કુંવારી નદી

(હરિત સમુદ્ર… …મુન્નાર, કેરળ, માર્ચ ૨૦૨૪)

છેલ્લીવાર ઝઘડીને આપણે અલગ થઈ ગયાં.
પહેલીવાર બંને એક વાત પર સહમત થયાં
કે હવે સાથે નહીં રહી શકાય.

પ્રેમ?
હા, પ્રેમ તો હતો જ.
હતો ત્યારે ચિક્કાર પ્રેમ કર્યો બંનેએ. છાતી ફાડીને કર્યો.
એવો પ્રેમ જેની સમસ્ત મર્ત્યલોકને અદેખાઈ થાય.

પણ આપણે બંને એકસમાન. સમાન ધ્રુવ.
સંપૃક્ત્તતા કઈ રીતે સંભવે?
બંને સૂરજ… આકરા… તેજસ્વી…
એક આકાશ… બે દિવાકર… હોય કદી?

શું કહ્યું?
છેલ્લી મુલાકાત ઝઘડાવાળી નહોતી થવી જોઈતી, એમ?
હા, સાચી વાત. પ્રેમથી અલગ થયાં હોત તો વધારે સારું થાત.
ફરી એકવાર મળીએ?
પ્રેમથી અલગ થવા માટે?
હાહાહાહાહા…
પ્રેમ અને અલગાવ- વિરોધી શબ્દો નહીં?
સારું થયું, ઝઘડીને છૂટા પડ્યાં.
એ જ બંનેને અલગ રાખતું પૂરકબળ બની રહેશે.

ફરિયાદ?
ફરિયાદ તો છે જ. રહેશે જ કાયમ.
ફરી યાદ?
યાદ તો ફરી ફરીને આવતી જ રહેશે.
ભલે આવતી.
હૈયે કોઈ મલાલ નથી.
ના, ના… મલાલ તો છે… પૂરેપૂરો છે.. છે જ..
પણ જે છે એનો સ્વીકાર કરી લીધો છે.

મતભેદ-મનભેદ- તમે જે નામ આપવું હોય એ આપી શકો,
બધું હતું જ. કોને ન હોય?
નદી વહેતી હોય તો માર્ગમાં હજાર પથ્થર નાના-મોટા આવે જ…
નદી કંઈ વહેવાનું છોડી દે છે!

આપણે છોડી દીધું.

સાગર સુધી પહોંચી ન શકાયું.
હશે, કેટલીક નદી રણમાં જ સમાપ્ત થઈ જતી હોય છે.

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૪-૨૦૨૪)

(વળવળાંક… …ચાના બગીચા, મુન્નાર, કેરળ, માર્ચ ૨૦૨૪)

23 thoughts on “કુંવારી નદી

  1. હશે, કેટલીક નદી રણમાં જ સમાપ્ત થઈ જતી હોય છે.
    વાહ.. ખૂબ સુંદર

  2. ખુબ જ સરસ કવિતા છે
    જીવનનું વહેણ અને નદીનું વહેણ વાહહહ
    અંત પણ એટલો સરસ છે મને ખરેખર આ કવિતા ખૂબ ગમી
    વિવેકભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન.
    પ્રજ્ઞા વશી .

  3. કેટલીક નદી રણમાં જ સમાપ્ત થઈ જતી હોય છે.

    વાસ્તવિકતાની ધરા પર રચાયેલી કવિતા ખૂબ સુંદર રચના👌👌.

  4. મારેી આન્ખો ભેીનેી થઈ ગઈ કેમ કે હુ એક કુંવારો તળાવ છુ અને કદાચ આ નદીનેી રાહ જોતો જોતો ક્યારેક આપોઆપ જમેીનમા સમાઈ જઈશ. ખુબ ખુબ આભાર વિવેકભાઈ.

  5. ખૂબ સરસ કાવ્ય !
    બંને સૂર્ય જેવાં કદી એક ના થઈ શકે કારણ ઇગો -અહમ ! છતાં છૂટા પડ્યા પછી લાગતું કે ભૂલ તો થઈ છે પણ અહમ ? એટલે જ લાગ્યું કે આપણે ભેગા તો ના શકીએ ….

    કારણ ‘કેટલીક નદી રણમાં જ સમાપ્ત થઈ જતી હોય છે ! ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *