હૈયું ફાટ્યું કે પછી વાદળ?

ધુઁઆ ધુઁઆ સા હૈ સમા…. ….સાપુતારા, ઓગસ્ટ ૨૦૨૫

હૈયું ફાટ્યું કે પછી વાદળ?
હૈયામાન ખાતાએ કહ્યું- છે વાત હવે ભયજનક સપાટીથી આગળ.

લીલા સળ સળવળ્યા ડુંગરના માથે
ને રેલા રેલાયા દડદડ;
ડૂબવું કે તરવું એ સમજી ના શક્યું,
હતું પહેલેથી તળ અણઘડ!
હોવાની હોડીમાં છીંડુ પડ્યું, ક્યાંથી ધસમસતાં આવ્યાં આ જળ?

મટકું માર્યું એવી નાનકડી વેળમાં
જળબંબોળ હૈયાનું ગામ,
સામે ચાલીને ઊભ્ભો મોલ હાથ દ્યો
તો પછી દેવું કેમ વૈયાનું નામ?
એક જ નજરમાં જ્યાં સઘળું નિછાવર, ત્યાં જોવું શું આગળ ને પાછળ?

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૨૪/ ૧૦-૦૫-૨૦૨૫)

એકલવીર…. ….હતગઢ, ઓગસ્ટ ૨૦૨૫

58 thoughts on “હૈયું ફાટ્યું કે પછી વાદળ?

  1. વાહ વાહ…પ્રસંશા માટે શબ્દો ઘટે…. હૈયામાન ખાતું? ક્યા બાત હૈ.. નવીન અને અદ્ભુત શબ્દપ્રયોગ… વાહ અને વાહ જ!

  2. વાહ! ડૂબવું કે તરવું એ સમજી શક્યું ના હતુ પહેલેથી તળ અણઘડ ! ખૂબ સરસ વાત કરી!સર! ખૂબ અભિનંદન.

  3. ખૂબ સુંદર કલ્પન અને ભાવવિશ્વ… હૈયામાન વિભાગ તો ભારે ચમકારો.

  4. વાહ ભાઈ વાહ…
    સૂક્ષ્મ ઘટનાને સ રસ રજૂ કરતું મજાનું ગીત.

  5. વાહ… અદ્ભુત મીઠડું ગીત… દરેક પંક્તિએ કોઈક ચમકારો છે… હૈયામાન ખાતાની ચેતવણી… ભયજનક સપાટી… વાહ…. હોવાની હોડીમાં છીંડું પડવું… સામે ચાલીને મોલ ધરી દો પછી વૈયાનો શું વાંક… વાહ કવિ… આ વરસાદમાં તરબતર ન થવાય તો જ નવાઈ!!

  6. હોવાની હોડી
    હૈયાનું ગામ
    અદ્ભુત અલંકારની કલાકારીગરી કરી છે સાહેબ.

  7. હોવાની હોડી,
    હૈયાનું ગામ
    અદ્ભુત અલંકારની કલાકારીગરી કરી છે.

  8. વાહ અદ્ભુત..એક જ નજરમાં સઘળું ન્યોછાવર…કેવો જાદુ હશે એ નજરમાં….હાર્ટ બીટ વધતા… ઉદ્ભવતી લાગણીને આ રીતે વાચા આપવી….જોરદાર

    • @રાકેશ ઠાકર:

      આવા મજાના પ્રતિભાવોની જ તો હંમેશ પ્રતીક્ષા હોય છે
      ખૂબ ખૂબ આભાર

  9. હૈયામાન ખાતાની ભયજનક આગાહી – ગજબ અને એક જ નજર માં સઘળું નિછાવર કયા બાત . આપના ચિત્ર પણ એ ગીત જે જગ્યાએ સ્ફૂર્યું હશે ત્યાં લઈ જતા હોય એમ લાગે છે 🙏એકલવીર ઝાડ ખૂબ સુંદર ક્લિક છે સાહેબ જય હો

    • @બારીન દિક્ષિતઃ

      સુંદર અને અર્થપૂર્ણ પ્રતિભાવ પાઠવવા બદલ આપનો દિલથી આભાર..

      આનંદ…

  10. અરે જોરદાર કલ્પન
    હૈયામાન ખાતાએ વાહ
    મજાની રચના

  11. એક જ નજરમાં જ્યાં સઘળું નિછાવર,
    ત્યાં જોવું શું આગળ ને પાછળ?
    – વિવેક મનહર ટેલર mast 😊

Leave a Reply to રિયાઝ લાંગડા (મહુવા) Cancel reply

Your email address will not be published. Required fields are marked *