વ્યસ્તતા બંને તરફ સરખી રહી

વારતા બંને તરફ સરખી રહી…. …સારસ બેલડી, ભરતપુર, ફેબ્રુઆરી, ૨૦૨૫

વાયદો કરવા છતાંયે ના મળ્યાંની વારતા બંને તરફ સરખી રહી,
ચાહ નહોતી એવું તો નહોતું જરા, પણ વ્યસ્તતા બંને તરફ સરખી રહી.

કો’કને ત્યાં પહેલવહેલીવાર બે આંખો મળી, મળતી રહી, મળતી રહી,
હોઠ ના ખૂલ્યા પરંતુ દિલ મળ્યાંની સ્પષ્ટતા બંને તરફ સરખી રહી…

એક જણ થઈને સિતારો આભમાં ચમક્યું, બીજું નેપથ્યમાં આખું જીવન,
રામ જાણે! મીર માર્યાની ખુશી તો તે છતાં બંને તરફ સરખી રહી.

રેતશીશીમાંથી શું રેતી જ? ના! સરતી રહી સમજણ ઉભય માટેની પણ,
જિંદગી સાજીસમી હોવાની તો પણ માન્યતા બંને તરફ સરખી રહી.

હું વધું કે તું વધેની વાટ જોવામાં જે આગળ ના વધી એ જિંદગી!
પહેલ ત્યાંથી થાય તો સૌ ભૂલવાની સજ્જતા બંને તરફ સરખી રહી.

યુદ્ધમાં પરિણામ કેવળ તોળશો તો પલ્લાં નક્કી ઊંચાં-નીચાં લાગશે,
પણ ખુવારી ત્રાજવે તોળો તો સમજાશે, મતા બંને તરફ સરખી રહી.

– વિવેક મનહર ટેલર
(૧૧/૦૨- ૦૪/૦૩/૨૦૨૬)

વ્યસ્તતા બંને તરફ સરખી રહી…. …સારસ બેલડી, ભરતપુર, ફેબ્રુઆરી, ૨૦૨૫

31 thoughts on “વ્યસ્તતા બંને તરફ સરખી રહી

  1. વાહ વાહ વાહ સર,
    હું વધું કે તું વધેની વાટ જોવામાં જે આગળ ના વધી એ જિંદગી!
    પહેલ ત્યાંથી થાય તો સૌ ભૂલવાની સજ્જતા બંને તરફ સરખી રહી.
    જોરદાર

  2. નવો વિષય લઈને લખેલી કૃતિ સંતર્પક બની છે. અભિનંદન..

  3. જે સ્થિતિ નિર્માણ પામી છે તેને સુંદર રીતે અભિવ્યક્ત કરતી રચના…
    બંને ફોટો માટે પરફેક્ટ કાફિયા રદીફના શિર્ષક આપવાની પ્રયોગશીલતા પણ પ્રસંશનીય…
    અભિનંદન…

  4. Beautiful!
    the example of ret–shishi is powerful, I liked how you showed understanding is finite 👌
    ofcourse the end is heart touching ખુવારી ત્રાજવે તોળો તો સમજાશે, મતા બંને તરફ સરખી રહી.👌

    • @જ્યોતિ પટેલ:

      ખૂબ ખૂબ આભાર… કવિતાના હાર્દ સુધી જે રીતે તું પહોંચે છે અને તારતમ્ય કાઢી બતાવે છે એ સાચે જ અદભુત છે… દિલથી આભારી છું.,..

Leave a Reply to Shailesh Rameshbhai Gadhavi Cancel reply

Your email address will not be published. Required fields are marked *