(ખુશબૂનાં પગલાં… ….મારા બગીચાનું મોતી, જાન્યુઆરી, ૨૦૦૯)
*
(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી, ૨૦૦૯… …તંત્રી શ્રી: મધુસૂદન પારેખ, રમેશ શાહ)
આ ગઝલ અને એના વિશે મિત્રોના ૬૬ જેટલા પ્રતિભાવો આપ અહીં ફરીથી માણી શકો છો.
(ખુશબૂનાં પગલાં… ….મારા બગીચાનું મોતી, જાન્યુઆરી, ૨૦૦૯)
*
(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી, ૨૦૦૯… …તંત્રી શ્રી: મધુસૂદન પારેખ, રમેશ શાહ)
આ ગઝલ અને એના વિશે મિત્રોના ૬૬ જેટલા પ્રતિભાવો આપ અહીં ફરીથી માણી શકો છો.
![]()
(વેદનાના સળ…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
તું જ કહેતો હતો ને
કે
મારી આંખો ફોડી નાંખો,
કાન ઉખાડી કાઢો,
જીભ પણ ખેંચી લો,
હાથ-પગ અને માથું સુદ્ધાં કાપી નાંખો,
અરે, હૃદય પણ બંધ કરી દો
અને ચિત્તને પણ તાળાં મારી દો
તો પણ
મારા નામનું લોહી તારી રગોમાં વહેતું રહેશે !
હવે
આજે
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે તારું લોહી ?
શું આ જ છે તારી પ્રેમની અમર કવિતા ?
-વિવેક મનહર ટેલર
(૧૫-૦૨-૨૦૦૯)
( જર્મન કવિ રિલ્કેની કવિતા ‘તું’ પરથી પ્રેરિત)
![]()
(સારસ… …ઉભરાટ-સુરત રોડ, ૦૮-૦૨-૨૦૦૯)
(Sarus Crane ~ Grus antigone)
ભરબપ્પોરે
ખેતરના શેઢા લગોલગ
ઝાંઝવાના પાણીની જેમ દડી જતી મારી ગાડી
અચાનક
ધીમી બ્રેક સાથે અટકી ગઈ.
વીજળીના તાર પરથી એક પતંગો ઊડી ગયો.
પણ મારી આંખ તો
પાછલી સીટ પર બેઠેલા
અમારા નાનકડા કોલંબસે શોધી કાઢેલ
સારસ બેલડી પર સ્થિર હતી.
માથે ધોધમાર વરસતા સૂરજની
ધરાર અવગણના કરી
વરસોની તરસ છીપાય એટલું
આંખોથી આકંઠ પાન કરી
હું વળી ગાડીમાં બેઠો.
‘ખબર છે બેટા?’,
-સીટ-બેલ્ટ બાંધતા બાંધતા હું બોલ્યો,
‘આ લોકો કાયમ જોડીમાં જ રહે.
એક મરી જાય તો
બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’
અને અનાયાસે
બાજુમાં બેઠેલી પત્નીએ
સ્ટિયરિંગ પર મૂકેલા મારા હાથ પર
એનો હાથ મૂકી દીધો.
મેં એની તરફ
અને એણે મારી તરફ જોયું.
આછા સ્મિતની આકસ્મિક વીજળી
ઘેરાયેલાં બન્ને વાદળમાં
ઝબકી ગઈ
અને
અમારા કોલમ્બસને
તો એની જાણ પણ ન થઈ !
-વિવેક મનહર ટેલર
(૦૯-૦૨-૨૦૦૯)
![]()
(લોહીભીની સાંજ… …કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)
જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.
છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?
રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.
પિંજરમાં આંખના હવે એક જ છે મનસૂબો –
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ !
હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.
એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.
સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?
બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.
લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.
નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.
જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.
– વિવેક મનહર ટેલર
(૧૩-૦૨-૨૦૦૬)