સાથે ને સાથે રહેતા હતા એ દિવસ ગયા,
બે કાયા, એક છાયા હતા એ દિવસ ગયા.
ખાવું-પીવું તો ઠીક, હવાનેય બુંદ-બુંદ
શ્વાસોમાં સાથે લેતા હતા એ દિવસ ગયા.
પળથી વરસ સુધીની સમયની બધીય વાડ,
હરપળ વળોટી જીવ્યા હતા એ દિવસ ગયા.
જીરવાય, ના જીવાય જુદાઈની એક પળ
એ કાયમી મિલનમાં હતા એ દિવસ ગયા.
સંજોગે ખોઈ બેઠાં જણસ, આ દિવસ રહ્યા,
જીવન ઉપર ઉપરથી સરસ, આ દિવસ રહ્યા.
વાતો કે હસવું ઠીક છે, રસ્તે અગર મળ્યાં,
સામુંય જોઈ ના શક્યાં, બસ આ દિવસ રહ્યા.
કાંઠા સમું જીવન થયું, સાથે જ પણ અલગ,
વચ્ચે સતત વહે છે તરસ, આ દિવસ રહ્યા.
– વિવેક મનહર ટેલર
(૨૬-૧૧-૨૦૧૧ મળસ્કે ૦૩.૪૫)
આજની પેઢી સોનેટકાવ્યોથી વિમુખ થતી જાય છે એવા દિવસોમાં એવું શું કરી શકાય જેના કારણે આજની અને આવતીકાલની પેઢીનું સોનેટકાવ્ય સાથે પુનઃસંધાન કરી શકાય એવી મથામણના અંતે સરળ ભાષામાં સોનેટ લખવા, પંક્તિના અંતે વાક્ય પૂરા થઈ જાય એવું વિચારીને પરંપરાગત છંદમાં કેટલાક સોનેટ લખ્યા જે આપ અગાઉ માણી ચૂક્યા છો. પણ તોય કંઈક ખૂટતું હોય એમ લાગતું હતું. એ આ. ગઝલ-સોનેટ.
બાહ્ય બંધારણ સોનેટનું. ચૌદ પંક્તિઓ. એક અષ્ટક અને એક ષટક. અષ્ટક પતે અને ષટક શરૂ થાય ત્યારે ભાવપલટો. અને કાવ્યાંતે ચોટ.
ફ્યુઝન ગઝલસ્વરૂપ સાથે. છંદ ગઝલનો. મત્લા અને શેરના સ્વરૂપમાં કાફિયા અને રદીફની જાળવણી. અષ્ટક પતે પછી ભાવપલટાની સાથો સાથ નવો મત્લા અને નવા કાફિયા-રદીફ સાથેના શેર.
મારી દૃષ્ટિએ ગઝલની ગઝલ અને સોનેટનું સોનેટ… આખરી ફેંસલો આપના હાથમાં… આપ શું કહો છો?






















