તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?


(ભૂરો ઠસ્સો….                                …રોબિન, ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(Oriental magpie Robbin ~ Copsychus saularis)

*

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, સમય પર તમે ચાલ સમજ્યાં સમયની,
બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઇચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

-વિવેક મનહર ટેલર

ચાંદની


(રણનો સૂર….                       …બુલબુલ, રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)
(Red vented Bulbul ~ Pycnonotus cafer)

*

ખીલીને સોળે કળાએ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાને ફરી તુજને અડે છે ચાંદની.

વાટ થઈ વગડામાં નક્કી તું જ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંદ્રના અરમાન વેરાયા હશે શું સૃષ્ટિમાં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની.

-વિવેક મનહર ટેલર.

ફરી એક જૂની ગઝલ, થોડા છંદદોષ દૂર કરીને.

હજી શું રહી ગયું બાકી?


(રાતનો સૂર્ય….                                             …ભરતપુર, ૦૫-૧૨-૨૦૦૬)
(ઘુવડ ~ Indian Scops-owl ~ Otus bakkamoena)

*

ફરી પાછાં ફર્યાં પાછાં, હજી શું રહી ગયું બાકી?
કે એક ‘ના’થી વીતે છે શું એ જોવા ઝંખના જાગી?

જે ફૂલો આપ્યાં તેં એમાં હતી શું દુનિયાદારી કોઈ ?
છે મઘમઘ આખેઆખું ઘર, મને ખુશબૂ જ ન આવી !

કરચલી જોઈ મારા માથે તારી તું ભ્રમર ન ખેંચ,
વિચાર એકાદ તારો છે ત્યાં સ્થાયી, ખુશ છું હું બાકી.

તને ક્યાં રસ હતો ? છો સાંભળે જગ આખું મારી વાત…
હતો રસ્તો ય સીધો તો તને ઠોકર કઈ વાગી?

અમારો પ્રેમ હો કે શાયરી, સઘળું પ્રણાલિગત,
કશે રીતો નવી શું શ્વાસની અસ્તિત્વમાં આવી?

-વિવેક મનહર ટેલર

તરહી-મુશાયરો


(ડાબેથી મંચસ્થ રવીન્દ્ર પારેખ, અમર પાલનપુરી, નયન દેસાઈ અને હું… ૧૭-૦૩-૨૦૦૭)
(મોબાઈલ વડે લેવાયેલ ફોટોગ્રાફની નબળી ગુણવત્તા બદલ ફરીથી ક્ષમાયાચના…. ) 

 માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

– વિવેક મનહર ટેલર

‘નર્મદ સાહિત્ય સભા’, સુરતના ઉપક્રમે ૧૭-૦૩-૨૦૦૭, શનિવારના રોજ શૂન્ય પાલનપુરીની યાદમાં એક તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૂન્યની પંક્તિ ‘દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે’ ઉપર હું ગઝલ લખવા બેઠો ત્યારે અચાનક યાદ આવ્યું કે આ જ છંદ, આજ રદીફ-કાફિયા વાપરીને એક ગઝલ હું આગળ લખી ચૂક્યો છું. એકાદ-બે અપવાદને બાદ કરતાં પરીક્ષાઓમાં તો ચોરી કરવાની નોબત આવી ન્હોતી, પણ આ મુશાયરા માટે મેં મારી આખેઆખી ગઝલ જ ચોરી લીધી, ફક્ત શૂન્યની પંક્તિ ઉપર એક મિસરો જોડી દીધો, બસ! મુશાયરો કેવો રહ્યો એ તો શ્રોતાઓ જ જાણે!

કોઈની ઇચ્છા


(એમુ….                        ….નેશનલ હાઈ-વે નં. ૮, ૦૪-૦૩-૨૦૦૭)

*

કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

નામ તારું લઈ જીવેલી ક્ષણનો માંગ્યો આંકડો,
ને બધા પહોરોની જીભેથી ત્યાં ટપક્યો આઠડો.

આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.

નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો.

ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.

રોજ સાંજે સ્વપ્નની ગોરજ થઈને આવો કેમ?
આંખને પાદર ગણીને ગામનું તો ના અડો !

જાન ખુશબૂની જશે પાછી ફૂલોના દ્વારથી,
જો મળે નહીં રોકડા ઝાકળનો તાજો વાંકડો.

– વિવેક મનહર ટેલર

મને આ સફર મળે


(એમુ… …મનોરથી પાછા વળતાં એક પેટ્રોલપંપની પાછળ (કદાચ)
ગેરકાયદેસર ચાલતા પોલ્ટ્રીફાર્મમાં મળેલું સ્મિત, ૦૪-૦૩-૨૦૦૭)

*

જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

-વિવેક મનહર ટેલર

મને મનગમતી ગઝલોમાંની આ એક છે. ‘હૈયાને હાશ થાય એવું કોઈ ઘર મળે’ પંક્તિ પર ગઝલ લખવા માટે મળેલા આમંત્રણને સ્વીકારીને આ ગઝલ લખી હતી, જે 16 જુલાઈ, 2005ના રોજ ‘ગુજરાતમિત્ર’ દૈનિકની ‘સન્નારી’ પૂર્તિમાં છપાઈ હતી. મૂળ પંક્તિમાં થોડો ફેરફાર કરીને લખેલી આ ગઝલ બ્લૉગ પર અગાઉ પ્રકાશિત કરી હતી પણ એ વખતે મત્લા(ગઝલનો પહેલો શેર)ની પહેલી કડી(ઉલા મિસરા)માં થોડો છંદદોષ રહી ગયો હતો એ દૂર કરી ફરી આપની સમક્ષ લઈને આવ્યો છું.

…કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો


(ઉડ્ડયન…                                                        …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

*

ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?
ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

અડસટ્ટે  બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.
પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.
વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-વિવેક મનહર ટેલર

રેતી


(હળવાશ…                                 …મનોર, મહારાષ્ટ્ર, ૦૩-૦૩-૨૦૦૭)

*

મરમ જિંદગીનો કહી જાય રેતી,
સતત હાથમાંથી સરી જાય રેતી.

છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.

ગયા તારા સ્પર્શોના ઊંટો પછીથી,
હથેળીથી દિલમાં ગરી જાય રેતી.

ન રણ, આ છે કણ-કણ ઝૂરાપો, કહું પણ
મળે તું ત્યાં પગથી ખસી જાય રેતી.

લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

મિટાવ્યું છે અસ્તિત્ત્વ ને છેક કણ માં,
હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

તમે સાથ છોડો, રહે શું જીવન માં?
શીશીમાંથી ખાલી ખરી જાય રેતી.

-વિવેક મનહર ટેલર

( આ ગઝલ અગાઉ આ બ્લૉગ પર પ્રકાશિત થઈ ચૂકી છે. એ વખતે ગઝલમાં ઘણી જગ્યાએ કાફિયાદોષ રહી ગયો હતો અને ક્યાંક છંદદોષ પણ હતો. આજે મારી ક્ષમતા મુજબ સુધારા કરીને આ ગઝલ પુન:પ્રકાશિત કરી રહ્યો છું.)

પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

(પક્ષીના માથે પતંગિયું: સ્વયમ્ ની શોધ… ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(હુડહુડ ~ Hoopoe ~ Upupa Epops)

ફરી લઈ લીધો મેં આ શાનો સબડકો?
શું યાદ આવ્યું પાછું? થયો જીભે ભડકો.

ન ઊતરે ઊંડે, બસ રહે વધતી આગળ,
કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.

મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

ઊગી આવ્યા શ્રદ્ધાને નામે ઘટાટોપ,
મૂંગા, બહેરા ને અંધ નિર્જીવ ખડકો.

તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.

આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

– વિવેક મનહર ટેલર