વિચારવાટે… (બે કાફિયાની ગઝલ)

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો… …પેણ (પેલિકન), ધોળાવીરા, 2022

નીકળી શકી નથી જે એવી પુકાર માટે
ગઝલો લખી, કદાચિત્ ભીતરનો ભાર દાટે.

કોની ગઝલ ને કોના માટે હતી, ભૂલાયું!
અંતે તો માન કેવળ ગાયક અપાર ખાટે.

રાત્રેય છાનોમાનો દોડ્યા કરે છે સૂરજ,
એથી ચડી શકે છે રોજ જ સવાર પાટે.

હોડી તો લાખ ચાહે કે માર્ગ હો પ્રશસ્ત જ,
પણ ભાગ્ય બાંધી રાખે એને જુવાર-ભાટે.

એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!

ચા ક્યારની ઠરી ગઈ, ઉપર તરી તરે છે…
નીકળી પડ્યા છે શાયર શાયદ વિચારવાટે

– વિવેક મનહર ટેલર
(૨૪-૨૯/૦૪/૨૦૨૨)

(*તરહી જમીન – હેમેન શાહ)

ઠસ્સો… …નીલકંઠ (ઇન્ડિયન રોલર), ધોળાવીરા, 2022

14 thoughts on “વિચારવાટે… (બે કાફિયાની ગઝલ)

  1. રાત્રેય છાનોમાનો દોડ્યા કરે છે સૂરજ,
    એથી ચડી શકે છે રોજ જ સવાર પાટે… Avirat…
    – વિવેક મનહર ટેલર (૨૪-૨૯/૦૪/૨૦૨૨) –

Leave a Reply to Jafar Mansuri Cancel reply

Your email address will not be published. Required fields are marked *