આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર

શબ્દોના શ્વાસ ફેફસાંમાં ભરીને ઇન્ટરનેટ પર આદરેલી સફરને ચાર મહિના થયા. આ ચાર મહિનામાં 32 કૃતિઓના રસ્તે ચાલીને હું આપ સૌને મળતો રહ્યો છું અને હજીયે મળતો જ રહીશ. આપના અસીમ પ્રેમ વિના આ સફર શક્ય નથી. Indianbloggers.com પર આજે આ બ્લોગ સતત 5 થી 10 ક્રમાંક વચ્ચે ટકીને અન્ય ભારતીય ભાષા સામે ઝીંક ઝીલી રહ્યો છે એ શું આપના પ્યાર વિના શક્ય હતું? બ્લોગમાં મળતા ખટમીઠાં પ્રતિભાવો ઉપરાંત ઘણા બધા વાંચકો પ્રતિભાવો સીધા ઈ-મેઈલમાં જ મોકલાવે છે. માત્ર ચાર મહિનામાં ઘણા બધા ઘનિષ્ઠ મિત્રો પણ મને અહીંથી જ મળ્યાં.

પણ આજે ગઝલ સિવાયની વાત કરવા પ્રેરાયો છું તો એનું એક કારણ છે. ઘણીવાર મિત્રોના પ્રતિભાવ વાંચ્યા પછી પ્રત્યુત્તર આપવાની ઈચ્છા થઈ આવે છે પણ પછી ચૂપ રહેવાનું જ બહુધા પસંદ કરું છું. પણ હમણાં સુરેશભાઈ જાનીના એકસામટા ચાર-પાંચ પ્રતિભાવો વાંચીને થયું કે સમયાંતરે પ્રત્યુત્તર નહીં આપીને મારા મિત્રોને હું અન્યાય કરી રહ્યો છું. આ પૉસ્ટના કૉમેન્ટ વિભાગમાં સુરેશભાઈની વાતો નો મેં જવાબ આપ્યો છે. મારા કવિકર્મ પર ચોક્કસ અને ચાંપતી નજર રાખી મને માર્ગથી ભટકવા ન દેવામાં મદદ કરનાર મિત્રોનું ઋણ હું આ જન્મે તો ફેડી રહ્યો!!!

ચાલો ને મળીએ

(વહી રહ્યાં છે શબ્દ…          …ધુંઆધારનો ધોધ, જબલપુર, નવે.’૦૪)
*

ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં

સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.

અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

– વિવેક મનહર ટેલર

યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.


(એક મનભાવન શામ, તીથલ…                … જાન્યુઆરી-૨૦૦૪)

ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે?

વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

-વિવેક મનહર ટેલર

વૃક્ષ


(વૃક્ષ…                                            …..માંડુ, મધ્ય પ્રદેશ, 2005)
*

વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.

પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.

જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.

છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.

પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.

– વિવેક મનહર ટેલર

બસ, બે ઘડી મળી…

(નાવડી… …..ગોવા, મે-૨૦૦૪)

બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.

મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”

આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.

– વિવેક મનહર ટેલર

એક સૂકાયેલા રણની વાત છે

(એક રણ ભીતર પણ…            ….મરૂભૂમિ, જેસલમેર-2004)

*

એક સૂકાયેલા રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.

ઝૂલ્ફના ચિત્તા સમા ગર્જન થકી,
દિલના થીજી ગ્યાં હરણની વાત છે.

મસ્ત નેણાના નકારે પાશ થઈ
બાંધી દીધેલાં ચરણની વાત છે
.

‘પણકહીને જ્યાં તમે અટકી ગયાં,
આંસુંભીની એ જ ક્ષણની વાત છે.

આંસુના સિક્કા, ગમોની નોટ છે,
પ્યારના નવલા ચલણની વાત છે
.

શબ્દનું ડગ એક ને મંજિલ આ લ્યો….
હોઠ ત્યાં થઈ ગ્યા કળણની વાત છે
!

વિવેક મનહર ટેલર

ખુશી

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખથી ઉભરાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી મલકાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

-વિવેક મનહર ટેલર

સનમ! તુજને કહું હું બેવફા

સનમ ! તુજને કહું હું બેવફા, હિંમત નથી મારી,
નથી વિશ્વાસ જ્યાં ખુદ પર, કરું શી વાત હું તારી ?

હતું એજ લાગનું, મુજ ઊર્મિનું છો ઘાસ કચડાયું,
હતી ક્યારે ખડકને ચીરવાની એની તૈયારી ?

આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?

રહે પળ જે સદા મૂંગી એ વીતી જાય છે એમ જ,
ફકત ઇતિહાસનું પાનું જરા થઈ જાય છે ભારી.

હવે બુલબુલની દેખી રાહ એ રડતી નથી રહેતી,
પડી રહે છે, ગીતોની માંગ પણ કરતી નથી બારી.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

ડૉ. વિવેક મનહર ટેલર

ફાવી નથી શકતા

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયા,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતા.

લખે જો વાનરો તો ઠીક છે, બાકી શિલાઓને
લખીને રામ પોતે ‘રામ’ કંઈ તારી નથી શકતા.

નથી જડતો કદી એને ય રસ્તો જિંદગીમાં કોઈ,
દિશા ભૂલનારને જે માર્ગ દેખાડી નથી શકતા.

-વિવેક મનહર ટેલર

હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ડૉ. વિવેક મનહર ટેલર

નાંખી દે મૂળ માંહ્યમાં

વટવૃક્ષ જેમ આપણું વિસ્તરતું રહેશે વહાલ,
નાંખી દે મૂળ માંહ્યમાં, વડવાઈ થઈને ચાલ.

મડદાંના ચિત્તે વ્યાપ્ત આ શાંતિ ખપે નહીં,
બાળે છતાંય રાખે છે જીવંત આ મલાલ.

અવિભાજ્યતા એ પ્યારની તારી શરત પ્રથમ,
અહીંયા નિયમ છે ગમતાંનો કરતાં રહો ગુલાલ.

પાછી કશીક વાત થઈ ગઈ હશે જરૂર,
પાછી ચણાઈ ગઈ છે આ વચ્ચે ફરી દીવાલ.

મચકોડજો આ મોં પછી દેખી મને મૂંગો,
પહેલાં મને એ તો કહો કે શું હતો સવાલ ?

તારા વિરહમાં મૂઢ થવું લાગ્યું કૈંક કામ,,
સૂંઘીને મૃત્યુ પાછું ગયું, બક્ષ્યો બાલ-બાલ.

તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ,
એ રીતે જડશે મારી કથા, મારી ચાલ-ઢાલ.

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

– વિવેક મનહર ટેલર

શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે

શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડૉ. વિવેક મનહર ટેલર

એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી

એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.

ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.

‘હા’ ભલે પાડી ન, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.

રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.

સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
આશની સાડીમાં લાગી તોઈ નથી હજી.

કોણ જાણે કેમ વર્ષોથી શ્વસે છે આ સમય ?
લાગે છે એણે તને જ જોઈ નથી હજી.

(તોઈ = કસબની કિનારી, ગૂંથેલો છેડો)

– વિવેક મનહર ટેલર

લાગણી મારી સતત રણભેર છે

લાગણી મારી સતત રણભેર છે,
ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?

આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.

એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે.

આમ વરસો આપ કોઈના ઉપર,
જાત સામેનું શું કોઈ વેર છે ?

હો ગઝલ સૌ અટપટી એવું નથી,
સાવ સાદા પણ ઘણાં યે શેર છે.

ડૉ. વિવેક મનહર ટેલર

મુક્તક

લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !

ડૉ.વિવેક મનહર ટેલર

બીજું કંઈ નથી અમે

આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.

દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

સુધરી ગયા તો પણ સદા દુનિયાની દૃષ્ટિમાં,
ચોર જ હતા ને એજ હશું હર ઘડી અમે.

મતભેદ સારા આ હતા મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.

જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દને ફાંસી કરી અમે.

અજવાળું કાળી રાતનું દેખાશે કાવ્યમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

– વિવેક મનહર ટેલર

કાશ ! એવીયે અદીઠી પળ મળે

‘સ્થળ’ કહું તો ‘રણ’ મળે,જો ‘જળ’ કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ – જો ‘મળ’ કહો તો ‘ટળ’ મળે !

ભીડ એ રીતે ગળી ગઈ છે નગરનાં લોકને
કે મળો જેને તમે, અંદરથી એ વિહવળ મળે.

શી રીતે ઇન્સાન આ અલગાવવાદી થઈ ગયો?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે.

ઝંખું છું જોવા હું મોંહે-જો-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

ને સમુંદરમાં ય જો લોહી ભળે, ખળભળ મળે,
ચંદ્રની સૌ કોશિશો બાકી હવે નિષ્ફળ મળે.

ઈચ્છું એ સગપણ લગી ઈચ્છેલી રીતે જઈ શકું,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

કો’ ખભે સર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું,
આયખામાં, કાશ ! એવીયે અદીઠી પળ મળે.

ડૉ. વિવેક મનહર ટેલર

એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ

સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ.

ભૂલોનો છેદ કાઢીને માંડો નવું ગણિત,
એ રીતે તો આ દાખલો પાછો ગણાય નહિ.

જીવનની કબ્ર તંગ રહી છે સદૈવ, દોસ્ત!
મનફાવે ત્યારે લાશથી પડખું ફરાય નહિ.

જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.

દિનરાત મેં વલૂરીને નાસૂર કીધાં છે,
એવા આ દર્દનો હવે કોઈ ઉપાય નહિ.

પડઘાંની સાથે ખેંચીને લઈ આવે જે તને,
એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ.

મુજ શબ્દદ્વાર ખુલ્લાં છે, તું કાવ્ય થઈને આવ,
અંતિમ છે શ્વાસ, મરતાંને કંઈ ના પડાય નહિ.

ડૉ. વિવેક મનહર ટેલર

પાણીના બુદબુદા સમું જીવન…

ધબકાર અડધો એ ઘડી-પળ ચૂકી જાઉં છું,
જ્યારે અમસ્તું પ્યારમાં હું જીતી જાઉં છું.

પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.

તૂટેલી ડાળ છું હું, ફરી જોડી ના શકો,
રોપો ધરામાં તો ફરીથી ઊગી જાઉં છું.

દર્દીનો હું ઇલાજ છું, મારો ઇલાજ શો ?
મુજ દર્દના ઇલમ બધાં શેં ભૂલી જાઉં છું ?!

હળવાશ જે હતી એ શું સંબંધની હતી ?
તૂટી ગયો એ જે ક્ષણે, હું ઝૂકી જાઉં છું.

છે વાંક એનો શું, જો શિરચ્છેદ મુજ થયો,
હુંજ શિશુપાલની હદો ઉલ્લંઘી જાઉં છું.

તસતસતા ફાટફાટ નગરની આ ભીડમાં,
શોધું છું હું મને ને મને ભૂલી જાઉં છું.

શબ્દો શું મારાં શ્વાસ હતાં ? જ્યાં ખતમ થયાં,
પુરૂં થયું જીવન, હું તો બસ જીવી જાઉં છું.

ડૉ. વિવેક મનહર ટેલર

પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ

પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.

વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.

તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.

જિદ્દ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ્દ,
કોની લીટી બેમાંથી કહો તો વધારે સીધી છે !

રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!

હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?

સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.

હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!


ડૉ. વિવેક મનહર ટેલર

મારી ગઝલો ગાંધીવાદી છે

પાંપણો વર્ષોથી શાને સ્થિરતાની આદી છે?
લાગણીની જેમ મારાં સપનાં શું તકલાદી છે?!

ભૂલના ખેતરમાં પાકો નિત સજાનાં ઊતરે,
એ કશું નીંદે ન, પ્રાયશ્ચિત્ત ઘણું મરજાદી છે.

દિલ હવે ક્યાંથી બચે? ફાંસી સજામાં નક્કી છે,
તું વકીલ અને તું જજ ને તું જ તો ફરિયાદી છે.

એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
શક્ય આસ્થાના કિરણમાં બસ હવે આઝાદી છે.

દુનિયાના મોજામાં ‘હું’ ને ‘તું’ થયા કાયમ ખુવાર,
રેત જે ભીની રહી એ આપણી આબાદી છે.

સોયમાં દોરો થઈ આજન્મ સંગાથે રહ્યાં,
કેવું બંધન છે, ખરી જ્યાં બંનેને આઝાદી છે !

નામ ઇતિહાસે હશે કાલે જરૂર, આજે ખભે
સ્વપ્ન, સગપણ, શ્રદ્ધા – શી શી ગાંસડીઓ લાદી છે?!

શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.

ડૉ. વિવેક મનહર ટેલર

અગર શ્વાસ હોય તો

રસ્તામાં ક્યાંક મારી પડી લાશ હોય તો,
આપો ઉછીના ચંદ અગર શ્વાસ હોય તો.

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો !
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.

મારા ગુના અતૂટ અફર કેદ થઈ ગયાં,
છટકી શકું દિલે જો બચી પ્યાસ હોય તો.

અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,
વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો.

સીમા ઉવેખી બેઠા શું સૌ એ જ કારણે?
ફળ અંતે જો મર્યાદાનું વનવાસ હોય તો.

ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,
ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો.

મીઠાશ ક્યાંથી શબ્દમાં આવે પછી, કહો!
દુનિયાએ ઠાંસી દિલમાં જો કડવાશ હોય તો.

– વિવેક મનહર ટેલર

રણ ની તરસ હતી…

સૌ કાજ જે હવા છે, મારો શ્વાસ, બસ! હતી,
ઉચ્છવાસ થઈ જેમાં તું થતી એકરસ હતી.

મોસમ જીવનને હોય, હું ઠૂંઠું છું, મારે તો
એક જ ઋતુ પ્રતીક્ષાની આખું વરસ હતી..

પાડ્યો જરી ઘસરકો કે બસ! દુઃખ નીકળ્યું,
બાકી તો સૌની ચામડી કેવી સરસ હતી !

કાયમ રહી ભલેને આ આંખો અરસ-પરસ,
ભીતર કદી ન ખૂટી એ રણની તરસ હતી.

જીત્યાની છે તને તો દીધાની મને ખુશી,
ચોપાટની રમત, પ્રિયે! કેવી સરસ હતી !

એવું ય નહોતું અંતની જાણ જ હતી નહીં,
હાવી જયેષ્ઠ કુરૂની મન પર ચડસ હતી.

ભીડ્યાં હો શક્યતાનાં ચસોચસ ભલેને દ્વાર,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.

લૂંટ્યો મને, સફળ થયાં લેવામાં પ્રાણ પણ,
પામ્યાં કદી ન શબ્દ જે, કોની જણસ હતી?

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૩-૨૦૦૫)

છૂટ છે તને

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

-વિવેક મનહર ટેલર

હાથમાં રણ આવશે

ચાલવા ઇચ્છો તો વચ્ચે પગમાં આંટણ આવશે,
ને હશે કંઠે તરસ તો હાથમાં રણ આવશે.

આ નગરમાં ચોતરફ બસ, એવું ચાલે છે ચલણ,
ભેટવા જાશો તો હડસેલાના સગપણ આવશે.

બંધ મિલની આંખ્યુંમાં એક ધુમ્રરેખા તગતગે,
આવશે, ક્યારેક પાછાં ગાયનાં ધણ આવશે.

સૃષ્ટિમાં છે દૃષ્ટિ સૌની એવી કે નજરો મહીં,
હો ભલે અખિલમ્ મધુરમ્ ખોડ-ખાંપણ આવશે.

એક ઇચ્છા તો ય દિલની અશ્મિભૂત થાતી નથી,
કો’ક હૈયે કો’ક દિ’ મારાં સ્મરણ પણ આવશે.

નેજવું થઈ બારસાખી આંખ પર જીવે રવેશ,
ભાગ્યમાં શું આ ચરણનાં એવા આંગણ આવશે?

છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.

– વિવેક મનહર ટેલર

સઘળું બંધ

આપણો પૂરો થયો સંબંધ, ને લ્યો સઘળું બંધ,
શ્વાસ ભીતર રહી ગયા બસ ચંદ, ને લ્યો સઘળું બંધ.

તું ગઈ ને દુનિયા મારી એવી ભારીખમ્મ થઈ,
શીર્ષધરના પણ નમી ગ્યા સ્કંધ, ને લ્યો સઘળું બંધ.

હું કદી તુજ રાહના કંટક હટાવું ના હવે,
ખાધા ના ખાવાના મેં સોગંદ, ને લ્યો સઘળું બંધ.

મિત્રતાની ઢ્રૌપદીના ચીર ક્યાંથી કૃષ્ણ દે?
વાયદાઓ ભીષ્મ, શ્રદ્ધા અંધ, ને લ્યો સઘળું બંધ.

જીતવાને એક ગઢ, સિર સેંકડો કરવા કલમ,
જીદ્દનો કેવો ઋણાનુબંધ, ને લ્યો સઘળું બંધ.

અંતે પણ તેં ના કર્યા આક્ષેપ, ના કારણ કહ્યાં,
ઝઘડાનો અવકાશ સાવ જ મંદ, ને લ્યો સઘળું બંધ.

આ ગઝલના શ્વાસમાંથી તું ઊડી ગઈ ને હવે,
શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.

-વિવેક મનહર ટેલર

પ્રેમ છે

OLYMPUS DIGITAL CAMERA

*

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લમાં, પીડા વિરહમાં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તારી, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

– વિવેક મનહર ટેલર

પ્રાણ પણ નથી

તુજમાં હું સરથી પગ લગી રમમાણ પણ નથી,
તો પણ ગયો છું ક્યાં સુધી એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને બસ,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

છેતરશે તું, ખબર હતી, દીધી જવા તો પણ,
ઉલ્ફતના આ નિયમથી તું અણજાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ બદલ્યો, મને તો એમ,
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સંબંધમાં હવે એવું ઊંડાણ પણ નથી.

હો પ્યારૂં પણ જો હાથથી છોડો નહીં તમે,
આંબી શકે નિશાન જે, એ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ગજ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

– વિવેક મનહર ટેલર

ઝાકળ

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી ઝરે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈ ને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પ ના પાંદ થી ઝરે ઝાકળ.

કાવ્ય હો કે કલમ, ભીંજાયા છે,
મન-વિચારો ને જો અડે ઝાકળ.

– વિવેક મનહર ટેલર

ચાંદની

ખીલી ને સોળે કળા એ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાનું કરી તુજને અડે છે ચાંદની.

વગડામાં નક્કી તું થઈ ને વાટ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંઢ્રનાં અરમાન વેરાયાં હશે શું સૃષ્ટિ માં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણી ની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’ થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસ માં મુજ તેજ નો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દ ને મારાં અડે છે ચાંદની.

– વિવેક મનહર ટેલર

રેતી

મરમ જિંદગી નો કહી જાય રેતી,
ચરણરજ બની, સરમુકુટ થાય રેતી.

સતત ઝાલવું, જિદ્દ એ કોને ફળી છે?
સતત હાથ માંથી સરી જાય રેતી.

છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.

ગયાં તારા સ્પર્શ ના ઊંટો પછી થી,
હથેળી થી દિલ માં ગરી જાય રેતી.

પ્રણય ની વિમાસણ, છે કહેવું ઘણું પણ,
તું સામે હો, પગ થી સરી જાય રેતી.

લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

મિટાવ્યું છે અસ્તિત્ત્વ ને છેક કણ માં,
હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

તમે સાથ છોડો, રહે શું જીવન માં?
આ ઘડિયાળ માં બસ, સર્યે જાય રેતી.

ડૉ. વિવેક મનહર ટેલર

મને આ સફર મળે

જ્યાં દિલને થાય હાશ મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ !
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી ?
જૂઠ્ઠાને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

– વિવેક મનહર ટેલર

મળતી રહે

શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.

છું સમય ની છીપ માં રેતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંક માં રાખી મને વહતી રહે.

-વિવેક મનહર ટેલર