![]()
(સફેદ સોનું…. …ચિતકૂલ, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)
*
તું મારા ટેકે છે કે તારા ટેકે હું, ઊકલે ના આ એક પહેલી,
તું વૃક્ષ છે કે પછી વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?
આસમાની આંધીઓ વીતી ગઈ ને તોય
. હોવાપણાંના ઝાડ હેમખેમ;
રહી રહીને શંકા આ જાગે છે મનમાં,
. પોત મારામાં આટલું હતું કે કેમ?
મૂળસોતા ઝાડને ઉખડતા બચાવે એને કેમ કરી કહેવાની વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?
મને વીંટીને તું એવું જીવે કે લાગે
. મારા વિના તું ના સંભવ;
પગ સાથે પડછાયો ચાલે એમાં ક્યાંથી
. પગલાં પડે કે ઊઠે પગરવ ?
એકલું લાગે ને કદી પાછું જોઉં તો તું સાથે ને સાથે ઊભેલી.
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?
-વિવેક મનહર ટેલર
(૨૬-૦૧-૨૦૦૮)