી ઊભેલું એક વાદળ
અચાનક
મને પલાળી ગયું.
આજ પ્રેમ છે
કહીને મેં રૂમાલ કાઢ્યો.

*

મને તરતાં આવડતું હતું
પણ
એના સ્મિતનો ધક્કો જ એવો હતો
કે હું ડૂબી ગયો એના જળાશયમાં.

*

મને યાદ નથી
કે
મેં એને છેલ્લીવાર આઇ લવ યુ ક્યારે કહ્યું હતું.
પણ
દરિયાની ભીની રેતીમાં
મેં પડતા જોયા છે
હંમેશા
ચાર પગલાં જ !

*

આજીવન સાથે રહીએ એ કંઈ પ્રેમ છે ?
છટ્ !
– એણે કહ્યું,
મને એવા કોઈ બંધન પસંદ નથી.
હું તો ખાલી તને સમજવા માંગું છું.

*

પવનના ભરોસે
વરસાદના ટીપાનું
ઠે..ઠ આભથી પડતું મેલવું
અને
ટીપે-ટીપે પવનને ભીંજવવું એ પ્રેમ.
વરસાદનું ટીપું નક્કી સ્ત્રી હોવું જોઈએ
અને….
પવન ?

*

સિત્તેરમા વરસે
એ ચાલી ગઈ
ત્યારે
મને પહેલીવાર
એણે કદી નહીં કીધેલું
આઇ લવ યુ સંભળાયું !

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૩-૧૫ / ૧૪-૦૪-૧૫)

*

OLYMPUS DIGITAL CAMERA
(આતુર…….                                              …ડેટ્રોઇટ, ૨૦૦૯)

અંદર અંડરલાઇન

Vivek Tailor _preparation

ભરઉનાળે
ધોધમાર તૂટી પડેલ
ક-મોસમનો પહેલો વરસાદ
દુનિયા આખ્ખીને
સાગમટે ચોખ્ખીચણાક કરવા બેઠો
ત્યારે
ગામ આખાના એકેએક કવિઓ
કાગળ લઈને મચી પડ્યા.

..

મેં
માત્ર
હાથમાં લીધેલી ચોપડી
વાંચતા-વાંચતા
ગઈકાલે
મારાથી થઈ ગયેલા ગુસ્સા સામે
એની ભીની થઈ ગયેલી આંખો નીચે
ચોપડીની
અથવા
મારી
અંદર અંડરલાઇન કરી.

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૪-૨૦૧૫)

કેવી ભૂલ કરી !

Jungle by Vivek Tailor
(પગલાં એક-એક ક્ષણનાં…            ….નામેરી, આસામ, ૨૦૧૦)

*

કેવી ભૂલ કરી રે, મનવા ! કેવી ભૂલ કરી !
પેટ ચોળીને શૂળ ને જિંદગી પળમાં ધૂળ કરી.

એક-એક શ્વાસ ચડી બેઠા છે થેલા થઈ મણ-મણના,
સદી સદી લાંબા થઈ પડતાં પગલાં એક-એક ક્ષણનાં;
આખે આખું જીવતર પળમાં બની ગયું એક ભ્રમણા,
ક્યાંથી વાત શરૂ થઈ, ક્યાં ગઈ એ જ નરી વિટંબણા,
નાસમજીમાં સૂરજ જેવી બત્તી ગુલ કરી.

અણી ચૂક્યો તે વરસો સહેવું માથે ગયું લખાઈ,
દિલગીરીના કાંટા માંહે વસ્તર ગયું ચીરાઈ;
કંઈ કરવાનું પગલું પાછું એવું થ્યું હરજાઈ,!
બૂટ, દિશા, મારગ સૌ ગાયબ; પગ પણ ગયા કપાઈ,
હોઠ પાછળ આખી વસ્તીએ ફાંસી કબૂલ કરી.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૧૫)

*

river by Vivek Tailor
(સમીસાંજના ઓળા…                             …..નામેરી, આસામ, ૨૦૧૦)

હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

Lady by Vivek Tailor
(આ જીવતરના બોજાને…..              ….અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

*

આ ફોટોગ્રાફ ફેસબુક પર મૂક્યો હતો ત્યારે બે પંક્તિ લખી હતી. વૉટ્સએપ પર આ ફોટો મિત્રો સાથે ‘શેર’ કર્યો ત્યારે ભૂલી જવાયેલ એ બે પંક્તિઓ ધ્યાનમાં આવી અને આ ગીત લખાયું…

*

આ ડાંગર તો પળભરમાં ફાવે ત્યાં પટકું,
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

ચોમાસે ઘાસ એમ કૈં કૈં કૈં ઇચ્છાઓ બારમાસી ફૂલે ને ફાલે,
સપનાં જરાક નથી ઊગ્યા આજે કે માંહે બળદ ઘૂસ્યા નથી કાલે,
એકાદા ખણખણતા ડૂંડાને કાજ બોલ, કેટકેટલા ખેતરવા ભટકું ?
પોરો ખાવો છ મારે બટકું.
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

‘કંઈ નહીં’ની ભીંત ઉપર ઓકળીની જેમ બસ, લીંપાતો જાય જન્મારો,
‘ક્યાંય નહીં’ના છાણાંમાં ધુમાતી જાતને ચૂલો જ દિયે છ આવકારો.
કણકણ ઓગાળ્યા તોય જિંદગીની આંખ્યુંમાં શાને કણાં જેમ ખટકું ?
ક્યારેક ને ક્યાંક તો અટકું !
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૫)

*

Farm by Vivek Tailor
(શમણાંના ખેતર….                               …અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

બોધિવૃક્ષ

garmaaLo by Vivek Tailor
(પહેલો પીળો શ્વાસ….                  …..ગરમાળો, ૨૦૧૦)

*

પાક્કો નમાજી ન હોઉં એમ
દર ઉનાળે
પાંચ-પચીસવાર
આ ગરમાળા નીચે હું થોભું જરૂર છું.
હજુ ગઈકાલે જ એણે
આ મોસમનો પહેલો પીળો શ્વાસ લીધો લાગે છે.
આ પીળા શ્વાસના પડછાયાને અઢેલીને ઊભો રહું છું
એ ઘડી
મારામાં ધોમધખતો સૂરજ ચંદ્રાવા માંડે છે.
શહેરની ગલીઓમાં
સતત ખોવાતા રહેતા
મારા શ્વાસનું કદાચ આ છેલ્લું સરનામું છે.
ઘડી-બે ઘડી
આ સરનામે
હું
મને
મળું છું
ત્યારે
એક શંખધ્વનિ લોહીમાં ઊભરાતો સાંભળું છું –
બુદ્ધં શરણં ગચ્છામિ…
સંઘં શરણં ગચ્છામિ…
ધમ્મં….

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૩-૨૦૧૫)

*

GarmaaLo by Vivek Tailor
(પહેલો પીળો શ્વાસ….                …..ગરમાળો, ૨૦૧૦)

તું લાખ બચાવ તારી ચોળી

IMG_8654

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનાને પૂછ્યું મેં પાંપણ પછીતેથી
કઈ રીતે આ’યું તું આગળ ?
સાજન ગિયો છ મારો આઘે મલક,
નથ કોઈ એનો ફોન, નથ કાગળ.
હોળીના નામના કાં લે છે બલૈયા ? હું વાખી ન દઉં બારી મોરી ?
એકલી દીઠી ન જરી છોરી, તે કરવાને મંડ્યું તું આમ જોરાજોરી ?
ઓ રી !
ભલે લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનું કહે કે અલી ! સાજનના નામનો જ
રંગ હું લા’યું છું, જરા જો તો !
પાંપણની પાળ અને આંસુની વાડ ઠેકી
આવ્યો છે ઘરમાં ગલગોટો,
ફાગુનનો ફાગ ! ઠેઠ ભીતર છે આગ ! હવે રાખવી શી મારાથી ચોરી ?
આઘી જશે કે આવે ઓરી, તું ક્યમ અને ક્યાં લગ રે’વાની કોરી ?
ઓ રી !
છો લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૩-૨૦૧૫)

IMG_0939

લૂંટ

tree by Vivek Tailor
(ઉર્ધ્વમૂલ…..                                            …. અંદમાન, ૨૦૧૩)

*

ચોર એના પર ચડીને આવશે
ને ઘર લૂંટી જશે
એ આશંકામાં
મારા ઘરની સામે રહેતાં
વયોવૃદ્ધ કાકા-કાકીએ
એમના ઘરની
પાંચ ફૂટિયા કમ્પાઉન્ડ વૉલની બહાર ઊભેલા
ત્રણેય ઘટાટોપ વૃક્ષ મૂળસોતાં કપાવી નાંખ્યા.
શું હશે એમના ઘરમાં લૂંટાવા જેવું?
એમનાં સંતાનો તો વરસોથી
વિદેશમાં વસી ગયાં છે.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૨-૨૦૧૫)

યસ ! આઇ કેન !

Boat by Vivek Tailor
(માર હલેસાં માર, ખલાસી….                       ….નામેરી, આસામ, ૨૦૧૦)

*

નથી દિશા કે મંઝિલ-રસ્તો, હોય તો એની ખબર નથી,
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

ભર મઝધારે કયા ભરોસે જાત મેં ખુલ્લમખુલ્લી છોડી ?
હોડીને તો એક જ કાંઠો, કાંઠાને ક્યાં એક જ હોડી ?
દરિયો પાછો કેવો જડિયો ?! એક્કે લહેરો સજળ નથી.
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

લખચોરાસીના વન-વે પર પૂરપાટ છે મારી વેન;
જનમ-જનમના મીલના પથ્થર ! સાંભળતા જાઓ : યસ ! આઇ કેન !
કાલ ઊઠીને ફ્રી-વે થાશે, આજ ભલે ને સગડ નથી.
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૧-૨૦૧૫)

*

P5167244
(વન-વે….                                               ….કેલિફૉર્નિઆ, ૨૦૧૧)