વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?


(સાંગલા, કિન્નૂર વેલી, હિમાચલ પ્રદેશ…           … નવેમ્બર,૨૦૦૭)

અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?
આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
ગમે તે માર્ગ લો… સમુદ્ર સુધી પહોંચવાનું છે !

એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા હું ને તારી સાથે જીવવાનું છે.

સવારે રોજ વાસ્તવિક્તા ફૂટપાથ ચીરશે,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

-વિવેક મનહર ટેલર
(૦૮-૧૦-૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા | લગાલગા | લગાલગા | લગાલગા

ડર, મારા ડર ! તું મારાથી ડર


(ગુલાબી ઠંડીમાં…       …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

ડર, મારા ડર ! તું મારાથી ડર,
ઝટ્ટ્… પટ્ટ્… ફટ્ટ્… મારા દિલથી નીકળ

મોટો ભા બનીને
                          નાના બચ્ચાને ડરાવે ?
મુઠ્ઠી હિંમત લાવું તો
                  શાને તું દૂર ભાગે?
    કર, થોડી કર, થોડી શરમ કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

અંધારામાં શું તું મારા
                      હાથ-પગ આ ખાશે ?
એ બ્હાને તો ચાલ ને,
                         તારું મોઢું તો દેખાશે !
             છે જ નહિ તો હોવાનો તું ઢોંગ ન કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

-વિવેક મનહર ટેલર
(૦૧-૧૧-૨૦૦૬)

સાબુભાઈની ગાડી


(……                     …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

(હિમાચલ પ્રદેશના પ્રવાસની ધમાલમાં ચૌદ નવેમ્બર, બાળદિનના નિમિત્તે અને મારા લાડલા સ્વયમ્ ની વર્ષગાંઠ પર એક બાળગીત મૂકવાનું ચૂકાઈ ગયું. એની સજારૂપે એક બાળગીત આજે અને એક આવતા શનિવારે પણ…)

જાણજો કે વેદના ગાતી મળી…


(દિપોત્સવી મુબારક અને નૂતન વર્ષાભિનંદન…           …૨૦૦૬)

ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.

સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

કેવું મોટું? આવું? – કહીને દેડકી
જ્યાં સુધી ન ફાટી, ફુલાતી મળી.

તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૦૭)

છંદવિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા

(સૌ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. દિપોત્સવી પ્રવાસના અંતર્ગત આવતા શનિવારે આપ સૌને મળી શકાશે નહીં એ બદલ દિલસોજી. નવું વર્ષ આપ સૌ માટે આરોગ્યપ્રદ અને ખુશહાલ નીવડે એવી મનોકામના.)

ડંખીલો


(કણકણમાં સૌંદર્ય…                …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

ઉંબરેથી
બ્હાર ઓટલા પર
પગ મૂકતાની સાથે જ
મોઢેથી ચીસ નીકળી ગઈ…
ઝાટકાભેર પગ પાછો ખેંચાયો…
હાથમાંથી સવારનાં પેપર છટકી ગયાં…
…ઊભી ખીલી ઘૂસી ગઈ કે શું?
જોયું તો
એક મંકોડો !
એનો ડંખ વધુ ઊંડે ઉતરી જાય એ પહેલાં જ
ઝડપી ને જોરદાર ઝાપટ મારીને
એને દૂર ફગાવી દીધો.
મોઢાની ચીસ અટકી તો પગની ચાલુ !
લોહી પણ નીકળી આવ્યું.
‘ખતમ કરી નાંખ એને’-
-મારી ત્રાડના દોરડે બંધાયેલ
અને હજી આ દૃશ્ય પચાવવા મથતા
મારા નાના-અમથા દીકરાએ
ચંપલ ઊપાડી
અને પેલા મંકોડાને
એકવાર, બે વાર, ત્રણવાર- બરોબર ચગદી નાંખ્યો.
હજી એનો ડંખ ચટકા ભરતો હતો પગમાં….
…એના માટે તો એ ડંખ
માથે પડી રહેલા વિશાળકાય પગ સામેની
આત્મરક્ષાની કોશિશ હતી કદાચ…!
લોહીના કાળા લિસોટાને જોઈને
મારા દીકરાએ પૂછ્યું-
‘પપ્પા, બહુ ડંખીલો હતો?’
‘કોણ બેટા?’

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૭-૨૦૦૭)

મને શબ્દ જો મળે રાહમાં


(કણસલું….                      …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

મને શબ્દ જો મળે રાહમાં, કહું તો હું આટલું કાનમાં;
બીજું કોઈ ઘર ના ગમ્યું કદી, મને રાખ તારા મકાનમાં.

આ શરીર યાને જરા હવા કરે આવજાવ વિરાનમાં,
હલે તો હલે કોઈ પાંદડુ, બધું સ્થિર અન્યથા સ્થાનમાં.

સદી ગ્યું છે સદીઓથી પિંજરું, ન પૂછો મજા શી ઉડાનમાં ?
જુઓ બસ, અમારી આ આંખમાં અને સમજી લો બધું સાનમાં.

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

અથવા#

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ? #

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

-વિવેક મનહર ટેલર
(૧૬-૦૯-૨૦૦૭)

છંદવિધાન : લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા (કામિલ છંદ)

# પ્યારા દોસ્તો,

આ વખતે એક કસરત આપ સૌ માટે… ક્યારેક કવિતા લખતાં-લખતાં કોઈ અકળ મૂંઝવણ થઈ આવે છે અને કોઈક પંક્તિ આપણી ચેતના પર હાવી થઈ જાય છે… ક્ષણ તરફ જવું કે સદી તરફ એ નક્કી ન કરી શકાય. મારે જે કહેવું છે એ આ પંક્તિમાં બરાબર કહી શકાશે કે પછી પેલી પંક્તિમાં એ સમજવું અશક્ય થઈ જાય. આ ગઝલમાં એવી જ કંઈ દુવિધા અનુભવી અને ‘રીડર્સ ચોઈસ’ જાણવાનો વિચાર મનમાં આવ્યો… હું શું કહેવા માંગું છું એ નહીં કહું. આપ આ બે શેરમાં કયા શેરમાં અર્થચ્છાયા વધુ સારી રીતે પકડી શકો છો એ જાણવું છે. બેમાંથી કયું ‘વર્ઝન’ આપને વધુ ગમ્યું એ જણાવો અને જો બંને શેર અયોગ્ય કે અર્થહીન લાગે તો એ પણ બિન્દાસ્ત જણાવજો કેમકે આ વખતે બૉલ આપના કૉર્ટમાં છે…

ક્યાંથી તારવા ?


(પાંદડે પાંદડે મોતી…                           …સપ્ટેમ્બર, ૨૦૦૭)

પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલને શી રીતે તારવા ?

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું મારવા ?

-વિવેક મનહર ટેલર
(૦૩-૦૮-૨૦૦૭)

છંદ-વિધાન: ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા

ભીતરનો કલશોર


(પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ….                  …નળસરોવર, જાન્યુ-૨૦૦૭)
(લીલો પતંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)

.

ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.

ચક્-ચક્, ચીં-ચીં, કૂ-કૂ, કા-કા
ખળખળ વહે રગોમાં;
ડાળ-પાંદડા તાર-થાંભલા
શ્વાસોના સરનામા.
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.

ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)

શાની ઠોકર લાગી છે પરબારી?


(પાનખર પણ વૃક્ષને પરણે કદીક…      …રણથંભોરના કિલ્લામાં, ૦૩-૧૨-૨૦૦૬)

આડી ફૂટી જો એક ડાળી તો એમાં શાને મૂળિયાંના પગ થયાં ભારી?
શાની ઠોકર લાગી છે પરબારી?

લઈને એકાંત મારું બેસી રહું છું હું,
તારા ભાગે છે ઈંતેજારી;
ફાંસ મને વાગી તો વાગી ને તારા આખા
જીવતરથી દદડે છે લાલી,
ભારીખમ્મ મૌનના ટૌકાથી ભરવા મથું વૃક્ષોની એક-એક બારી,
શાની ઠોકર લાગી છે પરબારી?

એકાદા દાખલામાં ભૂલ પડી એટલામાં
ફાટી ગ્યાં જીવતરનાં પાનાં;
આંખે રોપ્યાં’તા સાથે રહેવાના ચશ્માં,
તો યે ઊગ્યા છે સપનાંઓ ઝાંખા…
લાગે છે નંબર જ કાઢવામાં આપણાથી ભૂલ થઈ ગઈ કોઈ ભારી,
શાની ઠોકર લાગી છે પરબારી?

મનના ને મતના જે ફર્ક પડે એને હું
ખંતથી લઉં છું રોજ વાઢી;
અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
આ તે વેદના છે કે મારી દાઢી?
ભવભવની વાત ક્યાંથી માંડું જ્યાં હોય ભારી એક જ ભવની આ ભાગીદારી?
શાની ઠોકર લાગી છે પરબારી?

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૦૭ – ૧૫-૦૯-૨૦૦૭)

વરસાદની મોસમ છે…


(મોસમ વરસાદની…..                ….સ્વયમ્, જુન-૨૦૦૬)

ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.

છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી,
તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલો
મેઘધનુની વાટે,
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

-વિવેક મનહર ટેલર

હું મને શોધી શક્યો ન જાતમાં


(શીશમહેલ, મહેરાનગઢ….           …જોધપુર, ૨૦૦૪)

હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.

બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.

ઝાંઝવા, તડકા, અરીસામાં રહ્યો,
હું મને શોધી શક્યો ન જાતમાં.

આંખ, હૈયું, મન – બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…

વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે ?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)

એકલવાયું


(ધાર્યું નિશાન…                          …કાચિંડો, મે-૨૦૦૭)

છેલ્લાં
ચાર-પાંચ દિવસથી
મારો
એકનો એક દીકરો
છ-સાત નાનાં-મોટાં સૉફ્ટ ટૉઈઝથી રમ્યા કરે છે.
નાનો હતો
-જ્યારે સૉફ્ટ ટૉઈઝ રમવાની ઉંમર હતી-
ત્યારે કદી એ
સૉફ્ટ ટૉઈઝને હાથ લગાડતો નહોતો.
હવે
એ મોટો થઈ ગયો છે.
રાત્રે સૂતી વખતે
આ બધાં રમકડાંને
પોતાની પથારીમાં
એણે કતારબંધ ગોઠવ્યા-
‘આ બધાં મારા નાનાં ભાઈ-બહેન છે !’
-અને સૂઈ ગયો…

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)

શું છૂટકો છે ?


(સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી…..        ….૨૦-૦૭-૨૦૦૭)

મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

-વિવેક મનહર ટેલર
(૧૪/૦૭/૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા(લલગા)

પાંપણોનો માર્ગ પથરાળો હશે


(ઉત્તર પ્રવેશદ્વારની કમાન, બૌદ્ધ સ્તૂપ, સાંચી….         …નવેમ્બર, 2005)

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?

હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !

સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં –
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !

પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

-વિવેક મનહર ટેલર

શ્વાસોના ટાંકણાથી…


(બ્લૉગવિશ્વમાં ફરી ડોકિયું….               ….કાચિંડો, મે-૨૦૦૭)

શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

તારું સ્મરણ તો ઊંડે, ઊંડે દીધું’તું દાટી,
ગઝલોનું થઈને જંગલ રૂંવે-રૂંવે શું છાયું?

આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?

આંસુથી ‘દઈ વિદાય જ પાછાં વળો’ એ ન્યાયે,
આંખોના પાદરેથી પાછાં વળી જવાયું.

યાયાવરોને જોવા સરવર લગી ગયા સૌ,
આવી ગયા સમૂળગા, સ-મૂળગું અવાયું?

પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

-વિવેક મનહર ટેલર

લગભગ બે મહિના લાંબી રજા ભોગવીને આજે ફરી પોતાના ઘરે પાછો ફરી રહ્યો છું. ધાર્યું હતું કે આ અનિશ્ચિત આરામના અવધિમાં મારી જાતને ભીતરથી ખોતરીશ. મારી ગઝલોમાં જે હજી ખૂટે છે એને શોધવાની અને સુધારવાની કોશિશ કરીશ. નવી ગઝલની આબોહવા સમજવાનો અને શ્વસવાનો યત્ન કરીશ. આજે બે મહિનાના અંતે લાગે છે કે આમાનું કદાચ કશું થઈ શક્યું નથી. મારી જાતને ઓળખવાનું કે મારા સરનામે મારાથી પહોંચવાનું- કશું શક્ય બન્યું નથી. એટલે આ શોધ જારી રહેશે અને સમયની પગદંડી પર ક્યારેક મને મારા ઈચ્છેલા પગલાંની છાપ મળી જશે એવી આશામાં કપાયેલી પાંખ લઈને આ સફર પુનઃ આદરી રહ્યો છું ત્યારે આ સમયગાળામાં મારી “ખબર” લેતા રહેલા આપ્તજનોને કહેવા માટે ગળામાં એક લાગણીભર્યા ડૂમા સિવાય બીજું કાંઈ નથી. આ પ્રદીર્ઘગાળામાં પણ આ એક શ્વાસ કદાચ ભીતર કશું ખોતરી શક્યો નથી, એટલે જ એના નસીબમાં સતત પાછા આવતા રહેવાનું લખાયું હશે ને ! તો લો, આ આવ્યો પાછો…. મળતા રહીશું, ફરીથી શબ્દના રસ્તે… (હવેથી માત્ર દર શનિવારે, નવી અથવા જૂની કાવ્યકૃતિ સાથે!)

મારામાં વર્તુળાય છે…


(બે ઘડી પોરો ખાઈ લઉં તો કેવું….            …ભરતપુર, 04-12-2006)
(તીતર ~ Grey Francolin ~ Francolinus Pondicerianus)

ખુશ છું કે પડછાયા સૌ લંબાય છે !
દૂ…ર અજવાળું ખરેખર થાય છે.

દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?

ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

એના દિલમાં ચોર આવ્યો એ પછી,
એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.

ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.

યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)

-વિવેક મનહર ટેલર

કોણ નીકળે ?


(ચીલઝડપ….           ….સરખેજ રોજા, અમદાવાદ, ૨૭-૦૧-૨૦૦૭)

કોરે બદન બહાર પછી કોણ નીકળે ?
વરસે તું ધોધમાર, પછી કોણ નીકળે ?

તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?

તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?

સાથે રહીને સિદ્ધ કરો, આજીવન છો સાથ
જીવનથી ધારદાર પછી કોણ નીકળે ?

અડવાના ના હો તારા જો અહેસાસને કદી,
શબ્દોની આરપાર પછી કોણ નીકળે ?

-વિવેક મનહર ટેલર

માટી મૂંછાળો મળે


(ખંડેર કહી રહ્યાં છે…       …સરખેજ રોજા, અમદાવાદ,૨૭ -૦૧-૨૦૦૭)

હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?

શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

– વિવેક મનહર ટેલર

બાકોરું

(ચાળણી…        …સૂર્યાસ્ત, માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

મને લાગે છે –
હું હજી પણ થોડો માણસ છું.
આજે સવારે
જ્યારે મેં
એક બગલમાં
બોડી ડિઓડોરન્ટ સ્પ્રે છાંટ્યો,
ત્યારે
અચાનક
મને
આકાશમાં
ક્યાંક
દૂ…ર
ઓઝોનના સ્તરમાં
એક નાનકડું બાકોરું પડવાનો અવાજ સંભળાયો.
મને લાગે છે…

..કેમકે
પછી મેં
બીજી બગલ જેટલા આકાશમાં
બાકોરું પડતું બચાવી લીધું !

– વિવેક મનહર ટેલર

ત્રણ હાઈકુ

(ગોરંભો…..                  ….ભરતપુર, ૦૫-૧૨-૨૦૦૬)

તારા વરસે
ચોમાસે, આભ રાત્રે
કોરુંચટ્ટાક

*     *     *

પુષ્પનેત્રમાં
વસંતનું કાજળ,
ભમરો હસે.

*     *     *

કોયલ બેઠી
પર્ણઘટામાં; હવે
વૃક્ષ ટહુકે !!

-વિવેક મનહર ટેલર

તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?


(ભૂરો ઠસ્સો….                                …રોબિન, ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(Oriental magpie Robbin ~ Copsychus saularis)

*

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, સમય પર તમે ચાલ સમજ્યાં સમયની,
બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઇચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

-વિવેક મનહર ટેલર

હજી શું રહી ગયું બાકી?


(રાતનો સૂર્ય….                                             …ભરતપુર, ૦૫-૧૨-૨૦૦૬)
(ઘુવડ ~ Indian Scops-owl ~ Otus bakkamoena)

*

ફરી પાછાં ફર્યાં પાછાં, હજી શું રહી ગયું બાકી?
કે એક ‘ના’થી વીતે છે શું એ જોવા ઝંખના જાગી?

જે ફૂલો આપ્યાં તેં એમાં હતી શું દુનિયાદારી કોઈ ?
છે મઘમઘ આખેઆખું ઘર, મને ખુશબૂ જ ન આવી !

કરચલી જોઈ મારા માથે તારી તું ભ્રમર ન ખેંચ,
વિચાર એકાદ તારો છે ત્યાં સ્થાયી, ખુશ છું હું બાકી.

તને ક્યાં રસ હતો ? છો સાંભળે જગ આખું મારી વાત…
હતો રસ્તો ય સીધો તો તને ઠોકર કઈ વાગી?

અમારો પ્રેમ હો કે શાયરી, સઘળું પ્રણાલિગત,
કશે રીતો નવી શું શ્વાસની અસ્તિત્વમાં આવી?

-વિવેક મનહર ટેલર

તરહી-મુશાયરો


(ડાબેથી મંચસ્થ રવીન્દ્ર પારેખ, અમર પાલનપુરી, નયન દેસાઈ અને હું… ૧૭-૦૩-૨૦૦૭)
(મોબાઈલ વડે લેવાયેલ ફોટોગ્રાફની નબળી ગુણવત્તા બદલ ફરીથી ક્ષમાયાચના…. ) 

 માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

– વિવેક મનહર ટેલર

‘નર્મદ સાહિત્ય સભા’, સુરતના ઉપક્રમે ૧૭-૦૩-૨૦૦૭, શનિવારના રોજ શૂન્ય પાલનપુરીની યાદમાં એક તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૂન્યની પંક્તિ ‘દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે’ ઉપર હું ગઝલ લખવા બેઠો ત્યારે અચાનક યાદ આવ્યું કે આ જ છંદ, આજ રદીફ-કાફિયા વાપરીને એક ગઝલ હું આગળ લખી ચૂક્યો છું. એકાદ-બે અપવાદને બાદ કરતાં પરીક્ષાઓમાં તો ચોરી કરવાની નોબત આવી ન્હોતી, પણ આ મુશાયરા માટે મેં મારી આખેઆખી ગઝલ જ ચોરી લીધી, ફક્ત શૂન્યની પંક્તિ ઉપર એક મિસરો જોડી દીધો, બસ! મુશાયરો કેવો રહ્યો એ તો શ્રોતાઓ જ જાણે!

કોઈની ઇચ્છા


(એમુ….                        ….નેશનલ હાઈ-વે નં. ૮, ૦૪-૦૩-૨૦૦૭)

*

કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

નામ તારું લઈ જીવેલી ક્ષણનો માંગ્યો આંકડો,
ને બધા પહોરોની જીભેથી ત્યાં ટપક્યો આઠડો.

આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.

નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો.

ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.

રોજ સાંજે સ્વપ્નની ગોરજ થઈને આવો કેમ?
આંખને પાદર ગણીને ગામનું તો ના અડો !

જાન ખુશબૂની જશે પાછી ફૂલોના દ્વારથી,
જો મળે નહીં રોકડા ઝાકળનો તાજો વાંકડો.

– વિવેક મનહર ટેલર

…કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો


(ઉડ્ડયન…                                                        …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

*

ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?
ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

અડસટ્ટે  બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.
પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.
વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-વિવેક મનહર ટેલર

પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

(પક્ષીના માથે પતંગિયું: સ્વયમ્ ની શોધ… ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(હુડહુડ ~ Hoopoe ~ Upupa Epops)

ફરી લઈ લીધો મેં આ શાનો સબડકો?
શું યાદ આવ્યું પાછું? થયો જીભે ભડકો.

ન ઊતરે ઊંડે, બસ રહે વધતી આગળ,
કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.

મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

ઊગી આવ્યા શ્રદ્ધાને નામે ઘટાટોપ,
મૂંગા, બહેરા ને અંધ નિર્જીવ ખડકો.

તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.

આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

– વિવેક મનહર ટેલર

કશુંક


(પરોઢનો પીળો તડકો….            ….નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(Yellow wagtail ~ Motacilla flava)

*

જાતના દરવાજા ખોલી બહાર ભાગી ગ્યું કશુંક,
શ્વાસ તડકે નાંખ્યા ખુલ્લા ત્યાં તો પીગળી ગ્યું કશુંક.

મસળી, ચોળી, ઝાટકી ઇચ્છા બધી મેં સૂકવી,
એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક.

હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

આભ એનું એ જ, સૂરજ, ચાંદ-તારા એના એ જ,
તો તો નક્કી આ નજરમાંથી જ નીકળી ગ્યું કશુંક.

બાજુમાંના બંધ ઘરનું આંગણું ન હોય એમ
જે મળ્યું રસ્તામાં એ મારામાં નાંખી ગ્યું કશુંક.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

– વિવેક મનહર ટેલર

બગડેલા સંબંધનું શું?


(પ્રેમના સાત રંગ…        …ભરતપુર, 4-12-2006)

*

બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત! બગડેલા સંબંધનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,
મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
હૈયાના મોલ કેમ ભારે?
અળગા થવાની કોઈ વેદના ન હોય તો
ઊઠે શીદ નેણ વારે-વારે?
દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

-વિવેક મનહર ટેલર

તું હવે તો આવ…


(ઉડ્ડયન….                       …સીગલ, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

*

ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ,
કેવું સરસ વધામણું છે! તું હવે તો આવ.

અનિવાર્ય લાખ છે છતાં રોકી શકો શું શ્વાસ ?
તો આ તો ફક્ત રૂસણું છે… તું હવે તો આવ !

ખેતરમાં ઊગવાને કોઈ ઈચ્છતું નથી,
જ્યાં મૂળ છે ત્યાં ટૂંપણું છે, તું હવે તો આવ.

ઢાળી દીધાં છે ઢોલિયે ખેતર અને આ જાત
બાકી ફકત શિરામણું છે, તું હવે તો આવ.

આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.

ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.

દીધા નથી તેં માપના કપડા કદી, ખુદા !
પણ આ તો મારું ખાંપણું છે, તું હવે તો આવ.

શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

-વિવેક મનહર ટેલર

(ટૂંપણું = મૂળમાંથી ચૂંટી નાંખવાનું ઓજાર, ખાંપણું = કફન)

ઘર વિશે એક ગઝલ


(રાજાપાઠ…                      …કીંગફીશર, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(White Breasted Kingfisher ~ Halycon smyrmensis)

*

હતી ક્યારે છતો, દીવાલ કે કો’ આવરણ ઘરનું ?
અમે તો નામ દઈ દીધું છે, જ્યાં થંભે ચરણ, ઘરનું.

યુગોથી જાતને સમજાવવા કોશિશ કરું છું હું,
છતાં પણ થઈ નથી શક્તું પૂરૂં સ્પષ્ટીકરણ ઘરનું.

ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,
એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.

હું તારી સામે જોઉં ને મને પીંછા સમી હળવાશ
અગર લાગે તો સમજી જઈશ, છે આ અવતરણ ઘરનું.

ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત,
કે એના રોમે-રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું.

રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવા ય ધાસે છે,
અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું.

હવે ઘરમાં જ દૃશ્યો એવા દેખાતા રહે છે રોજ
કે થઈ ગ્યું ક્યારનું અહીંથી મહાભિનિષ્ક્રમણ ઘરનું.

કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,
મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?

જતી વેળાએ મેળવવાને તેં લંબાવ્યો જ્યારે હાથ,
હું અવઢવમાં રહ્યો ત્યાં થઈ ગયું હસ્તાંતરણ ઘરનું.*

બની રહે જો ગઝલ તોરણ તો સૂકાતી જશે પળ-પળ,
રહે તાજી એ કાયમ જો બને વાતાવરણ ઘરનું.

-વિવેક મનહર ટેલર

ચંપાકરણ= ચંપામય
સંક્રમણ=ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ
મહાભિનિષ્ક્રમણ = રાજકુમાર સિદ્ધાર્થની કાયમી ગૃહત્યાગ અને સંસારત્યાગની મહાન ઘટના જેમાંથી ભગવાન બુદ્ધનો જન્મ થયો

* = આ શેર હવે પછીથી આ ગઝલનો ભાગ નથી… અર્થ-દોષ બદલ ક્ષમાયાચના !

કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ? લે!


(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા…       …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

*

વધતો જશે ધીમેધીમે થોડો લગાવ, લે !
ગમતો નથી છો માર્ગમાં એકે પડાવ, લે !

ઠોકીને છાતી મૂંછ ઉપર દઉં છું તાવ, લે !
હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !

બનતા રહે છે હરઘડી કેવા બનાવ, લે !
આ શહેર પાસે કંઈક તો પાણી મૂકાવ, લે !

આપ્યા છે દાંત તેં તો ચવાણું ય આપ તું,
રાખી ગરીબ, પેટે ન અગ્નિ લગાવ, લે !

દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

ગમતો નથી ભલે તને વધતો લગાવ આ,
આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

તારું કનક જણાઈ જશે, છે સિંહણનું દૂધ,
કાગળ ઉપર આ શબ્દને દોહી બતાવ, લે !

– વિવેક મનહર ટેલર

તે હતી ગઝલ


(બગાસું….                                   ….રણથંભોર, 03-12-2006)

*

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશબૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની ? તકિયો બની ગઝલ.

દીવાલ સાવ કોરી તો ચાલે ન એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

-વિવેક મનહર ટેલર

લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર…

(અમે…..             …ટ્રાઈપોડની આંખે, ડીગ, ૦૬-૧૨-૨૦૦૬)
(૨૬-૦૧-૧૯૯૭ થી ૨૬-૦૧-૨૦૦૭)

આ હાથ હાથમાં લીધો ને વર્ષ થ્યાં છે દસ,
પહેલા દિવસની છે છતાં અકબંધ એ તરસ;
દસ વર્ષમાં દસ આપદા વેઠી ભલે તો પણ,
જે ગઈ, જે છે ને જે જશે એ જિંદગી સરસ !

-વિવેક મનહર ટેલર

આમ અધવચ્ચે હું થાકી ના શકું


(સૂર્યોદય…                                    …ભરતપુર, 05-12-2006)

*

છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.

ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.

લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.

ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.

લાખ ગમતો હો છતાં પણ વાતેવાતે રોજેરોજ
હું ગઝલના શેરને સઘળે તો ટાંકી ના શકું.

આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.

-વિવેક મનહર ટેલર

તું કે હું ?


(ઠસ્સો…                                          …રણથંભોર, 03-12-2006)
(Rufous Treepie – Dendrocitta vagabunda)

*

પત્રમાં વંચાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?
ને ભીતર પ્રગટી જે ક્ષણ એ કોણ છે લ્યા, તું કે હું ?

સ્વપ્નને સાકાર કર, ઇચ્છાને તું આકાર દે-
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?

રોજ જેની શક્તિ પામે ક્ષય ને રથનું પૈંડુ પણ
રોજ પામે છે કળણ એ કોણ છે લ્યા, તું કે હું ?

ખૂન, ચોરી, લાજ લૂંટવું રોજ છાપે વાંચે તોય
એનું એ રાખે વલણ એ કોણ છે લ્યા, તું કે હું ?

સિગ્નલે થોભેલી ગાડી જૂના કપડાથી લૂછી
હાથ થઈ લંબાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?

લોહી લાવે વિશ્વના ગળફામાં જે એ જંતુના
ચેપનું વધતું ચલણ એ કોણ છે લ્યા, તું કે હું ?

આ ગઝલમાંથી સૂરજ, રણ, ઓસ, ઝંઝા દૂર કર
તોય ના પામે મરણ એ કોણ છે લ્યા, તું કે હું ?

-વિવેક મનહર ટેલર

હું જ્યાં સુધી મરતો નથી


(તીખી નજર…                                …રણથંભોર, 03-12-2006)

*

હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
શું એટલે હું કોઈને જડતો નથી ?

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

તારા વગરની જિંદગીની વાત છે,
લઉં શ્વાસ તો પણ લાગે છે, શ્વસતો નથી.

મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.

હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.

થઈ પ્રાણવાયુ ના ભળે લોહીમાં શ્વાસ,
હું જ્યારે જ્યારે શબ્દને શ્વસતો નથી.

– વિવેક મનહર ટેલર

શરૂઆત કરી જો…


(રાજમહેલ….                    ….ડીગ, રાજસ્થાન, 05-12-2006)

*

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દીવાલોને રજૂઆત કરી જો.

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

-વિવેક મનહર ટેલર

ખોટા ઠર્યા સંબંધ સૌ

(જિંદગીનો પથ હજી બાકી હતો…          …ભરતપુર, 05-12-2006)

જોડણીની ભૂલ સમ ખોટા ઠર્યા સંબંધ સૌ,
જે ઘરે પગ આ ગયા, પાછા વળ્યા સંબંધ સૌ.

ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.

‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.

જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ.

મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.

વાસ્તવિક્તા એ જ છે કાયમ, સમય હો આ કે તે
વાલિયાથી વાલ્મિકી વચ્ચે રહ્યા સંબંધ સૌ.

તું ગઈ, પણ કાવ્યને મારા કરી અ-ક્ષર ગઈ,
આપણા યુગયુગ લગી શાશ્વત બન્યા સંબંધ સૌ.

-વિવેક મનહર ટેલર

કુંવારી નદીની તરસ

(કુંવારી નદી…     …રણથંભોરના જંગલમાં, 04-12-2006)

તું સાગર છે.
તારા માટેનો મારો પ્રેમ
એટલે કુંવારી નદીની તરસ.
રેતીના સાગર સાથેના મારા સંવનનમાં
મુખપ્રદેશના મદોન્મત્ત ચુંબનનો અનંગવેગ નથી
ને અલિપ્ત છું જહાજોના આલિંગનથી…
હું તો ખડકને ઊગેલું
ને રેતીમાં ચૂર થયેલું સ્વપ્ન…
પાણીમાં જ વિસ્તરેલું
પણ પાણીથી જ દૂર રહેલું ક્રંદન…
મારી પૂર સમી ઉત્કંઠાઓને જન્મવાનું વરદાન નથી
ને ચંદ્ર દ્વારા પાગલ ભરતી-ઓટના પ્રદાન નથી.
કોઈ સહસ્ત્રબાહુ ખેલ છોડે
યા ભગીરથ તપ આદરે
કે અગત્સ્ય કોગળો કરે
તો-
-તો સાગર, નદી, નદી, સાગર…
તું સાગર છે…
…પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!

-વિવેક મનહર ટેલર

(સહસ્ત્રબાહુ, ભગીરથ અને અગત્સ્ય- આ ત્રણે ય ક્યાંક કોઈક સ્વરૂપે પાણીને બાંધવાની અથવા બંધાયેલા પાણીને વેગ આપવાની દંતકથાઓ સાથે સંકળાયેલા છે. સહસ્ત્રબાહુ રાજાએ એના હજાર હાથ વડે બંધ બાંધી નદી રોકી લીધી હતી. ભગીરથે તપ વડે ઉદ્દંડ અને ઉચ્છ્રંખલ ગંગાને પૃથ્વી પર અવતારી એને દિશા આપી તો અગત્સ્ય રાક્ષસોને મારવા માટે આખો સાગર જ ગળી ગયા….)

ઇચ્છા અધૂરી છે


(રણથંભોરના કિલ્લામાં સ્વયમે શોધી કાઢેલું એક નાનકડું આશ્ચર્ય… 03-12-2006)

*

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.

મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.

આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ભલે આ દિલ ફિતૂરી છે.

તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

વિવેક મનહર ટેલર
(ફિતરત=સ્વભાવ, પ્રકૃતિ. ફિતૂરી=બળવાખોર)

આ દુઃખ એ જ મારો સહજભાવ છે


(સામા કિનારે…                  …જોગી મહેલ, રણથંભોર, 4/12/06)

*

દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત એનો આ ખેલમાં દાવ છે.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની મળી નાવ છે.

અમે કંઈ જ સામું કહી ના શક્યા,
ગણ્યો એને આપે અહોભાવ છે.

બીમારી હતી શી મને મીઠી, યાર?
રુઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.

ગુજરતા રહ્યા ટ્રેન સમ સહુ સતત,
સીધો અંતહીન મારો પથરાવ છે.

જીવનનાં પલાખાં ન શીખ્યા કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’

જશે શબ્દ જે દી’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!

– વિવેક મનહર ટેલર
(02-04-2005)

સદા તત્પર

(મને પાનખરની બીક ના બતાવો… …રણથંભોર, 03/12/2006)

 

ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર,
મને જે ઠંડી ચડે, ભાંગવા સદા તત્પર.

ઉસેટવા, જે લખું હું, હવા સદા તત્પર,
અમેય આંધીમાં દીવો થવા સદા તત્પર.

તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.

વિવેક મનહર ટેલર

(ઉસેટવું = ઉખેડી નાખવું, કાઢી નાખવું, નાખી દેવું, ફેંકી દેવું)

કદી વાંસળી આ બરાબર ન વાગી

(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત… …રણથંભોર, 03-12-2006)

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

– વિવેક મનહર ટેલર

ક્ષણના મહેલમાં

(ક્ષણોના મ્હેલમાંથી…       …રણથંભોર, 03/12/2006)

 

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું…
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ’તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

– વિવેક મનહર ટેલર

ખીલી છે મૌનની મોસમ


(કિલ્લાની રાંગ પરથી…        …સુવર્ણનગરી, જેસલમેર, 2004)

*

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

ઘણી વ્યક્તિ ઘણાં દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

તમે ચાલ્યા ગયા તો પણ હજી જીવી રહ્યો છે એ,
હવે સમજાયું એને, એ હતી સૌ કહેવાની વાતો.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચાં-નીચાં થાય,
ગઝલનાં ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

– વિવેક મનહર ટેલર

આ સાથે આવતા અઠવાડિયા પૂરતું નાનકડું વેકેશન જાહેર કરું છું. હવે મળીશું સી…ધા 13 ડિસેમ્બરે…મળતા રહીશું, શબ્દોના રસ્તે!

પથ્થર

(ભૂલા પડવાની મજા…                           …ઓક્ટોબર,2006)

મારી દુઆ સાચી હશે તો કોક દિ’ ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના…ના…નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.

વિવેક મનહર ટેલર

બે હાઈકુ

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા… સુરમ્યા તાપી, સપ્ટેમ્બર,2006)

 

ઝાકળચણ
ચણી જતાં પ્રભાતે
તડકાપંખી !

*

વ્યોમ વિધવા
સાંજટાણે ; લોપાયો
સૂરજચાંલ્લો !

– વિવેક મનહર ટેલર

અગર…

(આજનું અજવાળું…                             …સપ્ટેમ્બર, 2006)

 

મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.

પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર…

કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર…

બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.

છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

– વિવેક મનહર ટેલર

મનજીભાઈ…


(મારા મનજીભાઈ…                                                સ્વયમ્…2005)

*

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…

મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા…

મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
પણ કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પાછું એના વિના તો નક્કામા સૌ સરનામા…

-વિવેક મનહર ટેલર

ચૌદ નવેમ્બર…ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ… મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ. એટલે આ નિમિત્તે આજે એક બાળગીત… અને શક્ય હશે તો આવતા એક મહિના સુધી દર અઠવાડિયે એક બાળગીત મૂકવાની ઈચ્છા છે… જન્મદિન મુબારક હો, બેટા !

એક વેશ્યાની ગઝલ

(ભૌમિતિક મધ્યબિંદુ… … માથેરાન, જાન્યુઆરી,’03)

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

ડૉ. વિવેક મનહર ટેલર