પડ્યે રાખે જો એકધારો

ગોરંભો…. મંદાકિની કુંડ, અચલગઢ પરથી, આબુ, જુલાઈ ૨૦૨૬

પડ્યે રાખે જો એકધારો
ચાતકની પ્યાસ અને તરસ્યાની આશ સમો મેઘોય તો લાગે ગોઝારો…

અર્થહીનદળકટકબનીજાયસઘળુંજોકાઢીલોવચ્ચેથીઅવકાશ,
શબ્દો કે સગપણ કે ઇચ્છા કે ફોરાં – ખાય પોરો તો જ વર્તાશે હાશ!
શ્વાસમાંય ઉચ્છવાસનો અવકાશ ન હોય તો એય થઈ જાશે મૂંઝારો. .
પછી દીસે ના આરો-ઓવારો…

અટકે તો મેઘ; નહીં અટકે તો મેઘ નહીં, ડૂમા ને ડૂસકાં છે રોકડાં,
પાણી મપાઈ જશે, માપવા જો જઈશ તું પીડાના ઇંચ અને દોકડા;
માટીના માટી ફેર માટી થઈ જાશે ને માટી ખુદ દેશે દેકારો-
લ્યા! તું તો સધિયારો કે હત્યારો?

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૭-૨૦૨૬)

ધુબાકા…… …અચલગઢ ચઢતાં, આબુ, જુલાઈ – ૨૦૨૬

24 thoughts on “પડ્યે રાખે જો એકધારો

      • સરસ રચના..🌹🌹 પરંતુ ચોથી પંક્તિમાં.. કે કે બે વખત પ્રયોજવાનું કારણ ના સમજાણું…કવિ શ્રી..

        • @ દિલીપ ધોળકિયા શ્યામ

          બે વાર કે લખાયા છે એ ટાઇપિંગની ક્ષતિ છે. સુધારી લીધું. ધ્યાન દોરવા બદલ અને રચનાને વધાવવા બદલ આભાર

  1. વાહ! ભાવકોએ પણ આબુપર્વત તિર્થોની યાત્રા માણી. ફોટા અને રચનાએ તો વરસાદી ટાઢક આપી. ધુબાકા, ગોરંભો પ્રયોગ ગમ્યો. એકધારો તો એવ્યો હત્યારો જ લાગે. “જે પોષતું તે મારતું” એવુંસ્તો. કવિ વિવેક મનહર ટેલર કવિતા આપે કે આસ્વાદ કરાવે ઑલવેઝ મનહર જ હોય. એમના લયસ્તરોનો હું નશેડી છું. લયસ્તરોનો ઋણી છું. કાવ્યાનંદ 😊

    • @ ભગીરથ પંડ્યા:

      ફોટા અને રચના – ઉભયને બિરદાવવા બદલ દિલથી આભારી છું. લયસ્તરો માટે પણ અલગથી આભાર

  2. સરસ ગીત.. ગમ્યું.

    વચ્ચેની સ્પેસ કાઢી પ્રેક્ટિકલ બતાવી દીધું … વાહ..

    • @ લતા હિરાણી:

      આપની બાજનજરે આ કરામત ચડી એનો ખૂબ ખૂબ આનંદ

      હૃદયપૂર્વક આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *