
(એકલવીર…. … Red-rumped Swallow, Achalgadh, Abu, July 2026)
હું યુગયુગોથી છું શાંત સાવ જ, સતત ભીતર તો શું ખળભળે છે?
મળે જો જળમાં તો ઠીક આ તો બરફની વચ્ચે વમળ મળે છે.
કયો ગુનો છે? સજા છે શેની? આ દિલ શા કારણથી ટળવળે છે?
સજાય કેવી અજબ છે આ કે હૃદયને એથી જ કળ વળે છે.
તમે નજર ફેરવી એ પળમાં, પ્રબળ મનોરથ સકળ ચળે છે.
આ મારું હૈયું પળોમાં એવી, હો આંખ છો ને સજળ, બળે છે!
ગઝલ પધારી કઈ દિશાથી ને શી રીતે એ સકળ કળે છે,
રહસ્ય લાધ્યું, જે પળ એ લાગ્યું, સમજજો તમને એ પળ છળે છે.
મેં કોરા કાગળનું પેટ ચીરી, કરી નજર જ્યાં જરાક ભીતર,
ન કલ્પી હો એ તમામ ઇચ્છા ફૂટી નીકળવાને સળવળે છે.
કહાણી સૌ સગપણોની એક જ- બધું સરસ છે શરૂ શરૂમાં,
પછીથી એમાં જરાક શંકા, અહમ, અપેક્ષા, કે છળ ભળે છે.
નવાઈ! માનવ હજી ન સમજ્યો, ફળે તો કેવળ ફળે છે હાથ જ,
ન કોઈ રેખા, ન કોઈ કિસ્મત; ન કંકુ, ચોખા, શ્રીફળ ફળે છે.
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૪-૨૦૨૬)

(થોડું વિટામીન ડી લઉં કે?…. … રેડ વેન્ટેડ બુલબુલ, અચલગઢ, આબુ, જુલાઈ ૨૦૨૬)
વાહ સર
બે કાફીયા અને પણ આટલી સહજતાથી નિભાવ્યા છે, ખરેખર સરસ ગઝલ સર
ખૂબ ખૂબ અભિનંદન.
@ DILIPKUMAR CHAVDA
સરસ મજાના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર….
સરસ
@ Chavada Kalpesh
ખૂબ ખૂબ આભાર
વાહહહહ. ઉમદા ગઝલ.
@ યોગેશ સામાણીઃ
હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર
“નવાઈ! માનવ હજી ન સમજ્યો, ફળે તો કેવળ ફળે છે હાથ જ;
ન કોઈ રેખા, ન કોઈ કિસ્મત; ન કંકુ, ચોખા, શ્રીફળ ફળે છે.”
આ શેર તો આખી ગઝલનો મર્મ કહી જાય છે. કિસ્મતની રેખાઓ, માન્યતાઓ કે આશ્રિત અપેક્ષાઓ કરતાં પોતાના હાથનું કર્મ જ અંતે ફળ આપે છે—આ વિચાર ખૂબ જ અસરકારક રીતે આવ્યો છે. અને બે કાફિયાની આ ગઝલમાં કાફિયાની આટલી કડક શરતને જાળવીને પણ ક્યાંય કૃત્રિમતા ન લાગે, એ ખરેખર કવિની કલમની સિદ્ધિ છે. કાફિયાની રમત સાથે સાથે વિચારની ઊંડાઈ પણ યાદ રહી જાય એવી છે. વિવેકભાઈ, દિલથી દાદ અને ખૂબ ખૂબ અભિનંદન. 👏🌹
@ જાનકી અધ્વર્યુ:
વીજળીના ચમકારાની જેમ એક વિચાર મનમાં ઝબૂકે અને શેરના તાંતણે પરોવીએ એ પળે મનમાં વિચાર આવે, કે આ ગઝલમાં આવું કંઈક અલગ કરી શકાવાની ગુંજાયેશ છે… અને પછી વર્ષોનો કસબ કામે લગડતાં સર્જન સંપન્ન થાય, પણ મનમાં તો એ જ વિચાર હોય, કે મેં તો જે કરવાપાત્ર હતું એ કરી દીધું. મરો ભાવક પણ અહીં સુધી પહોંચશે કે કેમ?
જ્યારે આપ જેવા મિત્રોનો આવો સંતર્પક પ્રતિભાવ સાંપડે ત્યારે સંતુષ્ટિનો ઓડકાર આવે… મરીઝે કદાચ તમારા જેવા કાવ્યપ્રેમીઓ માટે જ કહ્યું હતું: આ ચાર-પાંચ જે મારો કમાલ સમજે છે.
રચનાના હાર્દ સુધી પહોંચવા બદલ ખૂબ ખૂબ આભાર
આભાર સાહેબ🌹
🙂
કવિતા બહુજ સુંદર છે…ફરી ફરી વાંચી… પણ આખી જિંદગી chemistry ની ભાષા વાંચતા વાંચતા ઘણાં બધા શબ્દો ઉપરથી નીકળી ગયા… કાફિયા…ખબર ન પડી…આખી દુનિયામાં જાઓ chemistry ની ભાષા એક fix છે, દુનિયામાં માં ગમે ત્યાં જઈએ, સામે વાળો કોઈ પણ ભાષા ના હોય , કોઈ પણ દેશ નો હોય, પણ તરત સમજી જાય…આવીજ કોઈ કાવ્ય ની ભાષા હોવી જોઈએ…
તમે મુંબઈ અમારે ઘરે આવ વા નું પ્રોમિસ આપેલુ… પાંચેક વર્ષ થી રાહ જોઈએ છીએ…
કવિતા બહુજ સુંદર છે…ફરી ફરી વાંચી… પણ આખી જિંદગી chemistry ની ભાષા વાંચતા વાંચતા ઘણાં બધા શબ્દો ઉપરથી નીકળી ગયા… કાફિયા…ખબર ન પડી…આખી દુનિયામાં જાઓ chemistry ની ભાષા એક fix છે, દુનિયામાં માં ગમે ત્યાં જઈએ, સામે વાળો કોઈ પણ ભાષા ના હોય , કોઈ પણ દેશ નો હોય, પણ તરત સમજી જાય…આવીજ કોઈ કાવ્ય ની ભાષા હોવી જોઈએ…
તમે મુંબઈ અમારે ઘરે આવ વા નું પ્રોમિસ આપેલુ… પાંચેક વર્ષ થી રાહ જોઈએ છીએ…
વાહ ખૂબ સરસ. છેલ્લો શેર ખૂબ માર્મિક. ફળે તો કેવળ ફળે છે હાથ જ
પક્ષીનું ચિત્ર અને લખાણ 👌👍
@ મીના પારેખ
ખૂબ ખૂબ આભાર
વાહ! ખૂબ જ સરસ. છેલ્લો શેર ખરેખર સુંદર, અર્થપૂર્ણ. 👏🏻
@ ખૂબ ખૂબ આભાર અનામી મિત્ર
Wow! What an extraordinary Ghazal! The rhythm, the depth, the vocabulary—a true treat for poetry lovers. Every line is a masterpiece, but ‘કોરા કાગળનું પેટ ચીરી’ completely stole my heart. You have brought out such raw and profound emotions so effortlessly. 👌👌
@ Jyoti Patel:
Your in-depth perception and understanding of finer nuances of each and every poem are truly amazing and deeply appreciated. Thank you so much for such a heartfelt response and generous appreciation. I feel truly honoured.
ખૂબ સરસ ગઝલ. બે કાફિયા, માત્ર પ્રયોગ બનીને રહી જવાને બદલે અર્થનિષ્પત્તિમાં પણ સફળ છે.કિસ્મતની રેખાઓ કરતાં પોતાના હાથના કર્મને મહત્ત્વ આપતી વાત ખૂબ અસરકારક છે. આખી ગઝલ વાંચ્યા પછી એવું લાગે છે કે બહારથી શાંત દેખાતા માણસની અંદર કેટલી બધી નદીઓ સતત વહેતી હોય છે. સુંદર ભાવ અને અર્થસભર રજૂઆત.
@ હિમાદ્રી દવે.
સમય ફાળવીને બે શબ્દ લખનાર મિત્રોને મળવાનું થાય ત્યારે સવિશેષ આનંદ થાય. ગઝલને આટલી સૂક્ષ્મતાથી વાંચીને એના કાફિયા, અર્થનિષ્પત્તિ અને અંતરપ્રવાહને પકડી પાડ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને ‘બહારથી શાંત દેખાતા માણસની અંદર સતત વહેતી નદીઓ’—તમારી આ અભિવ્યક્તિતો દિલને સ્પર્શી ગઈ. એક સર્જક માટે આનાથી વધુ આનંદની વાત બીજી કઈ હોય! આપના સ્નેહ અને સહૃદય પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર. 🙏
વાહ વિવેકભાઈ ખૂબ સુંદર ગઝલ કહી છે, પાંચમો શેર કાબિલે દાદ, અભિનંદન કવિ.
@ Dinesh Dongre
આ બિરદામણી બદલ દિલથી આભારી છું
વાહ…
@જિગીષા દેસાઈ:
ખૂબ ખૂબ આભાર
Wah…kya khub!
@ રચના શાહ:
ખૂબ ખૂબ આભાર
વાહ… બીજો અને ત્રીજો શેર બેધારી તલવાર જેવો છે.
હુકમના એક્કા જેવી ગઝલ.
@ માના વ્યાસઃ
ટિપ્પણી ગમી ગઈ.
દિલથી આભાર..
વાહ વાહ માર્મિક સચોટ તથ્ય વાળી બેધારી તલવાર જેવી ઉમદા ગઝલ !! ગમી ગઈ.
@ રેખા શુક્લ:
સરસ પ્રતિભાવ આપવા બદલ હૃદયપૂર્વક આભાર
Very nice 👍🌹🙏
@ Suresh Parmar
ખૂબ ખૂબ આભાર
સરસ રચના.. દ્વિકાફીયા ગઝલમાં.. કાફિયા રદ્દીફનું સાયુજ્ય જળવાયું છે. અભિનંદન🌹🌹🎉🎉
@ દિલીપ ધોળકિયા શ્યામ:
સહૃદય પ્રતિભાવ પાઠવવા બદલ હૃદયપૂર્વક આભાર
ખૂબ જ સુંદર
@ મેહુલ ભટ્ટ:
ખૂબ ખૂબ આભાર
સાદ્યંત સુંદર ગઝલ.
એમાં પણ મત્લાનો શેર તો અદ્દભૂત.
અંતિમ શેરમાં વાત કર્મની હોવા છતાં કહેવાની રીત કાબિલેતારીફ.
@ કમલેશ શુક્લ:
મજાની ટિપ્પણી કરવા બદલ દિલી આભાર
મોજ સાહેબ👌
આભાર અનામી મિત્ર….
બે કાફીયા નિભાવવા અને એ પણ સચોટ રીતે તે કવિ ની શબ્દ સમ્રૃધ્ધી દર્શાવે છે ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ
@ રાજેન્દ્ર ભટ્ટ:
તુષ્ટિકર ટિપ્પણી બદલ દિલથી આભારી છું
બે કાફિયાવાળી રૂપાળી થઇ. આઈસબર્ગ જેવો માણસ. કળાય નહીં. અન્ડરકરંટમાં શું સળવળે છે? શું ખળભળે છે? કંઈ કેવાય નહીં. ત્યારે કવિ ભીતરનો સ્પર્શ કરાવે છે. મતલાનો શૅર જોરદાર. અપના હાથ જગન્નાથ. ના રેખા, કંકુ, ચોખા કે શ્રીફળ. ફળે છે તો બસ હાથ. એક્સલેન્ટ. વિવેકભાઈ, અભિનંદન.
@ ભગીરથ પંડ્યા:
અરે વાહ! કેવી સરસ ટિપ્પણી… મજા આવી ગઈ…
ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર ગઝલ!
કાફિયા પ્રયોજન ઉત્તમ!👌👌
@ રીના પરીખ:
ખૂબ ખૂબ આભાર
વાહ, ખૂબ સરસ, બે કાફિયાની ગઝલ નિભાવવી થોડી અઘરી તો છે, આપે ખૂબ સરસ રીતે નિભાવી…. અભિનંદન
@ રાજુ નાગર ‘સલિલ’ :
મિત્રોને મોજ પડી એની મોજ છે..
ખૂબ ખૂબ આભાર
વાહ…મજાની ગઝલ💐👌🏻👍🏻
@ રમેશ મારુ:
ખૂબ ખૂબ આભાર
વાહ, વિવેકભાઈ, ખૂબ ખૂબ સુંદર ગઝલ કહી… 👌👌👌દ્વિકાફિયા ગઝલમાં પણ આટલા સ્વાભાવિક રીતે આવતા કાફિયા સાથે ચાર-ચાર તો મત્લાના શેર છે અને તે પણ એક-એકથી ચડિયાતા… ખૂબ સુંદર કવિકર્મ થયું છે…
“સતત ભીતર તો શું ખળભળે છે?” થી શરૂઆત કરીને અંતમાં “ફળે તો કેવળ હાથ જ ફળે છે”..
અર્થાત્, શરૂઆતનું અંતરમંથન અંતે જીવનદર્શન બની જાય છે.એ જ આ ગઝલને માત્ર ભાવગઝલ ન રહેવા દેતાં વિચારગઝલ પણ બનાવે છે.
ગઝલના રહસ્યવાળો શેર, કોરા કાગળનું પેટ ચીરવાનું કલ્પન, છેલ્લા શેરમાં કર્મનો મહિમા… ખૂબ સરસ શેર થયા છે… બરફમાં વમળનું કલ્પન પણ.. 👌ક્યા બાત.. બરફ એટલે સ્થિરતા, એમાં વમળ એટલે અસ્થિરતા, ખળભળાટ…. દરેક શેર ઉમદા થયા છે…
સઘન સાધના પછી જ આવી ગઝલો અવતરી શકે..
ફરીથી ખૂબ ખૂબ અભિનંદન 💐
@Rashmi Agnihotri:
ગઝલને આટલી આત્મીયતા અને સૂક્ષ્મતાથી વાંચીને તમે જે રીતે તેના અંતસ્તત્ત્વને ઉઘાડ્યું છે, એ મારા માટે આ ગઝલ જેટલું જ આનંદદાયક છે. ખાસ કરીને આપના “અંતરમંથનથી જીવનદર્શન”ની ટિપ્પણીએ તો મને મારી જ ગઝલમાંથી પુનઃ પસાર થવાનો આહ્લાદ અપાવ્યો..
ખૂબ ખૂબ આભાર
આ ગઝલનું કેન્દ્ર ‘ભીતરની ખળભળાટ’ છે. બહારથી શાંત માણસની અંદર શું ચાલી રહ્યું છે, એ પ્રશ્નથી ગઝલ શરૂ થાય છે અને અંતે વાત કર્મ સુધી પહોંચે છે.
એટલે ગઝલ એક જ ભાવ પર અટકતી નથી.
અંતરમંથન , પ્રેમની વ્યથા , સર્જન , સંબંધો અને જીવનદર્શન ..આમ ક્રમશઃ વિસ્તરતી જાય છે.
૧. “બરફની વચ્ચે વમળ”
આ આખી ગઝલનું સૌથી અનોખું કલ્પન !
વમળ જળમાં હોય એ સ્વાભાવિક છે. પરંતુ બરફમાં વમળ..આ અશક્ય લાગતું ચિત્ર જ શેરની તાકાત છે. બરફ = સ્થિરતા અને વમળ = અશાંતિ
અર્થાત્, સ્થિરતાની અંદર જ અસ્થિરતા.
બહારથી શાંત, અંદરની ઉથલપાથલ…આ આખી ગઝલનું બીજ અહીં જ છે.
૨.
સજાય કેવી અજબ છે આ કે હૃદયને એથી જ કળ વળે છે.
અહીં પીડા અને શીખ એક થઈ જાય છે. જે અનુભવ સજા જેવો લાગે છે, એ જ અંતે હૃદયને કળ વાળે છે, સમજણ આપે છે, ઘડે છે.
આ શેરમાં જીવનનું એક ખૂબ મોટું સત્ય છે.
કેટલીક પીડાઓમાંથી પસાર થયા વિના પરિપક્વતા આવતી નથી.
૩.
તમે નજર ફેરવી એ પળમાં, પ્રબળ મનોરથ સકળ ચળે છે.
‘નજર ફેરવવી’નો સામાન્ય અર્થ અહીં ખૂબ રસપ્રદ રીતે વપરાયો છે. પ્રિય વ્યક્તિ નજર કરે કે નજર ફેરવે..એટલી નાની ઘટના પણ મનના બધા મનોરથોને હલાવી દે છે. અને પછી..
હો આંખ છો ને સજળ, બળે છે!
આંખ સજળ છે અને હૈયું બળે છે.
પાણી અને અગ્નિ, બે વિરુદ્ધ તત્ત્વો એક જ ક્ષણે ઉપસ્થિત થાય છે. આ વિરોધાભાસ .. ક્યા બાત!
૪.
ગઝલ પધારી કઈ દિશાથી ને શી રીતે એ સકળ કળે છે,
રહસ્ય લાધ્યું, જે પળ એ લાગ્યું, સમજજો તમને એ પળ છળે છે.
આ શેર મને ખાસ ગમે છે, કારણ કે અહીં કવિ ગઝલ લખતા નથી, ગઝલ જાણે કવિ પાસે ‘પધારે’ છે.સર્જન ક્યાંથી આવે છે? કેવી રીતે આવે છે? તેનો ચોક્કસ જવાબ કવિ પાસે નથી.
અને સૌથી સુંદર વાત..
“રહસ્ય લાધ્યું” એવું લાગે એ જ ક્ષણે એ સમજણ ખોટી સાબિત થાય છે. સર્જનનું રહસ્ય સમજાઈ ગયું એવું માનવું પણ એક પ્રકારનો ભ્રમ છે.
૫.
મેં કોરા કાગળનું પેટ ચીરી, કરી નજર જ્યાં જરાક ભીતર…
આ ખૂબ જ સુંદર કલ્પના છે. કોરો કાગળ ખાલી નથી. એની અંદર અજાણી ઇચ્છાઓ, કલ્પનાઓ, સપનાંઓ અને શબ્દો ગર્ભિત છે.
કવિ માત્ર “જરાક ભીતર” જુએ છે અને
ન કલ્પી હો એ તમામ ઇચ્છા ફૂટી નીકળવાને સળવળે છે.
અહીં કાગળ જાણે ગર્ભાશય બની જાય છે અને કવિતા જન્મ લેવાની રાહ જુએ છે. વાહ.. આપણા કવિ તો પાછા તબીબ ય ખરા ને!
આ શેર કવિની સર્જનપ્રક્રિયા અંગે પણ ખૂબ સુંદર આત્મકથન બની જાય છે.
૬.
બધું સરસ છે શરૂ શરૂમાં,
પછીથી એમાં જરાક શંકા, અહમ, અપેક્ષા, કે છળ ભળે છે.
અહીં ગઝલ વ્યક્તિગત અનુભવમાંથી બહાર આવીને સામાજિક બની જાય છે. આ ‘જરાક’ શબ્દ ખૂબ અસરકારક છે.સંબંધોને હંમેશાં મોટી ભૂલ તોડતી નથી.ક્યારેક માત્ર થોડો અહમ, થોડી શંકા, થોડી અપેક્ષા અને થોડુંક છળ પૂરતું હોય છે.
૭. અંતિમ શેર આખી ગઝલને એક દાર્શનિક અંતિમ વળાંક આપે છે.
‘હાથ’ અહીં માત્ર શરીરનું અંગ નથી, પુરુષાર્થનું પ્રતીક છે. હસ્તરેખા નહીં, કિસ્મત નહીં, શુભવિધિના પ્રતીકો નહીં,..ફળે છે તો માણસનો હાથ, એટલે કે તેનું કર્મ.. અહીં “કંકુ, ચોખા, શ્રીફળ”નો ઉલ્લેખ શેરને આપણી ભારતીય સંસ્કૃતિની ધરતી સાથે જોડે છે. શુભ પ્રતીકો પોતાની જગ્યાએ છે, પરંતુ જીવનનું પરિણામ અંતે માનવીના કર્મથી જ આવે છે, આ અંતિમ વિચાર ખૂબ ચોટદાર છે.
એક ખૂબ સુંદર રચનાત્મક બાબત
આ ગઝલમાં ‘વમળ મળે છે / ટળવળે છે / કળ વળે છે / સકળ ચળે છે / સજળ બળે છે / સકળ કળે છે / પળ છળે છે / સળવળે છે / છળ ભળે છે / હાથ ફળે છે / શ્રીફળ ફળે છે’
આ માત્ર કાફિયાની રમત નથી. દરેક કાફિયા સાથે ભાવ પણ બદલાય છે.
ક્યાંક મન વમળાય છે, ક્યાંક દિલ ટળવળે છે, ક્યાંક હૈયું બળે છે, ક્યાંક ઇચ્છા સળવળે છે, સંબંધોમાં છળ ભળે છે અને અંતે હાથ ફળે છે.
એટલે આખી ગઝલમાં એક પ્રકારની અંદરની સતત ચળવળ અનુભવાય છે.
ફરીથી કવિ શ્રી વિવેકભાઈને ખૂબ ખૂબ અભિનંદન 💐 🙏
@Rashmi Agnihotri :
આપની ટિપ્પણી વાંચીને એનો જવાબ આપ્યો ત્યાં તો નીચે આ આસ્વાદ પણ! સોનામાં સુગંધ જેવું થયું. વાહ… આ રીતે અને આટલું ઝીણવટભરી નજરે કોઈ સર્જનને જુએ ત્યારે સાચા અર્થમાં સિસૃક્ષા સાફલ્યને વરી હોય એવું લાગે. આપે જે રીતે આખી ગઝલના તમામ શેરનું વિશદ પૃથક્કરણ કરી આપ્યું છે, એ મારે મન કોઈ કિંમતી પુરસ્કારથી જરાય ઓછું નથી. આજના સમયમાં કોઈ સર્જકમિત્ર તમારા માટે આટલો સમય ફાળવે એ જ અહોભાગ્ય ગણાય…
ખૂબ ખૂબ આભાર
સરસ્
આભાર અનામી મિત્ર
વાહ…! ખૂબ સરસ મજાની વાત… સુંદર રચના..😍
@ રચના:
ખૂબ ખૂબ આભાર
અહા..શેરે શેરે ચોટ.. બંને કાફિયા ખૂબ સરસ નિભાવ્યા છે.. સુંદર ગઝલ
@ નીરજા પારેખ:
સુંદર ટિપ્પણી કરવા બદલ ખૂબ ખૂબ આભાર…
વાહ ખુબજ સુંદર ગઝલ, દરેક વ્યક્તિઓ પોતાના અનુભવવો, કલ્પનાઓ કે ધારણાઓ ના વિચારોના વમળ માં ઘેરાયેલો હોય છે પણ એને આમ ખૂબ જ સુંદર શબ્દો ની ગોઠવણ ગઝલ રૂપે આપણી સમક્ષ પ્રસ્તુત કરવું અને એ પણ ભાવકને સમજાય એવું અને ભાવકને પોતાનુજ લાગવું એ લખવું કંઈ સહેલું નથી.
કેટલું સુંદર કે સતત ભીતર તો શું ખળભળે છે ? બરફ ની વચ્ચે વમળ મળે છે, સજાય કેવી અજબ છે..હૃદયને એથી જ કળ વળે છે અને નજર ફેરવી એ પળમાં.. હો આંખ છો ને સજળ બળે છે (વમળ)..અને પછી ગઝલ વાહ..
કોરા કાગળ નું પેટ ચીરી તમામ ઇચ્છાઓ ફૂટી નીકળવા સળવળે છે..ખૂબ સરસ..
અને કહાણી સૌ સગપણોની શરૂઆતમાં બધું સારું પછી ખરો પરિચય..સાચી વાત
અને છેલ્લે માનવ હજી નથી સમજતો કે ફળે છે તો કેવળ પોતાના હાથે કરેલા સારા કર્મો..
ખૂબ જ સરસ વિવેક પૂર્વક સુંદર શબ્દોમાં રચાયેલ રચના અમને પીરસવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન..😊💐
વાહ ખુબજ સુંદર ગઝલ, દરેક વ્યક્તિઓ પોતાના અનુભવવો, કલ્પનાઓ કે ધારણાઓ ના વિચારોના વમળ માં ઘેરાયેલો હોય છે પણ એને આમ ખૂબ જ સુંદર શબ્દો ની ગોઠવણ ગઝલ રૂપે આપણી સમક્ષ પ્રસ્તુત કરવું અને એ પણ ભાવકને સમજાય એવું અને ભાવકને પોતાનુજ લાગવું એ લખવું કંઈ સહેલું નથી.
કેટલું સુંદર કે સતત ભીતર તો શું ખળભળે છે ? બરફ ની વચ્ચે વમળ મળે છે, સજાય કેવી અજબ છે..હૃદયને એથી જ કળ વળે છે અને નજર ફેરવી એ પળમાં.. હો આંખ છો ને સજળ બળે છે (વમળ)..અને પછી ગઝલ વાહ..
કોરા કાગળ નું પેટ ચીરી તમામ ઇચ્છાઓ ફૂટી નીકળવા સળવળે છે..ખૂબ સરસ..
અને કહાણી સૌ સગપણોની શરૂઆતમાં બધું સારું પછી ખરો પરિચય..સાચી વાત
અને છેલ્લે માનવ હજી નથી સમજતો કે ફળે છે તો કેવળ પોતાના હાથે કરેલા સારા કર્મો..
ખૂબ જ સરસ વિવેક પૂર્વક સુંદર શબ્દોમાં રચાયેલ રચના અમને પીરસવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન..😊💐
@મનીષા શાહ:
સમય કાઢીને સવિસ્તર અભિપ્રાય આપવા માટે ખૂબ ખૂબ આભાર…
આનંદ
Poetry is very nice…enjoyed.. but being science student dificult to understand some words…as every subject is having it’s own language…eg, chemistry has it’s own language which anyone in the world can understand… like that poetry should have a such language…
Some words… KAAFIYA..I didn’t understand the meaning…I serch in Google and found out…but I didn’t understand whether it’s use as simple as word only or its symbolic or not…. please explain sir….
JEETU & NAYANA…
Poetry is very nice…enjoyed.. but being science student dificult to understand some words…as every subject is having it’s own language…eg, chemistry has it’s own language which anyone in the world can understand… like that poetry should have a such language…
Some words… KAAFIYA..I didn’t understand the meaning…I serch in Google and found out…but I didn’t understand whether it’s use as simple as word only or its symbolic or not…. please explain sir….
JEETU & NAYANA…
@ JEETU & NAYANA:
વિજ્ઞાનના વિદ્યાર્થી હોવું અને કવિતાની ભાષા ન સમજાવી એ બે સાવ અલગ વાત નહીં? હુંય વિજ્ઞાનનો જ વિદ્યાર્થી છું… મેં MBBS અને પછી MD (Medicine) કર્યું છે.
chemistry has it’s own language which anyone in the world can understand…- આ વાત સાથે કઈ રીતે સહમત થઈ શકાય? રસાયનવિજ્ઞાનની સંજ્ઞા સામાનય માણસ ન જ સમજી શકે. અને એ જ રીતે હું તબીબ છું તો તબીબી સંજ્ઞાઓ પણ સામાન્યજન માટે પહોંચ બહાર જ રહેવાની…
આજે તો ગૂગલ અને એ.આઇ. હાથવગાં છે. કાફિયા એટલે શું એનો જવાબ એક જ સેકન્ડમાં મળી ગયો હોત. કાફિયા એટલે ગઝલના શેરમાં આવતા પ્રાસ. આ ગઝલમાં મળે-બળે-છળે- ફળે-ભળે તેમજ છળ-શ્રીફળ-પળ-સજળ આ બે પ્રકારના કાફિયા છે.
આશા રાખું કે હવે ખ્યાલ આવ્યો હશે
આભાર