સિમેન્ટના મકાનોમાં અને આસ્ફાલ્ટની સડકો પર પેટ્રોલ ગાડીઓમાં બળતી રહેતી આપણી જિંદગી એના સાચા આંખ-કાન ખોઈ બેઠી છે અને કદાચ આપણને એની હજી જાણ પણ નથી… આપણી ચારેતરફ આખો દિવસ થતા રહેતા નાનાવિધ ટહુકાઓ ગાડીઓના હૉર્ન અને મ્યુઝિક સિસ્ટમ કે ટી.વી.ના શોરબકોરમાં ક્યાંક એ રીતે દબાઈ ગયા છે કે આપણા કાનને એના હોવાપણાંનો અહેસાસ પણ નથી થતો. મેં મારા બેડરૂમમાં કાન ખુલ્લી બારી પર ચોંટાડીને બેસવાની ટેવ પાડી છે. કાગડા, કબૂતર, ચકલી, કાબર, કોયલ જેવા કાયમી પક્ષીઓના કા-કા, કૂ-કૂ, ચીં-ચીંની વચ્ચે કેટલાક એવા નિયમિત આશ્ચર્ય મેં શોધી કાઢ્યા છે કે હું શહેરમાં રહું છું એ બાબત પર પણ મને શંકા જન્મી શકે.
કવિતાથી થોડો અલગ ચોતરો ચાતરીને આજે મારે મારા ઘરના ઓટલા પર ઊભા રહીને મેં માત્ર માર્ચ મહિનામાં લીધેલા પક્ષીઓના ફોટાઓ આજે તમારા સહુ સાથે વહેંચવા છે. કોઈ એક આંખ-કાન એમનું ભૂલું પડેલું અનુસંધાન મેળવી શકે તો કેમેરાની આ કવિતા સાર્થક…
અબાબીલ, લક્કડખોદ, સુગરી, સનબર્ડ, દેવચકલી જેવા કેટલાક નિયમિત પક્ષીઓના હું ફોટા પાડી શક્યો નથી પણ એ બધા ટહુકા બનીને મારી રગોમાં દોડે જ છે…. પક્ષીઓના ટહુકાઓનું એક ટહુકેદાર ગીત અહીં માણો.
(એન્લાર્જ્ડ વ્યુ માટે ફોટોગ્રાફ્સ પર ક્લિક્ કરવા વિનંતી.)

આ છે સ્પૉટેડ ડવ. સામાન્યરીતે જળાશયની નજીકમાં ઝાડ પર ખૂબ નીચાણ પર હલકોફુલકો માળો બાંધનારું મજાનું એક ફૂટિયું પક્ષી. ગળામાં નાજુક છતાં ગળચટ્ટો ટહુકો અને ગળા પર ગમી જાય એવા ટપકાં.
*

ગળાની નીચેના ભાગે ભૂરા રંગને ફૂટપટ્ટીથી કાપીને કોઈપણ ડિટર્જન્ટ પાવડરથી મળી ન શકે એવી સફેદીથી છલકાતું આ છે ઓરિએન્ટલ મેગપાઈ રોબિન. રોબિનને એકવાર બોલતું સાંભળ્યું હોય તો બીજીવાર બંધ આંખે પણ ઓળખી શકાય. પૂંછડી ઉપર-નીચે કરીને એ જે રીતે માદાને રીઝવવા મથે છે એ જોવાની તો મજા જ આવી જાય. એનો વધુ ક્લૉઝ-અપ જોવો હોય તો અહીં (૧ અને ૨) ક્લિક્ કરો.
*

પશુ-પક્ષીમાં હંમેશા નર માદાથી વધુ આકર્ષક અને ચડિયાતો હોય છે. નથી માનવી મારી વાત ? ઉપરના ફોટામાંના નર રોબિનને જોઈ લીધ પછી આ માદા રોબિનને જુઓ. રાખોડી અને મેલા ધોળા રંગ અને પાંખમાં ટ્રેડમાર્ક સમા સફેદ પટ્ટાને કારણે એ દીપે તો છે પણ નર જેટલી તો નહીં જ. ખરું ને ?
*

રંગ-રંગના આ ખજાનાને હવે શું કહીશું ? આ છે સિપાહી બુલબુલ યાને કે રેડ-વ્હિસ્કર્ડ બુલબુલ. એનો અને એની કલગીનો ઠસ્સો તો જુઓ… સામાન્ય રીતે ગાઢ વૃક્ષો વચ્ચે રહેતું આ બુલબુલ મારા આંગણાને લગભગ રોજ જ એના સંગીતમય ટહુકાઓથી ભીનુંછમ રાખે છે.
*

રેડ વેન્ટેડ બુલબુલ. મારા ઘર આંગણાનું વધુ એક કાયમી મહેમાન. એનો અવાજ એટલો મીઠો નથી પણ એનો લય કર્ણપ્રિય છે અને એની ઊડાઊડ ધ્યાનાકર્ષક…
*

ઘરઆંગણે આ પણ જોવા મળશે એ તો કલ્પ્યું જ નહોતું. ન ઓળખાયું ? આ છે સ્વર્ણ પીળક યાને યુરેસિઅન ગોલ્ડન ઓરિઓલ. એને ઝડપભેર ઊડતું જોવાનોય એક લહાવો છે. જોડીમાં આવ્યું હતું અને આંખોમાં પીળચટ્ટો તડકો આંજીને ચાલ્યું ગયું.
*

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એ તો અમેરિકન કોટનની ડાળે બેઠો બેઠો પતંગની દોરીઓ કાપે છે…
*

આ ભાઈની મને ઓળખ ન પડી ? છે કોઈ લેવાલ ?
*

મને તો આમની પણ ઓળખાણ ન પડી. જેવું કાબરચીતરું શરીર એવો જ ઠસ્સાદાર અવાજ અને પાછું ટોળાશાહીમાં જીવે… એક નજર નીચેના ફોટા પર પણ મારી લ્યો..
(આ છે રોઝી સ્ટાર્લિંગ યાને ગુલાબી મેના. શિયાળામાં પાકિસ્તાનથી મોટી સંખ્યામાં ભારત આવનારું ‘હેન્ડસમ’ પક્ષી ! ઓળખાણ પાડવા બદલ આભાર, અમિત !)
*

પાંદડે પાંદડે ટહુકો કે ટહુકે ટહુકે પાંદડા ? ઉપરવાળા કાબરચીતરા ભાઈ તો ખાસ્સા પચાસ-સાંઠના ટોળામાં આખું આકાશ ગજવે ઘાલીને ગજવતા ગજવતા આવ્યા અને એમ જ પાછા ગયા.
*

અરે! આ ભાઈ અહીં ક્યાંથી ? મારા ઘરથી પાણીની નહેર તો ખાસ્સી દૂર છે ત્યાંથી છે…ક અહીં ભૂલા પડી ગયા ? ઘર-આંગણે ભાગ્યે જ જોવા મળતું વ્હાઈટ બ્રેસ્ટેડ કિંગફીશર યાને કાબરો કલકલિયો. કિંગફીશરનો કલબલાટ એકવાર સાંભળ્યો હોય તો જિંદગીભર તમારા કાન કદી ધોખો ન ખાય એવો એ વિશિષ્ટ હોય છે અને એ ઊડે ત્યારે એની પાંખોનો મોરપીંછ અને સફેદ રંગનો સમન્વય તમને અન્ય કોઈ પક્ષીમાં જોવા ન મળે એવો બેજોડ હોય છે.
*

બે દિવસ પછી હૉસ્પિટલમાં દર્દીઓનો રાઉન્ડ પતાવી દાદર ઉતરતી વખતે બારીમાંથી મારી નજરે કીંગફિશર પાછું ચડ્યું અને હું વિશ્વાસ ન કરી શક્યો. કન્સલ્ટીંગ રૂમમાં જવાના બદલે નીચે ઘરે દોડી જઈ કેમેરો કાઢી બરાબર એની નીચે ઊભા રહી નિશાન તાકીને ફોટો પાડ્યો અને ત્યાં સુધી એ ઊડી ન ગયું એ બદલ મારા સાહેબ, આપનો આભાર ! અને જો જો ભાઈ! મારા પર ક્યાંક ચરકી ન બેસતા, હા….