હરીફાઈ

support
(ટેકો….              ….મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

એ નાનો હતો
ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
ગાડીમાં આગળ
મારી બાજુની સીટ પર બેસતી.
એ થોડો મોટો થયો
એટલે અમે એને પાછળની સીટ પર
-આખી સીટ તારા એકલાની-
કહી બેસાડતાં હતાં.
પણ થોડો વધુ મોટો થયો
ત્યારે એણે જબરદસ્તીથી
મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
અને પોતે આગળ.
કારણ કંઈ નહીં.
આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
અમને લાગ્યું
કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
અથવા
બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
એક દિવસ બપોરે
એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
દબાઈને સૂઈ ગયો
અને મારા ગાલ ખેંચ્યા-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

એકલતા


(સુખનો ચહેરો….            …સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

.

રાત્રે
ઊંઘમાંથી ઊઠીને
એ બૂમ પાડે-
મમ્મી… પપ્પા…
અને રડવા માંડે.
જાગી જઈને
ક્યારેક હું
તો ક્યારેક એની મમ્મી એને પૂછે-
શું થયું, બેટા ?
એ બોલે નહીં
બસ, હીબક્યા કરે.
અંતે ક્યાં તો
હું એની પથારીમાં જઈને સૂઈ જાઉં
કે મમ્મી એને અમારી પાસે બોલાવી લે.
આ રોજનો નિયમ.
સવારે પૂછીએ તો કહે
કે મને ડર લાગે એવાં સપનાં આવે છે.
અમે કાર્ટૂન ચેનલ્સના માથે દોષનો ટોપલો ઢોળી દઈએ-
સાલાઓ… ટી.વી. પર શું શું બતાવ્યા કરે છે આખો દહાડો…
પછી
અમે એને સાથે સુવાડવાનું શરૂ કર્યું.
સમ ખાવા પૂરતો ય

એક પણ રાત્રે
કદી અધવચ્ચે જાગ્યો જ નહીં.
કાર્ટૂન્સ જોવાનું તો
એણે હજી છોડ્યું જ નહોતું.

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

ફફડતું રહે છે…

PB134857
(જરઠ ઝાડ…                      …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૪-૨૦૦૮)

(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)

તને ચાલશે ?

P6020342
(દમણના દરિયે…                          …૦૩-૦૬-૨૦૦૬)

*

મારી વેદનાનો રણઝણતો સાગર
એક આંસુમાં આપીશ
– તને ચાલશે ?

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

વયસ્ક

The glory of Taj

(મૂર્ત પ્રેમ….                               ….તાજ, આગ્રા, મે-૨૦૦૫)

બપોરે
અમને બંનેને
પોતાના નાનકડા ખોળામાં ઢબૂરી
અમારા બંનેના માથા પર
ક્યાંય સુધી
પોતાના નાના-નાના હાથ
પસવાર્યા કર્યા પછી
અમારો દીકરો બોલ્યો-
‘તમે બંને મારા નાનાં-નાનાં બેબી છો’.
સવારે જ એણે
મમ્મીને પૂછ્યું હતું,
‘કાલે પપ્પાએ તને કેમ માર્યું હતું?’

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૫-૨૦૦૮)