આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?

*

આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?
આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.

ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.

અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?

જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.

શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.

-વિવેક મનહર ટેલર

11 thoughts on “આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?

  1. શ્રી મનવંતભાઈ,

    શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
    બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.

    -ગઝલના આ મક્તામાં એક ઐતિહાસિક સંદર્ભને સાંકળવાની મારી કોશિશ હતી, પણ લાગે છે કે હું એમાં વિફળ નીવડ્યો છું. એટલું મારું કવિકર્મ કાચું જ સ્તો. નંદરાજા દ્વારા અપમાનિત થયા બાદ ચાણક્યે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નંદવંશનું નિકંદન ન કાઢી નાંખું ત્યાં સુધી મારા કેશ હું ખુલ્લા જ રાખીશ અને ત્યારબાદ જ હું મારા વાળમાં ગાંઠ વાળીશ.

    આ શેર વડે મારે કદાચ કહેવું હતું કે મારા જીવનનું અંતિમ લક્ષ્ય શબ્દ અને કેવળ શબ્દ જ છે અને જે ક્ષણે હું શબ્દનો સાક્ષાત્કાર કરી લઈશ તે ઘડી એ હું આખરી શ્વાસ લઈ મૃત્યુની ગોદમાં સૂઈ જવાનું પસંદ કરીશ…

    મારી વાત મારા વાંચક સુધી યોગ્ય સ્વરૂપે ન પહોંચાડી શકવા બદલ દિલગીરી અને દુઃખ અનુભવું છું…

  2. મેં આજે લખેલી કોમેંટ ક્યાં સંતાઈ ગઈ ?
    ચાલો ફરીથી લખી દઉં…. મારી મિઠી મજાકને
    ગંભીર ગણવા બદલ ક્ષમાયાચના !આપના કાવ્યનું
    હાર્દ તો બિલકુલ સ્પષ્ટ છે.તમારી વાત તમારા
    વાચક સમક્ષ યોગ્ય રીતે જ મુકાઈ છે ભાઈ !

  3. ઉપરની મારી કોમેંટમાં “મિઠી” ને બદલે “મીઠી “વાંચવા વિનંતી છે.મનવંત.

  4. અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
    છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?

    જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
    રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.

    શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
    બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં…..
    wwaaah

  5. જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
    રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં………….જિયો

  6. આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?
    આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *