તું નાસીપાસ રહે એ મને નથી ગમતું

તું નાસીપાસ રહે એ મને નથી ગમતું…. ….સામાન્ય કલકલિયો, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫

૧૧-૧૧-૨૦૨૨ના દિવસે અડધી લખેલી ગઝલ ત્રણ વરસ પછી ૨૪-૧૦-૨૦૨૫ના રોજ પૂરી કરી – તમે ઉદાસ રહો એ મને નથી ગમતું… પણ ‘રહો’ રદીફ રહી રહીને ‘રહે’ પોકારતી હતી, એટલે એ ગઝલ રદ કરીને એકાદ-બે નવા શેર સાથે આ નવી ગઝલ. આપને કઈ ગઝલ ગમી? મૂળ ગઝલ કે આ નવ્યસંસ્કરણ? કમેન્ટમાં અવશ્ય જણાવજો…

તું નાસીપાસ રહે એ મને નથી ગમતું,
સતત ઉદાસ રહે એ મને નથી ગમતું.

ઉદાસ રહે ભલે, કિંતુ ઉદાસ હાલતમાં
તું આસપાસ રહે એ મને નથી ગમતું.

મને ગમે જ છે તું આસપાસ હો એ, પણ
હા, બારેમાસ રહે એ મને નથી ગમતું.

અમાસ છે તો આ સૌ તારલા બુઝાવી દો…
લગીર ઉજાસ રહે એ મને નથી ગમતું.

તરત પરત જવા દેવાનું રુચે કેમ ભલા?
તું થઈને શ્વાસ રહે એ મને નથી ગમતું.

હો ફક્ત આવજા ગંતવ્ય એવો શ્વાસ સમો
અદિશ પ્રવાસ રહે એ મને નથી ગમતું

ગઝલમાં આવે છે તો આવ અર્થ થઈ, કેવળ
બનીને પ્રાસ રહે એ મને નથી ગમતું.

– વિવેક મનહર ટેલર
(૨૦-૧૧-૨૦૨૫)

ભલેને તેં મને દિલની નજીક રાખ્યો નથી,
બીજાની ખાસ રહે એ મને નથી ગમતું.

– આ શેર તો બિલકુલ અનાયાસ ને આપોઆપ જ સ્ફૂરી આવ્યો… પણ લખ્યા પછી ખ્યાલ આવ્યો કે ‘તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી’ ગીતના દૃઢીભૂત સંસ્કારનું જ એ ફરજંદ હોવાની શક્યતા નકારી ન શકાય. એટલે ગઝલના નવોન્મેષ સમયે એ શેર ગઝલમાંથી દૂર કર્યો છે.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને… ….સામાન્ય કલકલિયો, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫

22 thoughts on “તું નાસીપાસ રહે એ મને નથી ગમતું

  1. તું થઈને શ્વાસ રહે એ મને નથી ગમતું. ??
    reflects negative feeling ..

    • @શરદ શેઠઃ

      પહેલા મિસરામાં એનો જવાબ છે જ… શ્વાસ ગમે એટલા કિંમતી અને અનિવાર્ય કેમ ન હોય, લઈએ એટલે તરત પરત છોડવા જ પડે… પ્રિયજન આવીને તરત પરત ચાલ્યા જાય એ ન ગમતું હોવાની વાત છે. નકારાત્મક લાગણી નથી…

      આશા છે કે હું વાતને સ્પષ્ટ કરી શક્યો હોઈશ…

      ખૂબ ખૂબ આભાર

  2. વાહ.. સરસ ગઝલ છે. બીજો શેર વાંચીને કવિ ભાવેશ.ભટ્ટનો એક શેર યાદ આવ્યો
    કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
    થાય તો મારી આસપાસ ન થાય.

  3. છેલ્લો શેર ઉત્તમ છે.પણ રદ કર્યો એ પણ સારો જ છે
    કોઇક ગીત ગઝલ ની છાયા દેખાય તેથી મહત્વ ઓછું
    થતું નથી.

  4. ઉદાસ રહે ભલે, કિંતુ ઉદાસ હાલતમાં
    તું આસપાસ રહે એ મને નથી ગમતું. Uff ! ( virodhabhas pan ketalo ? Mane nathi gamtu )
    – વિવેક મનહર ટેલર
    (૨૦-૧૧-૨૦૨૫)

Leave a Reply to Girish Sharma Cancel reply

Your email address will not be published. Required fields are marked *