સારસ-પુરાણ (ફોટોગ્રાફ્સ)

આજે ફરી એકવાર પક્ષીપુરાણ…  થોડા સમય પહેલાં ઘર-આંગણાનાં પક્ષીઓની વાત કર્યા પછી આજે સારસના થોડા ફોટાઓ…કવિતાની વેબસાઈટ પર આમ તો આ થોડી આડવાત ગણાય પણ આજકાલ કવિતા લખવાનું બંધ છે એટલે…

Saras8

ઉભરાટથી સુરત પરત થતી વખતે (૦૮-૦૨-૨૦૦૯ અને ૨૨-૦૩-૨૦૦૯) અચાનક મારા આઠ વરસના નાનકડા કોલંબસે ખેતરમાં દૂર ચરતાં સારસને ચાલુ ગાડીએ જોઈ કાઢ્યાં એટલું જ નહીં પણ જિંદગીમાં પહેલીવાર જોતો હોવા છતાં ઓળખી પણ કાઢ્યાં.

Saras3

સારસનું અંગ્રેજી નામ છે, Sarus Crane અને વજ્ઞાનિક નામ છે, Grus antigone.

Saras2

તમસા નદીના તટ પ્રદેશ પાસેથી પસાર થતી વખતે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બનેલા મહર્ષિની નજરે કામક્રીડામાં રત એક સારસ-બેલડીને પારધીના તીરથી વીંધાતી જોઈ. બીજા પક્ષીએ એના આઘાતમાં ત્યાંજ પ્રાણત્યાગ કર્યો. અને મહર્ષિ વાલ્મીકિના અને હૃદયમાં જે શોક જન્મ્યો એમાંથી અનુષ્ટુપ છંદમાં આપણી આદિકવિતા જન્મી અને ફલતઃ આપણને આપણું પહેલું મહાકાવ્ય ‘રામાયણ’ મળ્યું:

मा निषाद प्रतिष्ठां त्वं अगमः शाश्वतीस्समाः |
यत्कौचमिश्रुनोद कम वधीः कामामोहितं ||
(હે નિષાદ ! અનંત કાળ સુધી તને સ્થિરતા કે શાંતિ ન મળો. કેમકે કામમાં મગ્ન બનેલા સારસના જોડામાંથી એકને તેં હણી નાખ્યું છે)

Saras1

આપણા રાષ્ટ્રીય પક્ષી તરીકે કદાચ સારસની પસંદગી પણ થઈ હોત. રાષ્‍ટ્રીય પક્ષીની વરણી કરવા માટે મોર, ઘોરાડ, બ્રાહ્મણી, સમડી, રાજહંસ અને સારસ એમ કુલ પાંચ પક્ષી પસંદ થયેલા. પક્ષી સમડી ગળું બેસી ગયું હોય એવો ખરાબ અવાજ ધરાવતી હતી તેથી નાપસંદ થઇ. પક્ષી ઘોરાડ ભારતના નાગરિકોને ભાગ્‍યે જ જોવા મળતું હોવાથી એ યોગ્‍ય ન કહેવાય તેથી તેના નામ પર ચોકડી વાગી. ત્રીજું પક્ષી રાજહંસ વિદેશી પક્ષી છે. વળી પર્યટક તરીકે તે શિયાળો ગાળવા આવતું હોવાથી તે રાષ્‍ટ્રીય પક્ષી ન થઇ શકે.  ચોથું પક્ષી સારસ બીજા કેટલાક દેશોની રાજમુદ્રામાં સ્‍થાન પામેલું હોવાથી તેની વરણી ન કરી. એટલે છેવટે પાંચમું પક્ષી મોર પ્રભાવશાળી હોવા ઉપરાંત લોકલાડીલો અને મધુર કંઠવાળો હતો. તેથી રાષ્‍ટ્રીય પક્ષી તરીકે મોર પસંદ થયો.

Saras7

સારસ આપણા દેશનું સૌથી મોટું પક્ષી છે. તેના પગ લાંબા, રંગ સ્લેટિયો તથા માથું લાલ હોય છે. આ નીડર પક્ષીનો અવાજ કર્કશ હોય છે. નર અને માદામાં કોઇ વધારે ફરક હોતો નથી. સારસ આકાશમાં ખૂબ ઊંચે ઊડતું નથી. સારસ જોડીમાં જ મેદાનો, ખેતરો, નદી – તળાવોની આસપાસ ફરતું જોવા મળે છે. સારસની જોડી ખૂબ જ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે સારસનું જોડું હંમેશા એક – બીજાની સાથે રહે છે. આ જોડીમાંથી જો કોઇ એક સારસ મરી જાય તો બીજું પણ અન્ન – જળનો ત્યાગ કરે છે અને થોડા સમય પછી તે પણ મરી જાય છે.

કલાપીએ કહ્યું છે:

ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.

Saras11

સારસ સર્વભક્ષી હોય છે. તે માછલી, દેડકા તથા આવા જ નાના – નાના તળાવમાં રહેવાવાળા જીવોને ખાય છે. પોતાનો માળો કાદવ અથવા પાણીથી ભરેલા અનાજના ખેતરોની વચ્ચે બનાવે છે. તેમના માળા ઘાસ-ફૂસ અને લાકડીના બનેલા હોય છે. માદા સારસ એક વારમાં બે અથવા ત્રણ ઈંડાં મૂકે છે. ગુલાબી રંગના ઈંડા પર જાંબલી રંગની છાંટ હોય છે. ઈંડાં અને માળાની દેખરેખ નર અને માદા બંને ભેગા મળીને કરે છે. સારસ સરળતાથી પાલતુ બની જાય છે.અને અન્ય પાળેલા પક્ષીઓ અને જાનવરોની સાથે હળી-મળી જાય છે. એક અચરજ પમાડે તેવી વાત એ છે કે તે એક પગ ઉપર ઊભા-ઊભા જ સૂઇ જાય છે. કુદરતે માત્ર સારસને જ એક પગે આખી રાત સૂઇ શકવાની ક્ષમતા આપી છે. જ્યારે તે સૂઇ જાય છે, ત્યારે તેનો બીજો પગ વાળીને પાંખોની અંદર છૂપાવે છે, પછી આખી રાત એક તપસ્વીની જેમ એક પગે સ્થિર થઇને સૂઇ જાય છે.

સારસ પક્ષી વિશે શ્રી યોગેશ્વરજીની એક કવિતા અહીં માણી શકાશે.

Saras4

છેલ્લા સત્તર જ વર્ષમાં દેશમાં સારસની વસ્તીમાં નેવું ટકા જેટલો જબરદસ્ત ઘટાડો થયો છે જે ચિંતા પ્રેરે તેવા સમાચાર છે.

Saaras Beladi

અશોકી થઈ ગઈ…

P5168477
(એકચિત્ત….                                         …કાચિંડો, સાપુતારા, ૧૬ મે, ૦૯)

*

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં ગુજારાયેલ અમાનુષી અત્યાચાર સામે શબ્દ શું કરે ? સંવેદના શું કરે ? વીસ વર્ષ પહેલાં કોઈક વેદનાસિક્ત સંજોગોમાં લખેલ એક શેર આજે આ બાળકીને અર્પણ…

*

દિલે છોડ્યું ધબકવાનું તમારા ઘા પછી,
કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ !

-વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)

કેવું રૂડું ઊગ્યું છે પરભાત…

P5158127
(રોમ રોમ ફૂટ્યા ગુલમ્હોર…           …હટગઢ ગામ, સાપુતારા-નાસિક રોડ, ૧૬ મે, ૦૯)

*

શ્વાસના સોયામાં દોર હવાની પ્રોવીને ગૂંથ્યું નામ તારું આખી આખી રાત અને છાતીમાં ઊગી નવી ભાત,
લખ લખ ચોર્યાસી ભાત મહીં જોઉં જ્યાં તારી જ ત્યાં ત્યાં બિછાત, મને ક્યાંયે જડી ન મારી જાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
ઠામ એ ઠરીને ક્યાંથી થાય જેના ભાગ્યમાં આંસુએ લખ્યો રઝળાટ ?
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,
મોર મારા રુદિયાનો ગહેકી ગહેકીને મારી મોંઘી કરે છે મિરાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

-વિવેક મનહર ટેલર
(૩૧-૦૫-૨૦૦૯)

*

P5158157

ફાડિયાં

PB012865

(જળપ્રપાત….           …..વિલ્ડરનેસ્ટ રિસૉર્ટ, સ્વપ્નગંધા વેલી, ગોવા, ઓક્ટો. ‘૦૮)

*

મારું-તારું,
તારું-મારું વાવીને
જે ઝાડ ઉગાડ્યું હતું
તે
આપણું હતું
ને આપણું જ રહેવાનું હતું
જો અધિકારની કુહાડીએ
એના
બે

ભાં
ફાડિયાં ન કરી નાંખ્યા હોત તો !

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૩-૨૦૦૯)