તુજમાં હું સરથી પગ લગી રમમાણ પણ નથી,
તો પણ ગયો છું ક્યાં સુધી એ જાણ પણ નથી.
આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને બસ,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.
છેતરશે તું, ખબર હતી, દીધી જવા તો પણ,
ઉલ્ફતના આ નિયમથી તું અણજાણ પણ નથી.
મળતાંની સાથે માર્ગ બદલ્યો, મને તો એમ,
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.
જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સંબંધમાં હવે એવું ઊંડાણ પણ નથી.
હો પ્યારૂં પણ જો હાથથી છોડો નહીં તમે,
આંબી શકે નિશાન જે, એ બાણ પણ નથી.
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ગજ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
– વિવેક મનહર ટેલર
