શું એને પણ કહેશો છંછેડવું…?

અક્સ…… ….કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ભરતપુર, ૨૦૨૫

હૈયે ફૂટ્યું એ પૂરું કોળે એ પહેલાં સાવ લીલેલીલું જ એને વેડવું,
ને વળી મસ્તીનું નામ દઈ ઇચ્છો છો એમ કે હસતે મોઢે એ મારે વેઠવું;
આને જીવ લીધો કહેવું કે છેડવું?

નજરો નજરથી ટકરાઈ પહેલવહેલી, ને ભીતર તડાક્ દઈ તૂટ્યું,
ધુમાડા થઈ ગ્યા સૌ કક્કા-બારાખડી, પેનમાંથી મેઘધનુ ફૂટ્યું,
હોંશ-કોંશ, સાન-ભાન સઘળું થ્યું ધ્વસ્ત, જાણે સુરત શિવાજીએ લૂંટ્યું,
સીધી લીટીમાં જતાં ઝરણાંને ઓચિંતું ખીણમાં જ સીધું ધક્કેલવું,
અને સીધી લીટીથી ખસેડવું…
શું એને પણ કહેશો છંછેડવું…?

હોકાયંત્રેય કંઈ ફેરવ્યાં એવાં કે જહાજ સામું જઈ વમળોમાં પેઠાં,
દરિયામાં મોજાંય કંઈ એવાં ચડ્યાં જે ચડે ઊંચે ઊંચે, ન પડે હેઠાં,
વરસ્યા ન વરસ્યા બે શબ્દો ત્યાં વાદળ બે પર્વતની ટોચે જઈ બેઠાં
ને પર્વતનું સહેજસાજ આગળ નમીને વળી વાદળને બાજુ હડસેલવું,
પછી ફફડે ન બોલો બટેરવું?
સખી! આવું તે કેવું છંછેડવું!

– વિવેક મનહર ટેલર
(૦૭-૧૧-૨૦૨૨/૩૦-૦૮-૨૦૨૪/૧૭-૦૪-૨૦૨૫)

જા, નથી રમતા સજનવા…… ….બગભગત, કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ભરતપુર, ૨૦૨૫

26 thoughts on “શું એને પણ કહેશો છંછેડવું…?

  1. અદ્ ભૂત સંવેદન રજૂ થયું છે.
    શીર્ષક ખૂબ ભાવસભર છે.
    વાહ કવિ શ્રી

  2. અદ્ ભૂત સંવેદન રજૂ થયું છે.
    શીર્ષક ખૂબ ભાવસભર છે.
    વાહ કવિ શ્રી 🙏

  3. સરસ રચના !
    હૈયું ફૂટ્યું એ પૂરું કોળે એ પહેલાં સાવ લીલેલીલું જ એને વેડવું
    ને વળી મસ્તીનું નામ દઈ ઈચ્છો છો એમ કે હસ્તે મોઢે એ મારે વેઠવું
    આને જીવ લીધો કે કહેવું કે છેડવું ?

    👌👌👍

Leave a Reply to Ami Cancel reply

Your email address will not be published. Required fields are marked *