મુશળધાર કરી દે…

OLYMPUS DIGITAL CAMERA
(અદા….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

*

પળની હો પળોજણ તો તું પળવાર કરી દે,
તાણીને ન એ વાત લગાતાર કરી દે.

તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

જે કામ છે તારે એ લડીને તો નહીં થાય,
છો કામ પતે એ પછી તકરાર કરી દે.

સ્વપ્નો છે તૂટેલા કે છે ઇચ્છા તણો ચૂરો,
આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે.

જે વાર મરણતોલ હતો એને શી રીતે,
આ મન પછી હોવાતણો આધાર કરી દે !

જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ગૂફ્તગુ….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

વંટોળિયો

OLYMPUS DIGITAL CAMERA

(રંગીન ટહુકો…                                                  ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)

*

આજે સાંજે અમેરિકામાં મારો બીજો કાર્યક્રમ:

*

શિકાગો

07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે

શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007

[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]

*

ભીતરે ફુત્કાર કરતો ક્યારનો વંટોળિયો,
શ્વાસના નામે વગોવાયો ઘણો વંટોળિયો.

બહાર-ભીતર સૌ ઉપર-નીચે નીચે-ઉપર થતું,
તારો SMS છે કે વહાલનો વંટોળિયો ?

માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.

નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?

કોણ મારા ગામ, ગલીઓ, ઘર સતત ધમરોળતું ?
હું જ શું પોતે નથી ને ક્યાંક તો વંટોળિયો ?!

દૂર તારાથી છું તો શું, હું તને પળવારમાં
લઈ લઈશ આગોશમાં થઈ શબ્દનો વંટોળિયો.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA

(અમેરિકન ટહુકો…                                                  ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)

ગમતીલાં ખ્વાબ

P1013655
(અમેરિકા આવવાનું પહેલું કારણ?         ….રીવર ફ્રંટ, ડેટ્રોઇટ રીવર, ૩૦-૦૪-૧૧)

*

પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,
જાગરણના જવાબ મોકલું છું;
પાંપણો સહેજ પણ ખુલી ના શકે,
એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.

-વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૧)

P1013923
(સ્કાય લાઇન…                                  ….ડેટ્રોઇટ રીવર,૩૦-૦૪-૨૦૧૧)

*

અમેરિકાનો મારો પહેલો કાર્યક્રમ આજે:

ડેટ્રોઇટ

01/05 (રવિવાર): સાંજે ચાર વાગ્યે

સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI

[734-620-2233, 734-306-1180, 248-7608005]

Status : SOLD OUT

હું તો ગરમાળો…

OLYMPUS DIGITAL CAMERA

*

સુરતના મોટાભાગના ગરમાળા અમારા દિલની ડાયરીમાં કેદ છે. દર ઉનાળે આ બધાની અવારનવાર મુલાકાતે અમે ખાસ નીકળીએ છીએ. આ વરસે હજી ગરમી ખરા અર્થમાં શરૂ નથી થઈ એટલે મોટા ભાગના ગરમાળા ખીલ્યા નથી, સિવાય કે એક બે પીળી સેર… પણ ઘોડ દોડ રોડ પર ‘તનિષ્ક’ની સામે રસ્તાની વચ્ચે સૂર્યનો તડકો આખો દિવસ અનવરત સહન કરતો ગરમાળો કદાચ તાપના કારણે વહેલો મહોરી ઊઠ્યો છે… એને જોયો અને વિચાર આવ્યો કે આ અગાઉ તો ‘મોસમનો પહેલો ગરમાળો’ ગીત લખી ચૂક્યો છું અને ‘ગરમાળો’ સંગ્રહ પણ પ્રગટ થઈ ગયો.. હવે ગરમાળા પર વળી નવું શું લખી શકાય ? પણ કાર સ્ટાર્ટ કરી અને મોબાઇલ હાથમાં લીધો… ચાલુ કારે ડ્રાફ્ટ મોડમાં ધ્રુવ પંક્તિઓ ટાઇપ કરવી આદરી. વૈશાલીએ પૂછ્યું, કોને SMS કરે છે… મેં કહ્યું, મને જ…

આ રહ્યો એ SMS…

*

કીધો જ્યાં તાપનો તેં સરવાળો,
હું ખીલ્યો, હું તો ગરમાળો.

તારી એક જ ઉષ્ણ નજરથી
ડાળ-ડાળ લહેરાયું સોનું,
રાહ પીળો, થઈ મુગ્ધ વિચારે-
‘આ વરદાન છે કોનું ?’
તડકો રંગે મને, હું રંગી  દઉં આખો ઉનાળો,
મને છો રોમે-રોમ પ્રજાળો.
હું ખીલ્યો, હું તો ગરમાળો.

ભીના ભીના એક જ ટહુકે
મારી એક એક સેર લળુંબે;
પ્રેમમાં શાને શરમાવાનું ?
આખી મારી જાત ઝળુંબે,
આ પાર ભલો, ઉસ પાર ભલો પણ હોય નહીં વચગાળો,
છો ને રોકે ઉપરવાળો.
હું ખીલ્યો, હું તો ગરમાળો.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૪-૨૦૧૧)

*

GarmaaLo
(‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ)…                                                   …સ્વયમ્ પ્રકાશન, સુરત)

રંગાયા છે…

OLYMPUS DIGITAL CAMERA
(હોળી હમણાં જ ગઈ, નહીં ?              ….ગોરેગાંવની ગટર, ફેબ્રુઆરી, ૨૦૧૧)

*

આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.

હવે નજર પર કે લક્ષ્ય ઉપર ચઢી શકે ન ઢોળ જ કોઈ,
તુજ રંગે આ ધનુષના લખ ચોર્યાસી બાણ રંગાયા છે.

અમારી ભીતર સતત બળે છે, અમારે હોળીનું શું છે કામ જ ?
અમારા શ્વાસો કયા અનલથી તમને શી જાણ, રંગાયા છે ?!

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.

અમારા શબ્દોને ખોદી કાઢો કે રગ-રગોને ચીરો અમારી,
જડશે એ જ જેનાથી અમારા આણબાણ રંગાયા છે.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૩-૨૦૧૧)

PB131427
(રંગાયા છે…                                ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

આ સૂરજને કહી દો કે ઊગે ન આજે

OLYMPUS DIGITAL CAMERA
(પ્રતીક્ષાની ગલીઓમાં…           ..રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)

*

ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.

ખબર તારી લાવ્યો નથી સૂર્ય આજે,
નગર આજે એનો દિવસ ક્યાંથી પામે ?

તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
થયું જે થતું સોળમી વર્ષગાંઠે.

હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.

અસર જો નિકટતાની, જાણ જ રહી નહિ,
‘તમે’માંથી ‘તું’ પર સરી આવ્યા ક્યારે ?

પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે –
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?

-વિવેક મનહર ટેલર
(૧૦/૧૧-૦૩-૨૦૧૧)

*

sunrays
(ફાટું ભરીને સોનું…                                             ….માઉન્ટ આબુ, ૨૦૦૦)

બે કાફિયાની ગઝલ

OLYMPUS DIGITAL CAMERA
(આંખના શતરંગી શમણાં…                  … પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

આખરે તો થઈ જવાનું છે ફના,
નામ દો વાદળનું કે ઝાકળ તણું.

આંખને વાંચી જવાનું હોય ત્યાં,
તું મૂરખ બેઠો છે લઈ કાગળપણું.

તારી આગળ અર્થ એનો કંઈ નથી,
છો નનૈયા લાખ હું પાછળ ભણું.

આંખના શતરંગી શમણાં કે પછી
છાતીમાં છુપાવ્યા એ વાદળ ગણું ?

સ્થાન મારી જિંદગીમાં તારું શું ?
એ જ જે સુરતમાં છે ભાગળ તણું.

– વિવેક મનહર ટેલર
(૦૩/૦૪-૦૩-૨૦૧૧)

નેહા પુરોહિતે SMS વડે બે કાફિયાની ગઝલ મોકલાવી. એ વાંચતા જ ભીતર સળવળાટ થયો. છેલ્લા છ-આઠ મહિનાથી પુસ્તક પ્રકાશન કંઈક એ રીતે ભીતરને ભરડો લઈ બેઠું હતું કે કવિતા સાવ જ વિસારે પડી ગઈ હતી. નેહાની ગઝલે મહિનાઓની શીતનિદ્રાનો આ સ્વરૂપે દવાના સેમ્પ્લના કાગળ પર અંત આવ્યો… આભાર, દોસ્ત! લયસ્તરો પર નેહાની ગઝલ વાંચવી ન ચૂકાય એ ખાસ જો જો…

હું શું કરું ?

PB078936
(દીકરો મારો લાડકવાયો…       ….દિરાંગ, અરુણાચલ પ્રદેશ. ૦૭-૧૧-૨૦૧૦)

*

વેકેશનમાં
દીકરો
બહારગામ ફોઈને ત્યાં રહેવા ગયો.
દસ વર્ષમાં
પહેલવહેલીવાર
એ અમારાથી આમ સાવ જ છૂટો થયો.
એના વિના જાણે સૂરજ ઊગતો જ નથી
ને ઊગે તો પછી કદી આથમતો જ નથી…
એની મમ્મી તો
સવાર-બપોર-સાંજ
ફોન કરીને એના ખબર-અંતર પૂછી લે-
આ કર્યું ?
આમ કેમ કર્યું ?
ફોઈને હેરાન કરે છે ?
બહુ ચૉકલેટ નહીં માંગવાની.
આઇસક્રીમની જીદ નહીં કરવાની.
દીકરો પણ
એના આખા દિવસના પરાક્રમ
મમ્મીને વિગતવાર કહે-
ક્યાં ક્યાં ફરવા ગયા હતા ?
શું શું જોયું ?
શું ખાધું ? ફોઈએ શું અપાવ્યું ?
-બધું જ.
મારા મોબાઇલ પર ફોન કરે
પણ ‘મમ્મીને આપો’ એટલું કહેવા પૂરતું જ.
એની મમ્મી તો
ખુલ્લું રડી પણ પડે…
હું…
હું શું કરું?

-વિવેક મનહર ટેલર
(૦૧-૦૬-૨૦૧૦)

*

PB078896
(ગુફ્તગુ…                         ….દિરાંગ, અરુણાચલ પ્રદેશ. ૦૭-૧૧-૨૦૧૦)

એ નજર…

PB110454
(એ નજર…                  ….અરુણાચલના રસ્તાઓ પર, ૧૧-૧૧-૨૦૧૦)

*

હજારોની ભીડ ચીરીને
એ નજર
એ એક નજર
એ જ નજર
ક્ષણાર્ધમાં
ક્ષણાર્ધ માટે જ મને વીંધી ગઈ…
અને તીવ્ર થતા તડકા સામે બાષ્પીભૂતાતા ઝાકળની જેમ
આખી ભીડ…
આ જ નજરના હીંચકા પર
જિંદગીના
કંઈ કેટલાય ખુશનુમા વરસો હીંચ્યા હતા.
આ જ નજરના ઝરણામાં
કંઈ કેટલાય સ્મરણો નાહી-ધોઈને ઉજળાં થયાં હતાં.
આ જ નજરના રસ્તે ચાલીને
કંઈ કેટલીય ઇચ્છાઓ આંટણિયાળી થઈ હતી.
આ જ નજરના છાંયડામાં
જન્મોજનમના કોલ વાવ્યા હતા.
આ નજર મારી નજરમાં
એમની એમ જ અકબંધ લઈને
સદીઓથી
હું ત્યાં જ ઊભો હતો.
કોઈ તડકો-ટાઢ-વરસાદ-ધુમ્મસ કે આંધી
એને લગરીક પણ ધુંધળી કરી શક્યાં નથી.
આજે
અચાનક
સદીઓ પછી
એ ચિરાંકિત નજર ફરીથી રૂ-બ-રૂ થઈ.
ભીડ ગાયબ.
સમય-શબ્દ-સ્થળ-સૃષ્ટિ કંઈ જ ન રહ્યું…
ચંદ શ્વાસોની ચાલુ આવ-જા સિવાય
નિશ્ચેત દેહ લઈને
હું
એ નજરને
કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
એ વિમાસણમાં
કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪-૨૦૧૦)

*

PB089583
(તારી આંખનો અફીણી…       …પર્ણવી પટેલ, આસામ, ૧૩-૧૧-૨૦૧૦)

મારું પ્રથમ કાવ્ય…

થોડા દિવસો પછી આ સાઇટ પાંચ વર્ષ પૂરાં કરશે અને વધુ થોડા દિવસો પછી મારા બે કાવ્ય-સંગ્રહો પ્રગટ થશે… અને આજકાલ મારી અન્ય સાઇટ લયસ્તરો.કોમ પર છ વર્ષની ઉજવણી નિમિત્તે જિંદગીને અગત્યના વળાંક ઉપર આણવામાં મદદરૂપ થનાર કાવ્યોની શ્રેણી -અંગત અંગત- પ્રગટ કરવામાં આવી રહી છે એટલે ઇચ્છા થાય છે કે મારી કાવ્ય-યાત્રાની શરૂઆત જે કવિતાઓથી થઈ એ ત્રણ પૈકીની બે રચનાઓ આપ સહુ સાથે કેમ ન વહેંચું…!!

*

PB100239
(અંદરના અજવાળે….    …સ્વયમ્, હોટલ તવાંગ ઇન, તવાંગ, અરુણાચલ પ્રદેશ, 10-11-10)

*

મારી એ સમયની નોટબુકમાં મેં લખ્યું છે: “તા. ૧૧-૧૧-૧૯૮૦ને દિને ઉમરગામનો પ્રકૃતિને ખોળે ખેલતો દરિયો મને એના કિનારે કાવ્ય રચવાની પ્રેરણા આપી રહ્યો હતો. ૯ વર્ષ, ૭ માસ અને ૨૫ દિવસની ઉંમરે બનાવેલું મારું પ્રથમ કાવ્ય- ‘પ્યારાં પ્યારાં’ !!”

પૃથ્વી જેમની માતા,
ને સૂર્ય જેમના દાદા;
એવાં બાળકો લાગે મને પ્યારાં પ્યારાં…

પૃથ્વીનો જે ભાઈ,
ને સૂર્યનો જે પુત્ર;
એવા ચાંદામામા લાગે મને પ્યારા પ્યારા…

*

અને એ જ દિવસે રચેલું મારું ત્રીજું કાવ્ય-

*

ચીં ચીં ચીં ચકલી બોલે,
કાગડો બોલે કા કા કા;
તોફાની દરિયો બોલે,
લાવ તને હું તાણી જાઉં…. ચીં ચીં ચીં…

ઘૂ ઘૂ ઘૂ પારેવડાં બોલે,
સિંહ બોલે ઘુરરર…ઘુરરર;
જંગલી પ્રાણી વાઘ બોલે,
લાવ તને હું ખાઈ જાઉં…. ચીં ચીં ચીં…

ભઉ ભઉ ભઉ કૂતરો બોલે,
કોયલ બોલે કૂ કૂ કૂ;
મારા મનના વિચાર બોલે,
લાવ એકાદ હું કાવ્ય બનાવું… ચીં ચીં ચીં…

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૧૯૮૦)

આજે ત્રીસ વર્ષ પછી આ કાવ્યો વાંચતા મને આશ્ચર્ય થાય છે. પાંચમા ધોરણમાં ભણતા એક છોકરાને ગીતનું બંધારણ, લયનો કાચો ખ્યાલ, પ્રાસરચનામાં શક્ય વૈવિધ્ય અને કાવ્યાંતે આવવી જોઈતી ચોટનો વિચાર કેવી રીતે આવ્યો હશે ! કાગડા-ચકલી-કોયલ અને કબૂતર તો નાના બાળકના મનમાં બોલે જ પણ દરિયો બોલે, વાઘ અને સિંહ બોલે એવો ખ્યાલ શી રીતે એ સમયે મગજમાં જન્મ્યો હશે ! અને મનના વિચારો કાવ્ય રચવાનું ‘બોલે’ એ વિચાર પર નજર નાંખું છું તો મને પોતાને મારી જાત પર વિશ્વાસ નથી આવતો…

*

PB079066
(નહીં માફ નીચું નિશાન…           સ્વયમ્, દિરાંગ, અરુણાચલ પ્રદેશ, 7-11-10)

પપ્પા છે દુંદાળા

OLYMPUS DIGITAL CAMERA
(સુપરમેન….          …તવાંગ જતાં રસ્તામાં, અરુણાચલ પ્રદેશ, 8-11-2010)

*

ગયા રવિવારે ‘બાળદિન’ના રોજ મારા લાડકા સ્વયમ્ ની દસમી વર્ષગાંઠ ગઈ. પ્રવાસ દરમિયાન નેટ અને ફોન – બંને સુવિધાઓથી વંચિત રહેવાવાના કારણે એના જન્મદિવસની ભેટ રૂપે આ ગીત મૂકી શકાયું નહોતું. ગઈકાલે જ ફેસબુક પર મારો તાજો ફોટો જોઈ એક મિત્રે કહ્યું કે હું બહુ જાડો થઈ ગયો છું અને મને આ ગીત યાદ આવી ગયું…

*

પપ્પા છે દુંદાળા, મારા પપ્પા છે દુંદાળા

પપ્પાજીની સાઇઝનું પેન્ટ મળે ન કોઈ દુકાને,
લેવો પડે આખ્ખો તાકો પેન્ટપીસના સ્થાને,
ટેપ ખરેખર ટૂંકી છે કે દરજી કરે ગોટાળા ?
મારા પપ્પા છે દુંદાળા…

પપ્પાનો ખાવાનો ક્વૉટા હાથીને શરમાવે,
દૂધ-જલેબી-ખમણ-ફાફડા, જે આપો એ ચાલે.
રસોઈયા થાકી-હારી દર મહિને ભરે ઉચાળા.
મારા પપ્પા છે દુંદાળા…

રોજ સવારે બેડ-ટી માટે ટેબલ શું શોધવાના ?
કપ-રકાબી લઈને સીધા ફાંદ ઉપર મૂકવાના;
દંગ થઈ વિચારે પપ્પા, એ આ માટે ફાંદાળા ?
મારા પપ્પા છે દુંદાળા…

કદી ક્રિકેટની ગેમમાં પપ્પા રન-આઉટ ન થાય,
પપ્પાથી પહેલાં તો ક્રિઝમાં ફાંદ પહોંચી જાય;
એમની ફાંદ પર સ્કૉર લખીને હું માંડું સરવાળા.
મારા પપ્પા છે દુંદાળા…

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૬-૨૦૧૦)

*

OLYMPUS DIGITAL CAMERA
(પપ્પા છે દુંદાળા……            …કાઝીરંગા અભયારણ્ય, આસામ, 15-11-2010)

રેતી-સિમેન્ટ-કપચી (ત્રિપદી ગઝલ)

OLYMPUS DIGITAL CAMERA
(સત્યમ્ શિવમ્ સુંદરમ્….                 …એલિફન્ટાની ગુફાઓ, મુંબઈ)

*

દિવાળી દરવાજે ટકોરા દે છે અને હું બે અઠવાડિયા માટે વેકેશન પર જઈ રહ્યો છું. થોડો વખત અહીં પણ વેકેશન રાખીએ?

*

ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.

હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

– વિવેક મનહર ટેલર
(૦૩/૧૦-૦૮-૨૦૧૦)

?

OLYMPUS DIGITAL CAMERA
(Greater Coucal ~ Crow Pheasant  ~ Centropus sinensis)
(કબીરવડ, 26-07-2010)

*

તારી પાછળ
લોહીને
મુશ્કેટાટ
બાંધી રાખ્યું ન હોત
તો

કાગળ પર
કાવ્ય હોત ?

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૦)

(પૉસ્ટ 300) કમાલ નોખા છે…

1
(નસીબના વાવેતર…           ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

*

બધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે,

આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૦)

*

OLYMPUS DIGITAL CAMERA
(હરિત સ્વપ્નો…                 ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

…આજે તારી વર્ષગાંઠ છે !

વહાલાં મિત્રો,

તખ્તા પર ભજવાતું નાટક હંમેશા તાળીઓના ગડગડાટ પામે છે પણ નેપથ્ય હંમેશા અંધારામાં જ રહે છે… લેખક-દિગ્દર્શક-સંગીતકાર-સ્પૉટબૉય અને એક આખી ટીમ આ સફળતાની ખરી હકદાર હોવા છતાં એને એ તાળીઓ મળતી નથી…

મારી કાવ્યયાત્રા અને તમામ ઇતર સાહિત્યિક પ્રવૃત્તિઓ જે મંચ પર ભજવાય છે એના નેપથ્યમાં જે વ્યક્તિ આ તમામની ખરી અને એકમાત્ર હકદાર છે એવી મારી અર્ધાંગિનીની આજે વર્ષગાંઠ છે…

આજના આ દિવસે એને એક ગઝલ પાઠવીને થોડી વાર માટે નેપથ્યમાંથી મંચ ઉપર લાવી રહ્યો છું…

જન્મદિવસની વહાલભરી શુભકામનાઓ, વહાલી વૈ !

*

Vai birthday2

*

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.

તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.

યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.

ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !

*

OLYMPUS DIGITAL CAMERA

બેહિસાબ કાંટા છે…

04_radi radi ne vikheraayi raat
(તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર…           …ઘરનું ગુલાબ, ૦૫-૧૧-૨૦૦૯)

*

ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.

ભલે બધા જ કહે કે ખરાબ કાંટા છે,
જીવનના પ્રશ્નનો સાચો જવાબ કાંટા છે.

રહે છે પાંદડીઓમાં છુપાઈને ખુશબૂ,
જિગર છે કોની ફરે બેનકાબ ? કાંટા છે !

તમે તો બેસી ગયાં સ્વપ્ન રોપવા માટે,
તમે શું જાણો છો, અહીં બેહિસાબ કાંટા છે ?!

બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.

બધી જ વાતમાં ચાલે નહીં આ હડિયાદોડ,
ज़रा संभल के तो चलिए, जनाब ! કાંટા છે.

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું ?
હો દર્દ લાજિમી તો લાજવાબ કાંટા છે.

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૮-૨૦૧૦)

*

PA190727
(અમને મહેંકવાના કોડ….                                  …કચ્છ,૧૯-૧૦-૨૦૦૯)

એક અમર પ્રેમકથા

P6096125
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)

*

હવે એનો ઉલ્લેખ વાતોમાં ન આવવો જોઈએ
એ વાત ઉપર
બંનેનો ઝઘડો અટક્યો.
એણે શ્વાસ જ રોકી દેવો પડ્યો
પા મિનિટ પસાર થઈ…
શ્વાસ બંધ…
અડધી મિનિટ…
પોણી મિનિટ…
નસકોરાં ફૂલી ગયાં.
આંખોમાં લોહી ઉતરી આવ્યું.
પણ નિર્ધાર પાકો હતો.
એક મિનિટ…
ઉપર દસ સેકન્ડ…
બીજી પાંચ સેકન્ડ…
ઉપર ચાર સેકન્ડ…
બીજી બે’ક સેકન્ડ…
બીજી એક…
ઉપર એ…ક…
ઉ…
….પ…
……….ર…
પાણી ભરેલા ફુગ્ગાની જેમ

હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.
એ તો ખલાસ થઈ ગયો
પણ
કાગળ પરના એ ડાઘા
એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૬-૨૦૧૦)

*

heron
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)

નાદાન બનીશું….

PA252738
(વર્લ્ડ વાઇડ વેબ….                    ….માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)

*

થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)

*

PA262922
(નિકટ દર્શન…                    ….માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)

હું બાવળ નથી…

PA252748

*

હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
.                              …અને કરમાઉં !

છું એવો હું ઊર્મિઓથી ભર્યો ભર્યો
કે બુંદ-બુંદ લોહીમાં આખેઆખો દરિયો;
એક દીવોય મારા માટે છે ચંદ્રમા,
સળગ્યો નથી કે હું ભરતીએ ચડિયો,
ને ઓટે ચડું જો કદી શંખથી અડી જાઉં..
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
.                             …અને કરમાઉં !

મોસમની સાથે મોસમ થવાની મને
કુદરતની એવી બક્ષિસ સાંપડી;
પાનખર બેસે શિયાળે હથેળીએ
પર્ણથીય પહેલી ખરે ચામડી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
.                             …અને કરમાઉં !

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૪-૧૯૯૧)

*

PA232384

પપ્પા બદલવા નથી…

P7117020
(એકાગ્ર…                       …..સ્વયમ્, ઝરવાણી ગામ, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

*

શેઠ જી ! પાછા પેક કરી દો, મારે એ જોઈતા નથી,
જૂનાથી જ ચલાવી લઈશ હું, પપ્પા બદલવા નથી.

આંખ કાઢીને, ત્રાડ પાડીને
પપ્પા મને ભણાવે છે;
પણ નંબર પહેલો આવે તો
છાતી કોણ ફુલાવે છે ?
પપ્પા કડક ન હોય તો બંદા જાતે તો ભણતા નથી.
પપ્પા બદલવા નથી.

રાત પડ્યે લાખ બહાનાં કાઢે
પણ વારતા તો કહેવાના;
એમની તો ભઈ, સ્ટાઇલ જ એવી કે
આપણે કરગરવાના.
જુલે વર્ન શું ? કોનન ડૉઈલ શું? કોઈના કંઈ ગજા નથી…
પપ્પા બદલવા નથી.

નાની નાની વાતમાં પપ્પા
મારું કેવું રાખે ધ્યાન ?
હું નાનો ને નબળો છું તોય
હું મને લાગું બળવાન.
કુસ્તી કે ક્રિકેટ કે પત્તા – એ કદી જીતતા નથી.
પપ્પા બદલવા નથી.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૦)

*

PA312559
(તલ્લીન…                  … સ્વયમ્, વીલ્ડરનેસ રિસૉર્ટ, ગોવા, ૩૧ -૧૦-૨૦૦૮)

મારે પપ્પા બદલવા છે…

P7106653
(જીવન નામે પરપોટો…                           …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

*

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે  શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

*

PB033648
(લાખેણું સ્મિત…                     …સ્વયમ્, કારવાર, ગોવા, ૩-૧૧-૨૦૦૮)

*

(મારી વહાલસોયી ભાણજી -શિમોલી અને ભાણેજ-પ્રહર્ષને એમના જન્મદિવસ નિમિત્તે સસ્નેહ ભેટ)

ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…

P7117250
(લીલી ચાદર…                             ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

*

P7106808
(ભૂરી ચાદર…                             ….ત્યાગી ઘાટ, કેવડિયા, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

તને યાદ છે ?

Flamingo1
(ગુલાબી વાદળું..                    …સુરખાબ, કબીરવડ, ૨૭-૦૬-૨૦૧૦)
(Flamingo ~ Phonicopterus Roseus)

*

આજે આ ઢળતી સાંજો,
આંજે આંખોમાં યાદો,
એ પહેલો પહેલો સંગાથ, સ્પર્શ્યો હળવેથી એક હાથ, થઈ ગઈ જન્મોની વાતો, તને યાદ છે?

મારી આંખોમાં બસ તું,
તારી આંખોમાં બસ હું;
ભીતર-બાહર-ચોગરદમ,
એક જ હોવાની મોસમ,
ટૂંકા દિવસો, ટૂંકી રાત, જાતમાં ઓગળતી’તી જાત, વાયુ ઉત્સવ થઈ વાતો, તને યાદ છે ?

એક જ છત્રીની નીચે,
કોણ કોનાથી જીતે?
છત્રી હું-તું, હું-તું થાય,
બંને જણ સરખા ભીંજાય,
તો પણ કોરું આ સગપણ, શાની ડંખી ગઈ સમજણ ? શાને ફંટાયા માર્ગો ? તને યાદ છે?

–  વિવેક મનહર ટેલર
(૨૦/૨૮-૦૬-૨૦૧૦)

*

Flamingo2
(એકલવીર…                             …સુરખાબ, કબીરવડ, ૨૭-૦૬-૨૦૧૦)

વરસી કંઈ સ્મરણોની હેલી…

girl
(પ્રતીક્ષા…                            …કચ્છ, ઓક્ટોબર, ૨૦૦૯)

*

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
વરસી કંઈ સ્મરણોની હેલી…

– વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૦૬-૨૦૧૦)

મનગમતા સંગાથની વાટે…

PB054199
(સાથે સાથે…                 ….બીટલબાટિમ બીચ, ગોવા, ૦૫-૧૧-૨૦૦૮)

*

આજે જ મળસ્કે પાંચ વાગ્યે રચાયેલું એક ગીત…

*

ચાલ, ચાલીએ સાથે સાથે
નીકળી જઈએ પ્રેમમાં આજે
તોડીને હોવાની સાંકળ, રાતથી આગળ, વાતથી આગળ, મનગમતા સંગાથની વાટે…

‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
સંગની હોડી તરતી મૂકીએ
પાણીમાં પાણી થઈ જઈને,
ઘરમાં રહેવું કેમ પાલવે ? પહેલવહેલો વરસાદ છે આજે.
ચાલ, ચાલીએ સાથે સાથે…

મૌનથી એ સંવાદો રચીએ
જડે નહીં જે શબ્દકોશમાં;
સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
હું કે તું ના રહે હોંશમાં,
હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
ચાલ, ચાલીએ સાથે સાથે…

-વિવેક મનહર ટેલર
(૧૯-૦૬-૨૦૧૦)

wet together

પહેલો વરસાદ…

P1011275
(ચાલ ને ભેરુ ! નહાવાને, વરસાદની મોસમ છે….          …સ્વયમ્, 2005)

*

દોસ્તનો ફોન આવ્યો:
“અરે !
પહેલો વરસાદ પડ્યો.
કંઈ લખ્યું કે નહીં ?”
– શું કહું ?
શી રીતે
લખી શકાય
ભીના કાગળ પર ?!

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૧૦)

ભલે ને આયો ઉનાળો, મમ્મી !

PB043805
(સ્વયમ્ અને વૈશાલી….               ….કારવાર, કર્ણાટક, નવેમ્બર-૨૦૦૮)

*

ભલે ને આયો ઉનાળો, મમ્મી ! ભલે ને આયો ઉનાળો..

મમ્મી, તું તો આખ્ખા વર્લ્ડનું
બેસ્ટમ્બેસ્ટ છે એ.સી.;
તારા વહાલના કૂલિંગ સામે
બધ્ધા એ.સી. દેશી,
તું અડકે ને અળાઈ ભાગે, પાવડર તો કાંટાળો.

તરબૂચ, શરબત, આઇસક્રીમ, શાવર
તું કેટલું લઈ આવે !
ગરમીની સામે લડવાનું
તને તો જબરું ફાવે.
શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો.

મમ્મી, તું તડકો વેઠે
પણ મને તો આપે છાંયો,
તારી ઠંડી હૂંફ જોઈને
સૂરજ પણ શરમાયો.
મમ્મી ! તું ઘરમાં ઊગેલો પીળોછમ્મ ગરમાળો !

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૫-૨૦૧૦)

*

Fun2
(રેત મર્દન….                                                     …ઊભરાટ, મે-૨૦૧૦)

પાછું ફરશે ન કદી ચોમાસું

PA221748
(છપ્પનિયો…                            ….કચ્છ, ઓક્ટો-૦૯)

*

આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,
છપ્પનિયો તારા જવાનો એવો ગોઝારો, દૂર દૂર દૂર નથી એક આંસુ.

પાતાળે ગરકી ગયેલ દેડકાંઓ કદી
બ્હાર આવી કરશે ન ડ્રાંઉં ડ્રાંઉં;
તળની તિરાડોમાં ખાલીપો લઈ લઈને
હું ને હું આમતેમ સુસવાઉં,
વર્તારા સારા હતા પણ ટિટોડીથી ઈંડું એક રહી ગ્યું છે ત્રાંસું.
આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

કાગળની હોડી હું લઈને ક્યાં જાઉં
ને રણના દરિયામાં કેમ નાંખું ?
શ્વાસના નેવેથી હવે ચૂવેય શું, વ્હાલમ ?
કાણાં ભલેને બે’ક રાખું ?
ગોરંભો શબ્દનોય ગયો તણાઈ નકર ગીત લખી નાંખ્યું હોત ધાંસુ.
આંખોના પાદરથી નીકળી ગયું તે હવે પાછું ફરશે ન કદી ચોમાસું,

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬/૧૦-૦૪-૨૦૧૦)

*

Titodi
(ટિટોડી…                                                              ….લોથલ, ઓક્ટો-૦૯)
(Red-wattled Lapwing ~ Vanellus indicus)

પળેપળ

OLYMPUS DIGITAL CAMERA
( સોના ઇંઢોણી, રૂપા બેડલું રે નાગર…     …ખાવડા, કચ્છ, ઓક્ટો ‘૦૯)

*

તારી યાદમાં
હું
પળેપળ
તૂટી રહ્યો છું
ને
તારો પ્રેમ
મને
પળેપળ
સાંધી રહ્યો છે…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪-૨૦૧૦)

એ જુઓ

PB054175
(Colour of paradise…..            ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

આપ સામે શું રજૂઆત કરું છું એ જુઓ,
પંડને શી રીતે સાક્ષાત્ કરું છું એ જુઓ.

શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.

કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

તુર્ત નિષ્કર્ષ ઉપર આવી જવું ખોટું છે,
ચુપ રહું છું કે પ્રત્યાઘાત કરું છું એ જુઓ.

બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.

ના જુઓ, રાત-દિવસ એક કર્યા છે કે નહીં ?
કામ બસ આ જ દિવસ-રાત કરું છું એ જુઓ.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૦)

જળાશયમાં

P8149008
(ઝળહળાં જળાશય….                           …શબરીધામ, ૧૪-૦૮-૨૦૦૯)

*

શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.

છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે,
બારી સહુ મુશ્કેટાટ બંધ સદા, ખુલે બસ, બારણાં જળાશયમાં.

રેતનો એક એક-કણ તળનો ,બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે,
વાદળો દૂર દૂર ક્યાંય નથી, પાણી પણ છે જ ક્યાં જળાશયમાં ?

પાણી દેખાડું મારું એ પહેલાં પાણી પાણી જ થઈ જવાયું છે,
આપ સામે ફરક રહે જ છે ક્યાં, મારા આશય તથા જળાશયમાં ?

ભેંસની પીઠની સવારીઓ, વડની ડાળીની ચિચિયારીઓ;
કાળના થર ચડી ગયા એ પછી ના જડ્યા ગામના જળાશયમાં ?

પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.

પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૦-૨૦૦૯/૧૯-૦૩-૨૦૧૦)

બે હાઈકુ

PC285228
(તીખી નજર….                            …ઓસ્ટ્રેલિઅન સીગલ, ડિસે, ૨૦૦૮)

*

સાંજ ઢોળાણી
ટપ્ ટપ્ લોહી બનીને,
થૈ કોની હત્યા…?

*

વિસ્તરી ગળે
મેદાનની તિરાડો :
વાદળ સૂકાં !

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

સાહસ

Bird
(સ્થિતપ્રજ્ઞ….                                        ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)

*
મારા ઘરનો
ચાળીસ ફૂટ પહોળો બાગ
ધીમે-ધીમે
ચાર ફૂટનો થઈ ગયો છે.
મેં
જેમ-જેમ આ શહેરનું પાણી પાયું,
એમાં મકાન ઊગતું ગયું.
હવે થોડાં કૂંડા અને
કમ્પાઉન્ડ વૉલને વળગીને ટકી રહેલાં
થોડાં છોડ અને ઝાડ
એમની નવી ડાળી પર
દીવાલ ઊગી નીકળવાની બીક છતાં
જીવવાનું સાહસ કરી રહ્યાં છે.

મને
બેડ-રૂમની બારીએ બેસવાની ટેવ છે.
બે કાચિંડા અચૂક સાધુની સમાધિ લઈને
એક જ ઝાડ પર
આખો દિવસ
શિકારની તાકમાં સ્થિર બેઠેલા જોવા મળે છે.
ખિસકોલીઓની દોડાદોડ અને ચિક્-ચિક્
મારા આંખ-કાનમાં સતત રોપાયાં કરે છે.
ક્યારેક બુલબુલ,
તો ક્યારેક ઑરિએન્ટલ રોબિન,
ક્યારેક દેવચકલી
તો ક્યારેક પોપટ, મેના,કાબર,કાગડા-
-મારા બાગનાં બચેલાં વૃક્ષોના રંગ
મોસમથીયે વધુ ઝડપે બદલતા રહે છે.
કોયલનો ટહુકો તો
આંબાનાં મૂળની જેમ જ
જાણે બાગની જમીનમાં
ખોડાઈ જ ગયો હોય એમ હટતો જ નથી.
ચકલીનું ચીં-ચીં
અને કબૂતરનું ઘૂ-ઘૂ
તો આમેય કદી ખોવાયાં જ ન્હોતાં.

આ શહેરના શાંત કોલાહલની વચ્ચે
આ ટહુકાઓનો ઘોંઘાટ જ
કદાચ હજી મને જીવતો રાખી શક્યો છે.
પેલાં
દીવાલને વળગીને જીવવા મથી રહેલાં
ફૂલ-છોડ-ઝાડનું સાહસ કદાચ સફળ છે.
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !

– વિવેક મનહર ટેલર
(મે-૨૦૦૭)

ખુદની બાદબાકી થઈ ગઈ

P2074646
(તીડ…                                      ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)

*

સહુ મિત્રોને હોળી તથા ધૂળેટીની રંબેરંગી શુભકામનાઓ…

*

નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ,
નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ.

તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

તમે પાછાં ફરી જોયું જરી મારી તરફ..
હતી કહેવાની લાખો વાત બાકી, થઈ ગઈ !

શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)

ત્રણ હાઈકુ

P2074610
(મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી….   ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)

*

પાનખરમાં
ઝાડ લીલાં, પોપટ
બેઠાં ડાળખે !

*

મોટર ચાલી
હવા ગૂંગળાવતી
ગાડા પરથી

*

બપોરે કોણે
ગાયો સૂર્યમલ્હાર ?
રણ ઝળૂંબ્યું !

*

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

બળબળતા વૈશાખી વાયરા

PA179921
(સૂતેલો ઇતિહાસ…                                       …લોથલ, ઓક્ટોબર-૨૦૦૯)

*

બળબળતા વૈશાખી વાયરા,
ધગધગતી રેતીને રંઝાડે, સંઈ ! જ્યમ આંખ્યુંને કનડે ઉજાગરા.

હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
થોરિયાના તીણા તીખા નહોર;
સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
ગુંજી રે’ આખ્ખી બપ્પોર,
સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા.
બળબળતા વૈશાખી વાયરા.

સીમ અને વગડા ને રસ્તા બળે છે
એથી અદકું બળે છ મારું મંન;
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો,
લાગે ટાઢા આ ઊના પવંન,
બળઝળતી રાત્યુંને ઝાકળ જ્યમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા !
બળબળતા વૈશાખી વાયરા.

-વિવેક મનહર ટેલર
(૨૦-૨૧/૧૦/૨૦૦૯)

એક બિનસરહદી ગઝલ…

Bhagat ane bhagbhagat
(ભગત અને બગભગત….                                            ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(ભગતડો અને બગલો ~ Little cormorant & Little Egret)

*

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર
(૧૪/૧૫-૦૧-૨૦૧૦)

ઓળંગી ગયો…

Green bee-eaters
(હૂંફ…              …પતરંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)
(કચ્છ, ઓક્ટોબર-૨૦૦૯)

*

હું સમયનાં આંસુઓની પાળ ઓળંગી ગયો,
આજમાં નિશ્ચલ ઊભો, ગઈકાલ ઓળંગી ગયો.

બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
હું બધી ઇચ્છા તણાં કમઠાણ ઓળંગી ગયો.

સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.

તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.

ત્યારબાદ જ સ્થિર થઈ શક્યો ગઝલના ગામમાં,
મૌન ઓળંગી ગયો, સંવાદ ઓળંગી ગયો.

ગાલગાગા ગાલગા વેઢાં ઉપર ગણતો રહ્યો,
ગણતાં ગણતાં જાગૃતિનાં દ્વાર ઓળંગી ગયો.

કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૧-૨૦૧૦)

તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

01

(આ તડકાને કેમ કરી વાળું? તારા સ્મરણોને કેમ કરી ખાળું?)
( ખાવડા ગામ, કચ્છ, ઓક્ટોબર-૨૦૦૯)

*

રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.

વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

– વિવેક મનહર ટેલર
(૨૫/૨૬-૧૧-૨૦૦૯)

मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ)

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)

*
PB053010
(કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી…              …એટલાન્ટા, અમેરિકા, ૦૫-૧૧-૦૯)

ઊડે છે વિમાન મારું

PA179854
(જન્મદિન મુબારક હો, સ્વયમ્…                 ….લોથલ, ૧૮-૧૦-૨૦૦૯)

*

(આજે ચૌદમી નવેમ્બર… ભારત દેશ એને બાળદિન તરીકે ઉજવે… વિશ્વભરના તબીબો વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે અને હું મારા એકના એક દીકરા ‘સ્વયમ્’ના જન્મદિવસ તરીકે… )

*

ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
ઊંચે ઊંચે વાદળોમાં ધૂમ મચાવે ધૂમ…

એક સેકન્ડમાં લંડન લઈ જાય, બીજી સેકન્ડે ઇન્ડિયા,
સપનાંની પાંખે બેસાડી, ચલો, ફેરવું દુનિયા;
ટિકીટના બદલે મસકાંની હું લઈશ લૂમેલૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…

રંગબેરંગી પતંગિયા છે ઍર-હૉસ્ટેસના સ્થાને,
મધ, ચૉકલેટ ને લીંબુ-પાણી મળશે સહુ બચ્ચાંને;
પેપ્સી-કોક નથી મળવાના, છો ને પાડો બૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…

ભાર વગરની સમય-સારણી ઘડી છે હોંશે હોંશે,
રવિવારથી ફ્લાઇટ ઉપડે, રવિવાર પર પહોંચે;
વચ્ચેથી ભણવાનું આખું અઠવાડિયું છે ગુમ !
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૦૯)

રાધાની આંખ !

PA190403
(રાધાની આંખ…      …ગ્રામીણ કન્યા, ધ્રોબાણા, કચ્છ, ૧૯-૧૦-૨૦૦૯)

*

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથો ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
એ દિ’ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે નાની
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)

*

અમેરિકા જે મિત્રના આજની તારીખના લગ્ન માટે આવી ચડ્યો છું એ જાનેમન મિત્રની પત્ની- મારી નવીનક્કોર ભાભીને આ ગીત સસ્નેહ અર્પણ… વધુ વિગત માટે જોતા રહો, લયસ્તરો.કોમ)

કચ્છડો તો બારેમાસ

PA232550
(કાંટાનું અજવાળું….                                         …કચ્છ, ૨૧-૧૦-૨૦૦૯)

*

(સામાજિક કારણોસર અમેરિકાના ટૂંકાગાળાના પ્રવાસે જઈ રહ્યો હોવાથી આગામી પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર તાબડતોબ ન આપી શકાય તો ક્ષમા ઇચ્છું છું. હા, દર શનિવારે કવિતા મૂકાતી રહેશે એટલે મારા આંગણે પધારવાનું ચૂકશો નહીં)

*

રણના નામે ફેલાયો ખારપાટ, બપ્પોરના નામે છે આગ,
જિંદગીના નામે બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સૂએ થાક,
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

જોજનના જોજનનો ખાલીપો ભરવાને
ગ્હેકે છે પેણ અને કુંજ;
હૂપ્પુ ને હોલાં ને તેતરનાં ટોળાની
બાવળિયે ઝૂલે છે ગુંજ
ગુલાબી શમણાંઓ તરતાં મેલ્યાં હો એમ પાણીમાં વિચરે સુરખાબ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

માટીને લાત દઈ બોલતી કરી દે એવા
ચાકડાની અહીં છે વસંત,
કાપડના ટેભામાં આરસી કે તારલા ?
આખ્ખુંય આભલું હસંત
રોગાન, ધાતુ ને કાષ્ઠ ને વણાટમાં જીવે છે કચ્છી મરજાદ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

પથ્થરિયાળ જિંદગીની આંખો સિવાય
અહીં પાણીની સઘળે કમી,
રોમ-રોમ ડંખે છે થોર તોય ઊંટની
ખૂંધ સમ ભર્યા ભર્યા આદમી
ધોળાં ભાસે છે એ રણ નથી, દોસ્ત ! એ તો પરસેવે પાડી છે ભાત
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

આભેથી જળ નહીં, આફત વરસે કાયમ
ધરતીની ધ્રુજાવે છાતી,
અશ્મિ ને અવશેષના પડળોની વચ્ચે જ
જીવે છે સાચો ગુજરાતી;
મોસમ તો આવે ને જાય મારા વહાલીડા, કચ્છડો તો બારેમાસ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

-વિવેક મનહર ટેલર
(૨૧/૩૦-૧૦-૨૦૦૯)

*

PA190764
(કાળો ડુંગર અને પછીતે સફેદ રણ…                 …કચ્છ, ૨૦-૧૦-૨૦૦૯)

બોધિવૃક્ષ

OLYMPUS DIGITAL CAMERA
(તન્હા…             …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

ચશ્માં કાઢીને
વાળ કપાવવા બેઠો
ત્યારે
અચાનક જ ખ્યાલ આવ્યો :
બસ ! હવે બહુ થયું.
હું કહી શકું છું, મને ખબર છે
હું કહી દઈશ
મારે કહેવું જ પડશે
આજે જ.
હા, આજે જ.
આ જ સમય છે યુ-ટર્ન લેવા માટેનો.
બસ ! બહુ થયું હવે.
જે જે કહેવાયું નથી,
કહેવાતું નથી,
કહેવાવાનું નહોતું,
કહી દેવું જોઈતું હતું
એ બધું જ…
હવે તો બહુ થયું, બસ…
બહુ થયું…
આ આંખની નીચે
આ કાળાં કુંડાળાં ?!

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૯-૨૦૦૯)

દિવાળીની સફાઈ

Suryachakra
(દિપાવલી…                                                        …ઑક્ટોબર-૨૦૦૬)

*

સહુ વાચકમિત્રોને દિવાળીની શુભેચ્છા અને તન-દુરસ્ત મન-દુરસ્ત નૂતન વર્ષની મંગલ કામનાઓ…

*

માથે-મોઢે
રૂમાલ બાંધીને
દિવાળીની સફાઈ કરવા
હું માળિયામાં પેસી.
કરોળિયાના જાળાઓમાં
શિકાર થઈ ગયેલાં
મારા ગઈકાલનાં વર્ષોનાં કંકાલ ઝૂલી રહ્યાં હતાં.
એક પલવડી
ધ્યાનભંગ થઈ અને ભાગી ગઈ,
મારાં સ્વપ્નોનાં કટાઈ ગયેલાં વાસણોનાં ઢગલા પાછળ.
મારી પિયરની નેઇમ-પ્લેટ પર
તૂટી ગયેલાં જહાજોનાં દિશાહીન ભંગારનો ભૂકો ફરી વળ્યો હતો.
કરચલીઓનાં કાટમાળ પછવાડેથી
જડી આવ્યું એક આલબમ.
એને ખંખેરતાં જ
પડળ પર પડળ થઈ ચડી ગયેલાં સંબંધોએ
આખા માળિયાને તરબતર કરી દીધું…
અંતરસના અવાવરૂ કૂવા
મારી ભીતર જોરશોરથી
ફાટી ગયેલા અવાજોના જિન્ન સમા
પડઘાવા માંડ્યા
અને
નાની-શી તિરાડમાંથી
બિલ્લીપગલે ઘૂસી આવેલ તડકાનો  રૂમાલ
અચાનક મારામાંથી ઓગળીને
આલબમ પર પડેલ એક ટીપાનેલૂછવા માંડ્યો.
આલબમના પહેલાં જ પાનાં પર
અમારા હનીમૂનનો ફોટો ચોંસઠ દાંત ઊઘાડીને બેઠો હતો.

-વિવેક મનહર ટેલર
(૧૫-૧૦-૨૦૦૯)

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો

PB064510
(ખુશબૂ…                                                             ….ગોવા, નવે, ૨૦૦૮)

*

આજ વર્ષો પછી આપ પાછાં ફર્યાં, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
ચાંદ સો-સો પૂનમનાય ઝાંખા પડ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

નાડ સામાન્ય છે તોય લાગે છે તેજ, આજની રાત શા માટે લાગે વિશેષ ?
આપ શું રાતના શ્વાસમાં તરવર્યાં ? આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

આ ગુફાનો નથી આદિ કે અંત ક્યાંય, અહીં સતત ચાલવું તેય થાક્યા સિવાય,
એક-બે યાદના ફૂલ રસ્તે મળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

આપનું નામ લઈ, આપની યાદ લઈ, આપની વાત લઈ જાગવાનું થયું,
આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

-વિવેક મનહર ટેલર
(૨૨,૨૩-૦૬-૨૦૦૯)

(રદીફ સૌજન્ય: શ્રી પ્રહલાદ પારેખ)

ખાતરી

OLYMPUS DIGITAL CAMERA
(કાળી પ્રતીક્ષા…                              …શબરીધામ, ૧૫-૦૮-૨૦૦૯)

*

તું અને હું
આજીવન
ખસી-ચસી ન શકાય એ રીતે
કાળમીંઢ વેદનાના પહાડ થઈને
જુદાઈની છાતીમાં ખોડાઈ ચૂક્યાં છીએ
અલગ-અલગ જગ્યાએ
એકબીજાથી સા…..વ દૂર.
હવે
કદી
ભેગાં નહીં જ થઈ શકાય
એવી ખાતરીના ખડક તળે
અંકુરિત થવા માંગતા આપણાં સપનાંઓને તું રોકીશ નહીં.
મને ખાતરી છે,
એક દિવસ તો
હું ફૂટી જ જઈશ

.   ખે
.      આ
.           ખો
ને
વહી આવીશ
તારી તળેટી પખાળવા
લાવાની નદી બનીને !

– વિવેક મનહર ટેલર
(૧૩-૦૯-૨૦૦૯)

શાપગ્રસ્ત

P5168407
(ઉડ્ડયન…                                                     ….સાપુતારા, ૧૬ મે, ૦૯)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

*

પૂરી સજ્જતા
સભાનતા
ને કર્તવ્યપરાયણતાથી
મારો રથ
હું
વિજયશ્રી તરફ
સડેડાટ હંકારતો હોઉં
ત્યારે જ
દર વખતે
રણમધ્યે જ
શા માટે એ કળણગ્રસ્ત થઈ જાય છે ?
મેં તો
માત્ર
એટલું જ ઇચ્છ્યું’તું
કે
તારી નિદ્રામાં ખલેલ ન પડે…

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૦૯)

જાનીવાલીપીનારા હતા

OLYMPUS DIGITAL CAMERA
(ઊડતું ઇન્દ્રધનુષ…                         …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

આવનારા હતા ને જનારા હતા,
શ્વાસના બે ઘડીના ઉતારા હતા.

જીવી શકવાનું બાકી હતું દોહ્યલું,
મારનારા હતા, તારનારા હતા.

હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
આ સમયના તો લાખો કિનારા હતા.

શીશી ચાલી ભીતર ભરવા પણ જે મળ્યા,
ઢાંકણા કે પછી ઢાંકનારા હતા.

દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
શબ્દ એકેક એકે-હજારા હતા.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

ખાલી

P8149312

(રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર…     …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

મારા માથે
ધીમેથી હાથ ફેરવીને તેં
કદાચ પચ્ચીસમીવાર,
હા, પચ્ચીસમી વાર
રાત્રે બાર વાગ્યે
મને ‘હૅપ્પી ઍનિવર્સરી’ કહ્યું.
હું તરત તારા તરફ ફરી.
અને
મારી નજરે
રાત્રે બાર વાગ્યે
કાયમ મને ઊંઘમાંથી જગાડીને
તેં આપેલ
તારા હાથે લખેલાં કે (ક્યારેક) ખરીદેલાં હૃદયંગમ કાર્ડ્સ,
તરોતાજા કવિતાઓ,
બીજા દિવસે વહેલી સવારે
ડોરબેલમાંથી ખુશબૂ બની વહી આવતા રંગીન પુષ્પગુચ્છ,
અડધા દિવસની રજા,
લૉંગ ડ્રાઇવ (શરૂઆતમાં તો સ્કુટર પર),
સાંજે કપાતી કેક,
હૉટલમાં ડિનર
અને
વધતાં વર્ષોની સાથે
વધતી જતી કિંમતની ભેટો
તરવરી ઊઠ્યાં.
હું પણ એ જ રીતે વહેતી-છલકાતી રહેતી.
પણ વચ્ચે ક્યાંક
એકવાર તારો પગ કૂંડાળામાં પડી ગયો
અને
હું સુકાઈ ગઈ.
તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો.
એ પછી પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી
ઍનિવર્સરી પર
એની એ જ પરંપરા આપણે ચાલુ પણ રાખી હતી.
પણ આજે તું મને અડ્યો
ત્યારે હું જાગતી જ હતી.
પચ્ચીસ વર્ષ પછી
આજે પહેલીવાર દિલને ધ્રાસકો પડ્યો હતો:
તું આજે મને ઉઠાડીને વિશ નહીં કરે તો ?
તું જોકે ભૂલ્યો નહીં
પણ આજે તેં પહેલીવાર કહ્યું:
તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.
હું સાવ ખાલી થઈ ગયો છું.
અને મેંય છેલ્લાં બચી ગયેલાં આંસુ ખર્ચી નાંખ્યાં…

-વિવેક મનહર ટેલર
(૨૦૦૯)