
એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
હોઠ ખૂલવાનું કદી શીખ્યા નહીં,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.
લોહીમાં સૂરજ કદી ઉગ્યા નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયના સૌ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ ઘાયલ, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એ જંગ છે મારી ભીતર.
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
– વિવેક મનહર ટેલર
અડબંગ= મરજી મુજબ ચાલનારું, જક્કી, હઠીલું.
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
કાફિયા= ગઝલમાં ‘રંગ’, ‘સત્સંગ’, ‘જંગ’ જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે.