સામાન્ય રીતે વાત એવી બનતી હોય છે કે કોઈ કાગળ પર તમારી કવિતાનું તમે સરસ મજાનું કૉમ્પ્યુટર પ્રિન્ટ-આઉટ કાઢીને ટપાલ-ટિકિટનો ખર્ચો કરીને કોઈ સામયિકના તંત્રીને મોકલો (સાથે પૈસા ખર્ચીને પોતાના સરનામાવાળું પૉસ્ટકાર્ડ પણ ખરું જ સ્તો!) અને થોડા વખત પછી તકિયાકલામ જેવી બે લીટીમાં ‘સાભાર પરત’નો સંદેશો તમને મળે. પણ કોઈકવાર આનાથી સાવ વિપરીત થાય તો?
રવિવારની એક સવારે મુંબઈથી પ્રિય સખી મીના છેડાનો ફૉન આવ્યો કે તરત જ કૉફીની વરાળ સમી સવાર ખુશનુમા બની ગઈ. ‘અભિનંદન, અલ્યા ! તારી કવિતા તો ‘મુંબઈ સમાચાર’ની રવિવારીય પૂર્તિના પહેલા પાના પર આવી છે…’
‘પણ ત્યાં કેવી રીતે?’ નો પ્રશ્ન જેવો ઊગ્યો એવો જ આથમી પણ ગયો. ‘મહેફિલે-ખાસ’ વિભાગમાં મુકુલ ચોક્સીની ‘લયસ્તરો‘ પર સૌપ્રથમવાર પ્રગટ થયેલી અક્ષુણ્ણ ગઝલની સાથે મારી વેબ-સાઈટ પર પ્રગટ થયેલું આ ગીત… મારી બંને વેબ-સાઈટના કોઈ રસિક મિત્રે અમારા બંનેની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ને મોકલી આપી હશે… ‘સાભાર-પરત’ના કાગળિયાઓના વરસાદની વચ્ચે સાવ આમ અચાનક કોઈ કવિતા જ્યાં કદી મોકલી નથી, કે મોકલવાનું વિચાર્યું નથી ત્યાં વીજળીની માફક ચમકી આવે તો કેવો આનંદનો પ્રકાશ છવાઈ જાય ! બસ, એ ક્ષણાર્ધના અજવાળામાં આપ સૌનો પણ ફોટો પાડી લેવાની ઈચ્છા થઈ એટલે અગાઉથી જ આભાર માની લઈને આ આજની પૉસ્ટ…