(ભૂલા પડવાની મજા… …ઓક્ટોબર,2006)
મારી દુઆ સાચી હશે તો કોક દિ’ ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના…ના…નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.
વિવેક મનહર ટેલર
(પ્રણયચિત્રો… …ખજૂરાહો, 2004)
*
એક વેશ્યાની ગઝલ… હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે… પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે…ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે…! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો… ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે… જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે.
વડીલમિત્રએ પ્રતિભાવ આપતા કહ્યું કે આટલા બધા વખાણ થયા પછી, થોડું કડવું લખવાની હિમ્મત કરું છું. એમણે એવું પણ કહ્યું કે જાતીય અંગોને લખાણમાંથી દૂર રાખવાની પ્રથા અને મર્યાદા તોડવા જેવી નથી. નેટ આવા દૂષણોથી ખદબદે છે અને યુવાપેઢીને ગુમરાહ કરે છે. આ વાતમાં મને ભારતવર્ષની મહાન સંસ્કૃતિ અને સભ્યતાની હત્યા થતી જણાય એટલે આ લખવા મજબૂર થયો છું.
સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં કેમ ચઢી જાય છે ? સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું અસ્તિત્વ જ શા માટે ઊભુ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી કોઈ વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? અને લખાણમાં જાતીયતાને દૂર રાખવાની પ્રથા? અને મર્યાદા? ભારતવર્ષનું સૌપ્રથમ કાવ્ય કેટલાએ વાંચ્યું છે ? આદિકવિ વાલ્મિકીરચિત આપણા સૌથી ધાર્મિક ગણાતા મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(વિસર્જ્ય ઐનાન્ સચિવાન્ યથાપૂર્વં અરિંદમ, તતઃક્રિડામહે સર્વા વનેષુ મદનોત્કટા. કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)
રામાયણને પડતું મૂકો… આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આપણે કયા અંગોને કવિતાથી દૂર રાખવાની વાત કરીએ છીએ? આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે… 36 કરોડ દેવતાઓ ધરાવતા આપણા દેશમાં કયા મંદિરો સૌથી વધુ માત્રામાં છે અને કોનું મહત્વ ઉચ્ચતમ છે, કહો તો?! લિંગનું જ ને ?! આપણી સ્ત્રીઓ લિંગપૂજા કરવા જાય એનો વાંધો નહીં પણ કવિતામાં લિંગ કે યોનિનો પ્રયોગ યુવાપેઢીને ગુમરાહ કરનારો?
ખજૂરાહોને લો… શું છે ત્યાં? મંદિરની દિવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો તમારી યાત્રાનો ખર્ચ મારી પાસેથી લઈ લેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. દુનિયાના કોઈપણ મહાન ચિત્રકારે નિર્વસ્ત્ર ચિત્રો ન દોર્યા હોય તો મને કહેજો. અને એ ચિત્રો જોતી વખતે આપણને ડર નથી લાગતો કે આ ખુલ્લંખુલ્લા કરાતા યૌનપ્રદર્શનથી આપણી યુવાપેઢી ગુમરાહ થશે.
મહર્ષિ વાત્સ્યાયન લિખિત મહાન ગ્રંથ ‘કામસૂત્ર’ને આ સ્થાને કદી વિસરી ન શકાય. ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણનું એ એવું ઉદાત્ત ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે…. આ છે આપણી સાચી સભ્યતા…
આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી અને એટલે જ આજે ભારતની ગલી-ગલીમાં નાના નાના અમેરિકાઓ ઊછરી રહ્યાં છે. અને આપણે આજે જે વિકૃતિની સજા ભોગવી રહ્યાં છીએ એ આ કાચા-દોગલા પંડિતો અને નિર્વીર્ય વડીલોના પાપે…
કવિતાની વાત કરીએ તો ગુજરાતી કવિતામાં શરૂથી જ જાતિયતા વણાયેલી રહી જ છે. સ્તન, યોનિ, નિતંબની વાતો લઈને ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ અને નવલકથાઓ જન્મી છે. મન્ટોની ‘ખોલ દો’ હોય કે ચંદ્રકાંત બક્ષીની ‘કુત્તી’ હોય, સુધરેલા સમાજને એ વાર્તાઓ અશ્લીલ જ લાગી છે. કલાપી અને એના સમકાલિન કવિઓએ ખુલીને વસ્લની વાતો કરી છે. નર્મદે તો શૃંગારરસ અને કામક્રીડા પર એક આખું પુસ્તક ભરીને કવિતા લખી છે અને સંભોગનું સંપૂર્ણ વર્ણન પણ કર્યું છે. રમેશ પારેખના એક નવલિકાસંગ્રહનું નામ છે, ‘સ્તનપૂર્વક’. મુકુલ કવિતાઓમાં અસંખ્યવાર બે જાંઘનું ટોળું અને યૌનગંધા સ્ત્રીઓને લઈને છડેચોક આવ્યો છે…
અને અંતે ‘જાતીયતા ગોપીત જ રહે તેમાં શ્રેય અને ગૌરવ છે’ એમ કહેનાર વડીલોને મારે એટલું જ કહેવાનું કે જાતીયતા જીવનની ધરી છે. ધરીને કે પાયાને અવગણીને કોઈ સર્જન કદી થઈ ના શકે. જાતીયતાને છાની રાખવાની વિકૃતિને આપણે જ્યારથી આપણી સંસ્કૃતિ ગણી બેઠાં છીએ ત્યારથીજ ભારતવર્ષની પડતીની શરૂઆત થઈ છે… આપણા બાળકોને યોગ્ય ઊંમરે જાતીય શિક્ષણ આપણે નહીં આપીએ તો ગલી-મહોલ્લાના શેરી-મિત્રો નામનો રાક્ષસ તૈયાર જ છે, આપણા ભવિષ્યને ભરખી જવા માટે….
…અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.
(આજનું અજવાળું… …સપ્ટેમ્બર, 2006)
મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.
પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.
ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર…
કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર…
બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.
છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.
ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.
– વિવેક મનહર ટેલર
*
મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.
દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…
મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા…
મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
પણ કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પાછું એના વિના તો નક્કામા સૌ સરનામા…
-વિવેક મનહર ટેલર
ચૌદ નવેમ્બર…ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ… મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ. એટલે આ નિમિત્તે આજે એક બાળગીત… અને શક્ય હશે તો આવતા એક મહિના સુધી દર અઠવાડિયે એક બાળગીત મૂકવાની ઈચ્છા છે… જન્મદિન મુબારક હો, બેટા !
(ભૌમિતિક મધ્યબિંદુ… … માથેરાન, જાન્યુઆરી,’03)
રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?
તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !
ડૉ. વિવેક મનહર ટેલર
(મારા આંગણનું અજવાળું… …ઑક્ટોબર-2006)
*
જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.
ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!
દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.
સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.
ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?
– વિવેક મનહર ટેલર
(બેનરઘટ્ટા નેશનલ પાર્ક…. ….બેંગ્લોર, ઓક્ટો-2004)
*
શ્વાસના અક્ષર થવાની આ ક્ષણે,
દીપ ઘટમાં પેટવાની આ ક્ષણે.
કાંઠાઓ વિસ્તારવાની આ ક્ષણે,
વ્હેણમાં ડૂબી જવાની આ ક્ષણે.
મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.
હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.
જીત કેવળ જીત એની હોય છે,
હારને સ્વીકારવાની આ ક્ષણે.
યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.
ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.
ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.
– વિવેક મનહર ટેલર
(મારા ઘરનો ટહુકો… …ઑક્ટોબર-2006)
*
શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક,
હક્ક એનો એ જતાવે છે કદીક.
તું મળે ત્યાં જીભ ચોંટે તાળવે,
આ અવાચક્તા ય તો બોલે કદીક.
ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક.
વાતમાંને વાતમાં સંગાથ પણ
કેટલો છે એ ન વરતાશે કદીક.
ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
શબ્દ અક્ષર જ્યોત છે, છો ઝગમગે,
કોડિયામાં શ્વાસ તો ખૂટશે કદીક…
ચંદ ક્ષણમાં હું લખી નાંખું ગઝલ,
પણ કલમ જો કોઈ પકડાવે કદીક !
– વિવેક મનહર ટેલર
(ઉડાન.. …માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)
*
કેટલા મેઇલ આવ્યા…
કેટલા મેં વાંચ્યા… કેટલા ન વાંચ્યા…
પહેલાં તો મેં જવાબ આપવાનું બંધ કર્યું
ને પછી તો મેઇલ ખોલવાનું જ બંધ કર્યું
થાક્યો ત્યારે ઇનબોક્ષ ખોલવાનું પણ બંધ કર્યું
ને હવે તો નેટ પર બેસવાનું જ બંધ કરી દીધું…
પછી
એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી…
હવે
એ તો કોઈ મેઇલ ન્હોતી કે
ક્લિક્ કરવું નહીં, ખોલવું નહીં, વાંચવું નહીં
કે જવાબ ન આપવું શક્ય બની શકે !
મેં
મારી આંખો બંધ કરી દીધી.
એણે જોયું કે
મને અચાનક પાંખ ફૂટી રહી છે…
ડોક ઊગી રહી છે… પગ લાંબા-પાતળા બની રહ્યાં છે…
અને
મારું માથું
રેતીમાં ઊંડે…વધુ ઊંડે ખૂંપી રહ્યું છે…
-શાહમૃગની જેમ !
એ તરત જ પાછી વળી ગઈ.
હવે આ સરનામેથી કોઈ મેઇલ કદી નહીં આવે
એની એને ખાતરી થઈ ગઈ હતી !
– વિવેક મનહર ટેલર
નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?
જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા
પડી કેટલી આપદા, શું લખું ?
અધૂરી જ રહેવાને જન્મી છે જે,
એ ઈચ્છા તણી અવદશા શું લખું ?
શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?
નરી આંખના ઝાંઝવા, શું લખું ?
નવું વર્ષ સૌને મુબારક હશે –
આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?
ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,
ફરી જીવવાની વ્યથા શું લખું ?
વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,
નવું શું છે ? ગીતો નવાં શું લખું ?
-વિવેક મનહર ટેલર
(દિપાવલી… …ઑક્ટોબર-2006)
હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,
આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;
કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,
હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો નીકળે?
સૌ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ… ગુજરાતી બ્લૉગજગતમાં દસ મહિના પહેલા જોડાયો ત્યારે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા બ્લૉગ અસ્તિત્વમાં હતા. આજે મારા બ્લૉગ પર આશરે ૬૨ ગુજરાતી વેબ-સાઈટ્સ, બ્લૉગ્સ અને ઈ-સામયિકોની સારણી ઉપલબ્ધ છે. કોઈ મિત્રના બ્લૉગનો ઉલ્લેખ રહી ગયો હોય તો મને જરૂરથી જાણ કરે…ગુજરાતી સાહિત્યના રંગોનો ગુલાલ વિશ્વભરમાં રેલાવતા રહેવાની આ એકલદોકલ ઝંખના આજે એક કારવાંના સ્વરૂપે મ્હોરી છે ત્યારે નવા વર્ષે એક જ લીટીની રંગોળી પૂરીશ:
“નવું વરસ, વીતે સહુનું સરસ !”
વિવેક મનહર ટેલર
(ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ… … સુરત)
*
વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.
વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.
શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે.
ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક
‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે.
તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.
છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે
-વિવેક મનહર ટેલર
(આદ્યંતે = બંને છેડે. કાફિયાવાળી પંક્તિમાં બંને છેડે રદીફ – એક છેડે ‘વિશ્વાસ’ અને બીજા છેડે ‘હવે’ – રાખીને વિચારની સ્વતંત્રતાને લગીર અવરોધીને ગઝલ લખવાનો એક નાનકડો પ્રયોગ અહીં કરી જોયો છે.)
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.
જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.
ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?
મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.
નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.
જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?
ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.
– વિવેક મનહર ટેલર
(પારદર્શક સમુદ્રમાં સરી રહેલું આશ્ચર્ય… … માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)
*
એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.
ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.
એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.
સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.
સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!
મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.
રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?
આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.
– વિવેક મનહર ટેલર
*
થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે,
સીમ થઈ પથરાઈ જાવું છે હવે.
જિંદગી છો લાંબી હો, ચિંતા નથી,
શબ્દનું લખલૂંટ ભાથું છે હવે.
આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.
હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.
રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવે.
તારવી તુજને વલોવી મન સતત,
કયાં બીજું ઘમ્મરવલોણું છે હવે ?
હેલમાં તુજ છલકે છે એ હું જ છું,
એક ઘા થઈ કંકરાવું છે હવે.
શ્વાસ મારા બાંધી માથે લાવે તું,
છે કશે પણ ભાત આવું ? છે હવે?
-વિવેક મનહર ટેલર
ગુજરાતી ભાષામાં આજની તારીખે શ્રેષ્ઠ ગણાતા ફક્ત કાવ્યોના દ્વિમાસિક “કવિતા”માં કવિતા છપાવી એ દરેક કવિનું સ્વપ્ન હોય છે… આજે કદાચ મારા સ્વપ્નના પૂરા થવાની શરૂઆત થઈ છે… આ ગઝલ આ બ્લોગ પર અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.
(An apple a day… …Chennai, September-04)
*
મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રૂસણું તું જૂઠું.
ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં ?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.
દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું ? !
સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઉઠાડવા માટે તું મથશે, હું નહીં ઊઠું.
– વિવેક મનહર ટેલર
સરાણ=ધાર કાઢવાનું યંત્ર.
ક્યારેક આ રીતે પણ અખબારની અડફેટે ચડી જવાય છે. પૂર પછી સુરતમાં કયો રોગચાળો ફેલાયો એ કદાચ ખુરશીને જ સર્વસ્વ સમજતા સત્તાધીશો કદી શોધાવા નહીં દે, પણ ઘણા બધા દર્દીઓ અકારણ આકસ્મિક મૃત્યુને ભેટ્યા છે એ પણ નકારી ન શકાય એવી હકીકત છે. સર્જનને ત્યાં દાખલ થયેલા એક દર્દીની સારવારમાં વચ્ચેથી જોડાયા પછી એ દર્દીની હાલત કથળતાં બીજી હૉસ્પિટલમાં ખસેડતીવેળાએ સારવારનો સઘળો બોજ મારા ખભા પર મૂકાઈ ગયો અને શહેરના અલગ-અલગ ક્ષેત્રના નામાંકિત તબીબોની નિગરાની હોવા છતાં ફક્ત 32 વર્ષની છોકરીએ અજાણ્યા તાવના કારણે DIC (Disseminated Intravascular Coagulation) થઈ જવાથી માત્ર ચોવીસ કલાકમાં જ દેહ છોડ્યો… કારણ શોધવાની તો કોઈને તમા નથી, પણ અકારણ બધા જ સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધિ મળી ગઈ…
ઘણા વર્ષો પહેલાં પ્લેગ ફાટી નીકળ્યો હતો એ વખતે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના પ્રતિનિધિએ સીવીલ હૉસ્પિટલમાં રસ્તામાં આંતરી લીધો હતો ત્યારે પણ આવી જ રીતે ટાઈમ્સના પહેલા પાનાં પર ચમકવાનો મોકો મળ્યો હતો એ વાત યાદ આવી ગઈ…
(Please click twice on the photograph to see enlarged view)
*
સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !
જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
ઉઘાડી મુઠ્ઠી ખોબો હાથનો કરવો પડે, યારો !
યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !
દુઃખોના જિસ્મ પરથી ચામડી જ્યારે ઉખેડી છે,
દિલે આશા, મગજમાં યાદ વસતી જોઈ મેં, યારો !
મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘા સાથે મિત્રતા એવી અમે, યારો !
થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !
પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !
– વિવેક મનહર ટેલર
*
ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મોસમ,
તમે તરછોડ્યું જેને એ કદી પામ્યું નહીં ફોરમ.
અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.
જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.
અમે તો ખુદ સહન કીધું છે, એણે માત્ર જોયું છે,
વિચારો, શું થઈશ હું, થઈ ગયો સિદ્ધાર્થ જો ગૌતમ !
ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,
વફાના ખાધા જેણે સમ, એ નીકળ્યાં સૌ વિભીષણ સમ.
ગણી જેને નદી મેં મિત્રતાની, એ હતું મૃગજળ,
હતું બાકી, સતત છળતું રહ્યું થઈ બાષ્પ પણ શબનમ.
કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં, બધી કોલમ.
-વિવેક મનહર ટેલર
(ધોધ : ધરતીને ઊગેલું સ્વપ્ન… …સૌરાષ્ટ્ર, ઑગષ્ટ-03)
*
પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.
તું મોટો છે – શું એ કરવાને સાબિત પૂર લાવ્યો છે ?
…કે જ્યાં એક લાશ પણ લઈ હાથમાં તરણાં તરી આવે…
અમારા આભ સરખા ઘા ઉપર થીંગડા નહીં ચાલે,
ખબર છે તોય ઇચ્છું છું, તું ચાંદરણાં લઈ આવે.
નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછા,
આ શું કે આદમી કો’ આદમીવરણા નહીં આવે ?
જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.
તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.
આ મારો શબ્દ પણ તારી જ માફક જો હવા થઈ જાય,
તો મારા શ્વાસમા મારાય સાંભરણાં કદી આવે.
-વિવેક મનહર ટેલર
(અક્સ… વ્હેલી પરોઢનું વિસ્મય , તાજ, આગ્રા, મે’2005)
એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું,
રાતમાંથી જાતને હડસેલું છું.
શબ્દ એક જ દીપ છે આ રાતમાં,
ધીમે ધીમે એથી એને બાળું છું.
જે સમય તેં આપ્યો, કાંડે બાંધીને
કેન્દ્ર એક જ રાખી કાયમ ઘૂમું છું.
તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.
શ્વાસના હાથોમાં છે શબ્દોનો હાર,
જો, હવે કોને નગરમાં પરણું છું ?
-વિવેક મનહર ટેલર
*
શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.
શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.
જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?
શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?
શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.
એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો’ અંત આવે છે હવે ?
શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.
– વિવેક મનહર ટેલર
હાથે કયા તે શહેરના આ રાખડી હશે ?
હર તાંતણામાં જ્યાં નદી રમણે ચડી હશે;
છે દિન બળેવનો અને આખા નગરમાં પૂર ?
આંખો શું કોઈ બહેનની આજે રડી હશે ?
* * * * *
કિનારા તોડીને શું પામવાને આ નદી નીકળી ?
ચડીને પૂરે શું શીખવાડવાને આ નદી નીકળી ?
સતત અવિરત ને અઢળક કચરો સૌએ આપ્યા કીધો છે,
જે લીધું છે શું પાછું આપવાને આ નદી નીકળી ?
ડૉ. વિવેક મનહર ટેલર
(આ પહેલાના બે મુક્તકો વાંચવા માટે અહીં ક્લિક કરો)
(જન્મ : ૨૯-૦૩-૧૯૪૨, મૃત્યુ : ૨૩-૦૮-૨૦૦૬)
*
(ગુજરાતમિત્ર- 27/08/2006)
*
પ્રિય પપ્પા,
તમે આમ અચાનક અને આટલા જલ્દી અમને છોડીને ચાલ્યા જશો એવી આશા તો અમને ક્યાંથી હોય ? ફક્ત બે મિનિટ… મૃત્યુને ગળે લગાડવાની આટલી ઉતાવળ ? મારા હાથમાં પસાર થયેલી એ બે મિનિટ, થોડા શ્વાસ અને મોનિટર પર ઝબકેલા થોડા ધબકારા… એડ્રીનાલિન, એટ્રોપીન, ઈંટ્રાકાર્ડિયાક ઈંજેક્શન, કૃત્રિમ શ્વાસ અને હૃદયનું પમ્પીંગ… એક ડૉક્ટરને ખબર હતી કે આ બધી કસરત વ્યર્થ હતી કેમકે જે શરીર પર એ મહેનત કરી રહ્યો છે એમાંથી ચેતન તો ક્યારનું ય વહી ગયું છે પણ એક પુત્ર જાણે એ બે મિનિટના શ્વાસમાંથી એક આખી જિંદગી ખેંચી આણવા મથતો હતો…
મૃત્યુ મારે માટે કોઈ મોટી ઘટના નથી. સિવીલ હૉસ્પિટલથી શરૂ કરીને આજદિન લગી કંઈ કેટલાય લોકોને મરતા જોયા છે અને કેટલાંય લોકોએ તો આ હાથમાં જ દમ તોડ્યો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે કોઈપણ સગાનું મૃત્યુ મને લગીરે વિચલિત નહીં કરી શકે. અને આ ત્રણ દિવસોમાં હું વર્ત્યો પણ એમ જ. ત્રેવીસમીના એ ગોઝારા દિવસે પણ મેં પપ્પાના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બે દર્દી, જે મારી જ સારવાર લેવા ઈચ્છતા હતા એમને હૉસ્પિટલમાં દાખલ પણ કર્યા. કોઈપણ સગાને કે મમ્મી કે વૈશાલીને પણ રડવા ઉપર મનાઈ ફરમાવી. છૂટક-છૂટક રૂદનને બાદ કરતાં આખો પ્રસંગ કોરો રહે એની ખાસ કાળજી રાખી. કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી…
…શૂન્ય ધબકારા…શૂન્ય શ્વાસ અને આંખોની પહોળી થઈ ગયેલી કીકી… સવારે અગિયાર વાગ્યે એક ડૉક્ટરે એક દીકરાને સમજાવી દીધું કે હવે આ શરીર ફક્ત શરીર જ છે. સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર.’ અને ત્યારબાદ બીજો ફોન કર્યો મારી બહેનને…
ઘરની બહાર ચાલવા માટે નીકળેલો માણસ આંટા મારતા મારતા ઘરની બહાર જ ફસડાઈ પડે અને મચેલી બૂમરાણની સીડી પર દોડીને એક તબીબ-પુત્ર એની નાડી ગણતરીની ક્ષણોમાં તપાસે અને અનિવાર્ય મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ? થોડો સમય તો આપવો હતો…. થોડી કોશિશને તો આપવો હતો થોડો અવકાશ… પણ તમને તો સામો તમારી પાસે કંઈ માંગે તે પહેલાં જ આપી દેવાની આદત પડી ગઈ હતી ને ! પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!
મનહર ટેલર…. આખી જિંદગી સાચા અર્થમાં કોઈનું ય બુરૂ ન ઈચ્છ્યું હોય એવા માણસો હવે મળે જ ક્યાં છે આ અવનિ પર ? અજાતશત્રુ… નિઃસ્પૃહી… સત્યવક્તા…. નીડર… સાચા સમાજસેવક… મિત્રોના મિત્ર અને શત્રુઓના પરમમિત્ર… જોડણીકોશના પાનાં પર જોવા મળતા આ શબ્દોને જીવનાર હવે ક્યાં જડશે ? તમારા સાથી-કર્મચારીએ કાલે જે વાત કહી એ હજી આ મનની દિવાલોમાં પડઘાઈ રહી છે – ફેક્ટરીમાં એમણે એટલા બધા માણસોને એટલી બધી સહાય કરી છે કે એની ગણતરી પણ શક્ય નથી. ‘મને ખાવા પૂરતું મળે છે ને’ કહીને ગાંઠનું ગોપીચંદન કરનારને હવે એ લોકો ક્યાં શોધવા જશે ? ચક્ષુદાન અને તબીબ-વિદ્યાર્થીઓને કાપવા-ચીરવા માટે દેહદાન – 1987ની સાલે આટલું વિચારનાર માણસ કેટલા જોયા હશે? અને મૃત્યુ પછી તેર દિવસો સુધી ચાલનાર તમામ રિવાજો સંપૂર્ણ બંધ… તમે આ જમાનાથી આગળ હતા એટલે જ શું આ જમાનામાં વધુ ન ટક્યા?
અગિયાર વર્ષોથી પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાઈને તમે થાક્યા હતા એની ના નહીં… કંઈક અંશે અમે પણ તમારી બિમારીથી થાક્યા હતા એની ય ના નહીં… પણ આમ… આ રીતે… સાવ જ અચાનક…? એ બે મિનિટનો બોજ આ ખભા શી રીતે જીરવી શક્શે એ પણ ન વિચાર્યું ? એક અફસોસ સદા રહી જશે કે તમારી બિમારી અને તમારા જેવા મારા દર્દીઓની દુઃખભરી સ્થિતિ ઉપર લખેલી મારી ‘પાર્કિન્સનના અંતિમ તબક્કાના દર્દીની ગઝલ’ તમને વંચાવવાની કદી હિંમત કરી શક્યો નહીં. કોણજાણે શાથી આ હાથમાં એ તાકાત જ ન આવી કે એક પ્રિન્ટઆઉટ તમારા હાથમાં આપી શકે…
…એક અફસોસ બીજો પણ રહી જશે, પપ્પા ! વર્ષોથી જે આંખોના રણે મૃગજળ પણ જોયું નથી એ આંખો દુનિયાની નજરોથી દૂર-દૂર, તમારી પુત્રીથી ય વધુ એવી પુત્રવધૂની આગોશમાં રાત્રે એક વાગ્યે જે મૂશળધાર સ્ત્રવી છે અને તમારી સાથે ભાગ્યે જ કોઈ શબ્દોની આપ-લે કરતા બે હોઠમાંથી વારંવાર સરેલા આ શબ્દો – જે તમારે જીવતેજીવત જો તમે સાંભળ્યા હોત તો કદાચ મૃત્યુની ગોદમાં આમ દોડીને ના સર્યાં હોત – “આઇ લવ યૂ, પપ્પા !”
(દીવાબત્તીટાણું… …સુરત, જુલાઈ-૨૦૦૬)
*
કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?
મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ દિલની નજદીક રાખે?
અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ
કશું છે જે આ રોમેરોમે દઝાડે.
વખાણોના કાંટે મને ભેરવીને
તું તારું જ ધાર્યું હંમેશા કરાવે.
દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.
રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન,
શું માણસ ગણી તેં મને કોઈ કાળે ?
તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે –
આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે?
મળે લાશ મારી તો શું થાય, જો કોઈ
પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?!
આ કાગળ એ મારા સમયનું કફન છે,
મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.
– વિવેક મનહર ટેલર
(ગણતરીના કલાકોમાં જે પુલને તાપી નદી ગળી ગઈ…08-08-2006)
*
અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.
જીવન તું માંગી રહી છે તો હું વધુ શું કહું ?
અમારું નહોતું કદી એ શી રીતથી દઈશું ?!
છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.
અમારા પ્રાણની સંયુક્તા તો શબદને વરી,
હરણ ન કરશે સમય પર તો એ ત્યજી દઈશું.
સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં,
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું.
– વિવેક મનહર ટેલર
તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
દુઃશાસકો(-નો)એ હાથે ખેંચી કાઢી છે;
ભીષ્મીકરણ આ બબ્બે બંધોનું કરી,
સૂરત સુરતની પાણીમાં ડૂબાડી છે.
* * * * *
ચારે તરફ પાણી જ પાણી, કાચું સોનું વરસે છે,
એક બુંદ પાણી માટે તો પણ લોક આજે તરસે છે;
વરસાદ પર કાબૂ કરવાને બંધ બબ્બે બાંધ્યા છે,
પણ બંધ આંખોના લીધે પાણીમાં સુરત કણસે છે.
ડૉ. વિવેક મનહર ટેલર
(અવશેષ, પ્રેમનગરના… …માંડું, નવે-05)
*
યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
દિલમાં હતી જે વાત, જમાના સુધી ગઈ,
આ મિત્રતા છે, મિત્રતાની આ જ રીત છે.
દુશ્મન જો હો તો એને બતાવું હું દુશ્મની,
એનું હું શું કરું જે સદા મનના મીત છે ?!
શબ્દો સૂઝે, ન શ્વાસ ! જો, હાલત શું મારી થઈ ?
છે ક્યાંય આવી દોસ્તોમાં વાતચીત ? છે !
તારો ન હોય સાથ તો તો મારે માટે દોસ્ત,
હાર જ છે એ જે વિશ્વની નજરોમાં જીત છે.
સંબંધ આપણો ટકે શી રીતે બાકી તો,
નાજુક હો તો ય તાંતણો વચમાં ખચીત છે.
આ શ્વાસનુંય આવશે ને નાકું એક દિન ?
નિષ્ફળ ન જાય શબ્દ કદી, સાચા મીત છે.
– વિવેક મનહર ટેલર
ખચીત = જરૂર
(પુણ્યસલિલા તાપી…. ….જુન-2006)
*
શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.
રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.
શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?
શ્વાસોના તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.
કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.
– વિવેક મનહર ટેલર
ગુડાણું = છુપાવું (અહીં જમીનની અંદર દટાવાના-છુપાવાના અર્થમાં વપરાયું છે)
સાલિયાણું = વાર્ષિક વેતન
(સૌંદયનો અજગર-ભરડો…. …કેરળ, ફેબ્રુ.-02)
*
અજંપો અજંપો અજંપો નર્યો,
સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.
અમે વેદનાઓનો કાવો કર્યો,
અને જિંદગીને એ પ્યાલો ધર્યો.
તને ઘાનું રૂઝવું શેં ગમતું નથી ?
શું પાછો જવાને તું પાછો ફર્યો ?
ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
શું છે ભેદ તારો, કહે જિંદગી –
હું મરવાને જીવું કે જીવતો મર્યો ?
તું દરિયો હતી કે હતી ઝાંઝવા ?
હું અવઢવમાં, ઈચ્છા ! ભવ આખો તર્યો.
પૂણી શ્વાસની પીંજી શબ્દો રચે,
અમે આયખાનો એ ચરખો કર્યો.
-વિવેક મનહર ટેલર
કાવો=ઉકાળો, કાઢો
(Arise, awake & stop not… …વિવેકાનંદ રોક, કન્યાકુમારી,ફેબ્રુ’02)
*
હોવાપણાંનો તાગ શું પામી શકાય ?
આકાશના અવકાશને માપી શકાય ?
આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?
‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.
અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.
થઈ પ્રાણવાયુ શબ્દ જ્યાં વહેતા રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?
શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જીવ્યો જે એને શું મારી શકાય ?
– વિવેક મનહર ટેલર
‘હોવાપણું’ શૃંખલાની આ ત્રીજી અને અંતિમ ગઝલ છે. પહેલી બે ગઝલોમાં પ્રશ્નાર્થ બનીને રહ્યા પછી આ ગઝલમા જવાબોની સમીપે સરકવાની કોશિશ કરી છે.
*
હોવાપણાનો ભાર શું ત્યાગી શકાય ?
શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?
હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
શું આપમાંથી આપથી ભાગી શકાય ?
આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?
જોવાપણું, ખોવાપણું, રોવાપણું-
હોવાપણાની બ્હાર જો દાગી શકાય !
હોવાપણાની બહારની વાતો કરો,
આ પ્રાણ શું છે ? કાંચળી ! ત્યાગી શકાય.
જે છે ‘વિવેક’ એ શું છે ? શું હોવાપણું ?
…એક શ્વાસ જે શબ્દો કને માંગી શકાય.
-વિવેક મનહર ટેલર
‘હોવાપણું’ ગઝલશૃંખલાની ત્રણ ગઝલમાંની આ બીજી ગઝલ છે. ગઝલના મક્તામાં પોતાનું નામ વાપરવાનો પ્રયોગ આ શૃંખલામાં સૌપ્રથમવાર કરી રહ્યો છું. આપનો અભિપ્રાય હંમેશની પેઠે આવકાર્ય છે.
(12,000 વર્ષ જૂના ગુફાચિત્રો… …ભીમબેટકા, મધ્ય પ્રદેશ : નવેમ્બર-05)
*
હોવાપણાથી દૂર શું ભાગી શકાય?
અજવાળે પડછાયાને શું ત્યાગી શકાય?
સૌ વાતમાં ચાલે નહીં શાને ગણિત ?
કંઈ તો હશે જેનાથી આ ભાગી શકાય…
જો, ધ્યાનથી જો ! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.
ઇચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.
કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.
આ શ્વાસને શબ્દોની એરણ પર ટીપો,
ટક્શે કે તૂટે – પાર તો તાગી શકાય !
એનાથી શો ડર જેનું છે નામ જ ‘વિવેક’ ?
એને બજારે શબ્દથી દાગી શકાય…
– વિવેક મનહર ટેલર
ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
ડૉ.વિવેક મનહર ટેલર
આજથી આ બ્લૉગ ગઝલોનો બ્લૉગ ન બની રહેતાં મારા કાવ્યોનો બાગ બની રહેશે જ્યાં મારી ગઝલ, મુક્તક ઉપરાંત ગીત, અછાંદસ તથા હાઈકૂના વિવિધરંગી પુષ્પો અવારનવાર જોવા મળશે. ગીતોના છંદની બાબતમાં હજી હું બાળમંદિરમાં પ્રવેશ લેતો બાળક છું. આ ગીતના છંદમાં જે દોષ રહ્યાં છે એ બદલ અગાઉથી ક્ષમાયાચના. પ્રાસંગિક ગીત હોવાથી છંદસુધારણા સમય મળ્યેથી કરવાની ખાતરી પણ આપું છું. અને મુંબઈની પરાંની ટ્રેનોમાં સાત જુલાઈના રોજ થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોની પાર્શ્વભૂ પર રચાયેલા આ ગીતની સાથે કોઈ ફોટોગ્રાફ ન જ હોઈ શકે એ પણ સમજી શકાય છે…
(સ્કુબા ડાઈવીંગ…. ….માલદીવ્સ-ફેબ્રુઆરી-2002)
*
ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.
ભીતર ભલે ને હો હવા, કાયા તો એ જ છે,
ફૂટીને જળમાં ના ભળે એ બુદબુદા નથી.
શ્વાસોના સઢ ફરક્યા પવન શબ્દનો લઈ,
એના વિના આ હોડીનો કો’ નાખુદા નથી.
મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે ?
શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.
– વિવેક મનહર ટેલર
અર્બુદા=પર્વત (આબુ પર્વત)
(કોઈમાં હું, કોઈ મારામાં ખૂલે… ..જહાજ મહેલ, માંડુ, નવે-05)
*
આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું ?
ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઇચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?
તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?
વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?
ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?
ઇચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?
શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠા સુખના તો સ્વાદ ક્યાંથી લાવું?
-વિવેક મનહર ટેલર
(અવસાદ = અંત)
*
તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
છે તારા પગમાં આ દુનિયાની બેડી, હું એ સમજું છું,
તું જાણે છે ખરો કે મારે મન તો તું જ છે દુનિયા ?
લૂંટાવી દીધું મેં સર્વસ્વ મારું એ જ વિશ્વાસે
કે તું દેતો નથી કોઈને પણ વચનો કદી ઠાલા.
મેં વડવાનલ ભીતર ધરબી દઈને હોઠ સીવ્યાં છે,
કદી લેવાને મોતી આવશે તું એ જ છે આશા…
ઉદાસી મુઠ્ઠીભર, ખોબો ભરીને રાહ, બે યાદો,
હવે શું આજ છે અકબંધ, વ્હાલા ! મારી કાયામાં ?
હું જન્મોજન્મ તારી રાહ જોવાને જ જન્મી છું,
તું જો, શું છે મિલન તારું ને મારું શક્ય આ ભવમાં ?
સમયના કોશેટામાં જાત મેં ધરબી દીધી મારી,
મળે રેશમ તને શબ્દોનું, મારી એ જ છે ઈચ્છા.
તું મારી યાદને શબ્દોમાં ઢાળી પામે છે કીર્તિ,
હું તારા શબ્દને શ્વાસો બનાવી જીવું રગરગમાં.
-વિવેક મનહર ટેલર
*
(વડવાનલ= સમુદ્રના પેટમાં ભારેલો અગ્નિ)
(પ્રેમના શહેરનો એક સૂર્યાસ્ત…. ….ખજૂરાહો, ઑક્ટોબર-2004)
*
બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.
જમાના જેવું પણ છે કંઈ અને એ માનવાનું પણ,
હું જાણું છું છતાં આ મનને સમજાવી નથી શક્તો.
જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.
લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
– વિવેક મનહર ટેલર
(પાણીની અંદરનું વિશ્વ… ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)
*
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.
– વિવેક મનહર ટેલર
(અરુણોદય… …કન્યાકુમારી, ફેબ્રુઆરી-2002)
*
હું પાડું છું એથી સાદ તને બોલાવવા ભરઉનાળામાં,
ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં.
કેસૂડાં, ગરમાળાં, ગુલમ્હોર – ભડભડ બળે છે સૌ ફૂલોથી,
જે દવ હતો મારે વગડે ભવ-ભવ, રવરવ્યો એ ઉનાળામાં
અંતે તો રોજ જ આવે છે સૂવાને ક્ષિતિજની ગોદ માં એ,
ફરતો રહે સૂરજ છો ને આખી દુનિયામાં અજવાળામાં.
સંવેદના, જડતા- પીગળ્યાં છે સૌ એક નજરનાં તાપથી, બસ!
સૂતો હતો હું તો યુગયુગથી શીતનિંદ્રામાં, હિમાળામાં.
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?
તુજ ચરણે આવી પહોંચ્યાં છે, શબ્દોને શાનો ડર છે હવે?
લૂંટી શકે શીલ એ હિંમત ક્યાં, દુનિયા કે દસ માથાળાંમાં?
ઊઘલી ગઈ ઈચ્છાની સૌ જાન…. (મારે તો હવે આરામ જ છે),
પીરસ્યાં છે શબ્દો જ્યારથી તેં મુજ શ્વાસ તણાં પતરાળાંમાં.
– વિવેક મનહર ટેલર
*
ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.
અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?
જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.
શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.
-વિવેક મનહર ટેલર
મારા શબ્દોની સાથોસાથ મારા ફોટોગ્રાફ્સને પણ ઉમળકાથી બિરદાવવા બદલ મારા અંગત બની ગયેલાં મિત્રોને હું શું કહું? એ ઋણને ફેડી શકે એવો કોઈ શ્વાસ કે શબ્દ નથી મારી પાસે ! પરંતુ વહેતા સમયની સાથે એક વાતની મને પ્રતીતિ થઈ છે કે દર વખતે ગઝલને અનુરૂપ ફોટોગ્રાફ તમારા સંગ્રહમાંથી શોધી શકવું શક્ય નથી હોતું. મિત્રોની ક્ષમાયાચના સાથે મારે મારી આ કમજોરીનો સ્વીકાર કરવો જ રહ્યો. હવે પછીની ગઝલોમાં ગઝલના ભાવને અનુરૂપ ફોટોગ્રાફ્સ કદાચ નહીં પણ જોવા મળે…. મેં પાડેલા અને મને ગમેલા ફોટોગ્રાફ્સ તથા મેં લખેલા અને મને ગમેલા શબ્દો ગાડીના બે પાટાની જેમ સમાંતર વહેતા રહેશે….સદા સાથે જ છતાં સદૈવ અળગાં…..!
આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?
જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?
પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?
હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?
વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)
-વિવેક મનહર ટેલર
વસ્લ= સમાગમ
(સાદ આંખોના……. ….જહાજમહેલ, માંડું, નવેમ્બર-05)
*
દાખલા સઘળા આ જીવનમાં કદી ખોટા ન હોય,
પણ બધા માણસને કંઈ મોઢે બધા કોઠા ન હોય.
હાથ ના મેળવ, મળે જ્યારે ટકોરા દઈને મળ,
આંખમાં ઉષ્મા બતાવે ? દિલ તું જો….પોલાં ન હોય !
બંધ, હડતાળો ને રેલી – તંગ દિલની દાસ્તાન,
આપણી થાળીમાં બે દાણા કદી ઓછા ન હોય….
સાદ આંખોના ટકોરા દે છે નજરોને, તું સુણ
જે હો હૈયે એને માટે હોઠે હાકોટા ન હોય.
ક્ષોભ શાનો ? આટલી મોટી સભામાં કોઈ નહિ,
પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળાં ન હોય.
એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !
તું સદા મારી ભીતર પણ સાવ અળગી અળગી રહી,
જાણે કે જળની જ અંદર કોઈ પરપોટા ન હોય !
શ્વાસનો અંકુશ છે, અટકી જવાની ચીમકી છે,
શબ્દ બાકી મારી જેમ જ ઠાલા બડબોલા ન હોય !
-વિવેક મનહર ટેલર
ઠાલા = નિરર્થક, નાહક
બડબોલા= શેખીખોર