Carpe Diem*

પ્રતીક્ષામાં…….. પોન્ડ હેરોન, ભરતપુર પક્ષી અભયારણ્ય, ૨૦૨૫

પેન-પેપર મંગાવ.
મોતના બદલે કવિતા આવી છે.
જલ્લાદ કદાચ હજી અવઢવમાં છે.
ઘણા વરસોથી એણે કોઈને ફાંસી આપવાનું થયું નથી
અથવા તો એમ પણ હોય કે
આ એની પહેલી ફાંસી હોય.
પણે ખૂણામાં મોત ઉભુ છે.
અચાનક બહાર આવીને
હાઉક કરી મને ડરાવવાની ફિરાકમાં સંતાયું હોય એમ લાગે છે,
પણ એને ખબર નથી કે
માથે ઓઢાડેલા કાળા કપડાંમાંથી પણ
હું એને સાફ સાફ જોઈ શકું છું.
જલ્લાદ એનું મન બનાવી લે
અને
મોતને ખબર પડી જાય કે એનો થપ્પો તો ઓલરેડી પડી ચૂક્યો છે,
એ બેની વચ્ચે
જે બે પળ મારી નહીં પહેરેલી ઘડિયાળમાં
બોનસ બનીને આવી ચડી છે,
એને ફાંસી આપવી જોઈએ કે નહીં
એ બાબતે મને કોઈ અવઢવ નથી.
મારા માટે આ પહેલવારકુ પણ નથી,
અને વરસો પછીનું પણ નથી.
હું પૃથ્વી પર મરવા નહિ, જીવવા આવ્યો છું.
મોત તો એક પૂર્વનિશ્ચિત અકસ્માત છે.
એ થાય એ પહેલાં ગાડી ચલાવવાનું કઈં છોડી દેવાય?
તું તારે પેન-પેપર મંગાવ.
જલ્લાદ અને મોત
ખૂણો છોડી પોત પ્રકાશે
એ પહેલાં હું નથી જ મરવાનો.
લાવ કાગળ, લાવ..
હું…

વિવેક મનહર ટેલર
(૨૬-૦૪-૨૦૨૫)

(* Carpe Diem (Latin) = seize the day, Plucking the day : આ દિવસ જીવી લો… )

પ્રતિબિંબ…. ….લિટલ કોર્મોરન્ટ અને ડાર્ટર, ભરતપુર, ૨૦૨૫

28 thoughts on “Carpe Diem*

    • વાહ અને આહ પણ. . આ અત્યંત નાજુક છતાં મહા ભયંકર વિષય (આ વિરોધાભાસ તમારી વાતમાંથીજ આવ્યો હો!) મૃત્યુ ને તમે પૂર્વ નિશ્ચિત અને અકસ્માત એમ બે અંતિમ પર મૂક્યું અને એમાં પાછું પળ ને જીવી લેવાની વાત! મત્સ્ય વેધ નું દ્રશ્ય તરવરી ગયું

  1. વાહ સુંદર કાવ્ય છે.ખૂબ ખૂબ ધન્યવાદ.🙏🏼

  2. વાહ, અછાદસમાં સરસ અભિવ્યક્તિ પામેલું કાવ્ય.

  3. સરસ, શ્વાસના તંતુ વાળો શેર ખૂબ ગમ્યો ધીરે ધીરે વાંચું છું પછી નોંધ કરી આપને જણાવીશ એકંદરે મજા આવી

    • @વિનોદ રાવલ:

      ખૂબ ખૂબ આભાર

      પ્રતિભાવ જે તે રચના સાથે આપી શકાય તો ઉત્તમ

  4. મોત તો એક પૂર્વનિશ્ચિત અકસ્માત છે. – ખરેખર ખુબ લાગેી આવ્યુ આ લાઈન વાન્ચિને. તમે એક અદ્ભુદ કવિ છો. તમને મલવાનિ ખુબ ઈછા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *