પ્રિય મિત્રો,
નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !
શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.
“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.
ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.
આભાર !
વિવેક મનહર ટેલર.
![]()
(“અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭…. ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)