March 2009

You are currently browsing the monthly archive for March 2009.

Saaras Beladi
(સારસ બેલડી…                              ….ઉભરાટ-સુરત રોડ, ૨૨-૦૩-૨૦૦૯)
.                             (Sarus Crane ~ Grus antigone)

*

હવાના બે ઝોકાં
સામસામેથી આવે
અને એકબીજામાં ભળી જાય
કે
બે ઝરણાં
અલગ અલગ દિશાથી આવે
અને ભેળાં થઈ જાય
ત્યારે
કોણ કયું એ નક્કી કરવું અશક્ય બની જાય
એવી રીતે રહેવાનું નક્કી કરીને
આપણે
પહેલા ચુંબનમાં
એકસાથે ઓગળ્યા હતા
પછી શી રીતે
એક જણ હવા
ને બીજું જણ ઝરણું બનીને રહી ગયું
કે

.  ત
.     ત
સાથે ને સાથે વહેવા છતાં
હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?
ક્યારેક
પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
તો ક્યારેક
મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
પણ
એ તો એક પળ માટે જ !

-વિવેક મનહર ટેલર
(૦૬-૦૩-૨૦૦૯)

પ્રિય મિત્રો,

પ્રકાશિત રચનાઓના આર્કાઈવ્ઝમાં લાંબા સમય પછી પાંચ રચનાઓનો ઉમેરો… હવે જ્યારે ગઝલસંગ્રહ અને કાવ્યસંગ્રહની માનસિક તૈયારીઓ કરવા માંડી છે ત્યારે આ રચનાઓનું અંગત મૂલ્ય વધી જાય છે… આપ સહુ મિત્રોના પ્રેમ, પ્રોત્સાહન અને સતત સહકારના કારણે જ સપનાંઓ પચરંગી થઈ શક્યા છે… જેમ શબ્દો મારા શ્વાસ છે એમ આપ સહુનો સ્નેહ છે મારી સાચી પ્રાણશક્તિ…

Kavilok_Khush chhu ke padachhaya

(’કવિલોક’, જાન્યુ-ફેબ્રુ-૨૦૦૯…           … તંત્રી :શ્રી ધીરુ પરીખ)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Ghazal Vishwa_Chhu suraj paN raat ne

(’ગઝલવિશ્વ’, ડિસેમ્બર-૨૦૦૮…         … તંત્રી :શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Samvedan_Ek swapna paachhu padatu

(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯…                  … તંત્રી : શ્રી જનક નાયક)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Samvedan_Tu hardam harjanam maari hati

(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯…                 … તંત્રી : શ્રી જનક નાયક)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Gujarat Mitra_E prem chhe

(’ગુજરાતમિત્ર-સન્નારી પૂર્તિ’…               ….૧૪-૦૨-૨૦૦૯)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

આજે વ્હાલા મિત્ર વિવેકનાં જન્મદિવસે એને માટે એક છોટી-સી સરપ્રાઈઝ… એનાં જ આ બ્લોગ પર… એનાં જ શબ્દોનાં શ્વાસ દ્વારા… મેહુલનાં સુરીલા સંગીત અને અમનનાં મધુરા સ્વર દ્વારા… જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે !  એમ તો ટહુકા ઉપર પણ આજે આ જ ગઝલ ટહુકે છે, પરંતુ આ મોતીને ખાસ વિવેકનાં જન્મદિવસ માટે મઢાવ્યું હોઈ એનાં આ ખજાનામાં એની હાજરી પૂરાવવા માટે આજની આ પોસ્ટ મારા અને જયશ્રી તરફથી સસ્નેહ…!

વ્હાલા વિવેક, અહીં તારા બ્લોગ પર ધાડ પાડીને આ ઓડિયો મૂકવા માટે મેં તારી છૂટ નથી લીધી, એવુંયે છેક નથી હોં… બિલકુલ પેલા દલા તરવાડીની જેમ મેં પણ તારા બ્લોગને ઘણીવાર પૂછી જોયું હતું અને દરેક વખતે એણે મને ખુશી ખુશી અંદર ઘૂસવાની પરવાનગી આપી દીધી હતી !   પણ તોયે તારે મને ખિજાવું હોય તો, જા… ખિજાવાની છૂટ છે તને !  :)

સસ્નેહ…  ઊર્મિ

pb043894-sml

(આંગળીનાં શ્વાસમાં શબ્દની હવા…       ફોટો: વિવેક)

સંગીત: મેહુલ સુરતી
સ્વર: અમન લેખડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

- ડૉ. વિવેક મનહર ટેલર

આ ગઝલ ત્રણેક વર્ષ પહેલાં પ્રથમવાર અહીં મૂકી હતી…!

PA312636
(પ્રેમને જો આપણા વહેવું પ્રિયે…           …સ્વપ્નગંધા વેલી, ગોવા, નવે. ૦૮)

*

દોર છે, સાત ગાંઠ છે એમાં,
શું તમારો જ હાથ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.

આ તે દુનિયા છે કે કોઈ ઘડિયાળ ?
માણસો મારમાર છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

‘जिंदगी बोझ बन गयी अब तो’
- હરકોઈ એકરાગ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

આ સફર આખરે તો માથે પડી,
જાત સાથે લગાવ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

મોસમો ઉગ્ર થઈ ગઈ છે બધી,
દોષી શું માત્ર કાળ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.

યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૩-૨૦૦૯)

છંદવિધાન : ગાલગા / ગાલગાલ / ગાગાગા (ગાલલગા)

P1185902
(માઈલ સ્ટોન અને રસ્તો…    ….પદમડુંગરી, જાન્યુઆરી, ૧૮-૦૧-૨૦૦૯)

~ * ~

કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
આજમાં શું ? કાલમાં શું ? યાદમાં શું ? ખ્વાબમાં શું ? રોમ-રોમ એનો મુકામ.

સાકાર હોય એનો લાવી શકાય અંત,
પ્યારથી આણો કે તકરારથી;
ફેફસાંથી હવાને અળગી કરાય કેમ?
કઈ રીતે મનને વિચારથી?
અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

કેટલાક પથ્થર છે માઈલસ્ટોન જેવા,
નવા આવે ને જૂના જાય;
રસ્તો બનીને કોઈ આદિથી અંત સુધી
સાથે ને સાથે લંબાય.
હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

-વિવેક મનહર ટેલર
(૧૩-૦૧-૨૦૦૯)

Powered By Indic IME