જુગ જુગ જીઓ, બતરડી*!

જુગ જુગ જીઓ, બતરડી!
આંખ મીંચીને, હોઠ ભીંચીને લાંબા નખની ધાર કાઢીને એણે કેવી છણકાભઈની ત્વચા લીધી ઊતરડી!

વગર કામનું ફૂગ્ગા જેવું મોંઢું લઈને
જીવ લેતો હો સાજન તો એ જીવતરનો શો અર્થ?
બધી જ વાતને કાયમ માટે સંઘરી રાખી
ફોટા માફક ડિલિટ કરો નહીં તો આ હોવું વ્યર્થ!
મૂંછ મરડી, નજર કરડી કરતો એ તો બેઠો ઊંધો સ્થિર થઈ, પણ અહીં તો ચક્કર ચક્કર ફરે ભમરડી.
જુગ જુગ જીઓ, બતરડી!

છણકાભઈ તો ભારે છે ભઈ! જરી પડ્યો ઘસરકો એમાં
જનમ જનમના સણકાભઈ તેડાવ્યા,
કાચા ક્યાં છે બતરડીબઈ પણ, આંખ મીંચકતા, બાંહોમાં લેતા,
ચુમ્મીબઈના ઇમોજી રેલાવ્યા,
ખાધું, પીધું ને રાજ કીધું એમ આખી વાતનો અંત આવ્યો જ્યાં બેઉ જણાએ એકમેકને ભેટવા મૂકી ગબરડી.
જુગ જુગ જીઓ, બતરડી!

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૩-૨૦૨૫)

*બતરડી= શબ્દકોશના દરવાજે ‘બતરડી’ના અર્થ માટે ટકોરા મારશો તો. ‘ઝાંઝ નામનું વાદ્ય’ એવો અર્થ દરવાજો ઉઘાડશે, પણ દક્ષિણ ગુજરાતના તળપ્રદેશમાં ‘બતરડી’ શબ્દનો અર્થ “કોઈની ઉપર (મોટાભાગે નાના બાળક ઉપર) અચાનક ખૂબ જ વહાલ ઉભરાવું’ એવો થાય… નાના બાળકો કે પ્રિયપાત્ર પર આકસ્મિક વહાલનો ઉભરો આવતાં મીઠું બચકું ભરી લેવું, ચૂંટિયો ખણવો કે આલિંગનમાં લએ દબાવી દેવું એને બતરડી આવી ગઈ એમ કહેવાય છે. ગુણવંત શાહના લઘુકાવ્યનો એક અંશ: ‘સાધના એ કંઈ હોઠ પીસીને/કે બતરડી કાઢીને/બૂહાની માફક મંડી પડવાની/કસરત નથી.’

ક્લોઝ અપ…. …ગ્રેટર રોડરનર, મુઆબ, અમેરિકા, 2024

42 thoughts on “જુગ જુગ જીઓ, બતરડી*!

  1. એકમેકને ભેટવા મૂકી ગબરડી.
    જુગ જુગ જીઓ, બતરડી!
    – વિવેક મનહર ટેલર – Aaha !

    Batradi naya shab jaan ne mila sir ji 🙏🏻😊

  2. આ તો માત્ર શબ્દોનું નહીં પણ મજાના સંવેદનોનું પણ સંરક્ષણ અને સંવર્ધન! ઘણું જીવો આ જવાબદારી અને એનો આનંદ!💐🙏🏻

  3. વાહ!બતરડી શબ્દ પહેલીવાર સાંભળ્યો અને એનો અર્થ કાવ્યના સંદર્ભમાં સરસ સમજાવ્યો.

  4. નવો શબ્દ નવા અર્થ અને ઈમોજી અને ફોટા ડિલીટ ના ઓપ્શન વાળા કાવ્ય સંદર્ભો ! જય હો વિવેક સાહેબ બતરડી કા જવાબ નહીં !

  5. બતરડી શબ્દ સાવ અજાણ્યો હતો તેને અમારા માટે જાણીતો કરવા બદલ અને અમને પણ આવા નવા શબ્દો ગીતમાં ગૂંફી શકીએ તેવું પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર ગીત ગુરુનો🙏🙏

  6. વાહ ભાઈ વાહ 👌👌💖 મઝા આવી ગઈ 💖 નાના બાળક પર કે વ્હાલી વ્યક્તિ પર આમ એકદમ, કચકચાવીને ઊભરાઈ આવતા વ્હાલ માટેનો નવો અને સુંદર શબ્દ જાણવા મળ્યો…. ખૂબ સુંદર ગીત.. સાચવી રાખવા જેવું.. જેથી ક્યારેક છણકાભાઈને મોકલીને એમના ગુસ્સાનો ફૂગ્ગો ફોડી શકાય 🤪 ખૂબ જ સુંદર ગીત 💐 જીવો, કવિ, જીવો ! તમારા સંવેદનોને અને શબ્દોને ઘણી ખમ્મા 🙏👏👏👏

    • @ રશ્મિ અગ્નિહોત્રીઃ

      અરે વાહ! કેવો મજાનો પ્રતિભાવ! આવો પ્રતિભાવ સાંપડે ત્યારે કવિને કવિત્વ સાર્થક થયું હોવાનું અનુભવાય…

      ખૂબ ખૂબ આભાર…

  7. વાહ વાહ ને વાહ જ…છણકાભઇ ને ભારે પડી બતરડીબઇ. ખૂબ સરસ કાવ્ય અને એક સાવ નવા શબ્દ વિશે જાણ્યાનો વધુ આનંદ.

Leave a Reply to Nirali shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *