કવિસંમેલન…

(કવિસંમેલન…. ….અમદાવાદ : ૨૫-૦૨-૨૦૦૭)

(કયું સર્ટીફિકેટ સાચું? … ….ચિનુ મોદી સાથે)

(ડાબેથી: AMA પ્રમુખ, હું, ચિનુ મોદી, કૃષ્ણ દવે, હર્ષ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત)
(ફોટોગ્રાફની ગુણવત્તા બદલ ક્ષમાયાચના)

અમદાવાદથી એક ફોન આવ્યો, ડૉ. અશોક પટેલનો… ‘અમદાવાદ મેડીકલ એસોસીએશનના ઉપક્રમે ગુજરાતભરના તબીબ-કવિઓનું એક કવિ સંમેલન યોજીએ છીએ. આપ આવશો?’ મારાથી સહજ પૂછાઈ ગયું: ‘ પણ આપને મારું નામ અને નંબર ક્યાંથી મળ્યા?’ ‘ડૉ. ઉર્વીશ વસાવડાએ તમારા માટે ભલામણ કરી છે’, જવાબ મળ્યો. પત્યું. 25 ફેબ્રુઆરી-રવિવારની સાંજે હું અમદાવાદના મેડીકલ એસોસીએશનના હૉલમાં હતો. છવ્વીસ તબીબ કવિઓ. તેર-તેરના બે સમૂહ. પહેલા સમૂહનો અંતિમ કવિ હું. સામે શ્રોતાગણમાં ચિનુ મોદી, નિરંજન ભગત, કૃષ્ણ દવે અને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા નીવડેલા કવિઓ અને ખીચોખીચ સભાગૃહ. વચ્ચેના ગાળામાં લગભગ દોઢ દાયકો કવિતા છૂટી ગઈ હતી એટલે હંમેશા મંચની બીજી બાજુએ બેસીને તાળી પાડવાનું જ નસીબમાં રહેતું. તેર વર્ષ પહેલા આખરી મુશાયરામાં ભાગ લીધો હતો. આજે દોઢ દાયકા બાદ મંચની ઈચ્છેલી બાજુએ બેસવા મળ્યું હતું અને એ ય સુરતની બહાર… મંચ અને માઈકનો ડર સદનસીબે અગિયારમા ધોરણ પછી કદી લાગ્યો નથી… એટલે મારા સ્વપ્નને વાસ્તવની ભોંય પર પગ મૂકવાના મળેલા મોકાને પૂરતી સજાગતાથી ઝડપી લીધો… કૃતિઓમાં ખોવાઈને પછી હું ક્યારે જાગ્યો, ખબર જ ન પડી… એક અવિસ્મરણીય અનુભવથી જાણે માહ્યલો ભરાઈ ગયો. અંદર કોઈક ટકોરતું હતું, હજી તો પંથ ઘણો લાંબો અને વિકટ છે અને બહારથી કોઈ આશ્વસતું હતું, ભલે! શરૂઆત તો થઈ ને !

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો!

– કવિસંમેલનમાં રજૂ કરેલી કૃતિઓને ક્રમસર રજૂ કરું છું:
(જે તે કૃતિ પર ક્લિક્ કરવાથી આખી રચના સુધી જઈ શકાશે)

સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો

બગડેલા સંબંધનું શું?

પથ્થર

શરૂઆત કરી જો

(શરૂઆતથી મારી શબ્દયાત્રાના સાક્ષી રહેલા મિત્રોને મારા રસ્તાના કિનારે ઊગતા જતા પથ્થરોનોય સાક્ષી ન બનાવું તો ન જ ગમે.)

આજીવન લવાજમ, ભરો વિનામૂલ્યે…

આજ સુધી આપ આ વેબ-સાઈટ પર આવતા રહ્યા છો, ક્યારેક જાતે તો ક્યારેક મારા ગ્રુપ-મેઈલની પગથી પર ચાલીને ! પણ હવેથી આ તસ્દી હું લેવા માંગું છું. આપ મારા શબ્દોના સરનામે પધારો એના કરતાં શા માટે હું જ મારા શબ્દોમાં ઢાળેલા શ્વાસો લઈને આપના દિલના દરવાજે સામેથી ટકોરા ન દઉં? આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરું છું. (આભાર, ધવલ !) બસ, એક જહેમત એક જ વાર પૂરતી આપે કરવી પડશે : નીચે ઈ-મેઈલ લિસ્ટમાં તમારું આખું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરો, બસ! આટલું કરશો એટલે હવે પછી ‘શબ્દો છે શ્વાસ મારા’ પર જ્યારે પણ નવી કવિતા મૂકીશ કે તરત જ મારા શ્વાસ ઈ-મેઈલના પરબીડિયા લઈને તમારા ઈન-બોક્ષમાં છલકાશે. માત્ર પ્યારનું ચલણ લઈને આ લવાજમ ભરી દો અને બનો મારા પ્રેમના આજીવન ભાગીદાર… !


 

‘શબ્દો છે શ્વાસ મારા’ ના ઈ-મેઈલ લિસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેઈલ કરો : [email protected]

કશુંક


(પરોઢનો પીળો તડકો….            ….નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(Yellow wagtail ~ Motacilla flava)

*

જાતના દરવાજા ખોલી બહાર ભાગી ગ્યું કશુંક,
શ્વાસ તડકે નાંખ્યા ખુલ્લા ત્યાં તો પીગળી ગ્યું કશુંક.

મસળી, ચોળી, ઝાટકી ઇચ્છા બધી મેં સૂકવી,
એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક.

હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

આભ એનું એ જ, સૂરજ, ચાંદ-તારા એના એ જ,
તો તો નક્કી આ નજરમાંથી જ નીકળી ગ્યું કશુંક.

બાજુમાંના બંધ ઘરનું આંગણું ન હોય એમ
જે મળ્યું રસ્તામાં એ મારામાં નાંખી ગ્યું કશુંક.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

– વિવેક મનહર ટેલર

મળતી રહે


(રસ્તે…             …રણથંભોર, 02-12-2006)

*

દૂર મૃગજળ સમ ભલે સરતી રહે,
પણ સદા દ્રષ્ટિ તું ભીંજવતી રહે.

છોડ નશ્વર યાદ, ઘર, ગલીઓ, નગર…
શબ્દના રસ્તે મને મળતી રહે.

હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.

છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.

-વિવેક મનહર ટેલર

આ ગઝલ અગાઉ આ બ્લૉગ પર પ્રકાશિત થઈ ચૂકી છે. જૂની ગઝલમાં મત્લાનો શેર મને નબળો લાગતા એ બદલ્યો છે અને નવો જ મત્લો ઉમેર્યો છે. સામાન્યરીતે વાચકના હાથમાં કવિનો સંગ્રહ આવે ત્યારે તે કવિતાના આખરી સ્વરૂપમાં હોય છે. ઈન્ટરનેટનો આજે મને એક બીજો ફાયદો દેખાય છે તે એ કે મારી ગઝલમાં મને લાગેલી નબળાઈઓ મારી ક્ષમતા મુજબ સુધારીને હું ફરીથી વિશ્વની આગળ મૂકી શકીશ અને વાચક પણ કાવ્યના અંતિમ સ્વરૂપના બદલે પ્રારંભ અને અંત, એમ બંને રૂપો માણી શક્શે. અન્ય એક ફાયદો જે મને દેખાય છે તે એ કે હું મારા મિત્રો પાસેથી જૂના અને નવા સ્વરૂપની સરખામણી અને એ બંને વચ્ચેના તફાવત અને યોગ્યાયોગ્યતા વિશે યથાર્થ ટિપ્પણી પણ મેળવી શકીશ.

હવેથી દર શનિવારે…

(એક….                                             …ભરતપુર, 04-12-2006)

પ્રિય મિત્રો,

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એક વિચાર મનમાં ચાલ્યા કરતો હતો અને અમલમાં મૂકી શકાતો ન્હોતો. એક અઠવાડિયામાં બે કવિતાનું સર્જન કરવું અને તે ય એકધારું અને અવિરત કરવું- આ કામ આમેય ખાસ્સી મહેનત અને સમય માંગી લે એવું હતું. (આભાર, વૈશાલી અને સ્વયમ્ !) થોડી જૂની કવિતાઓ અને થોડી નવી રચનાઓના સહારે એક વર્ષથી વધુ સમય તો આ નિત્યક્રમ જાળવી શકાયો. હજી કદાચ એકાદ-બે મહિના આ ક્રમ જાળવી પણ શકું. પણ પછી? મશીનની જેમ સર્જાતી કૃતિઓ કંઈ દરવખતે સંઘેડાઉતાર ન થઈ શકે… વળી જૂની કૃતિઓમાં રહી ગયેલી છંદ-રદીફ-કાફિયાની ખામીઓ દૂર કરવાનો સમય ક્યારે કાઢી શકાશે? જે શબ્દને હું મારો શ્વાસ ગણતો હતો, એ જ શબ્દ ક્યારે અંતરાય બની બેઠો એ ખ્યાલ જ ન રહ્યો.

…ટૂંકમાં… આજથી હવે નવી કૃતિ લઈને મળીશું ફક્ત શનિવારે… દર બુધવારે મારી જ કોઈ જૂની કૃતિ મઠારીને બાહ્યસ્વરૂપના દોષ દૂર કરીને ફરીથી મૂકીશ… તો મિત્રો! યાદ રહે… દર બુધવારે જૂની રચના અને દર શનિવારે તરોતાજી કવિતા…

મળતા રહીશું શબ્દોના રસ્તે…

વિવેક.

બગડેલા સંબંધનું શું?


(પ્રેમના સાત રંગ…        …ભરતપુર, 4-12-2006)

*

બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત! બગડેલા સંબંધનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,
મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
હૈયાના મોલ કેમ ભારે?
અળગા થવાની કોઈ વેદના ન હોય તો
ઊઠે શીદ નેણ વારે-વારે?
દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

-વિવેક મનહર ટેલર

તું હવે તો આવ…


(ઉડ્ડયન….                       …સીગલ, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

*

ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ,
કેવું સરસ વધામણું છે! તું હવે તો આવ.

અનિવાર્ય લાખ છે છતાં રોકી શકો શું શ્વાસ ?
તો આ તો ફક્ત રૂસણું છે… તું હવે તો આવ !

ખેતરમાં ઊગવાને કોઈ ઈચ્છતું નથી,
જ્યાં મૂળ છે ત્યાં ટૂંપણું છે, તું હવે તો આવ.

ઢાળી દીધાં છે ઢોલિયે ખેતર અને આ જાત
બાકી ફકત શિરામણું છે, તું હવે તો આવ.

આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.

ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.

દીધા નથી તેં માપના કપડા કદી, ખુદા !
પણ આ તો મારું ખાંપણું છે, તું હવે તો આવ.

શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

-વિવેક મનહર ટેલર

(ટૂંપણું = મૂળમાંથી ચૂંટી નાંખવાનું ઓજાર, ખાંપણું = કફન)

ઘર વિશે એક ગઝલ


(રાજાપાઠ…                      …કીંગફીશર, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(White Breasted Kingfisher ~ Halycon smyrmensis)

*

હતી ક્યારે છતો, દીવાલ કે કો’ આવરણ ઘરનું ?
અમે તો નામ દઈ દીધું છે, જ્યાં થંભે ચરણ, ઘરનું.

યુગોથી જાતને સમજાવવા કોશિશ કરું છું હું,
છતાં પણ થઈ નથી શક્તું પૂરૂં સ્પષ્ટીકરણ ઘરનું.

ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,
એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.

હું તારી સામે જોઉં ને મને પીંછા સમી હળવાશ
અગર લાગે તો સમજી જઈશ, છે આ અવતરણ ઘરનું.

ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત,
કે એના રોમે-રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું.

રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવા ય ધાસે છે,
અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું.

હવે ઘરમાં જ દૃશ્યો એવા દેખાતા રહે છે રોજ
કે થઈ ગ્યું ક્યારનું અહીંથી મહાભિનિષ્ક્રમણ ઘરનું.

કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,
મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?

જતી વેળાએ મેળવવાને તેં લંબાવ્યો જ્યારે હાથ,
હું અવઢવમાં રહ્યો ત્યાં થઈ ગયું હસ્તાંતરણ ઘરનું.*

બની રહે જો ગઝલ તોરણ તો સૂકાતી જશે પળ-પળ,
રહે તાજી એ કાયમ જો બને વાતાવરણ ઘરનું.

-વિવેક મનહર ટેલર

ચંપાકરણ= ચંપામય
સંક્રમણ=ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ
મહાભિનિષ્ક્રમણ = રાજકુમાર સિદ્ધાર્થની કાયમી ગૃહત્યાગ અને સંસારત્યાગની મહાન ઘટના જેમાંથી ભગવાન બુદ્ધનો જન્મ થયો

* = આ શેર હવે પછીથી આ ગઝલનો ભાગ નથી… અર્થ-દોષ બદલ ક્ષમાયાચના !

કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ? લે!


(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા…       …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

*

વધતો જશે ધીમેધીમે થોડો લગાવ, લે !
ગમતો નથી છો માર્ગમાં એકે પડાવ, લે !

ઠોકીને છાતી મૂંછ ઉપર દઉં છું તાવ, લે !
હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !

બનતા રહે છે હરઘડી કેવા બનાવ, લે !
આ શહેર પાસે કંઈક તો પાણી મૂકાવ, લે !

આપ્યા છે દાંત તેં તો ચવાણું ય આપ તું,
રાખી ગરીબ, પેટે ન અગ્નિ લગાવ, લે !

દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

ગમતો નથી ભલે તને વધતો લગાવ આ,
આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

તારું કનક જણાઈ જશે, છે સિંહણનું દૂધ,
કાગળ ઉપર આ શબ્દને દોહી બતાવ, લે !

– વિવેક મનહર ટેલર

તે હતી ગઝલ


(બગાસું….                                   ….રણથંભોર, 03-12-2006)

*

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશબૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની ? તકિયો બની ગઝલ.

દીવાલ સાવ કોરી તો ચાલે ન એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

-વિવેક મનહર ટેલર

લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર…

(અમે…..             …ટ્રાઈપોડની આંખે, ડીગ, ૦૬-૧૨-૨૦૦૬)
(૨૬-૦૧-૧૯૯૭ થી ૨૬-૦૧-૨૦૦૭)

આ હાથ હાથમાં લીધો ને વર્ષ થ્યાં છે દસ,
પહેલા દિવસની છે છતાં અકબંધ એ તરસ;
દસ વર્ષમાં દસ આપદા વેઠી ભલે તો પણ,
જે ગઈ, જે છે ને જે જશે એ જિંદગી સરસ !

-વિવેક મનહર ટેલર

આમ અધવચ્ચે હું થાકી ના શકું


(સૂર્યોદય…                                    …ભરતપુર, 05-12-2006)

*

છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.

ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.

લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.

ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.

લાખ ગમતો હો છતાં પણ વાતેવાતે રોજેરોજ
હું ગઝલના શેરને સઘળે તો ટાંકી ના શકું.

આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.

-વિવેક મનહર ટેલર

તું કે હું ?


(ઠસ્સો…                                          …રણથંભોર, 03-12-2006)
(Rufous Treepie – Dendrocitta vagabunda)

*

પત્રમાં વંચાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?
ને ભીતર પ્રગટી જે ક્ષણ એ કોણ છે લ્યા, તું કે હું ?

સ્વપ્નને સાકાર કર, ઇચ્છાને તું આકાર દે-
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?

રોજ જેની શક્તિ પામે ક્ષય ને રથનું પૈંડુ પણ
રોજ પામે છે કળણ એ કોણ છે લ્યા, તું કે હું ?

ખૂન, ચોરી, લાજ લૂંટવું રોજ છાપે વાંચે તોય
એનું એ રાખે વલણ એ કોણ છે લ્યા, તું કે હું ?

સિગ્નલે થોભેલી ગાડી જૂના કપડાથી લૂછી
હાથ થઈ લંબાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?

લોહી લાવે વિશ્વના ગળફામાં જે એ જંતુના
ચેપનું વધતું ચલણ એ કોણ છે લ્યા, તું કે હું ?

આ ગઝલમાંથી સૂરજ, રણ, ઓસ, ઝંઝા દૂર કર
તોય ના પામે મરણ એ કોણ છે લ્યા, તું કે હું ?

-વિવેક મનહર ટેલર

હું જ્યાં સુધી મરતો નથી


(તીખી નજર…                                …રણથંભોર, 03-12-2006)

*

હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
શું એટલે હું કોઈને જડતો નથી ?

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

તારા વગરની જિંદગીની વાત છે,
લઉં શ્વાસ તો પણ લાગે છે, શ્વસતો નથી.

મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.

હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.

થઈ પ્રાણવાયુ ના ભળે લોહીમાં શ્વાસ,
હું જ્યારે જ્યારે શબ્દને શ્વસતો નથી.

– વિવેક મનહર ટેલર

શરૂઆત કરી જો…


(રાજમહેલ….                    ….ડીગ, રાજસ્થાન, 05-12-2006)

*

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દીવાલોને રજૂઆત કરી જો.

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

-વિવેક મનહર ટેલર

ખોટા ઠર્યા સંબંધ સૌ

(જિંદગીનો પથ હજી બાકી હતો…          …ભરતપુર, 05-12-2006)

જોડણીની ભૂલ સમ ખોટા ઠર્યા સંબંધ સૌ,
જે ઘરે પગ આ ગયા, પાછા વળ્યા સંબંધ સૌ.

ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.

‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.

જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ.

મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.

વાસ્તવિક્તા એ જ છે કાયમ, સમય હો આ કે તે
વાલિયાથી વાલ્મિકી વચ્ચે રહ્યા સંબંધ સૌ.

તું ગઈ, પણ કાવ્યને મારા કરી અ-ક્ષર ગઈ,
આપણા યુગયુગ લગી શાશ્વત બન્યા સંબંધ સૌ.

-વિવેક મનહર ટેલર

કુંવારી નદીની તરસ

(કુંવારી નદી…     …રણથંભોરના જંગલમાં, 04-12-2006)

તું સાગર છે.
તારા માટેનો મારો પ્રેમ
એટલે કુંવારી નદીની તરસ.
રેતીના સાગર સાથેના મારા સંવનનમાં
મુખપ્રદેશના મદોન્મત્ત ચુંબનનો અનંગવેગ નથી
ને અલિપ્ત છું જહાજોના આલિંગનથી…
હું તો ખડકને ઊગેલું
ને રેતીમાં ચૂર થયેલું સ્વપ્ન…
પાણીમાં જ વિસ્તરેલું
પણ પાણીથી જ દૂર રહેલું ક્રંદન…
મારી પૂર સમી ઉત્કંઠાઓને જન્મવાનું વરદાન નથી
ને ચંદ્ર દ્વારા પાગલ ભરતી-ઓટના પ્રદાન નથી.
કોઈ સહસ્ત્રબાહુ ખેલ છોડે
યા ભગીરથ તપ આદરે
કે અગત્સ્ય કોગળો કરે
તો-
-તો સાગર, નદી, નદી, સાગર…
તું સાગર છે…
…પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!

-વિવેક મનહર ટેલર

(સહસ્ત્રબાહુ, ભગીરથ અને અગત્સ્ય- આ ત્રણે ય ક્યાંક કોઈક સ્વરૂપે પાણીને બાંધવાની અથવા બંધાયેલા પાણીને વેગ આપવાની દંતકથાઓ સાથે સંકળાયેલા છે. સહસ્ત્રબાહુ રાજાએ એના હજાર હાથ વડે બંધ બાંધી નદી રોકી લીધી હતી. ભગીરથે તપ વડે ઉદ્દંડ અને ઉચ્છ્રંખલ ગંગાને પૃથ્વી પર અવતારી એને દિશા આપી તો અગત્સ્ય રાક્ષસોને મારવા માટે આખો સાગર જ ગળી ગયા….)

ઇચ્છા અધૂરી છે


(રણથંભોરના કિલ્લામાં સ્વયમે શોધી કાઢેલું એક નાનકડું આશ્ચર્ય… 03-12-2006)

*

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.

મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.

આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ભલે આ દિલ ફિતૂરી છે.

તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

વિવેક મનહર ટેલર
(ફિતરત=સ્વભાવ, પ્રકૃતિ. ફિતૂરી=બળવાખોર)

શબ્દોના રસ્તે વીતેલા પહેલા વર્ષનું સરવૈયું…

 

વ્હાલા દોસ્તો,

પલંગ પર આડા પડીને પેટ પર પુસ્તક મૂકીને વાંચવાને ટેવાયેલો હું ક્યારેક મારી વ્હાલુડી માતૃભાષાને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચતો કે વંચાવતો હોઈશ એવો વિચાર દોઢેક વર્ષ પહેલાં આવ્યો હોત તો જુલે વર્નની નવલકથાની જેમ એ સમયના પરિપ્રેક્ષ્યમાં અવકાશયાન કે સબમરીનની પરિકલ્પના કરતો હોઉં એવું ટાઢા પહોરના ગપ્પા જેવું મને લાગ્યું હોત. આંગળી પકડીને ધવલ આ દુનિયામાં લઈ આવ્યો અને એસ.વી.એ સમય-સમયે માર્ગદર્શન આપ્યું. આજથી બરાબર એક વર્ષ પહેલાં ૨૯-૧૨-૨૦૦૫ના રોજ એક બ્લૉગ શરૂ કર્યો- શબ્દો છે શ્વાસ મારા… ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લૉગ. સ્વરચિત કાવ્યોનો એક બ્લૉગ કદાચ એ પહેલાં પણ અસ્તિત્વમાં હતો, પણ છંદબંધારણ અને કવિતાના નિયમોથી એ વેગળો હોવાથી સાહિત્યના નિયમોની એરણે મૂકવામાં આવે તો મારા બ્લૉગને સર્વપ્રથમ કહેવાનું ગૌરવ હું જરૂરથી લઈ શકું.

સફરની શરૂઆતમાં કૃતિઓની કોઈ ખાસ નિયમિતતા ન્હોતી. પણ પાછળથી જાત અને મિત્રોને એક વણકહ્યો વાયદો અપાઈ ગયો અને અઠવાડિયામાં બે વાર- દર બુધવારે અને શનિવારે સાંજે- પૉસ્ટ મૂકાવા માંડી. પછી તો ફૉટોગ્રાફ ઉમેરાયા અને આજે એક વર્ષ પછી પાછળ ફરીને જોઉં છું તો ૯૨ કવિતાઓ અને ૬ પ્રકીર્ણ-લેખો મેં મિત્રોના માથે થોપી દીધા છે.

આ બ્લૉગે મને માત્ર લખવાની નિયમિતતા નથી બક્ષી, આ બ્લૉગે મને ખોબલા ભરાતા ય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો આપ્યા છે. સાથે પીઠ પાછળ કરાયેલ ઘાને સામી છાતીએ ઝીલવાની તાકાત પણ મને અહીં જ મળી છે. ગુજરાતી નેટ-જગત પર મારા હિસ્સાનું પદાર્પણ થઈ શકે ત્યાં લગી કરતો રહીશ અને શક્ય હોય ત્યાં લગી આપ સૌને આપ સૌનો પ્રેમ પામવા મારા શબ્દોના રસ્તે મળતો રહીશ…

આજે આ બ્લૉગની પહેલી વર્ષગાંઠ પર નવા સ્વરૂપ, નવી સવલતોની ભેટ લઈને આવ્યો છું. વર્ડપ્રેસ ફોર્મેટની સગવડો ઘણા સમયથી આકર્ષ્યા કરતી હતી. આજે ધવલની, માત્ર ધવલની જ કહી શકાય એ મહેનતના પરિપાકરૂપે આ નવા સ્વરૂપમાં એજ વેબ-એડ્રેસ કાયમ રાખી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વધારે સગવડોના બદલે આને હું “યુઝર-ફ્રેંડલી વર્ઝન” કહેવાનું જો કે વધુ પસંદ કરીશ. આશા છે આ નવું કલેવર આપને ગમશે…

આભાર…

વિવેક

આ દુઃખ એ જ મારો સહજભાવ છે


(સામા કિનારે…                  …જોગી મહેલ, રણથંભોર, 4/12/06)

*

દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત એનો આ ખેલમાં દાવ છે.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની મળી નાવ છે.

અમે કંઈ જ સામું કહી ના શક્યા,
ગણ્યો એને આપે અહોભાવ છે.

બીમારી હતી શી મને મીઠી, યાર?
રુઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.

ગુજરતા રહ્યા ટ્રેન સમ સહુ સતત,
સીધો અંતહીન મારો પથરાવ છે.

જીવનનાં પલાખાં ન શીખ્યા કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’

જશે શબ્દ જે દી’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!

– વિવેક મનહર ટેલર
(02-04-2005)

સદા તત્પર

(મને પાનખરની બીક ના બતાવો… …રણથંભોર, 03/12/2006)

 

ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર,
મને જે ઠંડી ચડે, ભાંગવા સદા તત્પર.

ઉસેટવા, જે લખું હું, હવા સદા તત્પર,
અમેય આંધીમાં દીવો થવા સદા તત્પર.

તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.

વિવેક મનહર ટેલર

(ઉસેટવું = ઉખેડી નાખવું, કાઢી નાખવું, નાખી દેવું, ફેંકી દેવું)

કદી વાંસળી આ બરાબર ન વાગી

(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત… …રણથંભોર, 03-12-2006)

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

– વિવેક મનહર ટેલર

ક્ષણના મહેલમાં

(ક્ષણોના મ્હેલમાંથી…       …રણથંભોર, 03/12/2006)

 

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું…
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ’તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

– વિવેક મનહર ટેલર

ખીલી છે મૌનની મોસમ


(કિલ્લાની રાંગ પરથી…        …સુવર્ણનગરી, જેસલમેર, 2004)

*

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

ઘણી વ્યક્તિ ઘણાં દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

તમે ચાલ્યા ગયા તો પણ હજી જીવી રહ્યો છે એ,
હવે સમજાયું એને, એ હતી સૌ કહેવાની વાતો.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચાં-નીચાં થાય,
ગઝલનાં ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

– વિવેક મનહર ટેલર

આ સાથે આવતા અઠવાડિયા પૂરતું નાનકડું વેકેશન જાહેર કરું છું. હવે મળીશું સી…ધા 13 ડિસેમ્બરે…મળતા રહીશું, શબ્દોના રસ્તે!

પથ્થર

(ભૂલા પડવાની મજા…                           …ઓક્ટોબર,2006)

મારી દુઆ સાચી હશે તો કોક દિ’ ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના…ના…નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.

વિવેક મનહર ટેલર

એક વેશ્યાની ગઝલ-મારે કંઈક કહેવું છે…

(પ્રણયચિત્રો…                       …ખજૂરાહો, 2004)

*

એક વેશ્યાની ગઝલ…  હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે… પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે…ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે…! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો… ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે… જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે.

વડીલમિત્રએ પ્રતિભાવ આપતા કહ્યું કે આટલા બધા વખાણ થયા પછી, થોડું કડવું લખવાની હિમ્મત કરું છું. એમણે એવું પણ કહ્યું કે જાતીય અંગોને લખાણમાંથી દૂર રાખવાની પ્રથા અને મર્યાદા તોડવા જેવી નથી. નેટ આવા દૂષણોથી ખદબદે છે અને યુવાપેઢીને ગુમરાહ કરે છે. આ વાતમાં મને ભારતવર્ષની મહાન સંસ્કૃતિ અને સભ્યતાની હત્યા થતી જણાય એટલે આ લખવા મજબૂર થયો છું.

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં કેમ ચઢી જાય છે ? સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું અસ્તિત્વ જ શા માટે ઊભુ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી કોઈ વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? અને લખાણમાં જાતીયતાને દૂર રાખવાની પ્રથા? અને મર્યાદા? ભારતવર્ષનું સૌપ્રથમ કાવ્ય કેટલાએ વાંચ્યું છે ? આદિકવિ વાલ્મિકીરચિત આપણા સૌથી ધાર્મિક ગણાતા મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(વિસર્જ્ય ઐનાન્ સચિવાન્ યથાપૂર્વં અરિંદમ, તતઃક્રિડામહે સર્વા વનેષુ મદનોત્કટા. કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

રામાયણને પડતું મૂકો… આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આપણે કયા અંગોને કવિતાથી દૂર રાખવાની વાત કરીએ છીએ? આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે… 36 કરોડ દેવતાઓ ધરાવતા આપણા દેશમાં કયા મંદિરો સૌથી વધુ માત્રામાં છે અને કોનું મહત્વ ઉચ્ચતમ છે, કહો તો?! લિંગનું જ ને ?! આપણી સ્ત્રીઓ લિંગપૂજા કરવા જાય એનો વાંધો નહીં પણ કવિતામાં લિંગ કે યોનિનો પ્રયોગ યુવાપેઢીને ગુમરાહ કરનારો?

ખજૂરાહોને લો… શું છે ત્યાં? મંદિરની દિવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો તમારી યાત્રાનો ખર્ચ મારી પાસેથી લઈ લેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. દુનિયાના કોઈપણ મહાન ચિત્રકારે નિર્વસ્ત્ર ચિત્રો ન દોર્યા હોય તો મને કહેજો. અને એ ચિત્રો જોતી વખતે આપણને ડર નથી લાગતો કે આ ખુલ્લંખુલ્લા કરાતા યૌનપ્રદર્શનથી આપણી યુવાપેઢી ગુમરાહ થશે.

મહર્ષિ વાત્સ્યાયન લિખિત મહાન ગ્રંથ ‘કામસૂત્ર’ને આ સ્થાને કદી વિસરી ન શકાય. ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણનું એ એવું ઉદાત્ત ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે…. આ છે આપણી સાચી સભ્યતા…

આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી અને એટલે જ આજે ભારતની ગલી-ગલીમાં નાના નાના અમેરિકાઓ ઊછરી રહ્યાં છે. અને આપણે આજે જે વિકૃતિની સજા ભોગવી રહ્યાં છીએ એ આ કાચા-દોગલા પંડિતો અને નિર્વીર્ય વડીલોના પાપે…

કવિતાની વાત કરીએ તો ગુજરાતી કવિતામાં શરૂથી જ જાતિયતા વણાયેલી રહી જ છે. સ્તન, યોનિ, નિતંબની વાતો લઈને ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ અને નવલકથાઓ જન્મી છે. મન્ટોની ‘ખોલ દો’ હોય કે ચંદ્રકાંત બક્ષીની ‘કુત્તી’ હોય, સુધરેલા સમાજને એ વાર્તાઓ અશ્લીલ જ લાગી છે. કલાપી અને એના સમકાલિન કવિઓએ ખુલીને વસ્લની વાતો કરી છે. નર્મદે તો શૃંગારરસ અને કામક્રીડા પર એક આખું પુસ્તક ભરીને કવિતા લખી છે અને સંભોગનું સંપૂર્ણ વર્ણન પણ કર્યું છે. રમેશ પારેખના એક નવલિકાસંગ્રહનું નામ છે, ‘સ્તનપૂર્વક’. મુકુલ કવિતાઓમાં અસંખ્યવાર બે જાંઘનું ટોળું અને યૌનગંધા સ્ત્રીઓને લઈને છડેચોક આવ્યો છે…

અને અંતે ‘જાતીયતા ગોપીત જ રહે તેમાં શ્રેય અને ગૌરવ છે’ એમ કહેનાર વડીલોને મારે એટલું જ કહેવાનું કે જાતીયતા જીવનની ધરી છે. ધરીને કે પાયાને અવગણીને કોઈ સર્જન કદી થઈ ના શકે. જાતીયતાને છાની રાખવાની વિકૃતિને આપણે જ્યારથી આપણી સંસ્કૃતિ ગણી બેઠાં છીએ ત્યારથીજ ભારતવર્ષની પડતીની શરૂઆત થઈ છે… આપણા બાળકોને યોગ્ય ઊંમરે જાતીય શિક્ષણ આપણે નહીં આપીએ તો ગલી-મહોલ્લાના શેરી-મિત્રો નામનો રાક્ષસ તૈયાર જ છે, આપણા ભવિષ્યને ભરખી જવા માટે….

…અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.

બે હાઈકુ

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા… સુરમ્યા તાપી, સપ્ટેમ્બર,2006)

 

ઝાકળચણ
ચણી જતાં પ્રભાતે
તડકાપંખી !

*

વ્યોમ વિધવા
સાંજટાણે ; લોપાયો
સૂરજચાંલ્લો !

– વિવેક મનહર ટેલર

અગર…

(આજનું અજવાળું…                             …સપ્ટેમ્બર, 2006)

 

મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.

પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર…

કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર…

બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.

છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

– વિવેક મનહર ટેલર

મનજીભાઈ…


(મારા મનજીભાઈ…                                                સ્વયમ્…2005)

*

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…

મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા…

મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
પણ કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પાછું એના વિના તો નક્કામા સૌ સરનામા…

-વિવેક મનહર ટેલર

ચૌદ નવેમ્બર…ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ… મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ. એટલે આ નિમિત્તે આજે એક બાળગીત… અને શક્ય હશે તો આવતા એક મહિના સુધી દર અઠવાડિયે એક બાળગીત મૂકવાની ઈચ્છા છે… જન્મદિન મુબારક હો, બેટા !

એક વેશ્યાની ગઝલ

(ભૌમિતિક મધ્યબિંદુ… … માથેરાન, જાન્યુઆરી,’03)

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

ડૉ. વિવેક મનહર ટેલર

તને અડકે


(મારા આંગણનું અજવાળું…                             …ઑક્ટોબર-2006)

*

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

– વિવેક મનહર ટેલર

આ ક્ષણે


(બેનરઘટ્ટા નેશનલ પાર્ક….                   ….બેંગ્લોર, ઓક્ટો-2004)

*

શ્વાસના અક્ષર થવાની આ ક્ષણે,
દીપ ઘટમાં પેટવાની આ ક્ષણે.

કાંઠાઓ વિસ્તારવાની આ ક્ષણે,
વ્હેણમાં ડૂબી જવાની આ ક્ષણે.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.

જીત કેવળ જીત એની હોય છે,
હારને સ્વીકારવાની આ ક્ષણે.

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.

– વિવેક મનહર ટેલર

કદીક


(મારા ઘરનો ટહુકો…                                       …ઑક્ટોબર-2006)

*

શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક,
હક્ક એનો એ જતાવે છે કદીક.

તું મળે ત્યાં જીભ ચોંટે તાળવે,
આ અવાચક્તા ય તો બોલે કદીક.

ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક.

વાતમાંને વાતમાં સંગાથ પણ
કેટલો છે એ ન વરતાશે કદીક.

ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?

શબ્દ અક્ષર જ્યોત છે, છો ઝગમગે,
કોડિયામાં શ્વાસ તો ખૂટશે કદીક…

ચંદ ક્ષણમાં હું લખી નાંખું ગઝલ,
પણ કલમ જો કોઈ પકડાવે કદીક !

– વિવેક મનહર ટેલર

શાહમૃગ


(ઉડાન..                                         …માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

*

કેટલા મેઇલ આવ્યા…
કેટલા મેં વાંચ્યા… કેટલા ન વાંચ્યા…
પહેલાં તો મેં જવાબ આપવાનું બંધ કર્યું
ને પછી તો મેઇલ ખોલવાનું જ બંધ કર્યું
થાક્યો ત્યારે ઇનબોક્ષ ખોલવાનું પણ બંધ કર્યું
ને હવે તો નેટ પર બેસવાનું જ બંધ કરી દીધું…
પછી
એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી…
હવે
એ તો કોઈ મેઇલ ન્હોતી કે
ક્લિક્ કરવું નહીં, ખોલવું નહીં, વાંચવું નહીં
કે જવાબ ન આપવું શક્ય બની શકે !
મેં
મારી આંખો બંધ કરી દીધી.
એણે જોયું કે
મને અચાનક પાંખ ફૂટી રહી છે…
ડોક ઊગી રહી છે… પગ લાંબા-પાતળા બની રહ્યાં છે…
અને
મારું માથું
રેતીમાં ઊંડે…વધુ ઊંડે ખૂંપી રહ્યું છે…
-શાહમૃગની જેમ !
એ તરત જ પાછી વળી ગઈ.
હવે આ સરનામેથી કોઈ મેઇલ કદી નહીં આવે
એની એને ખાતરી થઈ ગઈ હતી !

– વિવેક મનહર ટેલર

નવા વર્ષની હું કથા શું લખું ?


(દિપોત્સવી પર્વ…                     …ઑક્ટોબર,2006)

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા
પડી કેટલી આપદા, શું લખું ?

અધૂરી જ રહેવાને જન્મી છે જે,
એ ઈચ્છા તણી અવદશા શું લખું ?

શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?
નરી આંખના ઝાંઝવા, શું લખું ?

નવું વર્ષ સૌને મુબારક હશે –
આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?

ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,
ફરી જીવવાની વ્યથા શું લખું ?

વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,
નવું શું છે ? ગીતો નવાં શું લખું ?

-વિવેક મનહર ટેલર

એક લીટીની રંગોળી…

(દિપાવલી…                      …ઑક્ટોબર-2006)

હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,
આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;
કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,
હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો નીકળે?

સૌ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ… ગુજરાતી બ્લૉગજગતમાં દસ મહિના પહેલા જોડાયો ત્યારે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા બ્લૉગ અસ્તિત્વમાં હતા. આજે મારા બ્લૉગ પર આશરે ૬૨ ગુજરાતી વેબ-સાઈટ્સ, બ્લૉગ્સ અને ઈ-સામયિકોની સારણી ઉપલબ્ધ છે. કોઈ મિત્રના બ્લૉગનો ઉલ્લેખ રહી ગયો હોય તો મને જરૂરથી જાણ કરે…ગુજરાતી સાહિત્યના રંગોનો ગુલાલ વિશ્વભરમાં રેલાવતા રહેવાની આ એકલદોકલ ઝંખના આજે એક કારવાંના સ્વરૂપે મ્હોરી છે ત્યારે નવા વર્ષે એક જ લીટીની રંગોળી પૂરીશ:

“નવું વરસ, વીતે સહુનું સરસ !”

વિવેક મનહર ટેલર

વિશ્વાસ ( આદ્યંતે* રદીફની ગઝલ )


(ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ…                                        … સુરત)

*

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.

વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે.

ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક
‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે.

તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે

-વિવેક મનહર ટેલર

(આદ્યંતે = બંને છેડે. કાફિયાવાળી પંક્તિમાં બંને છેડે રદીફ – એક છેડે ‘વિશ્વાસ’ અને બીજા છેડે ‘હવે’ – રાખીને વિચારની સ્વતંત્રતાને લગીર અવરોધીને ગઝલ લખવાનો એક નાનકડો પ્રયોગ અહીં કરી જોયો છે.)

હવાના મોતી (મુક્તક)


(માલદીવ્સના દરિયાની ભીતરમાં…                   … ફેબ્રુઆરી-02)

*

ભલેને લોક એને ભાગ જળનો માનવાના,
જીવન માપો તો છો ને અલ્પજીવી લાગવાના;
ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,
એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

– વિવેક મનહર ટેલર

ત્રીજો કિનારો (ચિર વિરહિણીની ગઝલ)


(પવિત્ર ક્ષિપ્રાનદીના કિનારે એક સંધ્યા… …ઉજ્જૈન, નવેમ્બર-2005)

વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.

તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.

જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?

મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.

નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.

જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?

ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.

– વિવેક મનહર ટેલર

નડતું રહ્યું


(પારદર્શક સમુદ્રમાં સરી રહેલું આશ્ચર્ય…    … માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

*

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.

એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!

મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

– વિવેક મનહર ટેલર

થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે


(શહીદસ્મારક…                                             … જેસલમેર-2004)

*

થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે,
સીમ થઈ પથરાઈ જાવું છે હવે.

જિંદગી છો લાંબી હો, ચિંતા નથી,
શબ્દનું લખલૂંટ ભાથું છે હવે.

આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.

હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.

રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવે.

તારવી તુજને વલોવી મન સતત,
કયાં બીજું ઘમ્મરવલોણું છે હવે ?

હેલમાં તુજ છલકે છે એ હું જ છું,
એક ઘા થઈ કંકરાવું છે હવે.

શ્વાસ મારા બાંધી માથે લાવે તું,
છે કશે પણ ભાત આવું ? છે હવે?

-વિવેક મનહર ટેલર

સ્વપ્નના પૂરા થવાની શરૂઆત


ગુજરાતી ભાષામાં આજની તારીખે શ્રેષ્ઠ ગણાતા ફક્ત કાવ્યોના દ્વિમાસિક “કવિતા”માં કવિતા છપાવી એ દરેક કવિનું સ્વપ્ન હોય છે… આજે કદાચ મારા સ્વપ્નના પૂરા થવાની શરૂઆત થઈ છે… આ ગઝલ આ બ્લોગ પર અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું


(An apple a day…                      …Chennai, September-04)

*

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રૂસણું તું જૂઠું.

ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં ?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.

દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું ? !

સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઉઠાડવા માટે તું મથશે, હું નહીં ઊઠું.

– વિવેક મનહર ટેલર

સરાણ=ધાર કાઢવાનું યંત્ર.

ક્યારેક આ રીતે પણ પ્રસિદ્ધિ મળી જાય છે…

(આખરી પાનાંનો અહેવાલ… …સંદેશ:18-09-2006)

ક્યારેક આ રીતે પણ અખબારની અડફેટે ચડી જવાય છે. પૂર પછી સુરતમાં કયો રોગચાળો ફેલાયો એ કદાચ ખુરશીને જ સર્વસ્વ સમજતા સત્તાધીશો કદી શોધાવા નહીં દે, પણ ઘણા બધા દર્દીઓ અકારણ આકસ્મિક મૃત્યુને ભેટ્યા છે એ પણ નકારી ન શકાય એવી હકીકત છે. સર્જનને ત્યાં દાખલ થયેલા એક દર્દીની સારવારમાં વચ્ચેથી જોડાયા પછી એ દર્દીની હાલત કથળતાં બીજી હૉસ્પિટલમાં ખસેડતીવેળાએ સારવારનો સઘળો બોજ મારા ખભા પર મૂકાઈ ગયો અને શહેરના અલગ-અલગ ક્ષેત્રના નામાંકિત તબીબોની નિગરાની હોવા છતાં ફક્ત 32 વર્ષની છોકરીએ અજાણ્યા તાવના કારણે DIC (Disseminated Intravascular Coagulation) થઈ જવાથી માત્ર ચોવીસ કલાકમાં જ દેહ છોડ્યો… કારણ શોધવાની તો કોઈને તમા નથી, પણ અકારણ બધા જ સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધિ મળી ગઈ…

ઘણા વર્ષો પહેલાં પ્લેગ ફાટી નીકળ્યો હતો એ વખતે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના પ્રતિનિધિએ સીવીલ હૉસ્પિટલમાં રસ્તામાં આંતરી લીધો હતો ત્યારે પણ આવી જ રીતે ટાઈમ્સના પહેલા પાનાં પર ચમકવાનો મોકો મળ્યો હતો એ વાત યાદ આવી ગઈ…

(Please click twice on the photograph to see enlarged view)

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !


(પાયકારા ધોધ…                                             …સપ્ટેમ્બર-05)

*

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !

જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
ઉઘાડી મુઠ્ઠી ખોબો હાથનો કરવો પડે, યારો !

યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !

દુઃખોના જિસ્મ પરથી ચામડી જ્યારે ઉખેડી છે,
દિલે આશા, મગજમાં યાદ વસતી જોઈ મેં, યારો !

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘા સાથે મિત્રતા એવી અમે, યારો !

થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !

– વિવેક મનહર ટેલર

નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ


(ગડીસર તળાવ…                                       … જેસલમેર-2004)

*

ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મોસમ,
તમે તરછોડ્યું જેને એ કદી પામ્યું નહીં ફોરમ.

અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

અમે તો ખુદ સહન કીધું છે, એણે માત્ર જોયું છે,
વિચારો, શું થઈશ હું, થઈ ગયો સિદ્ધાર્થ જો ગૌતમ !

ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,
વફાના ખાધા જેણે સમ, એ નીકળ્યાં સૌ વિભીષણ સમ.

ગણી જેને નદી મેં મિત્રતાની, એ હતું મૃગજળ,
હતું બાકી, સતત છળતું રહ્યું થઈ બાષ્પ પણ શબનમ.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં, બધી કોલમ.

-વિવેક મનહર ટેલર

સડક


(ઈતિહાસના ગર્ભગૃહમાં…                         …ભીમબેટકા, નવે-05)

*

હાશ!
હવે ગાડી ચોથા ગિયરમાં ચલાવી શકાશે…
આવનારી પેઢી માટે
પેટ્રોલ પણ બચાવી શકાશે
અને
ઓછા ધુમાડાના કારણે
પર્યાવરણને પણ ફાયદો થશે!
સરસ સડક બની ગઈ છે,
કાલે જ
કોર્પોરેશને
મસમોટું ઝાડ કાપી નાંખ્યું હતું
તે જગ્યા પર!

– વિવેક મનહર ટેલર

ઝરણાં જડી આવે (બે કાફિયાની ગઝલ)


(ધોધ : ધરતીને ઊગેલું સ્વપ્ન…              …સૌરાષ્ટ્ર, ઑગષ્ટ-03)

*

પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.

તું મોટો છે – શું એ કરવાને સાબિત પૂર લાવ્યો છે  ?
…કે જ્યાં એક લાશ પણ લઈ હાથમાં તરણાં તરી આવે…

અમારા આભ સરખા ઘા ઉપર થીંગડા નહીં ચાલે,
ખબર છે તોય ઇચ્છું છું, તું ચાંદરણાં લઈ આવે.

નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછા,
આ શું કે આદમી કો’ આદમીવરણા નહીં આવે ?

જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.

આ મારો શબ્દ પણ તારી જ માફક જો હવા થઈ જાય,
તો મારા શ્વાસમા મારાય સાંભરણાં કદી આવે.

-વિવેક મનહર ટેલર

એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું


(અક્સ…          વ્હેલી પરોઢનું વિસ્મય , તાજ, આગ્રા, મે’2005)

એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું,
રાતમાંથી જાતને હડસેલું છું.

શબ્દ એક જ દીપ છે આ રાતમાં,
ધીમે ધીમે એથી એને બાળું છું.

જે સમય તેં આપ્યો, કાંડે બાંધીને
કેન્દ્ર એક જ રાખી કાયમ ઘૂમું છું.

તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.

શ્વાસના હાથોમાં છે શબ્દોનો હાર,
જો, હવે કોને નગરમાં પરણું છું ?

-વિવેક મનહર ટેલર

શબ્દ


(ઈશ્વરનું સરનામું…..                                                             2003)

*

શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.

જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?

શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો’ અંત આવે છે હવે ?

શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.

– વિવેક મનહર ટેલર