દિવસો (ગઝલ સૉનેટ)

P5121887

સાથે ને સાથે રહેતા હતા એ દિવસ ગયા,
બે કાયા, એક છાયા હતા એ દિવસ ગયા.
ખાવું-પીવું તો ઠીક, હવાનેય બુંદ-બુંદ
શ્વાસોમાં સાથે લેતા હતા એ દિવસ ગયા.
પળથી વરસ સુધીની સમયની બધીય વાડ,
હરપળ વળોટી જીવ્યા હતા એ દિવસ ગયા.
જીરવાય, ના જીવાય જુદાઈની એક પળ
એ કાયમી મિલનમાં હતા એ દિવસ ગયા.

સંજોગે ખોઈ બેઠાં જણસ, આ દિવસ રહ્યા,
જીવન ઉપર ઉપરથી સરસ, આ દિવસ રહ્યા.
વાતો કે હસવું ઠીક છે, રસ્તે અગર મળ્યાં,
સામુંય જોઈ ના શક્યાં, બસ આ દિવસ રહ્યા.
કાંઠા સમું જીવન થયું, સાથે જ પણ અલગ,
વચ્ચે સતત વહે છે તરસ, આ દિવસ રહ્યા.

– વિવેક મનહર ટેલર
(૨૬-૧૧-૨૦૧૧ મળસ્કે ૦૩.૪૫)

આજની પેઢી સોનેટકાવ્યોથી વિમુખ થતી જાય છે એવા દિવસોમાં એવું શું કરી શકાય જેના કારણે આજની અને આવતીકાલની પેઢીનું સોનેટકાવ્ય સાથે પુનઃસંધાન કરી શકાય એવી મથામણના અંતે સરળ ભાષામાં સોનેટ લખવા, પંક્તિના અંતે વાક્ય પૂરા થઈ જાય એવું વિચારીને પરંપરાગત છંદમાં કેટલાક સોનેટ લખ્યા જે આપ અગાઉ માણી ચૂક્યા છો. પણ તોય કંઈક ખૂટતું હોય એમ લાગતું હતું. એ આ. ગઝલ-સોનેટ.

બાહ્ય બંધારણ સોનેટનું. ચૌદ પંક્તિઓ. એક અષ્ટક અને એક ષટક. અષ્ટક પતે અને ષટક શરૂ થાય ત્યારે ભાવપલટો. અને કાવ્યાંતે ચોટ.

ફ્યુઝન ગઝલસ્વરૂપ સાથે. છંદ ગઝલનો. મત્લા અને શેરના સ્વરૂપમાં કાફિયા અને રદીફની જાળવણી. અષ્ટક પતે પછી ભાવપલટાની સાથો સાથ નવો મત્લા અને નવા કાફિયા-રદીફ સાથેના શેર.

મારી દૃષ્ટિએ ગઝલની ગઝલ અને સોનેટનું સોનેટ… આખરી ફેંસલો આપના હાથમાં… આપ શું કહો છો?

 1. મીના છેડા’s avatar

  ચારેમેરથી વાહ!
  પીડાને ઘોળીને શબ્દો સ્પર્શ્યા…
  સોનેટ તરફ વાળવાનો ઉત્તમ અને સફળ પ્રયાસ!

  Reply

 2. Rina’s avatar

  વા…. આ …હ

  awesome as always….

  Reply

 3. ભાવિન બી. ગોપાણી’s avatar

  અદભૂત ,,,,,,,,,ગઝલ અને સોનેટ બન્ને ના નિયમો જાળવિ ને તે છત્તા આટલો સારો મેસેજ ,,ભાવ સાથે રજુ કરવાનું કાર્ય ખરેખર અદભૂત……..આભાર વિવેકભાઈ…..

  Reply

 4. Pancham Shukla’s avatar

  આ પહેલા આ પ્રકારનું બંધારણ જોવામાં આવ્યું નથી. નવો પ્રયોગ ગમ્યો. અભિનંદન વિવેકભાઈ.

  Reply

 5. સુનીલ શાહ’s avatar

  સાચે જ સુંદર–સફળ પ્રયોગ વિવેકભાઈ.

  Reply

 6. બધિર અમદાવાદી’s avatar

  ખુબ સુંદર રચના.

  Reply

 7. bharat vinzuda’s avatar

  વાહ સરસ…

  Reply

 8. ધવલ’s avatar

  સરસ પ્રયોગ.

  Reply

 9. ગૌરાંગ ઠાકર’s avatar

  વાહ સરસ કવિતા….

  Reply

 10. Anil Chavda’s avatar

  વાહ વિવેકભાઈ…

  સરસ પ્રયોગ છે…

  Reply

 11. urvashi parekh’s avatar

  સરસ રચના,
  ખુબજ સરસ અભીવ્યક્તી.
  ઋદયસ્પર્શી.

  Reply

 12. ભરત ત્રિવેદી’s avatar

  કેવળ પ્રયોગ જ નહીં પણ આ એક સફળ પ્રયોગ ! અભિનંદન વિવેકભાઈ.

  Reply

 13. Rekha shukla(Chicago)’s avatar

  ખુબ સરસ..વિવેકભાઈ..!!

  Reply

 14. sweety’s avatar

  વાતો કે હસવું ઠીક છે, રસ્તે અગર મળ્યાં,
  સામુંય જોઈ ના શક્યાં, બસ આ દિવસ રહ્યા.
  આ તે કેવુ?

  Reply

 15. kirtkant purohit’s avatar

  એક સુન્દર અભિનવ પ્રયોગ અને સાધ્યન્ત સફળ પણ્. એન્જેીયરિન્ગમા ગયા પછી સોનેટ શાળામા ભણ્યાને દાયકાઓ વીતી ગયા માટે અભિપ્રાય તો ન દઈ શકુ પણ મનભર માણ્યુ જરૂર્.

  Reply

 16. sneha patel - akshitarak’s avatar

  તમારા જેવા કવિઓથેી ગુજરાતેી સાહિત્ય ગૌરવવઁતુ છે વિવેકભાઈ…તમારુઁ કવિતા – ગઝલ -શબ્દો માટેનુઁ પેશન્…..આવા નવા- નવા પ્રયોગોને (જે સફળ થાય તો મારેી ખુશેી બમણેી અને લોકોનેી ટેીકાને પાત્ર બને તો પણ હુઁ તો આવકારેીશ જ્..) હઁમેશા મારેી શુભેચ્છાઓ છે..

  Reply

 17. jayesh shah’s avatar

  જિન્દ્ગગિ નિ વાસ્ત્વવિક્તા ને સચોટ રિતે દર્દ ના અહેસાસ સાથે જિવન્ત કરિ…
  ધન્ય .. વિવેક્ભાઇ

  જીરવાય, ના જીવાય જુદાઈની એક પળ
  એ કાયમી મિલનમાં હતા એ દિવસ ગયા.
  કાંઠા સમું જીવન થયું, સાથે જ પણ અલગ,
  વચ્ચે સતત વહે છે તરસ, આ દિવસ રહ્યા.

  દર્દ નો અન્તિમ અહેસાસ… વાહ.. અદ્ભ્ભુત

  Reply

 18. vijay shah’s avatar

  ઘણી જ સરસ અભિવ્યક્તિ
  મઝા આવી ગઇ

  Reply

 19. Dr. D. O. Shah’s avatar

  Vivekbhai, khub saras ! The poetic lagaanio thi ubharatu kaavya vaanchi khub aanand thayo. My congratulations ! Any possibility that you are visiting USA in August 2012? We are organizing a Gujarati Poetry Festival at University of Florida during Aug 25-26, 2012. Already, Pannaben Naik, Mona Naik, Dr. Natwarbhai Gandhi, Dr.Snehlataben Pandya, Harnish Jani and Himanshu Bhatt have agreed to serve as keynote poet for each of the six sessions. If any poet visiting USA in that time frame, please let me know by email (dineshoshah@yahoo.com). Thank you and congratulations for this sonnet cum gazal.

  Reply

 20. dharmesh trivedi’s avatar

  moj aavi bhai…vaah…vivekbhai vaah..

  Reply

 21. kartika desai’s avatar

  વિવેકભાઈ,અભિનન્દન.તમારો પ્રયોગ સર્વદા સફલ.

  Reply

 22. ભરત અન્દ્ય’s avatar

  રદીફ -કાફીયા – બહેર -છંદમા બહુ શું જરાય સમજણ પડતી નથી . વાંચોયે ને દિલને સ્પર્શી જાય કે ગમે તે સારી.આમતો આ યુગ કોમ્યુનીકેશન નો કહેવાય છે પણ અંદરો અંદર ની વાતચીતો,ગુફ્તગુ,સરગોશે બધું ખલાસ થૈ ગયું છે. યે તો કાનો મે કહેને વાલી બાત હે -અથવા આતો તમે રહ્યા ઘરન બીજકોઇને કહેવાય નઃહી – એ બધું ભુતકાળનુ થઈ ગયું હવે વહુ વરને મોબાઇલ પર પુછે છે “સાંજે શું બનાવું ?” કે મા દિકરાને કે છે “બેટા થાળી કરી છે ત્રીજે માળથી હેઠો આવ !”
  આપરિશ્થિતિ તમે સુંદર રીતે વર્ણવી છે. અભિનંદન

  Reply

 23. Heena Parekh’s avatar

  સ્કુલના અભ્યાસકાળ દરમ્યાન સોનેટ ભણ્યા હતા. તે પછી ઘણાં વખતે સોનેટ વાંચવા મળ્યું. સરસ પ્રયોગ. અભિનંદન.

  Reply

 24. Darshan Jardosh’s avatar

  કવિનુ કામ જ સર્જન્ કરવાનુ. અને આ તો નવા જુનાને બાન્ધવાનુ કામ ચ્હે. બન્ને પ્રકાર સચવાય એવો આ પ્રયત્ન ખુબ ખુબ ગમ્યો.

  Reply

 25. dr.ketan karia’s avatar

  શ્રી રમેશ પારેખની યાદમાં આ પ્રકારને ‘સોનલ’ કહી શકાય… 🙂 શું કહો છો? વિવેકભાઇ…

  Reply

 26. Akbar Lokhandwala’s avatar

  Good experiment….
  Akbar

  Reply

 27. siddharth.desai@hotmail.com’s avatar

  Excellent rachana it is inspiration to new comers(poets)heartily congratulation Vivekbhai

  Reply

 28. pravina Avinash’s avatar

  ખૂબ સુંદર રીતે રજૂ કર્યું છે. સરળ્ સહજ અને સરસ્.

  Reply

 29. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

  બસ લખ્યે રાખો;શું સોનેટ કે શી ગઝલ?બસ એ કવિતા હોવી જોઈએ.
  લખીએ ત્યારે કવિતા અને વાંચીએ ત્યારે પણ કવિતા લાગવી જોઈએ.

  Reply

 30. kishoremodi’s avatar

  સરસ સફળ પ્ર્યોગ આવોજ પ્ર્યોગ વરસો પહેલાં કવિ આદમ ટંકારવીએ કર્યાનું યાદ આવે છે.ભાષાભવન શીર્ષક નીચે એ ગઝલ સોનેટ ‘કવિતા’માં પ્રકટ થયાનું આછું આછું સ્મરણ છે.પ્રયોગ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

  Reply

 31. Harikrishna Patel (Harik)’s avatar

  ખુબ સુદ્ર ર્ચના ભ્રેલ સોનેટ ૮ અને ૬ લાઈનો
  આભાર

  Reply

 32. SARYU PARIKH’s avatar

  સુંદર રચના અને રજુઆત.
  સરયૂ પરીખ

  Reply

 33. jjugalkishor’s avatar

  સરસ પ્રયોગ. છતાં બે સવાલો છે. (હું પોતે પણ સાવ નિશ્ચીત નથી છતાં જાણવા ખાતર જ) –

  ૧) સોનૅટના દૃષ્ટિકોણથી જેમ વિચારાયું તેમ છંદની બાબતે શું ગણાય ? એક જ ગઝલમાં તમારા શબ્દોમાં “ ભાવપલટાની સાથો સાથ નવો મત્લા અને નવા કાફિયા-રદીફ સાથેના શેર” હોય તો એનાથી એક જ ગઝલમાં બે રદ્દીફ, બે કાફિયા ને બે મત્લા એ છુટ ગણાય કે ચાલે ? ગઝલના બંધારણને વાંધો ગણાય ? મારે ક્યારેય આ પ્રકારે વિચારવાનું આવ્યું નથી તેથી પૂછ્યું

  ૨) બન્ને ખંડોમાં ભાવપલટા સહજ રીતે આવ્યા જણાય છે પણ બન્ને ખંડોને સ્વતંત્ર રીતે જોઈશું તો ગઝલના સ્વભાવ મુજબ બન્ને ખંડોના અનુક્રમે ચાર અને ત્રણ શેરોની વચ્ચેની સળંગસૂત્રતા ખંડીત થતી હોય તેવું જણાય છે ખરું ? વિચાર કે ભાવને દરેક શેરમાં આવતા રદ્દીફ અને કાફિયાથી કશીક બ્રેક આવતી જણાય છે ખરી ? (આ સવાલ કે ટીકા નથી પણ ચર્ચવાના મુદ્દા માટેની શંકા છે. મને થાય છે કે પંચમ અને સુનીલભાઈ જરા વધુ ઝીણવટથી કાંતે. કારણ કે જો આમ થાય તો એક સરસ અને પ્રગતીશીલ પરિણામ મળી શકે તેમ છે. પ્રયોગોની રીતે તો પંચમ પણ પ્રયોગશીલ છે જ. )

  છેલ્લો શેર લખવામાં પણ છુટો પાડવા જેવો હતો. એણે પોતાની ફરજ સરસ રીતે બજાવીને ચોટ આપી જ છે, ફક્ત તમે એને છુટો લખવાનું બાકી રાખ્યું છે !

  સરસ ને પ્રેરણાદાયી પ્રયોગ.

  Reply

 34. pragnaju’s avatar

  ગઝલ બંધારણ સાથે સોનેટ
  ગઝલ જેવું સોનેટ..
  સોનેટ જેવી ગઝલ…
  પ્રયોગ સુંદર
  કાંઠા સમું જીવન થયું, સાથે જ પણ અલગ,
  વચ્ચે સતત વહે છે તરસ, આ દિવસ રહ્યા.
  યાદ્
  મહેક સમા શ્વાસો ભરવાના
  દિવસ ગયા તમને મળવાના !
  તે હિ નો દિવસા ગતા
  હવે તો
  હવે તો—
  ॐ सहनाववतु ।
  सह मया पयतु ।
  सह प्रिये भुनक्तु ।
  उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
  वस्त्राणि प्रक्षालयतु ।
  सांधँ कायँ कुर्वहे ।
  साधँ स्नेहं कुर्वहे ।
  साघँ गेहं रचयावहे ।
  मा विद्विषावहै ।
  ॐ शांति: शांति: शांति: ।

  Reply

 35. Milind Gadhavi’s avatar

  Aa disha ma prayatno thay shake aevu che..
  Ane jo anya kavio pan lakhva preraay ane kavita kari shake to prayog safal..
  Aastha sathe abhinandan..

  Reply

 36. mahendra shah’s avatar

  છંદ, સોનેટ, અષ્ટક, ષટક, ફ્યુઝન, રદિફ, કાફિયાનો અભ્યાસ નથેી, પણ દિવસો માણ્યા! સુંદર્!

  Reply

 37. SURESHKUMAR G VITHALANI’s avatar

  CONGRATULATIONS, VIVEKBHAI ! EXCELLENT INNOVATIONS ! PLEASE KEEP IT UP. YOU HAVE CERTAINLY LIVED UP TO YOUR MEDICAL PROFESSION TOO, BY PRESCRIBING A GOOD “MEDICINE” FOR “SONNET”.

  Reply

 38. kokila’s avatar

  ખુબજ સારેી રચના …………વાચવાનેી મઝા આવેી ગઈ……….

  Reply

 39. Harshad’s avatar

  Very Good Vivekbhai!!!

  Khubaj saras. Touched my heart deeply.
  May God bless you more and more and we have more sonet like this.

  My blessings and love to your whole family,
  Harshad
  Cincinnati

  Reply

 40. Sudhir Patel’s avatar

  ખૂબ સુંદર અને સફળ ગઝલ-સોનેટ પ્રયોગ!

  વિવેકભાઈ, તમે કહ્યું એમ જો ગઝલની જેમ સોનેટ પણ સરળ ભાષામાં ચોટદાર લખી શકાય તો કદાચ એ ફરી લોકપ્રિય થઈ પણ શકે!
  સુધીર પટેલ.

  Reply

 41. વિવેક’s avatar

  પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું…

  Reply

 42. વિવેક’s avatar

  પ્રિય જુગલકિશોરભાઈ,

  આપની વિધાયક ટિપ્પણી બદલ ખૂબ ખૂબ આભાર…

  મારું વિનમ્રપણે માનવું છે કે કોઈ પણ બે અલગ કાવ્ય-પ્રકારને ભેગાં કરીને નવો કાવ્ય-પ્રકાર રચીએ ત્યારે બંને પ્રકારના મહત્તમ અંશ નવા પ્રકારમાં ઉતરી આવે એનું ધ્યાન રાખવું જોઈએ.

  અહીં ગઝલ અને સોનેટને ફ્યુઝ કરવાની મેં કોશિશ કરી છે…

  ગઝલ પાસેથી છંદ, કાફિયા, રદીફ, મત્લા અને શેરબંધારણ માંગી લાવ્યો છું.
  સોનેટ પાસેથી પંક્તિની સંખ્યા, અષ્ટક-ષટકનું બંધારણ, ભાવ-પલટો અને કાવ્યાંતે ચોટ માંગી લાવ્યો છું…

  આ સિવાય પણ ઇચ્છીએ એ પ્રકારના કોમ્બિનેશન્સ અહીં શક્ય છે એ હું જાણું છું અને આજે જ એક નવું ગઝલ-સોનેટ લખ્યું છે જેમાં ગઝલના છંદને બદલે સોનેટનો વૃત્ત વાપર્યો છે…

  આટલી પૂર્વભૂમિકા પછી આપના પ્રશ્નનો ઉત્તર:

  આપનો પ્રશ્ન છે કે બે મત્લા, બે કાફીયા અને બે રદીફ લેવાથી ગઝલનું બંધારણ તૂટતું નથી? મારો ઉત્તર છે કે હા, તૂટે છે… પણ કોઈ પણ બે અખંડ સ્વરૂપનું પુનઃસંધાન એમને ખંડિત કર્યા વિના શી રીતે થઈ શકે? જો એક જ મત્લા, રદીફ અને કાફિયા વાપર્યા હોય તો તો આ ચૌદ પંક્તિ (સાત શેર)ની મુસલસલ ગઝલ જ બની રહેશે… તો ભાવક એને સોનેટ શી રીતે ગણી શકે?

  ગઝલ જેવું લાગે પણ ગઝલ ન હોય, સોનેટ જેવું લાગે પણ સોનેટ પણ ન હોય એવું કોઈ “એક” કાવ્ય વાંચવા મળે ત્યારે જ ભાવક કોઈ નવા સ્વરૂપમાં પ્રવેશતો હોવાની અનુભૂતિ કરશે… આ અનુભૂતિ જ કાવ્યપ્રાણ છે.. હું મથાળે “ગઝલ-સોનેટ”નું શીર્ષક આપું કે ન આપું એ મહત્ત્વનું નથી…

  બંને સ્વરૂપ તૂટેલાં લાગે અને કંઈક નવું સંધાયેલું લાગે ત્યારે જ નવાનો જન્મ થયો ગણાય આવી મારી અંગત માન્યતા છે… હું ખોટો પણ હોઈ શકું…

  આપના પ્રતિભાવની આશા રહેશે…

  Reply

 43. p. p. mankad’s avatar

  Touching poem, indeed.

  Reply

 44. piyush’s avatar

  KHub saras…gana badha mara jeva mitrone kavita,gazal ke sonet na vyakran ni samaj nathi hoti.jem ke ..kafia,radif,matla,ashtak etc etc…..plz guide us about that so we can enjoy every poetry,gazal better.

  Reply

 45. jjugalkishor’s avatar

  પ્રિય વિવેકભાઈ,

  ૧) બન્ને નોખી પ્રકૃતિઓને ભેગી કરવામાં બન્નેના મહત્તમ અંશોને સાચવવાના હોય તે સાચું છે પણ તે વેળા ધ્યાન રાખવાની બાબત છે તે નવા ત્રીજાને માટે તે બન્નેનો ભોગ લેવાનું સાવ જરૂરી ન પણ હોય;

  ૨) ગઝલમાંના બે પ્રકારમાંનો સળંગ ભાવ–વિચારને પ્રગટાવતો જે પ્રકાર છે (મુસલસલ ?) તેમાં કાફિયા–રદ્દીફને બદલાવવાની જરૂર નથી હોતી. ગઝલમાં દરેક શેરમાં અલગ વિચાર–ભાવ હોય તે એક વાત અને સળંગ ભાવ–વિચાર હોય તે બીજી વાત. આ બન્નેમાં કાફિયા–રદ્દીફને બદલવાની જરૂર જોવાતી નથી. તેથી આપણે એક જ કા–ર.ની જોડ ચાલુ રાખીને ત્રણ શેર પછી ભાવ–વિચારમાં પલટો લાવી ન શકીએ ?

  ૩) સોનૅટના નિયમો તમે સુંદર રીતે જાળવ્યા જ છે.

  ૪) મારું માનવું છે કે ગઝલનો પ્રકાર જ સૌને એવો લાગે છે કે તેમાં દરેક નવા શેરમાં નવો વિચાર–પ્રગટે જ. અને તેનાં કારણોમાંનું એક કારણ તે કાફિયા–રદ્દીફનું દર વખતે આવવું. પરંતુ હું તો એ બાબતનોય લાભ લેવામાં માનું ! કાફિયા તો નડે પણ નહીં કારણ કે એને તો બદલાવાનું હોય જ છે પરંતુ રદ્દીફના નહીં બદલાવાની વાતમાં એના સાતત્યનો લાભ લેવાનો હોય ! સંગીતકાર ધ્રુવપંક્તિને વારંવાર ગાઈને તે પંક્તિનો લાભ ભાવને ઘૂંટવા કરે જ છે ! દરેક શેરને અંતે આવતું શબ્દજોડકું ભાવને ઘૂંટવામાં મદદરૂપ થાય….તેને તોડવામાં નહીં.

  મોટે ભાગે સર્જકો ગઝલના દરેક શેરમાં નવી વાત કહે છે તે સહેલું છે તેથી ? ઘણી વાર તો સારા સારા સર્જકો ગઝલ લખાઈ ગયા પછી જો તપાસે તો તેમને ખ્યાલ આવે કે શેરોની થોડી અદલાબદલી કરવા માત્રથી જ કામ થઈ જાય ! બાકી સળંગસૂત્રતા રાખવામાં પેલા શબ્દજોડકાની મદદ લઈને ભાવને
  ઘૂંટવાનો ચાન્સ લઈ લેવા જેવો હોય છે તેમ મને લાગે છે.

  ૫) બન્નેનું ‘નથી નથી’ એમ કહેવા કરતાં બન્નેનું ‘છે છે’ એમ થઈ શકે તો ઉત્તમ પરંતુ તમારી વાત સાચી લાગે છે કે નવી રચના પણ જો “સાત શેરોની ગઝલ” જ બની રહેવાની હોય તો કોઈ અર્થ નથી.

  હવે તમે જે વૃત્તમાં પ્રયોગ કર્યો છે તે પણ જોઈ લેવો જોઈએ. પછી વધુ છબર પડશે. મને એ પ્રયોગની રાહ છે. ઉમાશંકરભાઈએ સોનૅટ પર બહુ લંબાણથી લખ્યું છે. તેને પણ હું રીફર કરી જઈશ. અત્યારે તો તમારા આ “ગઝલ જેવું લાગે પણ ગઝલ ન હોય, સોનેટ જેવું લાગે પણ સોનેટ પણ ન હોય એવા” પ્રયોગને વધાવવાનો જ ઉપક્રમ હતો અને છે.

  ડૉક્ટરો કાપકૂપી થકી ‘સર્જન’ (સર્જરી કરનારા) હોય તે સાચું પણ કાવ્યોના સર્જન દ્વારા ‘સર્જક’ પણ હોય છે તે તમારી બાબતે એક નવો સંજોગ સર્જનારી બાબત છે ને તેનો આનંદ મને સહજ છે.

  Reply

 46. વિવેક’s avatar

  આદરણીય શ્રી જુગલભાઈ,

  આપની વિશદ વિદ્વત્તાસભર ટિપ્પણી બદલ અંતઃકરણપૂર્વક આભાર… આમાં આપની “સાચી” સાહિત્યપ્રીતિ ઊડીને આંખે વળગે છે… મેં કહ્યું તેમ આ ફ્યુઝન પોએટ્રીને સર્જક ચાહે એ રીતે ફ્યુઝ કરી શકે છે… ભાવ-પલટા સાથે કાફિયા-રદીફ ન બદલીને પણ અવશ્ય કામ થઈ શકે.

  ફરીથી ખૂબ ખૂબ આભાર…

  Reply

 47. bhavesh doshi’s avatar

  ખુબ જ સરસ રચના

  Reply

 48. ધર્મેન’s avatar

  “ચુપકે ચુપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ… ” ની યાદ અપાવે એવી, જીગર પર કાયમી અંકિત થઇ ગયેલા જખ્મો ની ઇન્વેન્ટરી બતાવતી હોય એવી, અનુપમ, અનન્ય, બેમિસાલ, અન-ફરગેટેબલ રચના ! વાંચતા -વાંચતા જ માણસ વર્ષો વટાવીને એક ભૂલાઈ ગયેલા યુગમાં પહોંચી જાય એવો અહેસાસ આપતી કૃતિ …. લાજવાબ . અને એમાંય, પાછળથી, ઝબકીને, આજના જીવનમાં જાગીને , દિવસોના તફાવતને , બદલાવને મહેસૂસ કરાવવા તમે જે કોઈ પ્રયોગો કર્યા છે, એ સુપર-ડુપર સક્સેસફુલ છે.

  આપની આ રચના લયસ્તરો પર વાંચ્યા નું સ્મરણ હતું એટલે ત્યાં શોધવા બહુ પ્રયત્ન કર્યો. પણ કામિયાબી ના મળી. ત્યાં અચાનક “ગઝલ-સોનેટ” શબ્દ થી ગૂગલ ની મદદ માંગી ત્યારે તમારી આ અન્ય સાઈટ પર એ જ રચના ઇમેજ નહિ પણ ટેક્સ્ટ મા જોવા મળી. વિવેક્બાબુ, આપની આ અમર કૃતિ ને એક ઇમેજ સાથે મુકવાનો મેં પ્રયાસ કર્યો છે . આપનું ઇ-મેઈલ અડ્રેસ મળે એટલે એ કોમ્બીનેશન આપને મોકલી આપીશ.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *